Monday, April 23, 2012

મનનો માણિગર કેવો હોવો જોઈએ

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૨-૦૪-૨૦૧૨ |અધીર અમદાવાદી |
 
બ્રિટનની સ્ત્રીઓને કેવો મનનો માણિગર જોઈએ છે તે સમાચાર છેક ગુજરાતી છાપાંમાં આવી ગયા. એ પણ મોટી હેડલાઈન સાથે. બ્રિટનની યુવતીઓને છ ફૂટ ઉંચો, મજબૂત, સારી ડ્રેસિંગ સેન્સવાળો, મોંઘીદાટ ઓડી કાર ચલાવતો જીવનસાથી ગમે છે. આમાં થોડા ઘણાં સ્પેસીફીકેશન તો ઇન્ડિયન છોકરીઓને ચાલે એવાં છે. જોકે આપણે ત્યાં છ ફૂટિયા  હાજર સ્ટોકમાં મળતાં નથી એટલે કદાચ ઊંચાઈનો માપદંડ નીચો કરવો પડે. રહી વાત મજબૂત હોવાની. આપણે ત્યાં જે હાડમારી છે એમાં છોકરું જન્મે એ પહેલાં જ લાતો મારતું થઈ જાય છે! સાચે જ, પેટમાં જ છોકરું લાતો મારે એની શરૂઆત ભારતમાં થઈ હતી. એટલે આવું કોઈ સંશોધન નથી થયું, આ તો મને એવો એસ.એમ.એસ. આવ્યો હતો!
જોકે બ્રિટનની છોકરીઓએ વરની અમુક લાયકાતો બહુ વિચિત્ર રાખી છે. જેમ કે છોકરાને ટાયર બદલતા આવડવું જોઈએ. અહિં ભારતમાં ટાયર બદલવા જેવી આવડત તો જે તે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પી.ડબલ્યુ.ડી.ના વિશેષ સહયોગથી દરેક ભારતીય નાગરિક શીખી જ ગયો હોય છે. બ્રિટીશ કન્યાઓને ભરથાર સાસુને નિયમિત ફોન કરે તેવો જોઈએ છે. અહિં ઇન્ડિયામાં તો સાસુને ફોન રોજ કરો તો એ રોજ ઘેર આવવા તાણ કરે. અને ફોન તમે કર્યો હોય તો અંતે તો મા-દીકરી આમને સામને આવી ‘આજે શાક કાચું રહી ગયું’ કે ‘મરચું વધુ પડતું તીખું છે’ એ વાત પર કલાક ચર્ચા કરી ટેલીકોમ કંપનીઓને બખ્ખા કરાવે.
--
સંસ્કૃતમાં પતંજલિએ પત્ની કેવી હોવી જોઈએ એનાં ધારાધોરણો વર્ષો પહેલાં આપ્યાં હતા.
कार्येषु मन्त्री करणेषु दासी,
भोज्येषु माता शयनेषु रम्भा ।
धर्मानुकूला क्षमया धरित्री ,
भार्या षाड्गुण्यवतीह दुर्लभा ॥

અર્થાત્ સ્ત્રી કામકાજમાં સેક્રેટરી જેવી, ઘરકામમાં દાસી, ભોજનમાં માતા અને શયનખંડમાં રંભા જેવી હોવી જોઈએ. પુરુષો એ જમાનાથી આવી સ્ત્રીઓ શોધે છે. અને મોડર્ન સ્ત્રીઓ આ શ્લોક લખનારને શોધે છે. પણ ઉપરોક્ત શ્લોક લખાયાના વર્ષો પછી કોકે સ્ત્રીઓનું, ખાસ કરીને ગુજરાતી સ્ત્રીઓનું સાંભળ્યું, અને આ લખ્યું;

 વર રાંધણીયો, વર સિંધણીયો, વર ઘમ્મર ઘંટી તાણે
પરણનારીના ભાગ્ય હોય તો બેડે પાણી આણે.  

આજકાલનાં પતિઓને મીનરલ વોટરના વીસ લીટરના બાટલા ઊંચકીને લાવતા જોઉં ત્યારે ઉપરની લોકોક્તિ યાદ આવી જાય છે. પણ એક જમાનામાં સરકારી કે બેન્કની નોકરી એ છોકરાની મુખ્ય લાયકાત ગણાતી. એમાં સમય જતાં છ આંકડાનો પગાર ઉમેરાયો. એ પછી છોકરા પાસે પોતાની કાર, પૂજ્ય પિતાશ્રીની નહિ, અને એ પણ મોટી એ આવ્યું. ભણતરમાં એન્જીનિયર જોઈએ પણ વ્હાઈટ કોલર જોબ ધરાવતો જોઈએ. આજની છોકરીને છોકરો ખભે ખભા મિલાવીને ઘરકામમાં મદદ કરે તેવો જોઈએ છે. એકંદરે આજકાલની યુવતીને રણવીર કપૂર જેવો દેખાવડો, સલમાન ખાન જેવો મજબૂત બોડીગાર્ડ ટાઈપનો, ઇમરાન હાશ્મી જેવો પ્રેમી, રાહુલ ગાંધી જેવા કુટુંબનો, અંબાણી જેવા મકાનવાળો, સચિન જેવી આવક ધરાવતો, અક્ષય કુમારની જેમ સાસુ-સસરાની સેવા કરે એવો, રોબર્ટ વડરા જેવો અભિમાનરહિત, મનમોહન જેવો આજ્ઞાંકિત અને આંખના ઈશારા પર કામ કરે એવો માણિગર જોઈએ છે.
     
આમ તો મનનાં માણિગરનાં સ્પેસિફિકેશન સાહિત્યમાં પણ મળી આવે છે. રમેશ પારેખે માણિગર ‘ભોળો, બાંવરીયો અને ખોબો માંગે તો દઈ દે દરિયો’ એવો બાઘો હોય એવી કલ્પના કરી છે. તો અવિનાશ ભાઈએ માણિગરને કળાયેલ મોરલા તરીકે કલ્પ્યો છે. સીતાજીએ ‘सहज सुन्दर साँवरो’ પતિ માંગ્યો હતો. તો લોક સાહિત્યમાં ‘રંગે શામળિયો ને  કેડે પાતળિયો’ એવું વર્ણન આવે છે. જોકે એ વખતે ગાંઠિયા, વડાપાઉં અને ડબલ ચીઝ પીઝાનું ચલણ નહિ હોય એટલે પાતળી કેડવાળા ભારથારો હાજર સ્ટોકમાં મળી આવતા હશે.

બ્રિટનની છોકરીઓએ પોતાની ચોઈસ પોતાનાં માણિગર સુધી જ સીમિત રાખી છે, પણ ભારતીય છોકરીઓ તો માણિગરના પરિવાર બાબતે પણ ચોક્કસ થઈ ગઈ છે. એને સાસુ નોકરી કરતી જોઈએ છે એટલે કચકચ ઓછી. રાતે થાકીને આવે એટલે સુઈ જાય. પણ જો સાસુ નોકરી ન કરતી હોય તો એને રસોઈ કરતાં આવડતું હોવું જોઈએ, અને રસોઈ બનાવવાનો શોખ પણ હોવો જોઈએ. હા, ઘણી સ્ત્રીઓને રાંધવાનો શોખ હોય, પણ આવડતું ન હોય. એ સૌથી જોખમી. એ પછી નણંદ બોલે તો સિસ્ટર-ઈન-લો ઠેકાણે પડેલી અથવા ફ્રેન્ડલી જોઈએ. દિયર હોય તો ભુખ્ખડ ન હોવો જોઈએ. જો ભાભી હોય તો એ પોતાનાં કરતાં જાડી હોવી જોઈએ, જેથી ‘થાય સરખામણી તો ઉતરતા છીએ’ એવું કહી શકાય. અને છેલ્લે સસરામાં સેન્સ ઓફ હ્યુમર સારી જોઈએ, પણ એકની એક વાસી જોક વારંવાર ફટકારતા ન હોવાં જોઈએ. 

અભિનેત્રી દીપિકા પદુકોણે  કહ્યું છે કે, તેનો પતિ પહેલા તેનો સારો મિત્ર હશે. જેની સાથે મને આખું જીવન વિતાવવું ગમશે. તે મારા મૌનને પણ સમજી શકે તેવો હોવો જોઈએ. હવે દિપીકા, કે જે કદાચ હજારો  છોકરીઓની રોલ મોડલ હશે, એ આવું કહે એમાં છોકરીઓ ઉંધે રવાડે ન ચઢી જાય? એક તો સ્ત્રીનું મૌન એ ગધેડાના શીંગડા જેવું દુર્લભ છે અને અમુક સ્ત્રીઓ તો જે બોલે એ કોઈ સમજી શકતું નથી તો પછી મૌનને સમજી શકવાની તો વાત જ ક્યાંથી આવે? સ્ત્રીઓ રિસાઈને બોલવાનું બંધ કરે કે આંસુ પાડવા લાગે ત્યારે અમુક પુરુષો રૂમાલ આપવાની ભૂલ કરે છે. સ્ત્રીઓ આંસુ પાડે ત્યારે રૂમાલ નહિ, એમને જે જોઈતું હોય એ લાવી આપવું એ પણ પુરુષો સમજતા નથી. જોકે સ્ત્રીને જોઈતું લાવી આપવામાં પણ લોચા થાય છે. જેમ કે ‘न भूतपूर्वं न कदापि वार्ता हेम्नः कुरङ्गो न कदापि दृष्टः માં કહ્યું છે એમ સુવર્ણનું મૃગ સંભવિત નથી કે કોઈએ જોયું પણ નહોતું છતાં સીતાજીએ શ્રી રામને સુવર્ણ મૃગ પાછળ દોડાવ્યા હતા, અને પછી આખી રામાયણ થઇ હતી!

2 comments:

  1. સુપર ડુપર ........જીંગાલાલા.........

    ReplyDelete
  2. SUPERB FENTASTIC--WAH BAKA WAH ! MAJJA AVI GAYEE

    ReplyDelete