Monday, April 02, 2012

બિરબલ : એક ધુપ્પલ


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૧-૦૪-૨૦૧૨ |અધીર અમદાવાદી |

પણે બધાં અકબર બિરબલની વાતો વાંચીને મોટા થયા છીએ. દરેક મા-બાપ પોતાના બાળકોને બિરબલની વાતો એ આશયથી વંચાવે છે કે છોકરાં મોટા થઈ બિરબલ જેવા હાજરજવાબી બને. પણ બિરબલની વાર્તા વાંચીને મોટે ભાગે છોકરાઓ હાજરજવાબી થવાને બદલે સામા જવાબ આપતાં થઈ જાય છે. ઇતિહાસ કહે છે કે મહેશ દાસ નામે આ બ્રાહ્મણ આગળ જતા બિરબલ નામે ઓળખાયો અને અકબરના દરબારમાં નવ રત્નોમાં સ્થાન પામ્યો હતો. પણ અમારા મતે આ બિરબલમાં આજકાલ બજારમાં મળતા પંચરત્ન મઠ્ઠાની જેમ રત્ન જેવું કશું નહોતું. અમે તો એવું દ્રઢ પણે માનીએ છીએ કે બિરબલની વાર્તાઓ એ નર્યું ધુપ્પલ છે.  

બિરબલ સાચેસાચ જો મહાન હતો તો પછી એનું કામ શું અકબરના તરંગતુક્કાનાં જવાબ શોધવાનું હતું ? અને આટલા મોટા બાદશાહ અકબરને જાણે બીજા કામ હોય નહિ તે બેઠો બેઠો બિરબલની પરીક્ષા કર્યા કરતાં હશે ! જો બિરબલ મહાન હતો તો કેમ બિરબલે કોઈ યુધ્ધમાં ભાગ ભજવ્યો હોય એવું નથી આવતું ? કદી કોઈ રાજનૈતિક બાબતમાં અકબરે બિરબલની સલાહ લીધી હોય એવી વાત કેમ નથી સાંભળી ? વળી ક્યારેક પરપ્રાંતના પંડિતો આવી બિરબલને પડકારતા હતા, પણ બિરબલે ફિક્સ કરેલા હોય એમ બને. ખરેખર તો અકબર-બિરબલની વાતોમાં બિરબલની હોશિયારી દેખાય એનાં કરતાં અકબર અક્કલ વગરનો હતો એવું વધારે લાગે છે. અમને તો એવું લાગે છે કે બિરબલ કરતાં બિરબલનો પબ્લિક રિલેશન ઓફિસર હોંશિયાર હશે, જેણે બિરબલના નામે આવી અફલાતૂન કપોલકલ્પિત કથાઓ ચડાવી દીધી. 

બિરબલની વાતોમાં સૌથી પહેલાં તો બિરબલને દરબારમાં દાખલ થતાં દરવાન રોકે છે એ વાત આવે છે. અને બિરબલ દરવાનને રાજા જે ઇનામ આપશે એમાંથી અડધો ભાગ આપવાનો વાયદો કરી અંદર જાય છે. અકબરના દરબારમાં એ વખતે પણ અત્યારની જેમ ધૂમ ભ્રષ્ટાચાર ચાલતો હતો એવું આ વાતથી લાગે છે. એક વાર અકબર બિરબલને દિલ્હીમાં કાગડા કેટલાં એ ગણીને જણાવવા કહે છે. બિરબલ કોઈ મનઘડંત આંકડો કહી દે છે પાછો ઉપરથી બાદશાહને એમ સમજાવે છે કે જો આ આંકડા કરતાં ઓછાં કાગડા હોય તો કાગડાઓ પોતાના સગાઓને ત્યાં વેકેશનમાં ગયાં હશે અને વધારે હોય તો બહારગામથી એમનાં સગા મળવા આવ્યાં હશે. આ આખી વાતમાં બિરબલની અસલિયત ખબર પડે છે. હકીકતમાં અકબર પ્રકૃતિ પ્રેમી હોવાથી એ કાગડાઓની વસ્તીગણતરીનું કામ બિરબલને સોંપ્યું હશે. પણ બિરબલને આ કામ કઈ રીતે કરવું તે ગતાગમ નહિ પડતા કામ કરવાને બદલે એણે રાજાને ઉઠા ભણાવી દીધાં હતાં. બિચારો અકબર !

અને બિરબલની આ વાર્તાઓ નર્યું જુઠાણું હતું એ બિરબલની ખીચડી વાર્તાથી સાબિત થાય છે. યાદ કરો એ વાર્તા. અકબરને વિચાર આવે છે કે આ હોજના ઠંડા પાણીમાં કોઈ ઉભું રહી શકે ? બિરબલ અકબરને સમજાવે છે કે રૂપિયા મળતા હોય તો કોઈ પણ ઉભું રહે. બિરબલ આમ અકબરના સામાન્ય તુક્કાને મોટું રૂપ આપી ઇનામ જાહેર કરાવે છે. શું અકબર એટલો નવરો હતો કે ઠંડા પાણીમાં ઉભા રહેવા માટે ઇનામો જાહેર કરતો ફરે ? અને અમને સૌથી વધારે મોટો વાંધો એ છે કે બિરબલનાં તુક્કાને લીધે કોકની જીંદગી જોખમમાં મુકાઈ ગઈ હોત. કદાચ એમટીવી રોડીઝ અને ફિયર ફેક્ટર જેવાં રિયાલિટી શો આ બિરબલની વાર્તામાંથી પ્રેરણા લઈને બન્યા હશે.

એક ગરીબ બ્રાહ્મણ આ ચેલેન્જ સ્વીકારી ઠંડા પાણીમાં આખી રાત ઉભો રહે છે. બ્રાહ્મણ બીજા દિવસ સવાર સુધી તો જીવતો હતો એટલું તો વાર્તામાં આવે છે, પણ એને ન્યુમોનિયા થઇ ગયો હતો કે કેમ એ વાત અકબરના જમાનામાં રાઈટ ટુ ઇન્ફર્મેશન ન હોવાથી બહાર નથી આવી. માની લીધું કે બ્રાહ્મણ અકબર-બિરબલનાં આ ક્રૂર પ્રયોગ પછી પણ જીવી જાય છે. પણ અકબર એને ઇનામ નથી આપતો કારણ કે બ્રાહ્મણે મહેલના દીવાની હુંફથી આખી રાત પસાર કરી હોય છે. અકબરના આ ઇન્કારથી અકબર રાજા હતો કે સરકારી કર્મચારી એ પ્રશ્ન ઉભો થાય છે. આવા ઢંગધડા વગરના વાંધા કાઢી બિચારા બ્રાહ્મણનું ઇનામ લટકાવી દે એ રાજા તો ન હોય ! પણ લખનારે લખ્યું અને આપણે માની લીધું કે અકબર અન્યાયી હતો.

વાર્તામાં છેલ્લે ઇનામ અપાવવા માટે પછી આપણા આ ચતુર બિરબલની ખીચડી નામે જાણીતી યુક્તિ કરે છે. બિરબલ અકબરને પોતાનાં ઘેર જમવા તેડાવે છે. એકદમ ધુપ્પલ. અકબર કંઈ બિરબલના ઘેર જમવા જાય ? પણ ખીચડી ? કોઈ રાજાને પોતાને ઘેર બોલાવી ખીચડી ખવડાવે ? રાજા પણ કલાકો સુધી ખીચડી બને એની રાહ જોતો ડફોળની જેમ બેસી રહે ? શું આવા હતા આપણાં જલાલુદ્દીન અકબર? શહેનશાહોના શહેનશાહ ? બિરબલ એમને આમ ઉલ્લુ બનાવે અને એ કલાકો બેસી રહે ! અને જો આ આખી વાર્તા સાચી પણ હોય તો બિરબલ પોતે બ્રાહ્મણ હોવાને કારણે બ્રાહ્મણોની તરફેણ કરતો હતો એવું પ્રતીત નથી થતું ?

આજકાલ તો બ્રાહ્મણો અને વગર બ્રાહ્મણો પોતાનો હક મેળવવા પોલીસ, સરકાર અને ન્યાયાલયોના ધક્કા ખાય છે. અધિકારીઓ, સરકાર અને એમનાં મળતિયાઓ ખીચડી પકાવે છે, પણ ઇન્સ્ટન્ટ ! અને રહી વાત બિરબલની તો એ પહેલા કદાચ વાર્તામાં હતો, અને આજકાલ તો એ વાર્તામાં પણ નથી !  

1 comment:

  1. મુરબ્બી અધીર ભાઈ દિલ્હી આગ્રા સ્થિત "બિરબલ ફાઉનડેશન" વાળા તમને એટલેજ સવારથી કેમ શોધી રહ્યા છે તે હવે સમજાયું .....મુરબ્બી અધીરભાઈ માફી માંગી લેજો , આમ કાઈ કોઈ માટે જાહેર માં ઘસાતું લખાતું હશે ..? બિરબલ ના વંશજો હવે તમને નહિ જ છોડે .માફી માંગી લેજો....નકર સુપ્રીમ કોર્ટ ના ધક્કા નક્કી છે તમારા માટે ........."ટીમ બિરબલ" ના હાથ માં આવ્યા છો બરાબર ના .

    ReplyDelete