Monday, September 02, 2013

પોટ-હોલ્સ અચ્છે હૈ !

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૧-૦૯-૨૦૧૩ | અધીર અમદાવાદી |

એવું કહેવાય છે કે દરેક પ્રોબ્લેમમાં એક તક છુપાયેલી હોય છે. એવું જ કંઇક વરસાદમાં ધોવાયેલા શહેરના રસ્તા માટે પણ કહી શકાય. આમ તો એકાદ વરસાદમાં શહેરના રસ્તા પરથી કપચી સાથે મુનસીટાપલીની આબરુ બહાર આવી જતી હોય છે. પણ આસ્તિકો જેમ કહે છે ને કે ભગવાન જે કરે તે સારા માટે, એ સડકો પરના પોટ હોલ્સ માટે પણ અમને સાચું લાગે છે.

એવું મનાય છે કે વરસાદ પડે એટલે રસ્તા ધોવાય. આમાં ધોવાણ સાવ આપણા કપડાં ધોવાય એવું પણ નથી હોતું. કપડાં ધોવાય તો કંઈ પહેલી વખત ધોવા નાખોને એમાં કાણાં નથી પડી જતાં. રોડમાં એવું થાય છે. અને કાયમ એવું થાય છે. કારણ કે કોન્ટ્રાક્ટરોને પણ પેટ હોય છે. એમનાં છોકરાને પણ બંગડીવાળી કારમાં ફરવાના ખ્વાબ હોય છે. એટલેસ્તો પહેલાં વરસાદમાં ઓમ પુરીના ગાલ જેવા થયા પછી બીજા કે ત્રીજા વરસાદે તો અડધો રોડ સરકારની આબરુના કાંકરા બની રોડ પર રખડતો હોય છે. આ રીતે ઉદભવતા ખાડાનું કોઈ ચોક્કસ માપ નીકળતું ન હોઈ એ ખાડા પાંચ કરોડનો ડામર ખાઈ જાય કે પચીસ કરોડનો એ એન્જીનીયરોની હિંમત પર આધાર રાખે છે!

દુઃખ સતાવે તો કોઈ એવું વિચારે કે મનુષ્ય અવતાર જ દુઃખથી ભરેલો છે. પણ ભગવાનનો એટલો તો પાડ માનવો જ રહ્યો કે એણે આપણને માણસ બનાવ્યા, કૂતરાનો અવતાર ન આપ્યો. આમ પોઝીટીવ થીન્કીંગ કરો તો રોડ પર પોટ-હોલ્સ હોવાથી રોડ છે એ વાત સિદ્ધ થાય છે. બીજું કે ભગવાનનો પાડ માનો કે આ પોટ-હોલ્સ જ છે, અમદાવાદની જેમ વીસ પચ્ચીસ ફૂટ ઊંડા કે જેના એકના સમારકામ કરવાના પંચાવન લાખ એસ્ટીમેટ હોય એવા ભૂવા નથી પડ્યા. અથવા યુપી-બિહાર વિષે જે વાયકાઓ સાંભળવા મળે છે એમ રોડ ખાલી પેપર પર તો નથી બન્યા ને? કારણ કે પોટ-હોલ્સ સાચા રોડ ઉપર પડે, રોડના નકશા કે એસ્ટીમેટ ઉપર નહી!

પોટ હોલ્સ એ બ્લેક હોલ્સ કરતાં સારા છે. બ્લેક હોલ અકલ્પ્ય ગુરુત્વાકર્ષણ બળને કારણે અતિ ભારે થઇ ગયેલ પદાર્થરૂપી સંરચના છે, જે પ્રકાશના કિરણો અને અન્ય વિકિરણોને હડપ કરી જાય છે. બ્લેક હોલમાં પ્રકાશની ગતિ શૂન્ય થઇ જાય છે અને સમય થંભી જાય છે. બ્લેક હોલ નરી આંખે કે ટેલિસ્કોપથી જોઈ શકાતા નથી. એ અનુભૂતિનો વિષય છે. જ્યારે પોટ હોલ્સ તો નરી આંખે જોઈ શકાય છે. એ કોઈને હાડકા ભાંગી નાખે કે જીવ લઈ લે, પણ કોઈને અજગરની જેમ ફિઝીકલી હડપ નથી કરી જતાં. પોટ હોલ્સમાં હાડકા તોડનાર સ્કૂલ કોલેજ કે ઓફિસમાં રજા પામે છે, અને એને જાત સાથે વાતચીતની અદભૂત તક મળે છે.

પોટ-હોલ્સને લીધે લોકો વાહન ધીમે હાંકે છે. એટલે વધારે સ્પીડે હાંકવાથી થતાં અકસ્માતો ઓછાં થાય છે. અમદાવાદની જ વાત કરું તો ચોમાસા પહેલાં અઠવાડિયે એક ના લેખે કોક નબીરો મોંઘી કારો અથડાવી, મોકો મળે તો, ભાગી જતો હતો. પણ હવે એને ૧૦૦-૧૫૦ની ઝડપે ચલાવવાનો મોકો જ નથી મળતો. ઉપરાંત ઓછી સ્પીડને લીધે લોકો મોડા ઘેર પહોંચે છે. મોડા ઘેર પહોંચવાના ઘણા ફાયદા છે. સામાન્ય રીતે માણસ પરણે એટલે કચકચ ચાલુ થઈ જાય છે. એક અભ્યાસ એવું કહે છે કે સ્ત્રી દિવસમાં ૭૦૦૦ શબ્દ બોલે છે અને પુરુષ ૨૦૦૦. આમાં તકલીફ પાછી એ છે કે પુરુષનો ક્વોટા પુરો થઈ જાય પછી સ્ત્રી બોલવાનું શરું કરે. પછી પતિના ભાગે બાઘાચાકાની જેમ અવાચક ઊભા રહેવાનો વારો આવે. આવામાં ખાડાને લીધે ઘેર મોડાં પહોંચતા પતિને ભાગે ઓછું સાંભળવાનું આવે, તે આ ખાડાઓની મહેરબાની જ ગણાયને?

વરસાદને લીધે જે પોટ-હોલ્સ સર્જાય છે તે કોન્ટ્રાક્ટરોને તો રૂપિયાનો વરસાદ તો કરાવે જ છે પણ બીજાં ઘણા માટે ગુડલક બનીને આવે છે. જેમ કે ટાયર ટ્યુબ્સ કંપનીઓને. ચોમાસાની સિઝનમાં ઘણી ટાયર-ટ્યુબની કંપનીઓ એટલે જ રોડ-કોન્ટ્રાક્ટર્સને ગિફ્ટ્સ મોકલાવે છે. તો જમ્પર રીપેરીંગ સર્વિસવાળા પણ રોજ સવારે પોટ-હોલ્સના ફોટાની આરતી ઉતારી કામ શરું કરે છે. પોટ-હોલ્સના અન્ય બેનીફીશીયરી ઓર્થોપેડીક ડોક્ટર્સ છે. ચોમાસાની સિઝનમાં ફીશીયનો અને ઓર્થોપેડિક ડોક્ટરો એટલે જ કદી રજા પાડતા નથી.

આમ પોટ-હોલ્સ વિષે વધુ વિચારતાં અમને વિશ્વાસ થઈ ગયો છે કે પોટ-હોલ્સ અચ્છે હે. અમારું તો માનવું છે કે સરકારે પોટ-હોલ્સમાં વાહન ચલાવવામાં જે થ્રીલ મળે છે તેને થ્રીલ-રાઈડ ગણી આવા પોટ-હોલ્સ ગ્રસ્ત રસ્તાઓ પર એમ્યુઝમેન્ટ પાર્કસની જેમ ખાસ એન્ટરટેઈન્મેન્ટ ટેક્સ નાખવો જોઈએ. જે રાજ્ય સરકારો વધુ ઉત્સાહી છે, તેઓ આવા રસ્તાઓ થકી ‘પોટ-હોલ્સ ટુરીઝમ’ પણ વિકસાવી શકે. અમેરિકા જેવા દેશ કે જ્યાંના રસ્તાઓ કેટ વિન્સલેટના ગાલ જેવા લીસ્સા હોવાને લીધે ત્યાં જે લોકો કરી નથી શકતાં તે ટ્રેકિંગ કે થન્ડર રાઈડ માટે પછી ભારતના રસ્તાઓ ઉપયોગ કરી શકે.  

ફિલોસોફરો જે લોકોને સમજાવી સમજાવીને થાક્યા તે ‘વર્તમાનમાં જીવો’ એ વાત પોટ-હોલ્સ વાળા રસ્તા પર ડ્રાઈવિંગ કરતાં લોકો આપોઆપ સિદ્ધ કરે છે, કારણ કે ખરબચડા રસ્તા ઉપર વિચારો કરતાં કરતાં ડ્રાઈવિંગ કરવું લગભગ અશક્ય છે. આમ છતાં હમણાં જ અમારો એક દોસ્ત બાઈક સાથે એક ખાડાની ઊંડાઈ ન પામી શકવાને કારણે ઉછળીને પડ્યો અને પગ તોડી બેઠો. હવે ઘેર બેઠોબેઠો ફેસબુક પર કોર્પોરેશનને ગાળો ભાંડવાનું કામ કરે છે. પણ એને પૂછો કે ‘શું ગાળો દેવી યોગ્ય છે?’ તો કહેશે કે ‘આ તો હું એક જાતની અવેરનેસ જ કરું છું, તંત્રને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડું છું’. હવે એને કેમ કરી સમજાવવો કે ઊંઘતા કુંભકર્ણને જગાડવો રામાયણમાં શક્ય બન્યું હતું, પણ જે પહેલેથી જાગતું હોય એને કેમ કરી જગાડાય?

 

 

 

Wednesday, August 28, 2013

પૂંછડું કે વાઈપર ...

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૫-૦૮-૨૦૧૩ | અધીર અમદાવાદી |




હમણાં અહિં અમદાવાદમાં ગાયોનો ઉપદ્રવ વધ્યો છે. આમ તો આખું વરસ કંઈ ઓછો નથી હોતો, આ તો ખાલી માત્રાની વાત છે. રસ્તે જતાં હોઈએ, જમણી બાજુ ડીવાઈડર હોય, ડાબી બાજુ પાણી ભરાયેલા હોય, ખાડા હોય, લારીઓ ઊભેલી હોય, કે કીડી-મકોડાની જેમ માણસો ચાલ્યા જતાં હોય અને એવામાં આગળ ગાય જતી દેખાય. વરસાદ ઝરમર ચાલતો હોય એટલે એક તરફ આપણી કારનું વાઈપર ચાલુ હોય અને એવામાં કારનાં આગળના કાચમાંથી દેખાતી ગાય એનું પૂંછડું વાઈપરની જેમ હલાવતી જણાય. એકવાર તો વરસાદ બંધ હતો અને આમ જતો હતો ત્યાં આવી રીતે ગાય જતી દેખાઈ બે ઘડી તો અમને ભ્રમ થયો કે આ કારનું વાઈપર પાછું કેમ ચાલુ થઈ ગયું? આપણે ભલે ગાયથી ત્રસ્ત હોઈએ પણ ચોખ્ખા રોડ પર પૂંછડું હલાવતી ને બિન્દાસ મહાલતી ગાયો પોતાની મસ્તીમાં મસ્ત હોય છે.

એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી અનેક કષ્ટસભર વૈતરણી નદી પાર કરવામાં જેમણે પુણ્ય કર્યાં હોય તેઓ ગાયનું પૂંછડું પકડીને તરી જાય છે. આપણું શહેર પણ ચોમાસામાં આ મીની-વૈતરણી જેવું જ થઈ જાય છે. એમાં વધુ પાણી ભરાયું હોય અને ગાડી બંધ પડી જાય ત્યારે ‘આવી ગાય સર્વિસ મળે તો કેવી મઝા આવે?’ એવા વિચારો અમને અચૂક આવે છે, પણ આપણે કદાચ એટલાં પુણ્ય નહીં કર્યાં હોય. જોકે પૃથ્વીલોક પર આ ગાયોને હાંકવા માટે એનું પૂછડું મરડવામાં આવે છે એ અલગ વાત છે. આજકાલ તો ગોવાળો બાઈક લઈને ગાયોના ધણને હાંકતા હોય છે. બાકી જુનાં સમયમાં તો હાંકનારા પૂંછડી અમુક રીતે આમળી ગાયોને દિશાસૂચન પણ કરતાં જોવા મળતાં.

અમુક ગાયનું પૂછડું શ્રદ્ધાથી માથે અડાડતા પણ જોવા મળે છે. આવું કરનાર જોકે સંસારથી પરવારી ચૂક્યા હોય છે. બાકી કોઈ બ્યુટી પાર્લર જતી યુવતી કે માથે મોંઘી ડાઈ કરાવતી અર્બન વામા કદી ગાયનું પૂછડું માથે ન ચઢાવે. બીજું કે ગાયનું પૂંછડું માથે અડાડવામાં એક પ્રકારની નિર્ભયતા જોવા મળે છે, કારણ કે ગાય કદી લાત મારતી નથી. કદાચ કુદરતે એનાં પગમાં પાછળ પ્રહાર કરી શકે એવી શક્તિ નથી આપી. કોઈ ધર્મમાં જો ગધેડાને પવિત્ર ગણવામાં આવતું હોય તો પણ કોઈ ગધેડાનું પૂછડું માથે ન ચઢાવે તે પણ એટલી જ ચોક્કસ વાત છે. 

પૂંછડી તો કૂતરાની પણ મસ્ત હોય છે. સોનાક્ષીની કમર જેવી કરવેશીયસ. પણ માણસ જાત, એની પણ પંચાત કૂટે છે. ટુ-વ્હીલર પર જતાં હોવ તો વાઈપરની માફક પૂંછડું હલાવતી ગાય કે ભેંસ પાસેથી પસાર થાવ તો ગોબર-મઢયા પૂંછડાની ઝપટમાં આવો તો શર્ટ બગડી શકે છે. પણ કૂતરાની આસપાસમાં પસાર થતાં હોવ તો એની પૂંછડીથી તમને કોઈ જોખમ નથી. તોયે માણસ જાત વાતો કરે કે કૂતરાની પૂંછડી બાર વરસ જમીનમાં દાટી દો તો પણ સીધી ન થાય. પણ વિચારવાનું એ છે કે આપણે કૂતરાની પૂછડી બાર વરસ જમીનમાં દાટવી શું કામ પડે? અને ધારો કે એકવાર તમે દાટી તો પછી બાર વરસ કૂતરું શું કરે? ત્યાંનું ત્યાં ઊભું રહે? એને ખવડાવે કોણ? આવા અનેક સવાલો ઊભા થાય. અને સૌથી મોટો સવાલ તો જીવદયાનો છે. બિચારાં કૂતરાની આવી દશા કરાય? મને તો કૂતરા માટે આવું હીણપતભર્યું વિચારનાર પર એવો ગુસ્સો આવે છે કે એનો એક હાથ પકડીને જમીનમાં દાટી દઉં!

ખુશાલી વ્યક્ત કરવા ભગવાને કૂતરાને પૂંછડી આપી છે. કૂતરું ભોજન મળવાની આશામાં કે પછી માલિકને જોવા માત્રથી આનંદમાં આવી જઈ પૂંછડી હલાવી ખુશી વ્યક્ત કરે છે. આમ કૂતરા સ્વભાવે સાલસ અને પારદર્શક સ્વભાવના હોય છે. એની પૂંછડી હાલતી જોઈને આપણને એનાં મનમાં શું ચાલે છે એ ખબર પડી જાય છે. કૂતરો જ્યારે ડરી જાય ત્યારે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ભાગે છે. હિન્દીમાં એટલે જે ‘દુમ દબાકે ભાગના’ જેવા મહાવરા પ્રચલિત થયા છે. પણ આમાં પણ અમને કૂતરાની પારદર્શકતા જ દેખાય છે. બાકી માણસોને તો ઘણીવાર ખુશાલી વ્યક્ત કરવા ‘શબ્દો નથી મળતાં’, આવામાં જો આપણી પૂંછડી લુપ્ત ન થઈ હોત તો ઘણી સવલત રહેત.   

કૂતરાની વાતથી યાદ આવ્યું કે અમે જ્યારે જ્યારે ફેસબુક પર ઉપરાછાપરી બે ચાર સ્ટેટ્સ કૂતરાને લગતા મૂકીએ એટલે બધાં તરત પૂછે છે: ‘કેમ અધીરભાઈ કૂતરાની પાછળ પડી ગયા? હમણાં મિત્ર મિતેશભાઇએ પણ આવો જ પ્રશ્ન કર્યો હતો. પણ અમારો ૬૨ રૂપિયા ભાવવાળો મિલિયન ડોલર સવાલ એ છે કે શું માણસ કૂતરાની પાછળ પડવા માટે સક્ષમ છે ખરો? અમે તો મોટે ભાગે કૉર્પોરેશનની કૂતરા પકડવાની ગાડીના સ્ટાફ સિવાય કોઈને કૂતરા પાછળ પડેલા જોયા નથી. હકીકતમાં સદીઓથી કૂતરા જ માણસોની પાછળ પડતાં આવ્યાં છે અને હવે એ માત્ર માણસો જ નહીં, વાહનોની પાછળ પણ પડે છે. પણ વાહનોને કરડ્યા વગર  જવા દે છે. જોકે આ આડવાત થઈ.

જોકે નાના છોકરાઓ કે જેમને કૂતરાની વિકરાળતાનો અનુભવ નથી તેમને કૂતરાની પૂંછડી ખેંચતા જોવા મળે છે. પણ વાંદરાની પૂંછડી ખેંચતો કોઈ મરદનો બચ્ચો કે મરદની બચ્ચી હજુ અમારા જોવામાં નથી આવી. ન અમે એવા ફોટા ફેસબુક ઉપર જોયા. હા, વાંદરા સમાજના નાના નાના બચુડીયાઓ બુઢીયા પ્રકારના વાંદરાઓની સળી કરતાં જરૂર જોવા મળે છે.

ગાય-ભેંસ સિવાય પૂંછડીનો જો કોઈ સુંદર ઉપયોગ કરતું હોય તો એ આપણા પૂર્વજો વાંદરા છે. એ તો જાણીતું છે કે વાંદરાને પૂંછડી બેલેન્સ જાળવવામાં મદદ કરે છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના ચક્કરમાં આવીને માણસની પૂંછડી જતી રહી છે. બાકી આપણી પાસે પૂંછડી હોત તો આ પેટ્રોલના ભાવ વધે એમાં આપણને કોઈ વાંધો ન આવત. એક ઝાડથી બીજા ઝાડ, અને કમ્પાઉન્ડ વોલો ઠેકતા ઠેકતા મોજથી ઓફિસ પહોંચી જાત. પણ માણસને પૂછડું હોત તો એ વાંદરો ન કહેવાત?
--
by Adhir Amdavadi
Your comment will be appreciated....