Sunday, October 12, 2014

કમરા ભાભીનો વધુ બરાપો



મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૧૨-૧૦-૨૦૧૪ | અધીર અમદાવાદી |

આ તમારા ભઈ. રિટાયર થયા છ ત્યારથી ઘરના ઘરમાં. બરયું આખો દાડો માથું ખઈ જાય છ. કમરા મારો ટુવાલ ક્યાં છ? તે ટુવાલ ક્યાં હોય? બધ્ધા કપડા વારીને મૂક્યા હોય કબાટમાં. સાડત્રીસ વરસથી ત્યાં મેલું છું. નહી ને નીકરે એટલે પાછું ચાલુ થાય. મારાં ચસ્મા જડતા નથી. તે છાપું હું વાંચું છું કે તમે? અને ઘરમાં કસુ ને કસું મથામણ કર્યા કરે. કમરા કૃ ડાઈવર ચ્યોં મેલ્યું? તે કમરા ડીશમીશને સુ લેવા અડે? પાછી દરેક વાતમાં ઉતાવર કરે. ભઈ તમારે ગાડી પકડવાની છે તે ઉતાવર કરો છો? ના ના, ચસ્મા જાતે સોધી લે તો પાતરા થઈ જવાના છ? પણ ના, આખો દાડો કમરા કમરા કરીને મગજ ખઈ જાય ભઈસાબ. સાચું કવ? મુ તો કંટારી ગઈ છું. સવાર ઉઠીને એમની સેવામાં લાગી જવાનું. ચ્યમ અમાર બીજું કોઈ કામ નઈ હોય?

રીટાયર થયા છ પણ હજુ વાર કારા કરવા જોઈએ. ઈમાં પાછું વારંદને નહી ખટાવવાનો. જાતે કારા કરવાના. વોશ બેઝીંગ આખું કારું કારું કરી નાખે. પછી મને કે કે કમરા જો તો ક્યાંય ધોરા રહી ગ્યા છ? ધુર પડે તમારા વારમાં. કમરા દારમાં વઘાર કરે કે વાર કારા કરે? મુ કોઈ દાડો કવ છું? અને મુ તૈયાર થઈને પુસુ કે ‘જુઓ તો આ પીરી સાડીમાં ચેવી દેખાવ છું, તે સું જવાબ આપે ખબર છ? હરદર જેવી. વાદરી પેરુ તો કે ગરી જેવી લાગ છ ને બેસણામાં જવા ધોરી પેરુ તો કે કારું મોઢું ને ધોરી સાડીમાં વાંદરી જેવી લાગ છ, તે પછી હું દાંતિયા જ કરું ન? ના ના તમે જ કો. પણ હામે સિયારામાં એ બુઢીયા ટોપી પેરે તો આપડે એમને વોંદરા ના કહેવાય. પછી ભલે એ વોંદરાની માફક આખો દાડો ખંજવારતા ફરે. ચેટલું કોપરેલ લગાડે પણ એમની ખંજવારની ઉપાય નથી થયો. તોય આપડને કોઈ સરમ જેવું નઈ. લેંઘો સાથર સુધી ઉપર ચડાવીને ખણે. એમને લેંઘાને બદલે ચોયણી જ પેરવી જોઈએ, પછી ચડાવે ઉપર જેટલી ચડાવવી હોય એટલી.

એમનાં દોસ્તારો પણ એવા જ. પેલા પ્રફુલભઈ હવાર હવારમાં આઈ જાય. છાપું અહિં આઈ ન વાંચઅ. પણ વાંચી ને ચાલ્યા જાય તો ઠીક. પાછા પૂછે ભાભી કંઈ કામકાજ હોય તો કે’જો. તે ભાભીને બદલે જાવ તમે પડોસમાં મેરવણ લેવા! કે પછી ઘઉં ચારવા બેસો ભાભીને બદલે. આયા મોટા ભાભી વારા. અને એક તમારા ભઇ. પ્રફુલભઇ આવે એટલે કે ‘આ પ્રફુલ આયો છ તે ચા મેલજે’, એમાં પ્રફુલભઈને તો ચાનું વ્યસન જ નહી. તમારા ભઈ ને જ દાઢોમાં દીવા બરે છ. દિવસની દસ ચા પીવે. મને તો એમ થાય કે એક નરો ભરીને મેલી દઉં હવારમાં. આખો દાડો પીધા કરો તમતારે. પણ પાછી એમને તાજી ચા જોઈએ. એ પણ કડક મીઠી. તે આસામમાં ચાના બગીચા ને ગામમાં સેરડીની ખેતી ખરીને આપડા બાપ-દાદાની!  

હમણાં ખરીદી કરવાં ગ્યા’તા. મોલ માં. તે ઘર માટે પડદા જોતાં’તા. તે તમારા ભઈને ધોરો કલર ગમે અને મને વાદરી. એમાં દુકાનમાં માથાકૂટ કરવા લાગ્યા બોલો. તે ધોરા કપડા ધોવા કોણ એમની સગલી આવસે? એમાં પાન ખાવાની ટેવ છ. ઓફિસમાં ધોરું સર્ટ પેરીને જતાં ત્યારે ખીચામાં ખાસ ડાઘ પાડી લાવે. પછી ફરી વાર પેરે એટલે મને ડાઘ દેખાડે, કમરા જોતો આ ખીચામાં ડાઘો ચ્યાંથી પડ્યો? તે કમરા પાડવા ગઈ તી? ના ના પડીકી આમ અધ્ધર કરીને મોમાં ઓરે એમાં ગુટકાનાં દાણા ખીચામાં જતાં રહે તે રોજ મારે જોવાનું? તોયે સોખ તો ધોરા કપડાનો જ! અરે ભાઈ, એમ ધોરા કપડા પેરે ભાઈ ના થવાય, એનાં માટે કારજુ જોઈએ. એ પણ કાઠું.

પાછું છાપું પતે ત્યાં તો ટીવી ચાલુ કરી ને બેસી જાય. તે સમાચાર જોયા કરે ને જીવ બાર્યા કરે. બિહારમાં ૫૦૦ રૂપિયા માટે મડડર થઈ જ્યુ, દિલ્હીમાં ગરમી પડી ઈમો શાત જણો મરી જ્યા. કાસ્મીરમાં પુર આયુ. ફલાણો જેલમોં જયો ને નેતાને કોકે લાફો ઠોકી આલ્યો. ભઈ આપડે પેન્સન ચેટલું વધ્યું એનો સિવાય સુ લેવા લપ કરવી? પણ ના, આખો દાડો ટીવીમાં પેહી જાય છ. પાછું એમને સંભરાય છ ઓછું. એટલે ટીવી જોશ જોશથી વગાડે. મારા તો કાન ફાટી જાય છ. હાચું કવ છું.

આ તમાર ભઈને સંભરાય ઓછું એટલે એમને કુકરની ચાર શીટી વાગે એટલે ગેશ બંધ કરી દેજો એવુય કોમ સોંપાય નહિ. આમેય એમનો કોઈ વાતે ભરોશો ના કરાય. એકવાર મારે સાક લેવા જઉ’તુ તે એમને ચાર શીટી વાગે તારે ગેશ બંધ કરવા કહીને ગયેલી તે દાર ને ભાત બેઉ બરી ગયા તોયે એમને વાસ પણ ના આવઅ. મુ તો નીચે હતી ને મનઅ ફાર પડી. કે નક્કી ગેશ બંધ કરવાનો ભૂલી જ્યા. પાછાં છ નરશી મેતાનો અવતાર. ભરતું સરતું કરી આવે. બજારનું કોમ સોંપો ને ભલું હોય તો કોક રીટાયર દોસ્તારને ઘેર જમાઈ દે. આપડે ફરાર માટે રાજગરાના લોટની રાહ જોતાં હોઈએ ને એ બફવડા દબાઈ ન આવઅ. પણ આમ પાછાં સરર અને ભોરા તમારા ભઈ !  

એક તો ભૈશાબ આ ગરમી! ઉનારો જવાનું નામ જ નહિ લેતો. એમાં પાછું વારવા-ઝૂડવાનું કોમ જાતે કરવાનું. ચેટલો બફારો થાય? ગોમમાં હાવ બધ્ધાને ત્યોં એશી આઈ જ્યા. પણ તમારા ભઇ કોણાવારા ગંજી પેરી ને એશીની મજા લે છ. કહે કે કમરા, ગંજી પેરી ને બાર જવાતું હોય તો ચેટલું હારુ? તે જાવને, સોસાયટીમાં તો ફરો જ છો. ગોમમો ફરો. કુણ રોક છ તમન. ને ગરમીમાં આખ્ખો દાડો ફીજ ખોલ બંધ કરે, પણ કોઈ દાડો આપડે બોટલ ભરવાની નઈ. ચ્યમ, તમો મોટા રાજકુમાર છો?

હવે તમે જ કો કે કમરા કેટલું કરે? કમરા તમારા ભઈમાંથી જ ઊંચી નથી આવતી તે બાકીના કામ કેમના કરતી હસે? પણ જેટલા કાઢ્યા એટલાં થોડાં કાઢવાના છ? સુખે દુખે નીકરી જસે. પાસુ આવતા જનમમો એનું એ જ ! ચાલો મારે લોટ દરાવવા જવાનું છ ઘંટીએ ને પાછાં આવતાં ગોર પણ લાવવાનો છ ! નીકરું ! 
--
આ  સિરીઝનો અગાઉનો આર્ટીકલ વાંચવા આ લીંક પર ક્લિક કરો ..

બેંગ બેંગ : અધીરની અવળી નજરે


બેંગ બેંગ : હ્રીતિક માટે જોવાય
પહેલાં આ ફિલ્મનું ટાઈટલ ભાગમભાગ રાખવાનું હતું પણ એ નામની ફિલ્મ અગાઉ બની ચુકી હોઈ એ પડતું મુકવામાં આવ્યું. છેવટે બેંગ બેંગ રાખવામાં આવ્યું. ઇન્ટેલીજન્ટ ફિલ્મ મેકર્સની જ ફિલ્મોને કોઈપણ ભોગે વખાણનારા જો આનો રીવ્યુ લખે તો ‘ફિલ્મ જોઈને છેવટે દિવાલ સાથે માથું ભટકાડવાની તીવ્ર ઈચ્છા થઈ’ એવું લખે તેવી શક્યતા હોવા છતાં બેંગ બેંગ નામ સાથે ફિલ્મ બની. હ્રીતિક અને બેન્કની રિસેપ્શનિસ્ટ એવી બાપડી કેટ આખી ફિલ્મમાં દોડાદોડી કરવા સીવાય કશું કરતાં ન હોવા છતાં અમને તો ટીકીટનાં દોઢસોમાંથી એકસો ચાલીસ રૂપિયા તો વસુલ થયા હોય એવું જરૂર લાગ્યું.

હિન્દી ફિલ્મોમાં કરોડો રૂપિયાના હીરાની પાછળ દોડાદોડીનાં થીમ પર અનેક ફિલ્મો બની છે. આ ફિલ્મો જોઈને આપણા કરોડો રૂપિયા ફિલ્મ પ્રોડ્યુસર્સ અને સ્ટાર્સનાં ગજવામાં જતાં રહે છે. તો આ ફિલ્મ જગવિખ્યાત કોહીનુર હીરાની આસપાસ રચાઈ છે. આપણો બોડી-બિલ્ડર અને રબ્બરનું બોડી હોય એમ ડાન્સ કરતો હ્રીતિક કોહીનુર હીરાને એટલી સિફતથી ચોરી કરે છે કે એની દર્શકોને પણ ખબર પડતી નથી!  
ભલા કેટરીનાકા શેમ્પુ મેરે શેમ્પુ સે બહેતર કેસે?
પણ હ્રીતિકનું બોડીનું કહેવું પડે. એ શર્ટ ઉતારે એટલે છોકરાંઓ પણ થિયેટરમાં ઉન્હકારા બોલાવે એવું! પણ અમારી કાગડા જેવી નજરમાં હ્રીતીકના વાળ જ નજરે ચઢ્યા, માથાના. જે ઇન્ટરનેશનલ ભાગદોડમાં શેમ્પુ કરવાનો ટાઈમ ન મળવાથી ગૂંચવાળા જણાય છે. સામે પક્ષે કેટ સિમલાની ઠંડીમાં બાથરૂમમાં સ્ટોપર માર્યા વગર ગરમ પાણીથી નહાવાની ટેવ ધરાવે છે જ્યાં એની દાદી લટાર મારવા આવી જતી હોય છે. કેટને ફિલ્મમાં જ ચાર-પાંચ વાર શાવર લેતી બતાવી છે એટલે સ્વાભાવિક છે કે એનાં શેમ્પુ કરેલા વાળ હ્રીતિકનાં જેવા ગૂંચવાયેલા નથી હોતાં. આમ તો એ પાંચ-સાત વખત દરિયાનાં ખારા પાણીમાં પડી હશે પણ તોયે છેવટે એનાં વાળ લાંબા, કાળા અને રેશમી જ રહે છે તે આધુનિક શેમ્પુનો કમાલ. આ ફિલ્મના વિલન ડેનીનાં માથે ટકો છે એટલે એ શેમ્પુ નહીં વાપરતો હોય એવું અમે ધારી લીધું છે. આ સિવાયના કેરેક્ટર્સ શેમ્પુ કરતાં હશે કે નહી એ વિષયમાં અમે ખાસ વિચાર નથી કર્યો.  

કેટને ‘ખ’ બોલવામાં તકલીફ પડે છે એ આપણને બધાને ‘કબર’ જ છે. એ બરફાચ્છાદિત સિમલાની એક બેન્કની રીસેપ્શનીસ્ટ હોવા છતાં વોટર સ્પોર્ટ્સમાં એક્સપર્ટ છે. બીજી એક્શન ફિલ્મ્સની હિરોઈન કરતાં કેટને સારું એવું ફૂટેજ મળ્યું છે એ છતાં હ્રીતિકનાં જેટલા રૂપિયા વસુલ એ નથી કરાવતી એ હકીકત છે. 

આખી ફિલ્મ દરમિયાન હ્રીતિક પોતે આશરે છસોને સુડતાલીસ ગોળી ચલાવે છે જયારે સામે પક્ષે વિલન્સ અંદાજે અઢારસો ચુમોતેર ગોળીઓ ચલાવે છે જે હ્રીતિક સચિન અને ગવાસ્કર કરતાં પણ વધારે સ્ફૂર્તિથી ડક કરી જાય છે. હ્રીતિક આશરે ચાર પાંચ વખત ચાર પાંચ માળની ઊંચાઈથી કૂદકો મારી ભાગે છે. એક વખત ચાર-પાંચ માળના બિલ્ડીંગ પરથી ભૂસકો માર્યા બાદ તરત જ અદભૂત ડાન્સ પણ કરી બતાવે છે જે ગીત ભંગાર હોવા છતાં ડાન્સ જોવા લાયક છે. છેવટે તો ડાયરેક્ટર પણ એ કઈ રીતે બચી જાય છે એ ઈમેજીન કરી ન શકવાથી એને નવા સીનમાં સાજોસમો ઉભો કરી દઈ વિચારવાનું કામ દર્શકોના માથે નાખી દે છે. આજકાલ દર્શકો પણ એકંદરે મગજ ઘેર મુકીને જ ફિલ્મ જોવા જતાં હોવાથી હ્રીતિકનું ભૂસકો માર્યા પછી બચ્યો કઈ રીતે એ અંગે ઝાઝી પંચાત કરતાં નથી. પહેલાં ત્રણ-સાડા ત્રણ કલાકની ફિલ્મો બનતી ત્યારે એવું બધું બતાવવું પોસાતું હશે.
દોઢસો રૂપિયાની ટીકીટ પૈકી અંદાજે પચાસેક રૂપિયા તો ફિલ્મનાં લોકેશન્સ અને કેમેરા વર્ક વસુલ કરાવે છે. પચાસ રૂપિયા હ્રીતિકનાં લુક્સ અને એક્શન સીન્સ (એક્ચ્યુઅલી બેંગ બેંગના એક્શન સીન્સ જોયા પછી રોહિત સેટ્ટીનાં કાર ઉછાળવાના સીન્સ ૭૦નાં દાયકાના લાગે!) દસેક રૂપિયા ડાન્સનાં, દસેક રૂપિયા પરચુરણ કોમેડી (કેટની દાદી સિવાયની), દસ વિલનની ડફોળાઈનાં, દસ રૂપિયા બેકગ્રાઉન્ડ મ્યુઝીકના અને દસ રૂપિયા એડીટીં.... ઓકે ઓકે કેટનાં રહી ગયા નહી? જેને હિન્દીમાં ડાયલોગ બોલતાં કે એક્ટિંગ કરતાં આવડતી નથી એની કમર પર ગુજરાતી થઈને દસ રૂપિયા વેસ્ટ ના કરાય બોસ!