Wednesday, January 25, 2017

હરણ મર્યું કઈ રીતે ?

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૫-૦૧-૨૦૧૭
આદિકાવ્ય રામાયણના જમાનાથી હરણ ચર્ચામાં રહ્યું છે. એકદા શ્રવણકુમાર સરોવરમાંથી પાણી ભરી રહ્યો હતો એનો અવાજ મૃગયા માટે નીકળેલા રાજા દશરથને હરણ પાણી પીતું હોય એવો લાગ્યો અને એમણે શબ્દવેધી તીર માર્યું જે શ્રવણકુમારને વાગ્યું. પછી વિરહમાં વિલાપ કરતા શ્રવણકુમારના મા-બાપે દશરથને પુત્ર વિરહનો શ્રાપ આપ્યો અને આમ હરણના કારણે આખી રામાયણ થઇ. એ પછી नभूतपूर्व न कदापि वार्ता हेम्न: कुरङ्ग: न कदापि दृष्ट| અર્થાત ભૂતકાળમાં સુવર્ણ મૃગ જોયું નહોતું કે એના વિષે સાંભળ્યું પણ નહોતું છતાં પ્રભુ કાંચનમૃગ પાછળ દોડ્યા હતા અને સીતાજીનું હરણ થયું હતું. ત્યારથી લઈને ‘પછી હરણની સીતા થઇ કે નહિ?’ પૂછનારા માજી સુધીનાને આ હરણે પરેશાન કર્યા છે. હરણનો છેલ્લો શિકાર સલમાન છે. ન્યાયની દેવીની આંખો પર તો પટ્ટી બાંધેલી છે શું થયું એ તો અનુમાનનો જ વિષય છે, પણ સલમાન પર હરણના શિકારનો આરોપ મુકાયો અને એ નિર્દોષ છૂટી ગયો છે. હરણ મર્યું છે, બંદૂકની ગોળીથી મર્યું છે, પરંતુ એ ગોળી સલમાને નથી છોડી? તો થયું શું હતું ? એઝ યુઝવલ આ મામલામાં સોશિયલ મીડીયાના અમારા જેવા નવરેશોએ ઝંપલાવ્યું અને આખી ઘટનામાં ખરેખર શું બન્યું હશે એ અંગે અનેક થીયરીઓ બહાર આવી છે. 

૧) શોલેમાં ગબ્બર સિંઘે જે ત્રણ ગોળીઓ હવામાં છોડી હતી એમાંની એક ગોળી અબજો પ્રકાશવર્ષ દૂર ‘પીકે’વાળા આમીર ખાનના અવકાશયાન પર અથડાઈને પૃથ્વી તરફ પાછી આવી અને એ પેલા હરણને વાગી. યોગનુયોગ એ વખતે શુટિંગ માટે ત્યાં સલમાન હાજર હોય છે જેના લીધે એ નિર્દોષ જીવ આ મામલામાં સંડોવાઈ ગયો. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે પીકે રાજસ્થાનના રણમાં મોજે મંડાવા, જીલ્લો ઝૂનઝૂનુના પાદરમાં એ ગોળી શોધવા માટે જ ઉતર્યો હતો. એણે હરણના શરીરમાંથી કાઢેલી ગોળી પર ચોંટેલી અવકાશયાનના બોડી પેઈન્ટની પોપડીઓ ઓળખી બતાવી હશે એટલે સલમાન નિર્દોષ છૂટ્યો અને ગબ્બરનું ઓલરેડી અવસાન થઈ ગયેલ હોઈ કેસ સી સમરી ભરી ફાઈલ કરવામાં આવ્યો હશે.

૨) એક થીયરી એવી ચાલે છે કે સલમાન એના આગામી પિકચરમાં શુદ્ધ શાકાહારીનો રોલ કરવાનો હોય છે. એ માટે એ ઘાસ ખાવાની પ્રેક્ટીસ કરવા જંગલમાં ગયો હોય છે. આ તરફ સલમાન શર્ટ કાઢીને હંમેશની જેમ પુશ અપ્સ કરતા કરતા ઘાસના કોળિયા ભરતો હોય છે ત્યારે હરણના ટોળેટોળા એને જોવા ભેગા થાય છે. ત્યાં હરણીઓ, અને અમુક હરણ પણ ભાઈને ટોપલેસ જોઇને એક્સાઈટ થઈ જાય છે. આમ સલમાન વચ્ચે અને ચારે તરફ હરણ ગોઠવાઈ જાય છે, અને સલમાન ગીત ગાવાનું શરુ કરે છે. હરણ પણ કોરસમાં ડાન્સ કરવા લાગે છે. ગીત જયારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે મરનાર હરણના કાકાના શીંગડામાં લઘુશંકાએ ગયેલા ફોરેસ્ટ ગાર્ડની રાઈફલ ભરાઈ જાય છે અને એમાંથી ગોળી છૂટે છે. પછી શું થયું એ તો તમને બધાને ખબર જ છે. હરણના કાકા સામે ચાર્જશીટ ફાઈલ થઈ શકી નહિ કારણ કે ઓળખપરેડમાં વિટનેસ અનેક હરણમાંથી મજકુર હરણના કાકા કયા એ ઓળખી બતાવી શક્યું નહિ. એકંદરે સૌએ ખાધું પીધું અને રાજ કીધું.

૩) એ દિવસ રવિવાર હતો. સલમાન જંગલમાં એક ગીતના શુટિંગ માટે ગયો હોય છે. જ્યાં શુટિંગ થવાનું હતું તે જગ્યા પાસે જ હરણની વસાહત હતી. એ વસાહતનો ચોકીદાર પોતાની સર્વિસ રાઈફલ સાફ કરતો હતા. એ વખતે શુટિંગ માટે ગીતનો એકનો એક અંતરો ‘જગ ઘૂમ્યા’ વારંવાર વાગતો હતો એનાથી એમનું માથું ઘૂમી ગયું હતું. આ માથાના દુખાવાના કારણે જ એ રાઈફલ સાફ કરતા પહેલા ગોળી કાઢવાનું ભૂલી ગયા. પછી શું થયું એ તો તમને બધાને ખબર જ છે. ચોકીદાર સામે બેદરકારીથી રાઈફલ સાફ કરવા માટે એફ.આઈ.આર. પણ ફાઈલ થઈ. સલમાન, ફિલ્મના ડાયરેક્ટર, મ્યુઝીક ડાયરેક્ટર અને ગીતકારનું નામ પણ ગુના માટે ઉશ્કેરણી બદલ ફરિયાદમાં સહઆરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું. જોકે અંતે સૌ નિર્દોષ છૂટી ગયા. કારણ કે ગીતની ધૂન ઉઠાવેલી હતી. નામદાર કોર્ટે ઓરીજીનલ ધૂન બનાવનારને પકડવા પોલીસને નિર્દેશ આપ્યા છે.

૪) હરણ જિંદગીથી કંટાળી ગયું હતું. એને જમવામાં રોજ ઘાસ ખાવું પડતું હતું. ઘાસ ખાલી બે પ્રકારના હતા, લીલું ઘાસ અને પીળું ઘાસ. જંગલમાં વાઘ, સિંહ નહોતા, દીપડા સિવાય કોઈ રાની પશુ નહોતા. એમ છતાં ઘાસ ખાતી વખતે હરણા સતત ફફડતા હતા કે કોઈ મોટું પ્રાણી, જેમ કે માણસ, શિકાર કરવા ન આવી જાય. જંગલમાં કોઈ પ્રાઈવસી નહોતી કારણ કે ગમે ત્યારે ડિસ્કવરી અને બીજી ચેનલ્સ શુટિંગ કરવા આવી ચઢતા. જંગલમાં જંગલના કાનુન હતા અને પુરાવાને અભાવે મોટાભાગના ગુનેગારો છૂટી જતા હતા. બીજા જંગલથી એવા પણ ખબર આવ્યા હતા કે પ્રાણીઓ માટેનો ઘાસચારો નેતાઓ ખાઈ જાય છે. આ સંજોગોમાં હરણને જીવન પોતાના શીંગડા કરતા પણ વધારે બોજરૂપ લાગતું હતું. એવામાં વ્યથિત હરણને એકવાર ઝાડને ટેકવીને ઉભેલી એક રાઈફલ પડેલી દેખાઈ. આવેશમાં આવીને એણે રાઈફલ ડુંટી પર તાકી અને પાછલા પગે એની ટ્રીગર દબાવી. આગળ શું થયું એ તો તમને સૌને ખબર છે જ!

હજી તો ઘણું ટ્રોલિંગ થશે, પરંતુ આવી બાબતોમાં સલમાન રીઢો થઇ ગયો છે. વનના મોરલા અને ‘લખ ચાર’ હરણનો શિકાર કરી ચુકેલો જેસલ જાડેજો તો સતી તોરલ સમક્ષ પોતે કરેલા પાપનો એકરાર કરીને નિર્મળ બની ગયો હતો, પણ સલમાન તો એમાંથી પણ ગયો!

મસ્કા ફન

ચાલવા અને હાલી નીકળવા વચ્ચે ઘણો ફેર છે.
હાલી નીકળવાથી કેલરી બળતી નથી.

Note: Images on this blog are not same as that published in newspaper.

Wednesday, January 18, 2017

ઉત્તરાયણમાં વધેલ સામગ્રીનો નિકાલ


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૮-૦૧-૨૦૧૭

આમ તો વધેલ ઘટેલ ફટાકડા ખપાવવા માટે દિવાળીની પાછળ પાંચમ, અગિયારસ, અને દેવદિવાળી આવે જ છે. વધેલા ફટકડા લગ્નમાં પણ ફોડી શકાય છે. વિરાટ કોહલી કે કેદાર જાધવ અંગ્રેજોની ધુલાઈ કરે ત્યારે પણ દારૂખાનું ફોડી શકાય છે. દિવાળીના રંગોળીના રંગ હોળી પર વાપરી શકાય છે. શ્રાવણ મહિનાનો વધેલો રાજગરો-મોરૈયો નવરાત્રીમાં કામ આવી શકે છે. પણ ઉત્તરાયણમાં એવું નથી થતું. ઉત્તરાયણની પાછળ વાસી ઉત્તરાયણ આવે છે, છતાં બીડી પીધા પછી જેમ ઠુંઠાનું બાકી રહેવું જેટલું નિશ્ચિત છે એટલું જ ઉત્તરાયણ નિમિત્તે ખરીદેલા માલસામાનનું માથે પડવું નક્કી છે; પછી તમે પવનને જવાબદાર ગણો કે તમારી પેચ કાપવાની આવડતને. સરકાર બજેટ વાપરવામાં નિષ્ફળ રહે છે એવી અવારનવાર ટીકા કરતા વિરોધપક્ષના નેતાઓના ઘેર દરોડો પાડો તોય આયોજનના અભાવે વધેલા પતંગ, દોરી, બોર-જામફળ અને ચીકીનો વગર વપરાયેલો જથ્થો પકડાઈ શકે છે. મોટો જથ્થો હોય તો ટેન્ડર બહાર પાડીને એનો નિકાલ કરી શકાય, પરંતુ ઓછા જથ્થાનો નિકાલ કઈ રીતે કરવો એ પણ એક સમસ્યા બની જાય છે. 
 
હોળીમાં પતંગ હોમેલા તમે જોયા હશે તમે. હોળીમાં પતંગ હોમવા પાછળનું કોઈ ધાર્મિક કારણ નહિ હોય. દિવસે દિવસે નમાલી થતી જતી નવી જનરેશન મોબાઈલ નામનો ભાણિયો રમાડવાની ધૂનમાં જે પતંગો ઉડાડી શકતી નથી તે બધા જ હોળી ભેગા કરવામાં આવે છે. આવું અમે નથી કહેતા. અમુક કાકાઓને અમે બબડતા સાંભળ્યા છે. જોકે દોરી તો હજુ વરસ મૂકી રાખી શકાય પણ સંઘરેલા પતંગ પૈકી અડધા તો હેરફેરમાં જ ફાટી જાય છે. થોડાક પર પાણી પડે છે કે ભેજના લીધે માવો બની જાય છે. આ પછી જે વધે તેને બીજા વરસે ચઢાવો તો અચૂક ફસકાઈ જાય છે. એટલે જ પતંગને હોળીમાં હોમવામાં આવે તે વાતમાંથી કોઈ બોધ લેવા પાત્ર નથી. દેશ અને દુનિયામાં રિયુઝ, રીસાયકલની ચર્ચાઓ ચાલતી હોય ત્યારે ઉત્તરાયણની વધેલી સામગ્રીનું શું કરવું એ વિષે ગંભીરતાપૂર્વક વિચારવું ઘટે.

શાકની સાથે કોથમીર ફ્રી મળે છે. પરંતુ પતંગ ખરીદવામાં હજુ પણ પુરુષવર્ગ જ વધુ ભાગ લેતો હોઈ પતંગ કે દોરી સાથે જોખમા ગુંદરપટ્ટી કે આંગળી પર પહેરવાની ટોટી ફ્રીમાં મેળવી શકતો નથી. એટલે ગુંદરપટ્ટી બાકાયદા ખરીદ કરેલી હોય છે. વર્ષ દરમ્યાન કથ્થાઈ કલરની આવી ગુંદરપટ્ટી ફાટેલી ચલણી નોટો સાંધવા સિવાય બીજા કોઈ કામ લાગતી નથી. સેલોટેપનાં આગમન પહેલાં ગુંદરપટ્ટી પતંગ સાંધવા ઉપરાંત ગીફ્ટ પેક કરવામાં, કે કેલેન્ડર-ડ્રોઈંગશીટ સાંધવા માટે પણ વપરાતી. હવે પરંપરા મુજબ પતંગ સાથે ગુંદરપટ્ટી લાવવામાં તો આવે છે પણ ગર્લફ્રેન્ડ આગળ ઈમેજ બગડતી હોઈ કોઈ સાંધેલા પતંગ ચગાવતું નથી. ક્યારેક ભારે પવનમાં પતંગને સ્થિર રાખવા માટે પૂંછડી તરીકે ઉપયોગ કરીને નિકાલ કરાય છે. આમેય હવે ગુંદરપટ્ટીમાં અસલના જમાના જેવી ક્વોલીટી પણ ક્યાં રહી છે? હવેની ગુંદરપટ્ટી પર થૂંક લગાડવા જતા મોઢામાં ગુંદરનો સ્વાદ અને પટ્ટી પર થૂંક જ રહે છે.

તલસાંકળી અને સિંગની ચીકી આ બે વસ્તુઓ ઉત્તરાયણની ખાસ આઈટમ ગણાય છે. પરંતુ ગુજરાતમાં ખાસ સારી ક્વોલીટીની બનતી ન હોઈ મોટેભાગે લોનાવાલાની ચીકી વેચાય છે. એમાં ઘરની બનાવેલી ચીકીમાંથી સિંગ છૂટી રખડતી હોઈ એ ન સિંગદાણા તરીકે ચાલે છે ન ચીકી તરીકે. એકંદરે ઉત્સાહથી બનાવેલી ચીકી પ્લાસ્ટિકના ગેરકાયદેસર ઝભલા-થેલીમાં ધાબામાંથી પાછી આવે છે. તલની ચીકી તો ઘણી વખત કડક લાકડા જેવી હોય છે. આવી ચીકીનું શું કરવું એ યક્ષ પ્રશ્ન છે. મહાભારતવાળા યક્ષે યુધીષ્ઠીરને આ પ્રશ્ન પૂછ્યો હોત તો મહાભારતની કથા ત્યાં જ પૂરી થઇ જાત. આ પ્રકારની પાષાણયુગના અવશેષ સમી ચીકી ઉપર પીયુ સ્પ્રે કરીને એને પેપરવેઈટ તરીકે ઉપયોગમાં લઇ શકાય. ફ્લેટ રોટલા જેવા શેપની તલસાંકળી ઉપર પીયુ સ્પ્રે કરીને ડાઈનીંગ ટેબલ પર ટેબલ મેટ તરીકે વાપરી શકાય. તલના લાડુ જો બરોબર ગોળ વળ્યા હોય તો ફલોરિંગ બરોબર લેવલમાં છે કે નહિ તે નક્કી કરવા ગગડાવી શકાય. છેવટે કોઈ આપણી દોરીની ઝોલ લૂંટતું હોય તો આવી ચીકીથી ચીકીમારો કરી સામનો કરી શકાય. ઉદ્યમી લોકો ચીકીના બે ટુકડા વચ્ચે ફટાકડાના ચાંદલિયા મુકીને ભીંત ભડાકા બનાવી શકે કે પછી પતંગ લપટાવવા માટે લંગસીયામાં પથ્થરની જગ્યાએ ચીકી વાપરીને મા-બાપની ઈજ્જતના ભડાકા કરી શકે. અમે ચીકીથી ભીંતમાં ખીલી ઠોકેલી છે એ આપની જાણ સારું.

ચગાવવા સિવાય પતંગનો બીજો શો ઉપયોગ થઇ શકે? ઉત્તરાયણ પછી વધેલા પતંગના કાગળનો ઓરીગામી અને ક્રાફ્ટમાં ઉપયોગ સર્વ સામાન્ય છે. પતંગના કમાન ઢઢ્ઢાનાં તીર કામઠા બનાવીને અમે સોસાયટીના રાવણો સાથે લડ્યા છીએ. ઢઢ્ઢાની બે ચીપો વચ્ચે ફુગ્ગાનું રબ્બર ભરાવીને પીપૂડી પણ બનાવી છે. કાળા પતંગમાંથી વેતાલ (ફેન્ટમ)ના આઈ માસ્ક બનાવીને ક્લાસની છોકરીઓને છેડતા જંગલીઓને ઠમઠોર્યા છે. રંગીન કાગળથી ન શોધાયેલા દેશના ઝંડાઓ બનાવ્યા છે. નવરાત્રી વખતે એ જ કાગળના તોરણો બનાવીને મલ્લા માતાને શણગાર્યા છે. તમે રંગીન કાગળના ગોળ ગુલ્લા બનાવીને પથ્થરથી હવામાં ઉડાડ્યા છે કદી? અમે એ પણ કરેલું છે. પણ એનાથી કેટલા પતંગનો નિકાલ થાય? એમાં ઉત્તરાયણના તહેવાર ગાયને ઘાસ ખવડાવીને પુણ્ય કમાવાનું ભૂત લોકોને ઉપડતું હોય છે. એમાં આડે દિવસે ઝભલા થેલી સહીત એંઠવાડ ખાઈને પેટ ભરતી ગાયો પતંગના કાગળને સુંઘતી પણ નથી. આ સંજોગોમાં બે દિવસ મોબાઈલ સ્વીચ ઓફ રાખીને પતંગનો ચગાવવાથી વધુ સારો ઉપયોગ અમને દેખાતો નથી.

મસ્કા ફન
રેલ્વેમાં બે પ્રવાસી.
પહેલો : હું કવિ છું

બીજો : ઓહો નાઈસ, હું ઇન્સ્યોરન્સ એજન્ટ છું.