Wednesday, May 31, 2017

શું તમે ભક્ત છો?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૩૧-૦૫-૨૦૧૭

Source: Foodiye
ભારત સંત, મહાત્મા અને ભક્તોનો દેશ છે. સંત જ્ઞાનેશ્વર, સંત કબીર, સુરદાસ, અખા ભગત, નરસિંહ મહેતા જેવા ભક્તોના નામ કોણે નહીં સાંભળ્યા હોય? જોકે હવે ભક્તિની પરિભાષા બદલાઈ છે. આજકાલ ભક્ત શબ્દ ખાસ સન્માનજનક રીતે નથી વપરાતો. ફિલ્મસ્ટારોમાં જેમ સુપરસ્ટાર પછી મેગાસ્ટાર અને મીલેનીયમસ્ટાર આવ્યા એમ અગાઉ ‘ચમચા’ તરીકે ઓળખાતી પ્રજાતિમાં વિશેષ યોગ્યતા મેળવનાર જાતકો ‘ભક્ત’ ની પદવી પામતા થયા છે. ચમચા જોકે વધુ પર્સનલ છે, જયારે ભક્ત અને એના સ્વામી વચ્ચે અંતર હોય છે. એ ભક્ત છે એની જાણકારી ભક્તના દુશ્મનોને હોય છે, પરંતુ જેની ભક્તિ કરે છે તેને હોય એવું જરૂરી નથી.

સુરદાસજી એ કૃષ્ણભક્તિમાં અનેક પદ લખ્યા છે જે આજે પણ અમર છે. અત્યારે ટૂંકાનું ચલણ છે. વસ્ત્રો સિવાયની બાબતોમાં પણ. એટલે ટ્વીટથી ભક્તિ અને ટ્વીટથી વિરોધ પ્રદર્શિત થાય છે. જે કહેવાનું હોય એ ટૂંકમાં કહી દેવું એ અત્યારની પેઢીની ખાસિયત છે. સુરદાસજીએ ‘મેં નહીં માખન ખાયો’ રચના આપણને આપી છે. આમાં કવિ કૃષ્ણનો બચાવ કરે છે, એટલી હદ સુધી કે છેલ્લે બધા એવીડન્સ કનૈયાની અગેન્સ્ટમાં હોવા છતાં યશોદા માની જાય છે કે ના બેટા, તે માખણ નથી ખાધું, કદાચ મેં જ પડોસણ ને આપી દીધું હશે કે માખણ બનાવ્યું જ નહિ હોય, અથવા તો કદાચ વાંદરા આવી ને લઈ ગયા હશે. અને તારા મોઢા પર ચોટ્યું છે એ માખણ છે એવું ખાતરીપૂર્વક કહી ન શકાય એના માટે પંચને પૂછવું પડે વિગેરે વિગેરે. એ જ સુરદાસજી અત્યારે ટ્વીટર પર હોત તો કેટલાક લોકોએ એમને પૂછ્યું હોત કે કૃષ્ણ ભક્તિમાં ઘેલા થઈ તમે સવા લાખ પદ લખ્યા પણ કૃષ્ણ ખરેખર મહાન હતા એના પુરાવા શું? એમણે કંસને હણ્યો એના વિડીયો ફૂટેજ છે કોઈ? મહાભારતમાં એમણે અર્જુનને સગાઓ સામે લડવા સુચના અપાઈ પરંતુ પોતે કેમ લડ્યા નહિ? શિશુપાલનો વધ કર્યો એ સુદર્શન ચક્ર આખું બોગસ વાત લાગે છે એવી કોઈ ટેકનોલોજી એ સમયે હોય તે વાત સાવ ગપગોળા લાગે છે. અને સુરદાસજીને કદાચ પોતાનું ટ્વીટર એકાઉન્ટ પણ ડીએક્ટીવેટ કરાવી દેવું પડત.

ભક્ત જયારે જયારે થયા ત્યારે ત્યારે એમની ભક્તિની પરીક્ષા થઈ છે. ભક્ત પ્રહલાદ, ભક્ત ધ્રુવ, મીરાબાઈ, નરસિંહ મહેતા એ તમામે કસોટીમાંથી પસાર થવું પડ્યું છે અને એ લોકો સફળતાથી પાર ઉતર્યા છે. આજકાલ સોશિયલ મીડિયા પર સરકારની કોઈ ઉપલબ્ધિના વખાણ કરે તેનું તાત્કાલિક ભક્ત તરીકે બ્રાન્ડીંગ થાય છે. ભક્ત જેટલો કટ્ટર એટલા એના વિરોધીઓ પણ વધુ. ‘ભક્ત’નું લેબલ ધરાવતા આવા લોકોને ઘેરીને એમના આરાધ્ય વ્યક્તિ વિશેષ વિષે વિવિધ પ્રશ્નો પૂછીને એમની ભક્તિની કસોટી કરવામાં આવે છે. ફિલ્મ રીલીઝ વખતે શાહરૂખ ઉર્ફે અમારા પ્રિય ‘જમરૂખ’ની નાટકબાજીને લઈને એના ભક્તોને સોશિયલ મીડિયા પર ઘેરીને એમની કસોટી કરવામાં આવે છે. આ એક પ્રકારની મોક-ફાઈટ છે જેમાં હારજીત જોયા વગર ઉભયપક્ષ ફક્ત લડવાનો આનંદ લેતો હોય છે. મા-દીકરો એકબીજાને ‘હત્તા હત્તા’ કરતા હોય એવું જ! ફક્ત આ હત્તામાં પ્રેમની બાદબાકી હોય છે.

ભક્તિનો માર્ગ એટલો સરળ નથી. હરિનો મારગ એ શૂરાનો મારગ ગણાય છે. એમાં મહીં પડવાનું મુખ્ય છે. જોકે ક્યાં પડવાનું છે એ બાબતે સ્પષ્ટતા નથી. કાઠીયાવાડીમાં જેને ઉંધેકાંધ પડવું કહે છે એ શ્રેષ્ઠ ગણાય છે. રાજકારણમાં આવા ભક્તો વધુ જોવા મળે છે. નેતાની ભક્તિ કરી કરીને સત્તાના કેન્દ્રની નજીક પહોંચી ગયેલા ભક્તો સસ્તાભાવે સરકારી જમીનો અને કરોડોના કોન્ટ્રકટથી લઈને બોર્ડ, કોર્પોરેશનો અને સરકારના જાહેર સાહસોમાં નિમણુક રૂપી ‘મહાસુખ’ માણતા હોય છે. આમાં ‘દેખણહારા’ એટલેકે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અથવા ટીવી ચેનલવાળા ‘દાઝે’ ત્યારે આવા ભક્તોની કસોટી થતી હોય છે.

ભક્ત ભક્તિ કરે પણ જેની ભક્તિ કરે છે તેના અવગુણ એના ધ્યાન પર આવતા નથી. હવે તો કોઈપણ જાતનો ગુણ ન હોય એવા લોકોના ભક્તો પણ મળી આવે છે. કદાચ આને જ નિર્ગુણની ભક્તિ કહેતા હશે. આવા ભક્ત આંખ બંધ કરે તો એમને માત્ર ભગવાન દેખાય છે. ટૂંકમાં તમે અમુક ચોક્કસ વ્યક્તિમાં રહેલી ખોટ, ખામી કે એબ જોયા વગર એને ચાહતા હોવ કે એના અનુયાયી હોવ તો તમે એ વ્યક્તિના ભક્ત ગણાવ. એનાથી વિરુદ્ધ જો તમને કોઈ એક વ્યક્તિની વાણી, વિચાર અને વર્તન સામે સખ્ત વાંધો હોય છતાં તમે એની સામે વ્યક્ત કરી શકતા ન હોવ તો તમે એક પતિ છો અને સામી વ્યક્તિના પ્રેમ ખાતર તમે આ બધું ચલાવી લ્યો છો. આ વિશિષ્ઠ પ્રકારની નિષ્કામ ભક્તિ છે જેમાં ફળની આશા રાખ્યા વગર સંપૂર્ણ રીતે સમર્પિત થઇ જવાનું હોય છે. પૂર્વાશ્રમમાં એટલે બ્રહ્મચર્યાશ્રમમાં સીમાપાર જઈને હેન્ડ પંપ ઉખાડીને દુશ્મનોને ફટકારવાની હામ ધરાવનારા ભડવીરોને અમે લગ્ન બાદ ડાકૂઓની જેમ શસ્ત્રો હેઠા મુકીને આત્મસમર્પણ કરતા જોયા છે. આ અહમ ઓગાળવાની વાત છે. ઈશ્વરની ભક્તિમાં પણ એ જ વાત છે ને? એટલે જ કહ્યું હશે કે ‘યત્ર નાર્યસ્તુ પૂજયતે રમન્તે તત્ર દેવતા:’. જરૂર આ સૂત્રનો મર્મ પકડવાની છે. આ સૂત્રને સાચા અર્થમાં અમલમાં ન મૂકનારના જીવનમાં દેવતા મુકાઈ જાય છે.

મસ્કા ફન

પૂર્વગ્રહો સાથે જીવવું એ હેન્ડબ્રેક ચડાવેલી ગાડી ચલાવવા બરોબર છે.

Wednesday, May 24, 2017

પીન ચોંટી જાય ત્યારે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૪-૦૫-૨૦૧૭

ગ્રામોફોન વાપર્યું કે સાંભળ્યું હોય એમને ખબર હશે કે રેકર્ડ વગાડતી વખતે ઘણીવાર એની પીન ચોંટી જાય અને એકનો એક શબ્દ કે ગીતનો ટુકડો ફરી ફરી વાગ્યા કરે. એક જમાનામાં ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસના કાર્યક્રમોમાં આવી રેકોર્ડ ઘણીવાર વાગતી. ગીત વાગતું હોય ‘તુને કાજલ લગાયા ...’ અને ‘કલ નહિ આના મુઝેના બુલાના ...’ પર પીન અટકે પછી દસવાર ‘કલ નહિ આના મુઝેના બુલાના ...’ વાગે. પછી એનાઉન્સરનું ધ્યાન જાય અને એ ટપલું મારે એટલે ‘અંબુઆ કી ડાલી પે ગાય મતવાલી ...’થી આગળ ચાલે. રેકર્ડમાં એટલું સારું હતું, બાકી કેસેટ આવી એમાં એકવાર ટેપ ગુંચવાય પછી એના તોરણો જ બને. કોમ્પુટર કે મ્યુઝીક પ્લેયર તો સીડીમાં ક્રેક કે સ્ક્રેચ પડે એટલે ઘરડા મા-બાપની જેમ એના અસ્તિત્વની નોંધ લેવાનું સાવ બંધ જ કરી દે. વ્યવહારમાં પણ એવું બનતું હોય છે કે લોકોની પીન એકવાર ચોંટે પછી ઉખડે જ નહીં. નેતાઓમાં કોકની ઈ.વી.એમ. ટેમ્પરિંગ પર તો કોકની દલિત પર, અભિનેતાઓમાં કોકની કિક પર તો કોકની કિસ પર, લેખકોમાં કોકની કૃષ્ણ પર તો કોકની સેક્સ પર, અને જનતામાં કોકની હરડે પર તો કોકની લીમડા પર, પીન એકવાર ચોંટે પછી ઉખડતી નથી. 
 
અમારા એક મુરબ્બીની પીન લીમડા ઉપર અટકેલી. એ લીમડાના એટલા મોટા ફેન કે ચૈત્ર મહિનામાં એમના ઘેર કોઈ મહેમાન તરીકે જવા તૈયાર ન થાય. જે આવે એને લીમડાના રસનો ગ્લાસ પકડાવી દે. એમના ઘરના કામવાળા સુધ્ધા કામ છોડીને નાસી જાય એવો એમનો લીમડા પ્રેમ. એમને જયારે ચિકુન ગુન્યા થયો ત્યારે મહિના સુધી કોઈને મોઢું દેખાડ્યું નહોતું. પણ અમે ફોન કરીને એમની ખાસ ખબર પૂછી હતી!

રેકોર્ડમાં એવું હોય કે એ ઘસાય એટલે પીન ચોંટે. જેટલો ઘસારો વધુ એટલી પીન વધુ ચોંટે. પણ માણસોમાં આવો ઘસારો ભૌતિક હોવો જરૂરી નથી. અમુક ઘસારા માનસિક હોય છે. માણસ સાથે કોઈ વિશ્વાસઘાત થાય કે મોટુ આર્થિક નુકશાન થાય અને એને લઈને ડાગળી ચસકે ત્યારે ઘણા કિસ્સાઓમાં પીન અટકી જતી હોય છે. નાના હતા ત્યારે અમારા વિસ્તારમાં બાબુલાલ નામના એક પાગલ આધેડ ફરતા. એમની પીન લાડવા ઉપર અટકેલી. જે મળે એની પાસે એ લાડવા માંગતા. આખા ગામમાં એ ‘બાબુ લાડવા’ તરીકે પ્રખ્યાત. એમની વિચિત્ર બાબત એ હતી કે એ કોઈની પાસે લાડવા માંગે અને સામેવાળો ભૂલથી એની પાસે કંકોતરી માંગે એટલે બાબુલાલની છટકતી. હાથમાં પથ્થર લઈને બાબુલાલ એ કંકોતરી માગનારને રીક્ષાના મીનીમમ ભાડા જેટલું દોડાવતા. વાયકા એવી હતી કે બાબુલાલના લગનના લાડવા બની ગયા હતા એ સમયે જ કન્યા બીજા સાથે ભાગી ગયાના સમાચાર આવેલા અને બાબુલાલ સુધબુધ ખોઈ બેઠેલા. લગભગ ત્રણેક મહિના સુધી મૌન રહ્યા પછી એક દિવસ બાબુલાલ બોલ્યા ‘લાડવા આલો ને ...’. બસ, પછી એ એમનો તકિયા કલામ બની ગયેલો.

તકિયા કલામ અથવા Catchphrase પોતે જ એક પ્રકારની અટકેલી પીન ગણાય. કેટલાક કવિઓ અમુક ચોક્કસ કેન્દ્રવર્તી વિચારની આસપાસ જ લખતા હોય છે. જેમ કે મૃત્યુ, પ્રેમ કે પછી રાધા-કૃષ્ણ. જ્યારે ઘણા કવિઓની પીન ટહુકા કે મોરપીંછ પર અટકેલી હોય છે. એ સહરાના રણ ઉપર કવિતા લખે એમાં પણ ટહુકો આવે આવે ને આવે જ! હિન્દી ફિલ્મોના આવા તકિયા કલામ જાણીતા છે. મુગેમ્બોનો તકિયા કલામ હતો ‘મુગેમ્બો ખુશ હુઆ.’ ધર્મેન્દ્રની પીન ‘કુત્તે કમીને મૈ તેરા ખૂન પી જાઉંગા’ પર અટકેલી. ગબ્બર સિંઘની પીન રામગઢ પર અટકેલી હતી. સેટમેક્સ ચેનલની પીન સૂર્યવંશમ પર અટકેલી છે. રાજકાણીઓમાં સ્વ. રાજીવ ગાંધીની પીન ‘હમેં દેખના હૈ..’ પર અટકતી. કેજરીવાલની પીન ‘સબ મિલે હુએ હૈ’ પર અટકેલી છે. અને આપણા સાહેબ જ્યારે બોલે કે ‘મેરે પ્યારે દેશવાસિયો...’ ત્યારે આજે પણ દેશવાસીઓના પેટમાં ફાળ પડે છે.

ગુજરાતી લેખકોની પીન મોટે ભાગે ‘હું’ પર અટકે છે. કોકના બેસણામાં પણ પોતાની જ વાતો કરે. થોડી વધારે ઘસાય એટલે આવી પીનો ‘હું સાચો’ પર અટકી જાય છે. પાછું પોતે એમ સમજતા હોય કે ‘હું મારા નિર્ણયો અને વિચારો પર અડગ છું’. એલેકઝાન્ડર હર્ઝ્નના કહેવા મુજબ આવા લોકો મડદા જેવા હોય છે, એમના ટુકડા કરી શકાય પણ એમને કન્વીન્સ ન કરી શકાય!

રાજકારણીઓ, ફિલ્મ કલાકારો અને ખેલાડીઓની કૃપાથી આજકાલ સોશિયલ મીડિયા ધમધમે છે. સોશિયલ મીડિયામાં દરેકની પીન ક્યાંક ને ક્યાંક અટકતી હોય છે. કોઈ ચોક્કસ વિષય કે ઘટના પર સામુહિક રીતે પીન અટકે એને ‘ટ્રોલિંગ’ કહે છે. તાજેતરમાં જ ટ્વિટરબાજીમાં કોઈએ સોનું નિગમનું માથું મુંડી આવનારને દસ લાખ રૂપિયા ઇનામ આપવાનું જાહેર કર્યું. તો સોનું નિગમે જાતેજ માથું મૂંડાવીને દસ લાખ રૂપિયાની માગણી કરી​!​ હવે કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો!​ ​સામેવાળી પાર્ટી ‘સોનુ એ બધી શરતો પૂરી કરી નથી’ એમ કહીને ફરી ગઈ! ટૂંકમાં સોનુની એ હાલત થઇ કે ‘બકરે કી જાન ગઈ ઔર ખાનેવાલે કો મજા ન આયા’!! પણ આ મુંડનના દસ લાખે સોશિયલ મીડિયાના ત્રણ દિવસ ટૂંકા કરી આપ્યા.

વારેઘડીયે પીન ચોંટતી હોય તો રેકર્ડ બદલવા સિવાય કોઈ ઉપાય નથી હોતો. પરંતુ માણસ બદલી શકાતો નથી. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. રેકોર્ડ જે જમાનામાં વપરાતી એ સમયના જાણીતા વિલન પ્રાણની પ્રકૃતિ જોકે જાતજાતના રોલ કરવાની હતી, એટલે દરેક ફિલ્મમાં ગેટઅપ બદલ્યા કરતા. અમે તો માનીએ જ છીએ કે બદલી શકાતું હોય એ બધું બદલી નાખવું જોઈએ. જોકે તમે જે ઇચ્છતા હશો એ બદલવું એટલું સહેલું નથી, ખાસ કરીને હિંદુ ધર્મમાં, એ સૌ જાણે છે.

મસ્કા ફન

માણસને પોતાના નસકોરાં સંભળાતા નથી.