Tuesday, June 14, 2011

આંદોલન


મુંબઈ  સમાચાર, વરાઇટી સપ્લીમેન્ટ, ૧૨-૦૬-૦૨૧૧
આંદોલન શબ્દની વ્યાખ્યા આપવાની જરૂર નથી. છાપાં વાંચનાર દરેક વ્યકિત દેશમાં ચાલતા જાતજાતના આંદોલનોથી વાકેફ તો હશે જ. જ્યારે આંદોલન સફળ થાય એટલે ફટાકડા ફોડી, કોકની નનામી બાળી, પેંડા વહેંચી, આંદોલનના નેતાને ખભે બેસાડી ઉજવણી થાય છે. આંદોલન જો નિષ્ફળ જાય તો એનાં નેતાને અને પછી પ્રજાને ગાળો દેવાય છે કે ‘કોઈમાં પાણી નથી’. અમુક આંદોલન સફળ થાય તો ઇતિહાસ એને ક્રાંતિ તરીકે ઓળખાવે છે. અને જો નિષ્ફળ જાય તો એને બળવાનું નામ અપાય છે. અને એ બળવો કેમ નિષ્ફળ ગયો એનાં કારણો ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં સમાવવામાં આવે છે. અથવા તો એ બળવાની એક વાર્તા પરથી બે ત્રણ ફિલ્મ બને છે. બળવો નિષ્ફળ જાય પણ એ બળવા પર આધારિત નવલકથાઓ અને ફિલ્મો ઘણીવાર સફળ થાય છે.

જોકે છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં થયેલ આંદોલનોનો ઇતિહાસ તપાસો તો જાણવા જેવું ઘણું મળે. આંદોલનો શાંત પાણીમાં પથરો નાખતા થતાં આંદોલનો જેટલા સરળ અને પ્રેડીકટેબલ નથી હોતા. પ્રજાને ઉપરથી આંદોલન નિષ્ફળ ગયેલું લાગે ત્યારે ઘણીવાર આંદોલનકારી નેતા રાતોરાત કરોડપતિ બની જાય છે કે એને કોક પ્રોજેક્ટમાં કે કંપનીમાં પાર્ટનરશીપ મળી જાય છે. સફળ આંદોલનથી પ્રજાને બીજું કશું મળે કે ન મળે એક નેતા જરૂર મળે છે, જેની સામે પ્રજા ભવિષ્યમાં નવા આંદોલનો કરે છે. પૂર્વાશ્રમમાં યુનિયન લીડર તરીકે નામ કાઢનાર જ્યોર્જ ફર્નાન્ડીસ જ્યાં યુનિયનબાજી બિલકુલ ન ચાલે તેવા ડિફેન્સ ખાતાના મંત્રી બને છે. નવનિર્માણ આંદોલન જે ચીમનલાલને ગાદીવિમુખ કરે છે તો વરસો પછી એજ પ્રજા એજ ચીમનલાલને ગાદી આપે છે. અહિ ગુજરાતમાં અનામત આંદોલન કોમી હુલ્લડમાં ફેરવાઈ જાય છે તો આંદોલનના નેતાઓ પાણીમાં પણ બેસી જાય છે. 

સભા, સરઘસ, દેખાવો, ઉપવાસ, આવેદન પત્ર આપવું, પથ્થરબાજી, નનામી બાળવી, આગ ચાંપવી આ બધાં આંદોલનકારીઓનાં શસ્ત્રો છે. અહિંસક તરીકે શરુ થયેલા આંદોલનો ગણતરીના સમયમાં હિંસક આંદોલનમાં બદલાઈ જાય છે. ટોળું ભેગું થાય એટલે ફક્ત ‘મારો મારો’ બોલવાની જ જરૂર છે, પછી કોને મારવું અને શું મારવું એ માટે ટોળાને માર્ગદર્શનની જરૂર નથી હોતી. અને આમ છતાં બાજી હાથ બહાર જતી રહે તો નેતા પાસે ભવિષ્યમાં મગરના આંસુ સારવાનો ઓપ્શન પણ હોય છે જ. ઘણીવાર આ આંદોલનોમાં ‘તુલસીદાસ ચંદન ઘસે ઔર તિલક કરે રઘુવીર’ જેવું પણ થાય છે! બને એવું કે અંદોલનની સફળતા માટે ઘરબાર પડતું મૂકી ને નીકળી પડનાર તુલસીદાસ પોલીસદમનથી ઘાયલ થઈ ને હોસ્પિટલનાં ખાટલે હોય અને દંડાબાજી વખતે પહેલી રિક્ષા પકડનાર રઘુવીરનો ઇન્ટરવ્યુ ટીવી પર બ્રેકિંગ ન્યુઝમાં ચાલતો હોય !

અમુક આંદોલન ઘણાં આશ્ચર્યજનક હોય છે. એમાં સરકારી કર્મચારીઓનું વર્ક-ટુ-રુલ આંદોલન તો રમુજી પણ છે. અમને તો શરૂઆતમાં એમ હતું કે આ આંદોલન સરકાર પ્રેરિત અને કર્મચારીઓમાં જાગૃતતા લાવવા થતું હશે. અને કર્મચારીઓ આ અંદોલન દરમિયાન તો કમ-સે-કમ નિયમ પ્રમાણે કામ કરતાં હશે. જેમ કે સમયસર ઓફિસ આવવું, સમયથી પહેલા ઘેર ન જવું, સરકારી વાહનનો ઉપયોગ પર્સનલ કામ માટે ન કરવો, લાંચ ન લેવી, ફાઈલ દબાવી ન રાખવી વિગેરે વિગેરે. પણ પછી અમને કોઈકે જાણકારી આપી કે એ અમારી નાસમજ હતી. આ વર્ક-ટુ-રુલ પછીનાં નંબરે અનિશ્ચિત મુદતના બોલે તો ફ્લેક્સિબલ ઉપવાસ આવે છે. આમાં સમય સંજોગો જોઈને પલટી મારવાનો રસ્તો ખુલ્લો રાખવામાં આવે છે. જો આંદોલનમાં જ્યારે નેતાઓને ‘હવે પછી શું કરવું ?’ તે સમજ ન પડે ત્યારે તેઓ અમુક તમુક દિવસે આશ્ચર્ય જનક કાર્યક્રમ આપવાની જાહેરાત કરે છે. આશ્ચર્યજનક કાર્યક્રમમાં તમે કઇક નવું જોવા મળશે એવું વિચારીને પહોચો તો ગેરન્ટેડ ગીફ્ટમાં જેમ પ્લાસ્ટીકનો ડબ્બો નીકળે એમ ખબર પડે કે અહિ તો ગધેડા ઉપર નેતાનો  ફોટો લગાડી સરઘસ કાઢવાનું છે ! હવે આમાં નેતાને શું ફેર પડે ? હા, ગધેડાઓને ખોટું જરૂર લાગી શકે !

સન્માનનીય ગાંધીજી એ વર્ષો પહેલા અંગ્રેજો વિરુદ્ધ અનેક આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું. એમનાં અહિંસક આંદોલનોમાં એમણે ઉપવાસ નામનું શસ્ત્ર વાપરેલું. ઉપવાસ નામનાં આ શસ્ત્રને વિશ્વભરમાં નેલ્સન મંડેલા સહિત અનેક લોકોએ વચેટીયાઓને વગર કોઈ કમિશન આપ્યે ઈમ્પોર્ટ કર્યું છે અને વાપર્યું છે. ગાંધીજી મૃત્યુ સુધી અતિવ્યસ્ત હતાં એટલે કદાચ એ આ શસ્ત્રની પેટન્ટ કરાવી શક્યા નહોતા. એટલે જ કદાચ આઝાદ ભારતમાં ગાંધીજીના આ શસ્ત્રને મન ફાવે તેમ વાપરવામાં આવે છે.

હાલમાં કાળા નાણાં વિરુદ્ધ આંદોલન ચલાવતા યોગગુરુ બાબા રામદેવ કદાચ યોગની શક્તિથી તડકાને ટાઢકમાં ફેરવી શકતા નહિ હોવાથી એમણે રામલીલા મેદાનમાં ઉપવાસ કરવા માટે કરોડોના ખર્ચે એર-કન્ડીશન તંબુઓ ઉભા કર્યા હતાં. અમારો ઘણો જ જાણકાર મિત્ર જૈમીન જાણભેદુ ખબર લાવ્યો એ ચોકાવનારી છે. એની ખબર મુજબ દિલ્હીમાં વર્ષોથી ઈલેક્ટ્રીસિટીનાં ધાંધિયા છે એટલે સરકારને એમ હતું કે ઈલેક્ટ્રીસિટી વગર એરકન્ડીશન નહિ ચાલે અને એટલે ઉપવાસ પણ નહિ ચાલે. આમ ઉતાવળમાં ઉપવાસની પરમીશન પણ આપી દીધી હતી. પરંતુ પછી ખબર પડી કે એસી તો જનરેટરથી ચલાવવાના છે એટલે સરકારે ફેરવી તોળવ્યું. જૈમીનની વાતમાં દમ તો છે. આ ગઠબંધન સરકાર છે, અને એ વિશ્વાસથી ચાલે છે. થરૂર પર વિશ્વાસ, રાજા પર વિશ્વાસ, કલમાડી પર વિશ્વાસ, અરે આ વિશ્વાસમાંને વિશ્વાસમાં તો મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ પણ જોયા વગર જ આ સરકારે પાકિસ્તાનને મોકલી આપ્યું હતું !

પણ આમાં જે સત્ય હોય તે, પણ હકીકત એ છે કે બાબાના આંદોલનને દબાવી દેવા ઊંઘતા અનુયાયીઓ પર રાતોરાત છાપો મારવામાં આવ્યો. વડાપ્રધાને આ સિવાય કોઈ વિકલ્પ નહોતો એમ કહી હમેશની જેમ લાચારી વ્યકત કરી છે. અને કોર્ટે દિલ્હીના પોલીસ કમિશ્નર અને અગ્ર સચિવને આ સંદર્ભે બે અઠવાડિયામાં ખુલાસો કરવા કહ્યું છે. અને સરકાર ખુલાસો કરે તો પણ પ્રજાને એ ખુલાસો બીજા જુઠ્ઠાણાઓની જેમ ગળે ઉતરે છે કે નહિ એતો સમય જ બતાવશે

5 comments: