Monday, October 10, 2011

બીગ બી ને બર્થડે વિશ ...


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત વાતની વાત | ૦૯-૧૦-૨૦૧૧ | અધીર અમદાવાદી |

ડિયર વિજય ઉર્ફે બાબુ મોશાયજી,

સૌથી પહેલાં તો આ અગિયારમીએ આવનારા તમારા જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ. તમે આમ યુવાનોને શરમ આવે એટલી સ્ફૂર્તિથી અને લગનથી સદાય કામ કરતાં રહો તેવી પરમકૃપાળુને નમ્ર પ્રાર્થના. ઉપરવાળો તમારી આયુષ્યની રેખા લાંબી કરે. ના, આમાં કોઈ પન નથી! જોકે તમારાથી અમે નારાજ પણ છીએ. થોડા સમય પહેલાં તમે અમદાવાદ આવ્યા હતાં, અને અમને મળ્યા વગર જતાં રહ્યા? આમેય અમે તમારા ગુજરાત માટેના પ્રેમને લીધે પહેલેથી ગદ્દગદિત છીએ ને એમાં તમે આમ આવીને ચાલ્યા જાવ એટલે અમે તો લગભગ રડમસ થઈ જઈએ ને?

વિજય દિનાનાથ ચૌહાણ, વરસોથી તમને અમે એન્ગ્રી યંગમેન તરીકે જોયા છે. અને એમાં તમે ઢીશુમ ઢીશુમ કરીને વિલનોની જે ધુલાઈ કરતાં હતાં તે જોઈને સિનેમાગૃહમાં અમારી મુઠ્ઠીઓ વળી જતી હતી. પછી  તમે પોતે રાજકારણમાં ગયા ત્યારે તો અમને થયું કે બસ હવે ખલાસ! દેશના બધાં પ્રોબ્લેમ સોલ્વ થઇ જશે. પણ એવું કશું થયું નહિ, અને તમે પછી સમજીને બાઇજ્જત પોલિટિક્સમાંથી બહાર નીકળી ગયાં. પણ જે થાય તે સારા માટે થાય છે, એવું અમને તો ઠીક તમને પણ હવે લાગતું હશે. એટલે હજુ પણ તમે બુઢઢા હોગા તેરા બાપ કહી શકો છો. દાદા, કોની મજાલ છે તમને ઘરડાં કહેવાની છે? અરે તમે તો આ ઉંમરે દાઢીની ફેશન લાવી ગામેગામ હેરકટિંગ સલુનનો ધંધો મંદો કરી નાખ્યો છે. બાકી તમારી ફિલ્મોની રીમેક ભલે બને, બોક્સ ઓફિસ પર સફળ પણ થાય, પણ તમારી લીટી નાની કરી શકે એવી કોઈની મજાલ નથી.

સર, તમે કરોડપતિ બનાવતા શોમાં સ્પર્ધકો સાથે જે રીતે આદરપૂર્વક વર્તો છો એ જોઈને અમારી યુનિવર્સીટીના કુલપતિ નિસાસા નાખે છે, કે કાશ વિદ્યાર્થી નેતાઓ અમારી સાથે ક્યારેક આવું પ્રેમાળ વર્તન કરે તો? અને જે રીતે તમે એક રાઉન્ડ પતે અને સુટનાં બટન વાસતા દોડીને જાવ છો એ જોઈ અહિ કેટલાંય કાકાઓ આપણે ની-રિપ્લેસમેન્ટ કરાવી નાખવા જેવું છે, એમ બોલી નિસાસા નાખે છે. અને જ્યારે તમે કોઈ પ્રતિસ્પર્ધીને એક મિનીટ ધારીને જોઈ રહો છો, ત્યારે ઓડિયન્સ સહિત બધાં હસી પડે છે. સર, તમારો કરિશ્મા કંઇક ઓર છે. સાચું કહું, એટલે તમને નજર લાગી જાય છે.

તમે શોલે ફિલ્મમાં જયનો રોલ ઘણો સરસ કર્યો હતો. અરે તમે શોલેમાં જે અદાથી રકાબીમાં ચા પીધી હતી, અદામાં તો હજુય અમે ચા પીએ છીએ, પણ ખાસ અવા કરીને. જોકે એ કારણસર તમારી ભાભીએ ઘણી વખત ઘર છોડી દેવાની ધમકી આપી છે, પણ એવું ચાલ્યા કરે. શોલેમાં જેમ તમને વીરુના કોઈ અવગુણ નજર તા આવ્યા એમ વાસ્તવિક જિંદગીમાં પણ તમારા મિત્રોનાં અવગુણ તમને કદી નથી દેખાયા, તમારી દ્રષ્ટિ આમ ફિલ્મની અંદર અને બહાર સરખી છે, આવું જવલ્લે બને છે. યાદ છે, શોલેમાં તમારી પાસે બે બાજુ એક સરખો હોય તેવો સિક્કો હતો? એ સિક્કા પર રાજાનું ચિત્ર હતું. એટલે હેડ કહો કે ટેઈલ, બંને બાજુ રાજા દેખાય. શોલેના ત્રીસ વરસ પછી પણ કન્સેપ્ટ ગુજરાતમાં હીટ ગયો છે!

વિજયભાઈ, તમે ગુજરાત ટુરિઝમના પ્રમોશન માટે ખુશ્બુ ગુજરાત કી સ્લોગન આપ્યું એટલે અમે તો મઘમઘી ઉઠ્યા છીએ. બાકી ગુજરાતની ખુશ્બુ વિષે અમને પોતાને ખાસ ખબર નહોતી. કચ્છનું શ્વેત રણ, ગીરના સાવ એ બધું તો પહેલાં પણ હતું, પણ તમારા આવવાથી વધારે ખીલી ઉઠ્યું છે. બાકી અમને તો ગુજરાતી ગોળ નાખેલી દાળની સુગંધ, રેલવે મુસાફરીમાં ગુજરાતી પરિવારનો ડબ્બો ખુલે તો ઢેબરાંની ખુશ્બુ અને લો ગાર્ડન જેવી ખાઉગલીઓમા આવતી ભાજીપાઉંની ખુશ્બુ ખબર હતી. અરે, બીજું તો ઠીક અહિં શરાબ પર પ્રતિબંધ હોવાથી દારુની ખુશ્બુની પણ અમને ખબર નથી. સાચે . મને ખબર છે તમે નહિ માનો, કારણ કે આ વાત એક પોલીસવાળાને મેં કહી હતી તો એ પણ નહોતો માન્યો!

ઈશ્વરચંદ્ર ઠાકુર, વક્ત ફિલ્મમાં તમે આ ગુજરાતી રોલ કર્યો હતો. વિપુલ શાહનાં આંખે અને વક્ત ગુજરાતી નાટકો પર આધારિત હતા, એ સિવાય તમારું ગુજરાત કનેક્શન ખુશ્બુ ગુજરાત કી સિવાય ખાસ નથી રહ્યું. એટલે હમણાં છાપામાં સમાચાર વાંચ્યા કે તમે ગુજરાતી ફિલ્મ બનાવવાના છો ત્યારે અમે ચકિત થઈ ગયાં! એટલું નહિ, તમે ગુજરાતીમાં ડાયલોગ બોલો તો કેવા લાગે? તે અંગે અમે ઘણાં તર્ક વિતર્ક પણ કરી નાખ્યાં. તમારો દીવારનો પેલો પ્રખ્યાત ડાયલોગ જેમાં તમે ભગવાનને કહો છો કે આજ ખુશ તો બહોત હોંગે... એનું ગુજરાતીકરણ થાય તો તમે ટ્રાફિક પોલીસને કહેતા હોવ કે તું તો બવ ખુશ થઈશ નઇ આજે ? કે ઘણા દાડે વિજ્યો પકડાયો સે, પણ હેલ્મેટ વગર!. ને પછી કાલિયાનો હું જ્યોં ઊભો રઉં, લાઈન ત્યોંથી સરુ થાય સે ની જાય. તો શહેનશાહનો પેલો રીશ્તેમે તો હમ તુમ્હારે બાપ ... ડાયલોગ ઓમ તો મુ તમાર હગામોં થાઉં સુ, ખબર નહિ? આપડું નામ સે ... સોહન શાહ ની જાય!

સારું, સારું. આવાં વધારે ડાયલોગ લખીશ તો તમે ગુજરાતી ફિલ્મ બનાવવાનું કદાચ માંડી વાળશો, એટલે હું આટલે અટકું છું... લી. તમારો અધીર ચાહક


2 comments:

  1. આ ડોનડાની રહું તો ૧૧ -૧૧ ગામ ના સરપંચું ઝોવે સે .....

    પણ નાવરીનાવ ડોનડા ને પકડવો મુશ્કેલ જ ની ના મુમકીન સે...

    ReplyDelete
  2. બીગ બી ને બર્થ ડે વીશ એટલે આપળી વીશ તેમની પાસે પહોંચે તેની પહેલા 25 કરોડ વીશ પહોંચી ગઈ હોય, આપળી વીશ પહોંચતા બીજી બર્થ ડે આવી જાય..........

    ReplyDelete