Sunday, January 01, 2012

હું કેવી લાગુ છું ?


 મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૧-૦૧-૨૦૧૨ |અધીર અમદાવાદી |

એવું કહેવાય છે કે પાંચ મિનીટ કેટલી લાંબી છે તે તમે બાથરૂમના દરવાજાની કઈ તરફ ઊભા છો એના પર આધાર રાખે છે. દરવાજાની બહાર ઊભા રહેનારને પાંચ મિનીટ ઘણી વખત પાંચ કલાક જેટલી લાંબી લાગતી હોય છે. પત્ની તૈયાર થતી હોય એ દરમિયાન પતિઓની હાલત પણ મોટે ભાગે બાથરૂમના દરવાજાની બહાર ઊભેલા વ્યક્તિ જેવી હોય છે. અહિં પાંચ મિનિટ માત્ર ઉદાહરણ તરીકે વાપરી છે, બાકી પત્નીને  તૈયાર થવા માટે પાંચ મિનીટ આપવી અને મંત્રીને ભાષણ કરવાં માટે પાંચ મિનીટ આપવી, એ બેઉ એક સરખા અપમાનજનક છે.

સ્ત્રીઓને તૈયાર થતાં વાર થવાનું એક કારણ સાડી છે. ભારતીય સ્ત્રીઓને જોકે સાડી પહેરવાની કળા વારસામાં મળે છે. એક જમાનામાં મુમતાઝ કરીને એક હીરોઈન આવી હતી જે સાડી પહેરવાને બદલે લપેટીને ફરતી હતી, અને હીરો-હીરોઈન કરે તે લીલા મુજબ આ લપેટવાની સ્ટાઇલ ફેશનમાં પણ હતી. હવે પહેલાની માફક કૉલેજ અને ઓફિસમાં સ્ત્રીઓ સાડી પહેરવું પસંદ નથી કરતી એટલે સાડી પહેરવાનો વારો સામાજિક પ્રસંગોએ આવે. એટલે વધારે ચીવટ અને વધારે સમય લઇ સાડી પહેરાય છે. આમ ખાસ્સી મહેનત પછી સાડી પહેરી હોય, અને ઉપર મેકઅપ કર્યા બાદ પત્ની ઓડિયન્સ સમક્ષ ઉપસ્થિત થતાં પહેલાં સેકન્ડ ઓપિનિયન માટે પતિને પૂછે છે કે હુ કેવી લાગુ છું?. સેકન્ડ ઓપિનિયન એટલાં માટે કે પહેલો ઓપિનિયન એ અરીસા સામે જોઈને પોતે જાતે આપે છે!

હું કેવી લાગુ છું? ડેડલી પ્રશ્ન છે. એટલે વિદ્યાર્થીઓનાં હિતમાં ગુજરાતી વિષયની પરિક્ષામાં કદીય પ્રશ્ન કોણ પૂછે છે, અને કોને પૂછે છે? એવાં સવાલો પૂછાતાં નથી. વિક્રમ બહુ ન્યાયપ્રિય રાજા હતો એટલે એ જમાનામાં રાઈટ ટુ ઇન્ફર્મેશન નહોતું, છતાં વેતાળ પચ્ચીસીમાં વેતાળ વિક્રમને પ્રશ્ન પૂછી ધર્મ સંકટ મૂકી દે છે. વેતાળના પ્રશ્નનો સાચો જવાબ જાણતો હોય તો વિક્રમે જવાબ આપવો પડે, અને જો એ સાચો જવાબ આપે તો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યા પછી કૉમ્પ્યુટર રીસ્ટાર્ટ થાય એમ વિક્રમે સ્માશનમાં જઈ મડું ઉતારવાની વિધિ નવેસરથી કરવી પડે છે. રાજા વિક્રમને વેતાળે આ પ્રકારનો પ્રશ્ન પહેલી વારમાં પૂછ્યો હોત તો વિક્રમ ચોક્કસ ગૂંચવાઈ જાત અને બીજાં ચોવીસ ધક્કા બચી જાત !

હું કેવી લાગુ છું? પ્રશ્ન જો કવિને પૂછવામાં આવે તો રસિક જવાબ મળે. કવિઓ સામાન્ય રીતે જીવન નિર્વાહ માટે નોકરી ધંધો પણ કરતાં હોય છે પણ એમની નોકરી કદાચ એવી હશે કે એમને ફુરસદ મળી જતી હશે. એટલે જો તૈયાર થયેલી સ્ત્રી પોતાના કવિ પતિને પૂછે કે હું કેવી લાગુ છું? તો  કવિ એની સુંદરતાનાં વખાણમાં કોઈક કવિતા ચોપડાવી દઈ શકે છે. સમજદાર પત્નીઓ તો આવી ભુલ કરે નહિ, પણ ધારો કે કોઈ નાસમજ પત્નીએ આવી ભુલ કરી તો? તો કવિ કાગળ લઈને બેસી જાય છે. હાસ્તો, છંદ અલંકાર બધું મેળવીને કવિતા કે ગઝલ રચાય એમ થોડું રોડ રોમિયોની જેમ વ્યાકરણ અને ભાષાની શુદ્ધિ વગર લવારા ચાલુ કરી દેવાય છે? એટલે ખાસ્સો સમય લઇ તૈયાર થયેલી પત્ની પર કવિતા કે ગઝલ લખવામાં કવિ બીજો કલાક કાઢી નાખે છે, અંતે બેઉ જણાને રીસેપ્શનને બદલે રેસ્ટોરાંમાં ખાવાનો વારો આવે છે. એટલે અમે આગળ કહ્યું તેમ અનુભવી પત્નીઓ કવિ પતિને આવા પ્રશ્ન પૂછવાની ભુલ હરગિજ નથી કરતી!

પણ તૈયાર થયા પછી પત્ની જ્યારે પતિને પૂછે કે હું કેવી લાગુ છું? એટલે પતિની પરિક્ષા શરુ થઇ જાય છે. સૌ રસિકજનોને ખબર છે કે સવાલનો જવાબ સ્ત્રી શું ઈચ્છે છે. પણ એને બહુ જાડી લાગે છે કે તાડકા જેવી લાગે છે એવું કહેવાની હિંમત તો ભાગ્યે કોઈની હોય છે. અને લાલ સાડી પહેરી હોય અને પેલી જોકમાં આવે છે એવી પોસ્ટ ઓફિસના ડબ્બા જેવી લાગતી હોય તો પણ ભાગ્યે કોઈ આ સત્ય બોલી શકે છે. જો દ્રૌપદીએ તૈયાર થઈને યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો હોત કે હું કેવી લાગુ છું? તો સારી લાગે છે એવું કહ્યા બાદ યુધિષ્ઠિર દ્રૌપદી વા સાડી વા ધીમેથી મનમાં બોલ્યા હોત અને બેઉ શોપિંગ કરવા જતા હોત ત્યારે દ્રૌપદી આજે રથ કેમ જમીન પર ચાલે છે? એ વિષયે ચિંતિત થઇ જાત. પણ મહાભારતમાં આવી કોઈ ઘટનાનો ઉલ્લેખ નથી એથી અમે દ્રૌપદી ખરેખર રૂપાળી હતી તેવી વેદ વ્યાસની વાત માનીએ છીએ. હાસ્તો, પુસ્તકોમાં લખેલું બધું સાચું માનીને અશ્વિની ભટ્ટની નવલકથાની હીરોઈન જેવી છોકરી સાથે લગ્ન કરવાની રાહમાં કેટલાય કુંવારા રહી ગયાનાં દાખલા છે!

પણ પત્ની પૂછે કેહું કેવી લાગુ છું? અને જો તમે ભૂલમાં પરિ જેવી લાગે છે એવું કહો તો પરિ કોણ છે? એવાં સવાલો સામે આવશે જાણજો. એમાં જો પેલીને પોતાને ખબર હોય કે પોતે પરિ જેવી નથી દેખાતી તો તો ખાસ. આમ થવાથી પતિની વિશ્વસનીયતા ખલાસ થઇ જાય છે અને ઉપરથી જુઠ્ઠાનું ઉપનામ પણ મળે છે. આવાં સંજોગોમાં અમારા લખેલાં પત્નીને ખુશ રાખવાના એકસો એક ઉપાયો પૈકીનો એક ઉપાય વાપરી શકાય. જો પત્નીનાં સવાલ હુ કેવી લાગુ છું? નો પ્રમાણિકપણે જવાબ આપવો શક્ય ન હોય તો તું આજે કંઇક જુદી લાગે છે એવું કહી વાત ઉંચી મૂકવી !

1 comment:

  1. Superb. LOL thanks for sharing. Please do forward your hilarious and meaningful articles. Love them. Again appreciated for the share.

    ReplyDelete