| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૨-૦૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |
ભારત દેશને સ્વતંત્રતા મળ્યે છ દાયકા વીત્યા પણ આપણી
પ્રજા નાહવા જેવી ગૌણ બાબતમાં પણ સ્વતંત્રપણે નિર્ણય નથી લઈ શકતી. આમ તો નહાવું કે
ન નાહવું એ આપણો અંગત વિષય છે. પણ જો મિડલ ક્લાસનો માણસ નહાય નહિ, તો એનાં ઘરમાં અને વાત
આગળ વધીને ઓફિસ અને સમાજમાં એ ચર્ચાય છે. ધર્મ રોજ નહાવાનું કહે છે એટલે કદાચ લોકો
રોજ નહાય છે. વેદ અને પુરાણોમાં ઉપવાસનો મહિમા ગવાયો છે, જેમાં મન અને તનની શુદ્ધિ માટે
અન્નનો ત્યાગ થાય છે. તો અણ્ણાને રામદેવ જેવા પોતાની વાત રજૂ કરવા ઉપવાસ કરે છે.
પણ વિરોધ પ્રદર્શનમાં નાહવાના ઉપવાસનો ઉપયોગ થતો સાંભળ્યો નથી. આ તો ખાલી આઇડિયા
આપું છું ઉપવાસવીરોને !
શિયાળો આવે એટલે છાપાઓ કાશ્મીરમાં બરફ પડ્યો અને
કચ્છમાં નલિયામાં કેટલું ન્યૂનતમ તાપમાન થયું એનાં આંકડા આપે એ જોઈ ઘણાં નબળા
હ્રદયના લોકો ઘેરબેઠાં ફફડી ઊઠે છે. નહાવાનું નામ માત્ર પડે તો અમુકને ઠંડી ચઢી
જાય છે. અમુકને તો સવારે બ્રશ કરીને મોઢું ધોતાં ડર લાગે એટલે ટુથપેસ્ટનું સફેદ
ફીણ હોઠની આજુબાજુ લાગેલું હોયને એ ચાનો કપ મોઢે લગાડી દે છે. કમનસીબે જેને નહાવું
ન ગમતું હોય તેવાં છોકરાઓની મમ્મીઓ છોકરાં નહાય એ માટે ખૂબ આગ્રહી હોય છે. જો કે
મોડર્ન મમ્મીઓ પોતે જ નહાવામાં સવારની સાંજ પાડી નાખતી હોય છે એટલે છોકરાઓને બહુ
તંગ નથી કરતી.