Wednesday, March 07, 2012

સાચા હીરા

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | 0૪-૦૩-૨૦૧૨ |અધીર અમદાવાદી |

શીલા કી જવાનીગીત બન્યું એ પછી શીલા નામધારી મહિલાઓને ઘણો ત્રાસ સહન કરવો પડ્યો છે. એવી જ રીતે વરસો પહેલાં હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યોએ કહેવત થકી હીરા નામની વ્યક્તિઓની ફીરકી ઉતારવામાં આવી હતી. બિચારાં હીરાલાલો સ્માર્ટ હોય તો પણ એમને સંતાતા ફરવું પડે તેવાં દહાડા આવ્યાં હતાં. પછી તો હીરા નામ પાડવાનું જ બંધ થઈ ગયું. જોકે અમારા મત મુજબ હીરાને આમ બદનામ કરનાર લોકો હીરાને ઘોઘે મોકલનારનો દોષ ભાગ્યે જ જુએ છે. જો હીરાને વ્યવસ્થિત સૂચના આપી હોત તો એ ચોક્કસ ધાર્યું કામ પતાવીને આવત, કારણ કે હીરો જેવો હતો તે, પણ હતો બહુ આજ્ઞાંકિત. અને આજકાલ આવા આજ્ઞાંકિત માણસો મળે છે જ ક્યાં ? જો આ ડેલીએ હાથ દેવાની ઘટના અત્યારે બને તો હીરો લગ્નના માર્કેટમાં એકદમ હીટ સાબિત થાય. કૂતરા અને પતિમાં આખરે સ્ત્રીઓ આ ગુણ તો જુએ છે! 

આ કહેવતના હીરા જેવા પતિ ઇચ્છતી સ્ત્રીઓનો હીરાનો શોખ પણ ઘણો જાણીતો છે. આ હીરા બોલે તો ડાયમંડ ઘણાં કઠણ હોય છે, સ્ત્રીઓના ઇરાદાની જેમ જ. હિન્દી ફિલ્મ અભિનેત્રીઓ વિદેશથી પાછી ફરે ત્યારે ત્યાંથી જાતે ખરીદી લાવેલ હીરાના દાગીનાની ડ્યુટી ભરવાનું ઘણીવાર ભૂલી જાય છે, પોતાના ભૂતકાળના કરેલાં લફરાંની જેમ જ. પણ કસ્ટમ અધિકારીઓ હીરા પકડવાનો સોનેરી અવસર ન જવા દેતાં તેઓ મનેકમને ડ્યુટી ભરે છે. આ તરફ ગુજરાતમાં તો ઘણી સ્ત્રીઓ પતિ મુંબઈ જાય તો ભોળાભાવે મારા માટે મુંબઈનો કવીન્સ નેકલેસ લેતાં આવજોએવા ઑર્ડર નોંધાવે છે. અને મરીન ડ્રાઈવનું આ નામ ન જાણતી ગૃહિણીને અજ્ઞાનમાં જ રહેવા દઈ પતિદેવ કોઈ સસ્તાં અમેરિકન ડાયમંડ સેટ (અમને એવો વિચાર આવે છે કે સસ્તું હોય તો એનું નામ ચાઈનીઝ ડાયમંડ ન હોવું જોઈએ નહિ ?) પધરાવી દે છે.

પણ અસલીને બદલે નકલી સોનું પધરાવી દેનારા અને લોકોના ખીસા, તિજોરીઓ, બૅન્ક બેલેન્સ વગેરે સાફ કરનારા ગુનેગારો હવે જેલમાં હીરા ઘસશે એવા એક સમાચાર છે. ગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની સાબરમતી જેલ આજકાલ બહુ ચર્ચામાં છે. એક તો ત્યાંના ભજિયા બહુ ફેમસ છે, જે કેદીઓને નહિ પણ બહારની દુનિયાને ખાવા મળે છે. બીજું કે ત્યાં આજકાલ કવિ સંમેલન થાય છે અને કવિઓ આ સંમેલન બાદ હેમખેમ પાછાં ઘેર પણ જાય છે. અને ત્રીજું આ જેલમાં સ્ટાર કેદીઓ રહે છે, જે કવિતા પણ લખે છે. જો કે અમને વિચાર આવે છે કે કવિ સંમેલનથી પ્રેરણા પામી કવિ બનેલા જેલ કવિઓ આજીવન કેદની સજા ધરાવતાં હોય તો સારું, અન્યથા એ જેલમાંથી છૂટી કવિતા સંભળાવે તો એમને રોકવાની કે કવિ સંમેલનમાંથી અધવચ્ચે ઊઠીને જવાની હિંમત પણ કોઈ ન કરી શકે.

એક હીરો ફટાકડામાં હોય છે. એ સળગાવો એટલે એકદમ પ્રકાશ પ્રકાશ ફેલાઈ જાય છે. જોનારની આંખો અંજાઈ જાય છે. આવો જ જાદુ એકના બમણા રૂપિયા કરી આપનાર કિમીયાગરનો હોય છે. તમને માત્ર રૂપિયા ડબલ થઈ જશે એ જ દેખાય છે, હાથમાં છે એય જતાં રહશે તેવો શક પણ નથી થતો. આ વ્યક્તિત્વનો પ્રભાવ છે. આવી વ્યક્તિ જો એકના ડબલ કરવાનો ધંધો ન કરતાં જો રાજકારણમાં આવે તો એ જરૂર સફળ થાય છે. રાજકારણમાં વચનેષુ કિમ દરિદ્રતાનામના સિદ્ધ મંત્ર થકી ભવિષ્યના સુંદર સપના દેખાડી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું ધાર્યું બટન દબાવા મતદારને પ્રેરે છે.
બાકી રહી વાત ફિલ્મી હીરોની જે વાસ્તવિક જિંદગીમાં પણ હવે હિંમત દેખાડવા લાગ્યા છે. આ હીરો લોકો હીરોગીરી પર ઊતરી આવે છે ત્યારે લોકોના નાક ભાંગી નાખે છે. તેઓ ફિલ્મમાં પોલીસથી ભાગવા અને સાચી જીંદગીમાં દારૂ પીને ફૂટપાથ પર ગાડી ચલાવે છે. ફિલ્મમાં કબૂતર ઉડાડનારા વાસ્તવિક જિંદગીમાં પ્રતિબંધિત પ્રાણીઓનો શિકાર પણ કરે છે. પણ ક્યારેક એવું પણ બને કે ફિલ્મમાં હવામાં ઊડી ચાર પાંચ ગુલાંટ મારી ગોળીઓ છોડતા હીરો પીઠના દુખાવાને લીધે સાવ પાણીમાં બેસી જાય છે. અરે, જેના નામની અનેકાનેક દંતકથાઓ પ્રચલિત છે તેવા મહાન સાઉથ ઇન્ડિયન હીરો રજનીકાંત પણ હમણાં મહિનો દહાડો હોસ્પિટલ રહી આવ્યાં હતાં. છતાં આપણે એમની ફિલ્મો જોઈએ છીએ, અહોભાવપૂર્વક અને એમની જાહેરાત કરેલી પ્રોડક્ટ્સ પણ ખરીદીએ છીએ, ભક્તિભાવ પૂર્વક. કારણ કે એ લોકો આપણને સપના દેખાડે છે. અને સપના કદી બ્લેક એન્ડ વ્હાઈટ નથી હોતા!

જોકે આ બધામાં સાચાં હીરો ભૂલાઈ જાય છે. તમને થશે કે સાચાં હીરો હવે ક્યાં રહ્યા છે ? રહ્યા છે. મુશ્કેલ કામ એ છે કે આવા કેટલાય હીરા ઓળખાતા નથી. બાકી ધક્કો ખવડાવ્યા વગર કામ કરી આપનાર સરકારી કર્મચારી પણ હવે હીરો છે. લાંચ ન લેનાર અને લાંચ ન આપનાર પણ હીરો છે. રિક્ષામાં રહી ગયેલા પાકીટ પાછાં આપનાર હીરો હજુ પડ્યા છે. મિત્રોનું સ્વમાન રક્ષવા જાન આપનાર કીનન અને રૂબેન યાદ છે ને ? અને પેલી સાસરે ટૉઇલેટ નહોતું એ મામલે પતિનું ઘર છોડનારી મધ્યપ્રદેશની અનીતાને કેમ ભુલાય ? પણ આવા હીરા અન્ય કીમતી વસ્તુઓની જેમ જ દોહ્યલાં છે.  

 
 

2 comments: