Tuesday, August 07, 2012

સેવ ડાયનોસોર


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૫-૦૮-૨૦૧૨ |અધીર અમદાવાદી |
 
સેવ ટાઈગરવાંચીને અમારા જેવા ગુજરાતીને તો પહેલો વિચાર એ જ આવે કે સેવ ઉસળ, સેવ રોલ, સેવ પુરીની જેમ સેવ ટાઈગરએ કોઈ ફૂડ હશે. તમે કહેશો કે ગપ્પા ન મારો અધીરભાઈ ટાઈગર ફૂડમાં ક્યાંથી આવે? પણ અમારી દલીલ છે કે જો હોટ ડોગહોઈ શકે તો સેવ ટાઈગર કેમ ન હોઈ શકે‘સેવ ટાઈગર’ જ નહિ ‘સેવ ડાયનોસોર’ પણ હોઈ શકે અને એ પણ પાછું સપૂર્ણ શાકાહારી! 

બોલ બચ્ચનફિલ્મ સફળ થઈ એ પછી અમિતાભ પણ સેવ અભિષેકછોડીને આ સેવ ટાઈગરની ઝુંબેશમાં જોડાયા છે. આ જોઈને અમને એવું લાગે છે કે આજથી હજારો વર્ષો પહેલાં જ્યારે ડાયનોસોર લુપ્ત થયાં એ અરસામાં આવા એનજીઓ હોત, પર્યાવરણવાદીઓ હોત તો કેવું સારું થાત? એ વખતે જો સેવ ડાયનોસોર ઝુંબેશ ચાલી હોત અને જો ડાયનોસોર લુપ્ત ન થયાં હોત તો? હાલના સમયમાં તો જો સેવ ડાયનોસોર ઝુંબેશ ચલાવવી હોય તો કુ. રાખીબેન સાવંતને જ એમાં બ્રાંડ એમ્બેસેડર બનાવાય કારણ કે સેવ ડાયનાસોર કેમ્પેઈન માટે એમનો પ્રાકૃતિક અંદાજ જરૂર અપીલ કરી જાય.

જો જુનાં વખતમાં સેવ ડાયનોસોર ઝુંબેશ ચાલી હોત તો સૌથી વધારે ફાયદો એ થાત કે માણસોની વસ્તી અત્યારે છે એનાં કરતાં ઓછી હોત, હાસ્તો લોકો ભલે સેવ ડાયનોસોર કરે, પણ ડાયનોસોર કંઇ સેવ હ્યુમનમાં માને એવી અપેક્ષા ન રાખી શકાય. એટલે કેટલાય લોકો કચડાઈ મુઆ હોત, અને અત્યારે વસ્તી થોડી કન્ટ્રોલમાં હોત. પછી વર્ષો વીતતાં ડાયનોસોર સાવ પાલતું પ્રાણી બની ગયું હોત, અને ભારતમાં તો ડાયનોસોર પાળનારા લોકોની પણ એક આખી અલગ વોટબેંક બની ગઈ હોત. પછી તો ડાયનોસોરધારી સમાજના સંમેલનો થાત. અસંતૃષ્ટ અને તરછોડાયેલા નેતાઓ દ્વારા આવા સમાજની સભાઓમાં આરોપો પણ લગાવત લે ડાયનોસોર માટેનાં ઘાસના મેદાનો અને ટાપુઓ સરકાર મફતના ભાવે ઇન્ડસ્ટ્રીને આપી દે છે!

પછી તો શહેરમાં ગાયોની જેમ ડાયનોસોર છુટ્ટા રખડતા હોત. જે રસ્તા પર એ બેઠાં હોય એ રસ્તો હંગામી રીતે બંધ કરી દેવામાં આવત. પણ ગુજરાતી યંગિસ્તાન તો કોઈને ગાંઠે એવું નથી એટલે ડાયનોસોર જો ઉભું હોત તો એના પગ વચ્ચેથી બાઈક અને સ્કૂટી કાઢીને પોતાનો રસ્તો કરી લેત. ડાયનોસોરનાં ચાલવાને લીધે અમદાવાદ જેવા નદીની રેતમાં રમતા શહેરોમાં ભુવાની સમસ્યામાં વધારો થયો હોત. પણ દરેક સમસ્યામાં કોઈ તક છુપાયેલી હોય છે એ નાતે ડાયનોસોરના છાણનો ઉપયોગ ભૂવા ભરવામાં કરી એક છાણથી બે કામ કરવાની અદભૂત શોધ કોઈ કન્સલ્ટન્ટટે કરીને દેશ અને દુનિયાને ચકિત કરી નાખ્યાં હોત. જોકે ઉનાળામાં ભુવાના અભાવે જો ડાયનોસોર રોડ વચ્ચે પોદળો કરે તો એ પોદળા વચ્ચે યુધ્ધના ધોરણે ટનલો કરી વચ્ચેથી વાહન વ્યવહાર પુન:સ્થાપિત કરવાનું રોજિંદુ કામ ફાયરબ્રિગેડને માથે આવ્યું હોત!

લોકોને પણ પછી ગાયો કરતાં ડાયનોસોર અનેક રીતે વધારે અનુકુળ પડત. શ્રાવણ મહિનામાં ડાયનોસોરને ઘાસ ખવડાવવું હોય તો એપાર્ટમેન્ટનાં ત્રીજા માળની બાલ્કનીમાંથી લે ડાયનોસોર ડાયનોસોર ...કરીને બોલાવી, ઘાસ ખવડાવી ઘેર બેઠાં પુણ્ય કમાવી શકત. પછી તો શહેરમાં ઊંટગાડી અને બળદગાડાની જેમ ડાયનોસોર ગાડીઓ ચાલતી હોત અને કદાચ રેલ્વેમાં એન્જીનની જગ્યાએ પણ ડાયનોસોર જોડી દેવામાં આવત. અફકોર્સ, મનેકા અને મમતા દીદીની પરમીશન મળત તો જ. હવે એમ ન પૂછતાં કે મમતા દીદીને કેમ પૂછવાનું!

આમ તો વિલુપ્ત ન થયેલ ડાયનાસોર થકી ઘણા ફાયદાઓ સરકારની યોજનાઓની જેમ ગામેગામ પહોંચી સામાજિક પરિવર્તન પણ લાવત. ભીંત પરની નાની અમથી ગરોળીથી સ્ત્રીજાતિ ભયભીત થઇ જતી હોય છે તો આખા ડાયનાસોરથી તો ભલભલી દીદીઓ અને બહેનજીઓના છક્કા છૂટી જઈ શકે, એ વિચારે 'મરદ મૂછાળા' અંદરખાને આનંદિત રહેતા હોત. એટલું જ નહિ દરેક ગામ માં મોટા મોટા 'ડાયપરો' હોત જેની ઉપર બેસી મુરબ્બીઓ પંચાત ફૂટતા હોત (ચકલાં માટે ચબૂતરો હોય તો ડાયનાસોર માટે ડાયપરો ના હોય?). આમ પુરુષોને પણ કોઈક બાબતે ખુશ રહેવા મળત. જોકે પુરુષો પોતે ડાયનોસોરથી ભયભીત ન થાત એવું માનવાને કોઈ કારણ નથી. આમ છતાં નવરા ફિલ્મસ્ટાર્સ ડાયનોસોરનો શિકાર કરતાં હોય એવી છુટક ઘટનાઓ પણ ક્યારેક અખબારોમાં ચમકી જાત ખરી.
ડાયનોસોરને કારણે ઇતિહાસમાં કેટલીક ઘટનાઓમાં પાત્રો બદલાયા હોત. જેમ કે 'ધ ટાઈગર ઓફ માયસોર' તરીકે ઓળખાતા ટીપું સુલતાન પાસે અંગ્રેજને ફાડી ખાતા વાઘનું એક ચાવીવાળું રમકડું હતું જે હાલ લંડનની વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝીયમમાં છે. એ રમકડામાં વાઘની જગ્યાએ ડાયનોસોર હોત અને ટીપું સુલતાન પોતે 'ધ ડાયનોસોર ઓફ માયસોર' તરીકે ઓળખાતો હોત. આ 'માયસોર-ડાયનોસોર' નો પ્રાસ કવિઓને પણ ઘણો અનુકુળ આવત.  

જોકે ડાયનોસોરને લઈને નવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જરૂર ઉભી થાત. ડાયનોસોરના ચામડા અને નખનો ગેરકાયદે વેપાર ચાલતો હોત અને એના દાંતની ભસ્મ પેઢા પર ઘસવાથી મોઢામાં નવા દાંત ઉગે એવી ગેર-માન્યતાથી પ્રેરાઈને ડોહાઓની આખી ગેન્ગ લાકડી લઈ, ડગુમગુ થતી જંગલોમાં ડાયનોસોરોનો ગેરકાયદે શિકાર કરવા ફરતી હોત. જોકે ડાયનાસોર હયાત હોત તો ગુજરાતની ખ્યાતિમાં હજી વધારો થયો હોત એવું અમારું માનવું છે. ગીરની ગાયોની જેમ ડાંગના ડાયનાસોર પણ સારી ઓલાદ ગણાતા હોત જેની સાથે જાહેરાતો બનાવી અમિતાભે ગુજરાતને વિશ્વસ્તરે પ્રસિદ્ધ કર્યું હોત. અત્યારે ડાયનોસોરનાં ફોસિલનો ઉપયોગ ગુજરાતના માર્કેટીંગમાં થાય છે એને બદલે સાચા ડાયનોસોર હોત તો કેવું સારું થાત?

2 comments:

  1. આ બધી કલ્પના કરીએ ત્યારે બીક લાગે કે જો ડાયનોસોર હોત તો નેનો અને મારુતિ ૮૦૦ જેવી ગાડીઓનો ભંગાર જ્યાં ય પડ્યો હોત, ભંગારના ભાવ તળિયે બેસી જાત, આટલી ગરમીમાં લોકો ડાયનોસોર ના પડછાયામાં બેસીને પોરો ખાત. વાહ, અધીરભાઈ આપે તો મારા જેવાને કલ્પના જગતમાં ફરતો કર્યો.

    ReplyDelete