Tuesday, December 10, 2013

અમેરિકામાં આપણો પંકીલ ઉર્ફે પકો

| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૮-૧૨-૨૦૧૩ | અધીર અમદાવાદી |

અમેરિકામાં જન્મીને ત્યાં ભણતા હોય એવા સ્ટુડન્ટ્સ તો અમેરિકન રહેણીકરણીથી ટેવાયલ હોય છે પણ જે માસ્ટર્સ કરવા ૨૧-૨૨ વરસની ઉંમરે ગયા હોય તેવા છોકરાંને અમેરિકામાં શરૂઆતમાં થોડી તકલીફ પડે છે. મા-બાપનો એકનો એક છોકરો હોય. અમદાવાદ જેવા શહેરમાં જ ભણ્યો અને મોટો થયો હોય એટલે મિત્રો સાથે આબુ કે દમણની ‘ટ્રીપ મારી હોય’ એ સિવાય ખાસ ફરેલ ન હોય. એવો પકો જયારે ૨૮ કલાકની કુલ મુસાફરી પછી અમેરિકાના એરપોર્ટ પર ઉતરે છે ત્યારે દિગ્મૂઢ બની જાય. કારણ કે મિડલ ક્લાસનો હોય એટલે ઇન્ડિયામાં પણ ભાગ્યે જ એણે બાય એર મુસાફરી કરી હોય.

ચન્દ્ર હોય કે વિદેશની ધરતી, સામાન્ય રીતે બધે જ પહેલો પગ મૂક્યા પછી બીજો પગ મૂકવાનો રીવાજ છે. એટલે અમેરિકાના એરોબ્રિજ પર પકો પહેલો પગ અને પછી બીજો પગ મૂકી અંતે સૌ જતાં હોય એ દિશામાં જઈ ઈમિગ્રેશનની લાઈનમાં ઊભો રહી જાય. પણ થોડી વાર પછી એને ખબર પડે કે એ ટેવ મુજબ લાઈનમાં ઊભો નથી રહ્યો, ઘૂસ્યો છે, એટલે થોડો ખાસિયાણો પડી જાય. પણ ‘ડગલું ભર્યું કે ન હટવું ન હટવું’ એવું ગુજરાતીની ચોપડીમાં ભણેલું અમેરિકામાં સાર્થક કરતો હોય એમ એ લાઈનમાં લાગેલો જ રહે છે. વારો આવતાં ઈમિગ્રેશન ઓફિસરે પૂછેલા પ્રશ્નોના પોતાને સમજ પડે એવા જવાબ આપી એ અમેરિકામાં એન્ટ્રીનો સિક્કો મરાવી સામાન ભેગો કરવા લાગે છે. જે યુનિવર્સીટીમાં જવાનું હોય ત્યાંનો વિધાર્થી એને પીકઅપ કરવા આવ્યો હોય એને ફોન કરવા માટે છુટા કોઈન શોધવાથી એની ટેમ્પરરી વિટંબણાઓની શરૂઆત થાય. કોઈન તો આસાનીથી મળી જાય પણ સામેવાળો ફોન ન ઉચકે તો તેના વોઇસમેલની સૂચનાઓ સમજવા બે વાર સિક્કા નાખવા પડે. પણ છેવટે લેવાવાળા જોડે ભરતમિલાપ થઈ જાય એટલે રામ રાજયને પ્રજા સુખી એમ આપણો પકો ગદગદિત થઈ જાય!

પોતાનું એપાર્ટમેન્ટ મળે ત્યાં સુધી કોક સિનીયરે ખાલી કરેલા પણ લીઝ પૂરું ન થયું હોય એવા એપાર્ટમેન્ટમાં બે-ચાર દિવસ ટેમ્પરરી કાઢવાના આવે. એમાં સામાન આખો અનપેક થાય નહી અને ઘરમાં પકા જેવા બીજાં નવા-નિશાળીયાઓ હોય એટલે શરૂઆતમાં દૈનિક ક્રિયાઓ અને ખાવા પીવામાં અગવડ પડે. આવા સમયે મેગીના પડીકાં કામમાં આવે. પણ રૂમીઝ પકા જેવા જ નવા નિશાળિયા હોય જેમણે જિંદગીમાં શેક્યો પાપડ પણ ભાંગ્યો ન હોય. અમુક તો એટલાં અનાડી હોય કે મેગી બનાવતા પણ ન આવડે. પાણી ક્યાં ઓછું પડે અથવા વધુ વખત સગડી પર રહી જાય, એટલે પછી મેગી છે કે ખીચું એ જ ખબર ન પડે. બીજી વાર અક્કલ આવે એટલે પછી વધારે પાણી નાખે. આ વખતે પાણી એટલું વધારે પડે કે મેગી નુડલ સૂપ જેવી બની જાય. ત્રીજી વખત બનાવે ત્યારે છેક સાચું માપ ખબર પડે. પણ જે વીરો ઘરમાં શાકનાં કલર જોઈને રીજેક્ટ કરતો હોય કે ‘આવું પીળાં કલરનું શાક? નથી ખાવું હું બહાર ખાઈ લઈશ’ એ બે દિવસમાં જ પીળાં, લીલા, લાલ, સફેદ અને બળી જાય તો કાળા કલરના શાક બ્રેડ સાથે ખાતો થઈ જાય!
 
પણ ગુજરાતી ચન્દ્ર પર જાય તો પણ બે-ચાર દિવસમાં ખીચડી બનાવીને ખાતો થઈ જાય તો આ તો અમેરિકા. અઠવાડિયામાં તો નાની-મોટી વાતોમાં પ્રાવીણ્ય આવી જાય. ખાસ કરીને કાગળના ઉપયોગમાં. જેમ કે હેન્ડરરચિફને બદલે ટીસ્યુ પેપર અને કિચનમાં ગાભાને બદલે ટીસ્યુ રોલ વાપરતા એ શીખી જાય. વેન્ડિંગ મશીનમાંથી એ કુતુહલ ખાતર પણ નોટ સરકાવી વેફરના પડીકાં કે કોલ્ડ્રીંક બહાર કાઢે. સ્વાભાવિક રીતે પછી એને પહેલો વિચાર એ આવે કે ઇન્ડિયામાં આવું મશીન મુક્યું હોય તો એનાં શું હાલ થાય? ડોલરની નોટના બદલે મશીનમાંથી રોજ નોટની સાઈઝના કેટલાં કાગળ નીકળે?

ખરી મઝા લોન્ડ્રી કરવામાં થાય. સ્ટુડન્ટ્સ સામાન્ય રીતે અઠવાડિયે એક વખત પબ્લિક લોન્ડ્રીમાં સિક્કા નાખી એ કપડાં ધોવે અને પછી વધુ બીજાં સિક્કા નાખી કપડાં ડ્રાય કરે. આપણા જેવાને એમાં ડબલ આઘાત લાગે. ધોવાના ને સુકવવાના જુદાં! એમાં લીક્વીડ ડીટરજન્ટ વોશિંગ પાવડર કરતાં મોંઘો પડે એટલે ભાઇ પાવડર નાખીને કપડાં ધોવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરી જુવે. અને ડ્રાયરના ડોલર બચાવવા કપડાં ડ્રાય કર્યાં વગર રૂમ પર લઈ જાય એમાં રૂમ ધોબીઘાટ જેવો થઈ જાય. તો કોક વખત મશીનમાં કપડાં ઓવરલોડ ઠાંસે તેમાં મશીન અટવાય. કપડાં સુકાય પછી નવો નિશાળીયો ઉછીની લીધેલ કે સેકન્ડ હેન્ડ ખરીદેલી ઈસ્ત્રીથી કપડાં ઈસ્ત્રી કરે. પણ નવું નવ દહાડા એ કહેવત અમેરિકામાં પણ એટલી જ લાગુ પડે છે એ સાબિત કરવા ખૂબ જ જલ્દી જ લઘરવઘર ફરતો થઈ જાય. એટલે અમેરિકામાં ઈસ્ત્રી-ટાઇટ કપડામાં કોઈ કોલેજીયન ફરતો દેખાય તો એ દેશમાં ફ્રેશ એન્ટ્રી છે એમ સમજવું!

આ દરમિયાનમાં એનાં યુનિવર્સીટીના આંટાફેરા ચાલુ થાય. યુનિવર્સીટીમાં એને આઘાત પર આઘાત મળે. ‘વ્હોટ કેન આઈ ડુ ફોર યુ ટુ ડે?’ એવું સોનેરી વાળવાળી છોકરી પૂછે એમાં પકો નર્વસ થઈ જાય. પછી હિંમત કરીને રજિસ્ટ્રેશન માટે આવ્યો છું એવું સમજાવે. બોલવામાં વચ્ચે એકાદ બે ગુજરાતી અને હિન્દી શબ્દ પણ આવી જાય. પણ પપ્પાએ કચકચ કરીને બર્થ સર્ટીફીકેટથી માંડીને ડીગ્રી સર્ટીફીકેટ સુધીના ઝેરોક્સના દસ દસ સેટ આપ્યા હોય એમાનું એકેય પેપર પેલી માંગે નહી! એને જે જોઈએ એ જાતે ફોટોકોપી કાઢી લે અને પાછું ફોટો પાડી ને પાંચ મીનીટમાં તો ફોટા સાથેનું આઇડેન્ટિટી કાર્ડ પકડાવી દે. એકપણ ધક્કો ખવડાવ્યા વગર! આપણા જેવાનું તો હૈયું ભરાઈ આવે કોઈ ધક્કો ન ખવડાવે તો. બસ આવું મહિનો દહાડો ચાલે, કોક ટેમ્પરરી નોકરી મળી જાય અને ભાઈ જોતજોતામાં ગ્રેજ્યુએટ થઈ અમેરિકન બની જાય.  


8 comments:

  1. એકપણ ધક્કો ખવડાવ્યા વગર! આપણા જેવાનું તો હૈયું ભરાઈ આવે કોઈ ધક્કો ન ખવડાવે તો. ..ha ha ha ..:D

    ReplyDelete
  2. bahu majai gai ane eko ek vastu mari par lagu padti hoy evu lage che... tame pan tya bhanva gya ta ke su ?

    ReplyDelete
  3. બસ વાર્તા જામી હતી ને અંત લાવી દીધો ....!!!

    ReplyDelete
  4. Many things matching with my experience

    ReplyDelete