Monday, June 02, 2014

કેરીની સિઝન આવી કે ગઈ ?


મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૧-૦૬-૨૦૧૪ | અધીર અમદાવાદી |

આ વર્ષે કેરીની સિઝન આવી ગઈ છે કે આવવાની છે કે નથી આવવાની એ બાબતે કોઈ નિશ્ચિતતા નથી જણાતી. બે મહિનાથી હજુ વાર છે, હજુ વાર છે એવું કહેવાય છે. વલસાડી આફૂસ હજુ આવી નથી, રત્નાગીરી આવી ગઈ પણ હજુ સ્વાદ નથી, કેસર તો હજુ સિઝન શરુ થાય છે એટલે રાહ જુઓ, રાજાપુરી ખાલી અથાણા માટે છે, પકાવવા માટેની નથી. આવું કહેવાતા જાણકારો આપણને માહિતી આપે છે. ઓણ સાલ પાછા એવા પણ સમાચાર હતાં કે યુરોપના દેશોમાં કેરી એક્સપોર્ટ નહીં કરી શકાય અને એ કારણસર એ કેરીઓ ‘એક્સપોર્ટ રિજેક્ટેડ’ માલ તરીકે આપણા મોઢામાં પડશે એવી આશામાં અમારા જેવા કેટલાય બેઠા હશે. પર યે હો ન સકા. એટલે અત્યારે હાલ એ છે કે કેરીના ભાવ તો તોડી નાખે એવા જ છે અને આમ જનતા આમ યાને કે કેરીને પ્રશ્ને દ્વિધામાં છે, એમાં પાછો ક્યાંક વરસાદ પડે એટલે ઘઈડા કેરી ખાવાની મનાઈ ફરમાવી દે! 

આ જાણકારોનો આમેય બહુ ત્રાસ હોય છે. માર્ચ એપ્રિલમાં વાદળ આવે કે ક્લાઈમેટ ચેન્જની અસરથી કમોસમી વરસાદ પડે તો સૌથી પહેલા કોક તમને કેરીનો પાક આ વખતે ૭૦% આવશેએવી આગાહી કરીને ચોંકાવી દે. જાણે એક્સપર્ટને એકાદ જિલ્લામાં વરસાદ પડે એમાં એ જિલ્લામાં પાકતી કુલ કેરીમાંથી ૩૦% કેરીઓ ખરી પડી એવી પાક્કી માહિતી હોય! આવા જાણકારો તમને માનસિક રીતે વધારે ભાવની કેરી ખાવા અથવા ઓછી કેરી ખાવા માટે તૈયાર કરી દે છે. દુકાનદારો પણ મારા બેટા એવા હોંશિયાર થઈ ગયા છે કે તમે ભાવતાલ કરાવો તો છાપામાં આવેલી ફિગર્સ તમને સંભળાવે, કે ‘બેન, આટલો માલ માંડ આયો છે એ કહો ને!’  

ગુજરાતી ડિક્શનરીમાં જોતાં કેરી સ્ત્રી લિંગ છે એવું જણાય છે. ઇકારાંત નામો આમેય સ્ત્રીઓના હોય છે. જેમ કે માધુરી, જુહી, સ્મૃતિ, મેરી, લીલી, વગેરે, આમ છતાં આમ કહે તો કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે. કદાચ ગુજરાતી સાહિત્યકારોનાં ધ્યાન બહાર આ ગયું હશે. અથવા એવું પણ બન્યું હોય કે હિન્દી કે સંસ્કૃતમાં ‘આમ’ ને ફળોનો રાજા ડીકલેર કરવામાં આવ્યો હોય અને પછી ગુજરાતીમાં એને રાજા તરીકે સ્વીકારી લેવામાં આવ્યો હોય. પણ જે રીતે કેન્દ્રમાં ગુજરાતી વર્ચસ્વ વધી રહ્યું છે એ જોતાં અમદાવાદનું કર્ણાવતી થાય કે ન થાય, પણ કેરી ફળોની રાણી છે અને હિન્દીમાં ‘આમ ફલો કી રાની હે’ એવો સુધારો થવો જોઈએ એવું અમારું સજ્જડ માનવું છે. પછી હિન્દી સાહિત્યકારો ભલે માથાં ફોડતાં!

આમ તો કેરી શબ્દના જ અનેક અર્થ થઈ શકે. ‘લવિંગ કેરી લાકડીએ ...’ ગીતમાં જે કેરી છે એ આપણે જેની ચર્ચા કરીએ છીએ એ નહિ. બદામ કેરી હોય, ગુલાબ કેરી હોય, પણ લવિંગ કેરી જાતની કેરી હજુ કોઈએ વિકસાવી નથી. એટલે અહીં કેરી એ લવિંગને લાકડીની ઉપમા આપી એ સંદર્ભમાં વપરાયું છે એમ સમજવું. જોકે કેરી એક ફળ અને કેરી એટલે કે તણી એ બે વચ્ચે ઉચ્ચારનો ફેર છે જે લખવામાં દેખાતો નથી. આમ ગુજરાતી ભાષામાં પણ ઘણાં ડખા છે એવી અમારી જૂની ફરિયાદ આ કેરીના કિસ્સામાં પણ ઘટિત છે. પાછો કેરી શબ્દ અંગ્રેજીમાં પણ આવે છે અને એના પાછાં ઘણાં અર્થ થાય છે. કેરી એ અટક પણ છે અને જીમ નામના કેરી અટકવાળા એક એક્ટર સ્લેપસ્ટીક કોમેડી માટે જાણીતાં છે. કેરીને હિન્દીમાં આમ કહે છે આમ શબ્દના પણ પાછાં ઘણાં અર્થ થાય છે. પણ ‘આમ’ પર છેલ્લા છ મહિનામાં એટલી ચર્ચા થઈ છે કે અમે વધુ ચર્ચા કરી અમારા માનીતા વાચકોનું માથું દુખાડવા નથી માંગતા!  

કેરી એટલે કે એક ફળના નામમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. પાયરી, તોતાપુરી, બનારસી લંગડો, કિશનભોગ, જમાદાર, સાકરિયા, માણેક, નીલમ, જમાદાર, માલગોવા, રાજભોગ, દશેરી, દશહરી, દાડમી, સફેદા, બદામી, દાડમીયા, સરદાર, સિંદુરીયા, રત્‍નાગીરી, રાજાપુરી એ બધા કેરીઓના નામ એ ઘણાને નહિ ખબર હોય. આમ છતાં અમારા માટે તો કેરીની ચાર જ જાત છે. આફૂસ, કેસર, રાજાપુરી અને બીજી બધી. અમારી જેમ ઘણા આફૂસ, કેસર અને રાજાપુરીને જ કેરી ગણીતા હશે. રાજાપુરી સાંભળી કદાચ કોઈને આશ્ચર્ય થાય. અમે અથાણાનાં શોખીન નથી છતાં મમ્મીએ અથાણા માટે હળદર-મીઠાનો પટ ચડાવીને મુકેલા કેરીના કકડા તફડાવીને ખાવાની મઝા માણેલી છે. પાવરલૂમ આવ્યા પછી હાથશાળ ઉદ્યોગની જે દશા થઇ છે એવી જ દશા મિક્સરના આગમન પછી કેરી ઘોળીને રસ કાઢવાની પરંપરાની થઇ છે. કેરી પલાળવાની, પછી ઘોળી ઘોળીને પાટલા પર ગોઠવવાની, પછી એક એક કેરીના ગોટલા છોતરાં જુદા પાડી નીચોવીને રસ કાઢવાનો. પછી છોતરું ઉલટાવીને રસ-રેસા કાઢી લેવાના. ગોટલાના રેસા પણ રસ નીકળી જાય ત્યાં સુધી પાણીમાં ધોઈ અને એ પાણીમાંથી ફજેતોબનાવીને ખાવાની વાત તો જવા દો પણ ગોટલીઓ શેકીને ખાવાની પરંપરા પણ લુપ્ત થઇ ગઈ છે. અમારો રામલો નાગજી રેસાવાળા ગોટલા પર મેશ-કંકુથી ચિતરામણ કરીને બાવાજીબનાવી આપતો એ હજી યાદ છે. આશ્ચર્યની વાત એ છે કે ઉનાળામાં બરફના ગોળા એ જમાનામાં પણ ખવાતા હતા પણ એમાં મેંગોનું શરબત નાખાવ્યાનું યાદ નથી.

કેરી વરસમાં ત્રણ મહિના જ આવે એટલે બાકીનો સમય કેરીના રસિયાઓ માટે મેંગો ડ્રીન્કસ ઉપલબ્ધ છે. એવું કહે છે કે ચા કરતાં કીટલી ગરમ. આવું જ કંઇક મેંગો ડ્રીન્કસનું છે. ટેસ્ટમાં થોડાક કડવા અને માંડ વીસ ટકા જેટલું કેરીનું પ્રમાણ ધરાવતાં આ ડ્રીન્કસની જાહેરાતો કામસૂત્રની કોઈ બ્રાન્ડની જાહેરાત હોય તેવી માદક રીતે જાણીતી હિરોઈન કરે છે. એક ટીપું મેંગો ડ્રીંકનું પડે એમાં બેન જે રીતે ઉત્તેજિત થાય છે એ જોતાં આખી બોટલ જો ગટગટાવી જાય તો એડ ચોક્કસ સેન્સર કરવી પડે!

કેરીઓ જલ્દી પકવવા કાર્બાઈડ નામનું પ્રતિબંધિત રસાયણ વપરાય છે. આમ પકવેલી કેરીઓ દેખાવમા પાકેલી લાગે છે, પણ સ્વાદરહિત હોય છે. કાર્બાઈડથી પકવેલી કેરી ખાવાથી કેન્સર થવાનું જોખમ ઉભું રહે છે. આજકાલ છોકરાં ઉછેરવામાં મમ્મી-પપ્પાઓ, ખાસ કરીને મમ્મીઓ, ઉતાવળ કરે છે અને છોકરું દસ વરસનું થાય ત્યાં સુધીમાં એને જાતજાતના અને ભાતભાતના ક્લાસીઝ્માં ધકેલી એમને હોંશિયાર બનાવવા દોડાદોડી કરી મુકે છે એ જોતાં અમને આ મમ્મીઓ કાર્બાઈડથી કેરી પકવતા વેપારી જેવી લાગે છે!

2 comments:

  1. છેલ્લો ફકરો જોરદાર છે. . કાર્બાઈડ થી છોકરા ઓ ને પકાવતી મમ્મી ઓ...

    ReplyDelete
  2. hahahahhahaha chhokara pakavaani rit. Very fuuny.

    ReplyDelete