Monday, June 09, 2014

ભણવું જરૂરી છે ?

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૮-૦૬-૨૦૧૪ | અધીર અમદાવાદી | સ્મૃતિ ઈરાનીજીને માનવ સંસાધન મંત્રી બનાવવાનાં ઘેરા પ્રત્યાઘાત
Image Courtesy: Rediff
પડ્યા છે
. અમુક લોકો અને બેન પોતે એમ કહે છે કે વહીવટ કરવા માટે કોઈ ડીગ્રીની નહિ આવડતની જરૂર હોય છે, અને એ રીતે જુઓ તો ધીરુભાઈ પાસે ક્યાં ડીગ્રી હતી? પણ વહીવટકરવામાં એ એક્સપર્ટ હતા એ સૌ જાણે છે! એમાં અમુક તો સ્મૃતિજીનાં વકીલાતનામુ સાઈન કર્યા વગર સોશિયલ મીડિયા ઉપર એમના વતી વકીલાત કરી રહ્યાં છે અને બિલ ગેટ્સથી લઈને સચિન તેન્ડુલકર, કરસનભાઈ પટેલ અને ગૌતમ અદાણીનાં દાખલા આપી રહ્યાં છે કે આ લોકો એવું ખાસ ક્યાં ભણ્યા છે? એટલે જ અમને એવું લાગે છે કે એન્જીનીયરીંગમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અમે શું ઉકાળ્યું? નોકરો કર્યો અને છોકરા ભણાઈ ખાધા! જો અમે ન ભણ્યા હોત તો ચોક્કસ અત્યારે અબજપતિ હોત! હાસ્તો, જેટલા નથી ભણતા એ બધાં સફળ થાય જ છે! આવું અમે નથી કહતા, આવો પ્રચાર ફેસબુક અને ટ્વીટર પર થઈ રહ્યો છે.

સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તો બિચારા બિલ ગેટ્સની જાણ બહાર બિલનાં નામે ક્વોટ કરે છે કે હું કોલેજ ડ્રોપ આઉટ છું પણ હું એમબીએ થયેલાને નોકરીએ રાખું છું.’ બિલ ગેટ્સની નમ્રતા જોતાં એ ભાગ્યે જ એ આવું અભિમાન કરે. પણ કોણ ખાતરી કરવા જવાનું છે? જોકે જે ગેટ્સ અને ઝુકરબર્ગનાં દાખલાઓ અપાય છે એ હાર્વડનાં ડ્રોપઆઉટ હતાં. હાર્વડમાં જવું એ પોતે એક સિદ્ધિ છે. સર્ચ એન્જીન અને કંપની એવી ગુગલ એ સંશોધકો લેરી પેજ અને સર્ગે બ્રિનનાં સ્ટેનફોર્ડ યુનિવર્સીટી ખાતેના પીએચડી પ્રોજેક્ટનું ફળ હતું. કદાચ આ પણ અપવાદ હશે. ઇન્ફોસિસનાં આપણા નારાયણ મુર્થી પણ એમ. ટેક. ન હોત તો પણ આપણને આવી ગર્વ થાય એવી કંપની આપી હોત. એપીજે અબ્દુલ કલામને પણ ભણવાની કંઈ જરૂર નહોતી. જેમના હાથ નીચે શાપુરજી પાલનજીમાં કામ કર્યાનો અમને ગર્વ છે તેવા સાયરસ મિસ્ત્રી પણ બીઈ સિવિલ (ઈમ્પીરીયલ કોલેજ લંડન), એમએસ મેનેજમેન્ટ (લંડન બિઝનેસ સ્કુલ) થઈ પ્રતિષ્ઠિત તાતા ગ્રુપના ચેરમેન બને એ પણ આ નિરક્ષરતા અભિયાનના ઝંડાધારીઓને મતે અપવાદ જ હશે!

પણ લોકો આટલા ગેટ્સ અને સચિનનાં જ દાખલા શું કામ આપે છે? આપણે અહીંના પણ દાખલા આપી શકીએ છીએ. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા આપણાં પન્નાલાલ પટેલ પણ ક્યાં કોલેજ ગયેલા? પણ કેટલું સુંદર સાહિત્ય આપ્યું. આપણને અદભૂત ગઝલો આપનાર જનાબ મરીઝ બે ચોપડી જ ભણેલા હતાં. આ અપવાદ હતાં. ક્રિએટીવ લાઈનમાં આવા અપવાદ વધારે મળે. પણ હવે એક્સેપ્શન રુલ બનતો જાય છે. એમાં પાછું ઉચ્ચ શિક્ષણ ધરાવતા આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અને ઇકોનોમિસ્ટ મનમોહન સિંઘની નિષ્ફળતાથી અભણતાનાં અભણ અનુયાયીઓને બોલવાની તક મળી ગઈ છે.

સૌથી મોટી દલીલ તો સેમી-ભણેલાં લોકો એ કરે છે કે ભણેલાઓએ ભણી ને શું ઉકાળ્યું? અમારી સિવિલ એન્જીનીયરીંગની લાઈનમાં જ એન્જીનીયર ન હોવા છતાં બિલ્ડર અને કોન્ટ્રાક્ટર બની શકાય છે. કારણ કે જેમ નેતા થવા માટે કોઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન જરૂરી નથી એમ કોન્ટ્રાક્ટર થવા માટે પણ કોઈ ક્વોલિફિકેશન જરૂરી નથી. પછી એ કરોડપતિ કહે છે કે અમે પંદર હજાર આપીને ફ્રેશ એન્જીનીયર રાખીએ છીએ તેને શરૂઆતમાં કડિયા જેટલું પણ આવડતું નથી. આમની સામે શું એમ દલીલ કરવાની કે ‘ભાઈ, તું તો માનાં પેટમાંથી શીખીને આવ્યો હશે? અને તું હોંશિયારપુરથી આવ્યો છે એટલે જ પ્રોજેક્ટ્સ ધાર્યા બજેટમાં, ધાર્યા સમયમાં અને નિર્ધારિત ક્વોલિટી મુજબના નથી બનતા! એટલે જ પાણીની પાઈપ લાઈનમાં ગટરનું પાણી ભળી જાય છે. એટલે તારા બાંધેલા રોડને ડિસ્કો રોડ નામ અપાય છે. એટલે જ બિલ્ડીંગ્સ ધરાશાયી થાય છે અને એમાં મરનારને તારા બદલે સરકાર વળતર આપે છે! જો આપણા દેશમાં કોન્ટ્રાક્ટ મુજબ જો ખરેખર કામ કરાવવામાં આવે તો ૯૦% કોન્ટ્રાક્ટરો કામ છોડીને જતાં રહે! પણ આવા અભણ લોકો સાથે દલીલ કરવી એ ભુંડ સાથે કાદવમાં કુસ્તી કરવા બરાબર છે.
જોકે ગેટ્સ અને સચિનના દાખલા આપનારને પૂછવાનું મન થાય કે ધારો કે સચિન ક્રિકેટમાં સફળ ન થાત તો એ શું કરતો હોત? કેમ એવું ન બને? ટેલેન્ટ હોય ને એ બતાવી ન શકે એવું તો કેટલાય સાથે આપણા દેશમાં બને છે.
---
ગુજરાતી માધ્યમમાં જ્યારે આઠમાં ધોરણમાં સંસ્કૃત વિષય આવ્યો ત્યારે ગુજરાતી વાક્યોનો ફાવતો સંસ્કૃત અનુવાદ કરવાની સ્કુલમાં ફેશન હતી. ત્યારે અમને સાંભળવા મળતું કે ‘જો ભણતવ્ય્મ વો ભી મરતવ્ય્મ અને નહીં ભણતવ્ય્મ વો ભી મરતવ્ય્મ તો માથાકૂટ કાયકુ કરતવ્ય્મ?’ ભણવાથી કોનો ઉદ્ધાર થયો છે? આવું હજુ પણ વારંવાર સાંભળવા મળે છે. ખાસ કરીને ધંધો જેમના લોહીમાં છે એવી અમુક ચોક્કસ વેપારી કોમના પુરુષોના મોઢે. જો છોકરો ધંધે લાગે એ પહેલા બીએ, બીકોમ જેવું કંઇક ભણવા જાય તો એ માત્ર અને માત્ર લગ્ન કરવા માટે મીનીમમ ક્વોલિફિકેશન માટે. આમ તો રૂપિયા હોય તો એની પણ જરૂર નથી એવું અનેક કિસ્સાઓમાં બને છે.

ધ્યેય વગરની જિંદગી જીવતા અને મરી જાય ત્યાં સુધી કંઈ જ ધાડ ન મારી હોય એવા લોકોની વાત અને જિંદગી વિષે બે લાઈન પપ્પાના મોઢે સાંભળી હતી.
બીએ હુએ, નોકર ભયે,
પેન્શન મિલી ઓર મર ગયે.
પપ્પા કશું કહે અને મમ્મી રહી જાય એવું કોઈ દિવસ બને? અમે નાના હતાં ત્યારે મમ્મીનાં મોંઢે જોડકણું અમને સાંભળવા મળ્યું હતું કે ભણે ગણે તે નામું લખે, ભણે નહીં તે દીવો ધરે.’ જોકે હવે આમાં સુધારો કરવાની જરૂર છે, ‘ભણે ગણે તે નામું લખે, ભણે નહીં તે મીનીસ્ટર થાય, ઉદ્યોગપતિ થાય, અબજપતિ થાય, ઓડીમાં ફરે, એરપોર્ટ પર સ્પેશિયલ પ્રિવિલેજ મેળવે, લાલ બત્તીવાળી ગાડીમાં ફરે, માનનીય અને આદરણીય સંબોધન પામે વગેરે વગેરે.

No comments:

Post a Comment