Sunday, June 07, 2015

ત્યારે સાલું લાગી આવે !

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૭-૦૬-૨૦૧૫ | અધીર અમદાવાદી |
 
રાત્રે પોણા બાર વાગ્યા હોય, તમે મુંબઈથી અમદાવાદ પહોંચવામાં હોવ એવામાં મણીનગર અને કાલુપુર વચ્ચે ટ્રેઈન પોણો કલાક પડી રહે, ત્યારે સાલું કેવું લાગી આવે? એમાં પાછાં ઘરનું ખાવાના અભરખાં પાળ્યા હોય ! શું તમારે એવું નથી બન્યું કે બસની રાહ જોઈ ઉભા હોવ અને આગળના સ્ટેન્ડથી વધારે બસ મળશે એવું વિચારી ચાલવાનું શરુ કરો અને ત્યાં જ બસ આવે, અને તમે અધવચ્ચે ઊભા હાથ ઊંચો કરતાં રહી જાવ? શું એવું પણ નથી બન્યું કે સાડા અગિયાર વાગ્યા સુધી બોસ નથી આવ્યા તો આજે હવે નહીં જ આવે, એમ માની ચા પીવા નીચે લીફ્ટમાં નીચે ઉતરો અને બોસ સામે જ મળે? સખ્ખત ગરમીથી કંટાળીને તમે લાખ રૂપિયા ખર્ચીને કુલુ-મનાલી ફરી આવો, અને અમદાવાદ ઉતરો ત્યારે કમોસમી વરસાદને કારણે વાતાવરણ ઠંડુ હોય. તમે સમારંભના મુખ્ય વક્તા હોવ અને સમયસર હોલ પર પહોંચી જાવ ને તમારું સ્વાગત કરવા ડેકોરેટરનાં માણસો સિવાય કોઈ ના હોય ? બાઈક બગડે અને પોણા બે કિલોમીટર ઢસડીને ગેરેજમાં લઈ જાવ અને મિકેનિકની પહેલી કિકે બાઈક સ્ટાર્ટ થઈ જાય, ત્યારે બાઈકને લાત મારવાનું મન થાય. આવું બધું બને ત્યારે કોઈને પણ લાગી આવે એ સ્વાભાવિક છે.

અમે તો છત્રી લઈને જઈએ એ દિવસે જ વરસાદ પડતો નથી. બે મહિનાના પ્લાનિંગ પછી અમે સ્વેટર ખરીદીએ એ દિવસથી ઠંડી જ પડતી નથી. ટ્રેઈનમાં ટીકીટ લઈને ચઢીએ એ દિવસે જ ટીસી આવતો નથી. હેલ્મેટ પહેરીને લાઈસન્સ લઈને જે દિવસે વાહન ચલાવતા હોઈએ એ દિવસે કોઈ પોલીસવાળો રોકતો નથી. અરે ઘરનું બનાવેલું ખાવાનું લઈને ‘લે ગાય ગાય ગાય ...’ કરીને દોઢ કિલોમીટર ફરી વળીએ ને માંડ એક ગાય દેખાય, પણ એ ગાય જ સૂંઘીને ખાવા ઉભી રહેતી નથી. આવામાં લાગી ન આવે તો શું થાય?

આમ લાગી આવવાનાં મૂળમાં ધોખો છે, સામાન્ય રીતે વ્યક્તિની અપેક્ષાથી વિપરીત, હેતુથી વિમુખ કે એણે સ્વીકારેલી રૂઢિથી વિરુદ્ધ કંઈ પણ ઘટના બને તેનાથી વ્યક્તિના મનમાં વિષાદ થતો હોય છે. આ એવી અવસ્થા છે જેમાં વ્યક્તિ ખિન્નતા અને નિરાશાના પ્રભાવ હેઠળ આવી જાય છે. જે કંઈ બની ગયું એને અટકાવવા માટે પોતે કંઈ જ કરી ન શક્યો એનો અપરાધભાવ એને પીડવા માંડે છે. આને જ ‘લાગી આવવું’ કહે છે. લાગી આવવાની માત્રા જે તે ઘટના અને વ્યક્તિના લાગણી તંત્ર ઉપર આધારિત છે. દા.ત. ખિસકોલી માટે નાખેલી રોટલી કાગડો ઉઠાવી જાય એ જોઈને ઘણાને લાગી આવતું હોય છે જ્યારે એ જ વ્યક્તિ કોઈ ગાયને શાકવાળીના ટોપલામાંથી ભાજીની ઝૂડી ખેંચતા જુએ તો લાગી નથી આવતું. સુંદર છોકરી એના બોયફ્રેન્ડ સાથે ગાડીમાં નીકળે તો લાગી આવે અને એ જ છોકરી એના કૂતરાને ગાડીમાં લઈને નીકળે તો લાગી ન આવે ઉલટાની કૂતરાની ઈર્ષા આવે એવું પણ બનતું હોય છે.

લાગી આવવાનાં મૂળમાં ઘણીવાર પોતાને અન્યાય થયો છે એ ભાવના કારણભૂત હોય છે. કાગડો દહીથરું લઈ જાય એમાં બગલાઓને લાગી આવતું હોય છે. ઘણાને સોહા અલીખાન સાથે ફરતા કુનાલ ખેમુને જોઈને કે દીપિકા સાથે ફરતા રણવીર સિંહને જોઈને લાગી આવતું હોય છે. એક સમયે અમિતાભ બચ્ચનનો પડછાયો બનીને ફરતા અમરસિંહને જોઈને અમને બચ્ચનના ચાહક તરીકે બહુ લાગી આવતું. આજકાલ શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય તો ગરીબો વતી કોક બીજાંને લાગી આવે છે. બ્રાહ્મણ મહેલના દીવા જોઈ હોજના ઠંડા પાણીમાં રાત વિતાવે અને અકબર એને ઇનામ ન આપે તો બીરબલને લાગી આવે છે. અમારા એક મિત્રના માથામાં લગભગ અડધા વાળ ધોળા છે અને એને આજકાલ ટીવી એડમાં દેખાતા વહીદા રહેમાનને જોઈને લાગી આવે છે ! એ કહે છે કે ‘સાલુ, આની જેમ બધા ધોળા હોત તો પણ સારું હતું.’

લાગી આવવું એ મનુષ્યસહજ છે. કૂતરાંને પણ તમે ઇગ્નોર કરો તો એને લાગી આવતું હોય છે તો આપણે તો માણસ છીએ. જેને જીંદગીમાં કદી લાગી ન આવતું હોય એ માણસ કહેવડાવવાને લાયક નથી. ‘અલા તું માણસ છે કે ફાનસ ?’ આ સવાલ આવા જડ ચેતાતંત્ર ધરાવતાં લોકોને પૂછાય છે. લાગી આવે એ ઘટના સામાન્ય રીતે છુપાવી શકાતી નથી. જેને લાગી આવે એનાં મોઢા ઉપર વિષાદ યોગ છવાઈ જાય છે. લાગી આવે એ વાંધાવચકા કાઢતાં ફરે છે. લાગી આવે એ વાત કરવાનું છોડી દે છે. સોશિયલ મીડિયા પર હોય તો લાગણી ઘવાયેલ વ્યક્તિ તમારા સ્ટેટ્સ લાઈક કરવાનું બંધ કરી દે છે. વધુ લાગી આવ્યું હોય તો અન-ફ્રેન્ડ કે બ્લોક પણ કરી દે છે.

જોકે લાગી આવે અને ખીજ ચઢે એ બે એક નથી. બપોરની ઊંઘ ખેંચતા હોવ અને રૂમમાં એક માખી તમને ઊંઘવા ન દે તો તમને ખીજ ચઢે. ફિલ્મનો ટાઈમ થઈ ગયો હોય, ઘરેથી નીકળતાં હોવ એ વખતે જ ઘરઘાટી વાસણ કરવા આવે તો ખીજ ચઢે. ખીજ પોતાનાં ઉપર પણ ચઢે અને સામેવાળા પર પણ ચઢે. પત્નીનો બર્થ ડે ભૂલી ને સાંજે મોડા ઘેર પહોંચ્યા પછી લેફ્ટ-રાઈટ લેવાય ત્યારે ખીજ ચઢે, પોતાની જાત ઉપર. આમાં લાગી ન આવે. ઘણીવાર તો સામેવાળી પાર્ટીને પણ નથી લાગી આવતું. એ પણ સાંજ પડવાની રાહ જોતી હોય છે કે સાંજ સુધી પેલાને યાદ ન આવે તો પોતાનો કેસ સાબિત થઇ જાય.

પણ એટલું તો માનવું જ જોઈએ કે લાગી આવવા માટે વાજબી કારણ હોવું જોઈએ. કોઈને વગર કારણે કે વારંવાર લાગી આવતું હોય તો એ જોઇને આપણને પણ લાગી આવે ને? કાગડો કુંજામાં પાણી ઊંચું આવે એ માટે કાંકરા નાખે અને સફળ થાય એ જોઈને કોક અકલમઠો આકળવિકળ થાય તો શું એ યોગ્ય છે? મુંબઈ ઇન્ડિયન જીતે અને હરભજન કોઈને હગ કરે એ માટે થઈને જો કોઈને લાગી આવતું હોય તો એને ખેંચીને બે લાફા ચોંડી દેવા જોઈએ. તારા કાકાએ કેટલા વર્ષો મહેનત કરી છે એ વાનખેડે સ્ટેડીયમમાં પીચ સુધી પહોંચવામાં, બાકી ઘણા તો એવા છે જેમને સ્ટેડીયમમાં એન્ટ્રી નથી મળતી, ગ્રાઉન્ડ પર જવાની, વાત છોડો !

No comments:

Post a Comment