Sunday, June 21, 2015

કસરત, યોગ, જીમ અને જીગો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૧-૦૬-૨૦૧૫


સહેલું હોય એ પહેલું કરવું એ ગુજ્જેશની ખાસિયત છે. એ આખા ગામનું કરે પછી પોતાનું કરે છે. ન કરવાનું કરે છે, અને કરવાનું એ નથી કરતો. જેમ અંગ્રેજો પોતે લડતા નહોતા, બીજાને લડાવતા હતા, એમ જ આપણા ગુજ્જેશો કસરત કરવામાં નહીં પણ કરાવવામાં માને છે. પહેલી ધારનો ગુજ્જેશ પોતે એકસરસાઈઝ કરવાને બદલે જીમ ખોલી ગામને એકસરસાઈઝ કરાવી રૂપિયા કમાવામાં માને છે. એ સિગ્નલ જમ્પિંગ કરીને ટ્રાફિક પોલીસને દોડાવશે, એ કોરી સપ્લીમેન્ટરી તફડાવીને સુપરવાઈઝરને ઉઠક બેઠક કરાવશે, પોતે ભેગુ કરેલું કાળું નાણું શોધવા ઇન્કમટેક્સવાળા પાસે પરસેવો પડાવશે કે પછી ફેરા ફરતી વખતે સાળા-સાળી પાસે બુટ-મોજડી માટે ફિલ્ડીંગ ભરાવશે, પણ આળસ ખાવા માટેની એન્ડ્રોઈડ એપ્લીકેશન પ્લે સ્ટોરમાં શોધશે.

અત્યારે ચારે બાજુ હેલ્થ અને ફિટનેસની વાતો ચાલે છે. બાબાઓ, સ્વામીઓ અને ગુરુઓ પૌરાણ પ્રસિદ્ધ યોગ, પ્રાણાયામ અને વ્યાયામની વિભાવનાને આધુનિક વિજ્ઞાનના વાઘા પહેરાવીને ખડૂસ સાધકોરૂપી જીનને નવી બાટલીમાં ઉતારી રહ્યા છે. શરીર માટે કસરત કેટલી જરૂરી છે એ સમજાવતા પુસ્તકોથી બુકસ્ટોર્સ ઉભરાય છે. છાપાઓની પૂર્તિઓમાં જેટલું કૃષ્ણ, પ્રેમ અને પતંગિયાઓ વિષે લખાય છે એટલું જ કસરતના પ્રકારો, જરૂરિયાત અને એના ફાયદા વિષે લખાય છે. આહાર-વિહારમાં સંયમ વિષે પણ સતત માહિતીનો ધોધ વરસતો રહે છે છતાં પડીકામાંથી ભજિયું ઉઠાવતી વખતે નજરે પડતો કોલેસ્ટેરોલના ભયસ્થાનો ઉપરનો અટરલી બટરલી લેખ ગુજ્જેશને ચળાવી શકતો નથી.

International World Yoga Day
 
કમનસીબે કસરતમાં ‘સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા’ ની જેમ ‘શવાસન કરો અને સળી જેવા બનો’ જેવું કશું હોતું નથી. એમાં તો મોબાઈલની ભાષામાં ઇનકમિંગ કરતાં આઉટ ગોઇંગ વધારે હોય એને જ સાચી કસરત ગણવામાં આવે છે. જીમમાં જવાથી વજન ઉતરે છે અને કપડાં ઢીલાં પડે છે, પણ એ માટે રૂપિયા પણ ઢીલાં કરવા પડે છે. ટાઢ-તાપ-વરસાદ જોયા વગર રોજ વહેલી સવારે નિયત સમયે જવું પડે, ટેભા તૂટી જાય એવી કસરત કરવી પડે, અને ખાવા-પીવામાં તો કાબુ રાખવો જ પડે તો પરિણામ મળે છે. આ રીતે શરીર શેપમાં આવે પણ આ આખી વાતમાં બધી રીતે છોલાવાનું આપણે અને રૂપિયા પેલો જીમવાળો લઇ જાય એ ગુજ્જેશોને કઠે છે. કોઈ બાબા, સ્વામી કે મહારાજ મંત્ર, જાપ, તાવીજ, માદળિયાં કે ભજન કીર્તનથી વજન ઉતારી આપતા હોય તો આપણી પબ્લિક એમને માથે ઉચકીને ફરે એવી છે. ખરેખર તો માલપાણી ખાઈને તગડા થયેલા સ્વામી કે મહારાજને ઉચકીને ફરે તો એ પણ એક જાતની કસરત જ છે, પણ એના બદલે એમને ખવડાવી-પીવડાવીને એમની આરતી, પૂજા અને ચંપી કરીને બગાડવાનો શિરસ્તો ચાલે છે. જેમ ધાર્મિક વિધિ માટે વિદ્વાન વ્યક્તિને રોકવામાં આવે છે એમ આપણા વતી જોગીંગ, પુશપ્સ, વેઇટ લીફટીંગ કે સાયકલીંગ માટે કોઈ પહેલવાન રોકી શકાતો હોત તો આપણે ત્યાં પરદેશથી પહેલવાનો ઈમ્પોર્ટ કરવા પડે એટલું મોટું માર્કેટ છે!

કસરત ઘરે પણ થઇ શકે છે એવું કહેવાય છે, પણ ઘરમાં કસરત કરવા જતાં ફર્નીચર નડે છે. પડદાની પાઈપો પર લટકીને પુલપ્સ નથી કરી શકાતાં. દોરડા કૂદો તો નીચેવાળાને ત્યાં પોપડા ખરે છે. વજનદાર ડમ્બેલ્સ હાથમાંથી છટકે તો વિટ્રીફાઈડ ટાઈલ્સનો ભુક્કો બોલી જાય છે. અને ધારો કે એકસરસાઈઝ માટે ખર્ચો કરીને બાઈક કે ટ્રેડમિલ લાવો તો નાના છોકરાં ઘરને જ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવી દે છે. એટલે જ મોટા ઉપાડે ખરીદેલા ટ્રેડમિલ અને એકસરસાઈઝ બાઈકો પર ટૂંક સમયમાં કપડાં સુકાતાં થઈ જાય છે.

આ બધામાં યોગ અને એમાં પણ યોગાસન આપણા જીગાઓને ફાવે એવું છે, કારણ કે એમાં શરીરને બહુ ઝંઝેડવાનું હોતું નથી. બીજું, એ શીખવાડવા માટે ચેનલ ઉપર કોઈને કોઈ બાબા હાજર હોય છે એટલે સાસ-બહુની સીરીયલના પેકેજમાં આસનોનું પણ ચોગડેપાંચડે પતી જાય છે. આસનો પણ રોજબરોજના કામો સાથે થઇ જાય એવા હોય છે. શવાસન બેસ્ટ છે. એમાં સુવાનું જ હોય છે. માત્ર ધ્યાન એટલું રાખવાનું કે તમે શવાસનમાં મગ્ન હોવ ત્યારે પાડોશીઓ ભેગા મળીને તમને કાઢી ન જાય. ઊંધા સુતા સુતા ટીવી જોવું એ ભુજંગાસન જ છે. વાતવિમુક્તાસન કે પવનમુક્તાસન જ્યાં બેઠા હોવ ત્યાં થઇ શકે એટલું સુલભ છે, પણ એ માટે ઘરનો નિર્જન ખૂણો શોધવો હિતાવહ છે. તાડાસનમાં બે હાથ ઉપર ઉઠાવીને જોડી દેવાના હોય છે. તમારા ફ્લેટની સીલીંગો નીચી હોય તો પંખામાં હાથ ન આવે એ જોવું. સુખાસન કરવું સાવ સહેલું છે પણ વાળેલી પલાંઠી છૂટી પાડવા માટે કોઈ મેગી ખાવાના શોખીનની મદદ લેવી પડે એવું બને. શીર્ષાસનમાં ફાવટ આવી જાય તો સોફા નીચે રગડી ગયેલી ઘણી બધી વસ્તુઓ મળી આવશે.

અમુકવાર માણસ માર ખાઈને ધર્મ પરિવર્તન કરતો હોય છે જેમ કે, ફ્રેકચર સંધાયા પછી જખ મારીને ફીઝીયોથેરાપીસ્ટ પાસે કસરત કરવા જવું પડે છે. રમત ગમતમાં ફીટ રહેવું હોય તો કસરત કરવી પડે છે. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આગામી ૨૧મી જુનના દિવસે સૂર્ય નમસ્કાર જેવી યોગની વિશિષ્ઠ કસરતો કરશે. રહી વાત આપણી, તો યોગનો અર્થ જ જોડવું થાય છે. એટલે કોઈ પણ ધર્મને વચ્ચે લાવ્યા વગર શરીરને કસરત સાથે જોડવું એને જ આપણો ધર્મ ગણીએ એ જ ઇષ્ટ છે. n

મસ્કા ફન
કારેલા, ગલકા કે કંકોડા ખાવાનું બંધ કરવાથી વજન ઉતરે છે એવું સંશોધન થવું જોઈએ.

No comments:

Post a Comment