Sunday, October 18, 2015

નવરાત્રીના બિન-ખેલૈયાઓ


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૮-૧૦-૨૦૧૫

‘અમે આખો દિવસ આખા ઘરનું વૈતરું કરીને કૂચે મરી જઈએ છીએ તો પણ કોઈને અમારી પડી નથી.’ લગભગ દરેક ગુજરાતી ગૃહિણી ક્યારેકને ક્યારેક આ ડાયલોગ બોલી હશે. આ વાંચીને તમને રડવું આવતું હોય તો તમારા પિયરીયા તરીકે અમે ખભો આપવા તૈયાર છીએ. પણ તમને અમારી વિનંતી છે મહેરબાની કરીને કે છાના રહો. અમારે એવા પીડિતોની વાત કરવાની છે જેમની હાલત તમારા જેવી જ છે. એ લોકો પણ અથાગ મહેનત કરે છે, પણ એમની ખાસ નોંધ લેવાતી નથી. આવા લોકોને પડદા પાછળના કલાકારો કહેવાય છે. અત્યારે નવરાત્રી ચાલે છે એટલે ખાસ ગરબા મહોત્સવોના પડદા પાછળના કલાકરોની વાત કરવાની.

પહેલાં તો ચોખવટ એ કરવાની કે પડદો નાટક અને સિનેમામાં જ હોય છે જયારે ગરબા ખુલ્લા સ્ટેજ ઉપરથી ગવાતા હોય છે અને ખુલ્લા મેદાનમાં રમાતા હોય છે એટલે એમાં પડદા જેવું કંઈ હોતું નથી. એમાં ગરબા કરનાર ગરબા કરે છે, છોકરાઓ ગર્લ-ફ્રેન્ડ સાથે સેલ્ફીઓ પાડે છે, ગ્રુપવાળા નાસ્તા-પાણીની જાફ્ત ઉડાવે છે, કાકા-કાકીઓ અને ડોહાઓ આ બધાના ચંપલો, પાણીની બોટલો અને છોકરાં સાચવે છે અને કાર્યક્રમ પુરો થાય એટલે આ બધા જ પૃષ્ઠભાગ ખંખેરીને રવાના થઇ જાય છે. પણ એમને ગાનારા, ઢોલ-ટીમ્બાલી-ડ્રમસેટના તાલે નચાવનારાથી માંડીને, સાઉન્ડવાળા, ફરાસખાનાવાળા, જનરેટર/ લાઈટવાળા, આ બધાની સુરક્ષાની જવાબદારી સંભાળતા સિક્યોરીટીવાળા અને છેલ્લે આખું મેદાન વાળીને બીજા દિવસ માટે તૈયાર કરનારા સુધી કોઈનું ખાસ ધ્યાન નથી પડતું. ભલું થજો મુન્નાભાઈનું કે એમણે ઝાડુવાળાને ‘જાદુકી ઝપ્પી’ આપીને એમને અને એમના જેવા અનેકને સન્માન બક્ષ્યું!

આ તહેવારમાં સૌથી મોટો ફાળો મ્યુઝીકલ પાર્ટીઓનો હોય છે. લોકો છ મહિના અગાઉથી છાપામાં ‘રાસ-ગરબાના આયોજન માટે મળો’ના ફ્લેગ સાથે જાહેરાતો આવવાની શરુ થઇ જાય છે. હવે આમાં પણ કોમ્પીટીશન વધી છે. જે ગાયકોના નામ ચાલ્યા છે એમને નવ દિવસમાં આખા વર્ષની કમાણી થઇ જતી હોય છે. બીજો મોટોભાગ આખું વર્ષ ડાયરા અને ફીલ્મી ગીતોની ઇવનિંગ કરનારા લઇ જતા હોય છે કારણ કે એ લોકો પાસે ટીમ હોય છે. બાકી તો ક્વોલીફાઈડ એન્જીનીયર સામે જેમ કડીયાકામ કરી કરીને કોન્ટ્રકટર બનેલા અભણ લોકો પણ હરીફાઈમાં ઉતરી પડતા હોય છે, એમ બીજા સારા કલાકારોને આમાં મંદિર ઓટલે બેસી ‘પેટી લઈને પાલટી ચલાવનારા’ની કોમ્પીટીશનનો પણ સામનો કરવો પડતો હોય છે. પણ પછી હઉ હઉનું રળી લેતા હોય છે.

જોકે ગરબાનું ગ્રુપ ચલાવવું પણ સહેલું નથી. આમાં એક ગ્રુપમાં ઢોલ, ઢોલક, તબલા, ટીંબાલી, ઓક્ટોપેડ, ડ્રમ સેટ, સાઈડ રીધમ વગેરે સહિતના સંખ્યા બંધ પર્કશનીસ્ટ ઉપરાંત ગીટારિસ્ટ, બેન્જો પ્લેયર અને ફાડુ કક્ષાના કી-બોર્ડ પ્લેયરોની જરૂર પડતી હોય છે. કરમની કઠણાઈ એ છે કે નવરાત્રીના ટાઈમે આ બધાની ખેંચાખેંચી ચાલતી હોય છે. આ બધાને સાથે રાખવા એ ઉંદરડાથી ભરેલો કોથળો સાચવવા જેવું કામ છે! બારેમાસ સાથે કામ કરનારા પણ શરમ રાખ્યા વગર ભાવ માગી લેતા હોય છે. આ બધામાં લોડ બધો કી-બોર્ડ પ્લેયર અને ઢોલી ઉપર હોય છે. એક જમાનામાં તો મોંમાં રૂમાલ ભરાવીને નગીન ડાન્સ કરનારા તૈણ જણા માટે ચાર વાગ્યા સુધી પણ વગાડવું પડતું હતું. એ જમાનામાં આંગળીઓ ઉપર પટ્ટીઓ લગાડેલી હોય એવા કોઈને પણ પૂછો તો જવાબ મળતો કે ‘ગરબાની નાઈટ કરી છે’! ભલું થજો જજ સાહેબોનું કે હવે રાત્રે બાર વાગે તબલા ટાઢા કરી નાખવા પડે છે.

ઉંચો ભાવ લેનારે તમામ કક્ષાએ ક્વોલીટી આપવી પડે છે. છતાં એવા ગ્રુપોમાં ગાયકીમાં અમદાવાદના રિક્ષાવાળાની જેમ સુરો ફેરવનારાને સહન કર્યા છે. પારખું લોકો હોય ત્યાં આવા ભોપાળા પછી ઝઘડા પણ થતા જોયા છે. એવરેજ કક્ષાની ઓરકેસ્ટ્રામાં લીડ સિંગર સિવાયના સિંગરોમાં ફિક્સ પગારિયાની જેમ જ ભરતી થતી હોય છે. અમને પણ અનેક ઓફરો મળી છે જે અમે ભારપૂર્વક નકારી છે. એરેન્જરો મોટે ભાગે કુટુંબમાં, સોસાયટીમાં કે કોલેજના ફંકશનોમાંથી જ હન્ટિંગ કરતા હોય છે. એ બધાનું કામ નાટકમાં ‘મહારાજનો જય હો, મહારાણીજી પધાર્યા છે...’ બોલનારા ભાલાવાળા કરતા વિશેષ હોતું નથી. બધા ‘રે લોલ ...’ બોલે એટલે એમણે પણ ‘રે લોલ ...’ કરી નાખવાનું હોય છે.

સાઉન્ડના કોન્સોલવાળાએ તો સિંગરોના ડફણાં જ ખાવાના હોય છે. કોઈ તમને બે ઘોડા ઉપર એક એક પગ રાખીને ઉભા ઉભા ચાની લહેજત લેવાનું કહે તો કેવો હાલ થાય એવો જ હાલ કોન્સોલવાળાનો હોય છે. સ્ટેજવાળા મોનીટરના લેવલની મેથી મારતા હોય છે તો ખેલૈયાઓ ‘કંઈ જામતું નથી. જરા બાસ વધારો તો જરા પગ ઉપડે ...’ની ફરમાયેશ કરી જતા હોય છે. સરવાળે પહેલા જ કલાકમાં બપોરના બે વાગ્યાથી આદુ ખાઈને કરેલા સાઉન્ડ બેલેન્સીંગની માસીના વિવાહ સંસ્કાર કૂતરા સાથે થઇ જતા હોય છે.

હવે તો ગરબા આયોજકોએ સીસીટીવી લગાડવા પડે છે, પણ એથી ગઈકાલ રાત સુધી મજુરીકામ કરતાં અને રાતોરાત સિક્યોરીટીમેન બની ગયેલા પશાભાઈ જેવાઓનું મહત્વ ઓછું નથી થતું. જેમ ભૂત હોતું નથી, કોઈએ જોયું નથી, છતાં બધાં ભૂતમાં માને છે, તેમ હથિયારધારી સિક્યોરીટીની હાજરીમાં જ બેંકો લુંટાતી હોવા છતાં હથિયારનાં નામે ખાલી સિસોટી ધરાવનાર સિક્યોરીટીનું મહત્વ ઘટતું નથી. આવી સિક્યોરીટી અને સિસોટી બંનેમાં એક જ સામ્યતા હોય છે કે એ હવાથી ચાલે છે અને અવાજ કરવાથી વિશેષ કશું કરી શકતાં નથી. એમાંય હજારોની સંખ્યામાં લોકો આવતાં હોય અને એક નવરેશ એની સાથે દલીલમાં ઉતરે એટલામાં બીજાં અનેક વાહન પોતાની ઈચ્છિત રીતે અવ્યવસ્થિત પાર્ક કરીને હાલતા થાય છે.

અમને તો લાગે છે કે પાછાં આવેલા એવોર્ડઝ આ બધાં વંચિતોને આપવા જોઈએ.

મસ્કા ફન






No comments:

Post a Comment