Wednesday, May 25, 2016

જાતે રાંધવાના અનુભવ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૫-૦૫-૨૦૧૬

પત્ની વેકેશનમાં એના પપ્પાના ઘેર જાય ત્યારે જાતે રાંધવાનો અનુભવ કરવા જેવો છે. હવે તો પુરુષો રાંધતા શીખી ગયા છે અથવા શીખી રહ્યા છે. છતાં પણ હજુ જેમને ખરેખર રાંધતા આવડે છે એવા પુરુષો માઈનોરીટીમાં છે. આવા પુરુષો સામાન્ય રીતે રેસ્ટોરન્ટમાં શેફ તરીકે અથવા સેન્ડવીચ કે ભાજીપાઉંની લારી ઉપર જોવા મળે છે. કમનસીબે બેઠાખાઉ પતિવર્ગને જાતે ચા બનાવતા પણ નથી આવડતી અને એ બનાવવા જશે તો કાં તપેલી બાળશે, ચા ઢોળશે, ઓછી કે વધુ બનાવશે, ડબલ ખાંડ નાખશે કે પછી ‘આના કરતાં તો બહાર લારી પર પી લેવી સારી’ એવો અનુભવબોધ લઇને એ ગેસ પર ચોંટેલી ચાનો કીચડ મ્હોં લુછવા રાખેલા નવા નેપકીનથી લુછીને કામ વધારશે.

પત્ની પિયર હોય અને ઘરમાં આ નરબંકો એકલો હોય ત્યારે કામવાળાને જલસા હોય છે. ‘મુ આયો તો ... પણ બાયણે તારુ અતુ એટલે પાસો જયો...’ કહી દે એટલે વાત પૂરી. પછી જેના રસોડાની ચોકડીમાં ઉભરાયેલી ચાથી બગડેલી તપેલીઓ પડી હોય, ચાના કૂચા સહિતની ગળણી અને દુધની મલાઈદાર તપેલીઓ ‘કોઈ આવશે... અને ધોશે’ એવા ભાવ સાથે દુર્ગંધ ફેલાવતી પડી હોય એ પાછો ઓફિસમાં કલીગ આગળ ટાઈમ મેનેજમેન્ટની ડંફાશ મારતો જોવા મળશે!

દરેક પરણેલા પુરુષને ‘આઝાદી’ નામની એક સાળી હોય છે જેની ભગીની સાથે એના વિવાહ સંસ્કાર થયા હોય છે. (અહીં અમે સમકાલીન અને દીર્ઘકાલીન - એટલે કે લાંબા સમયથી ચોંટેલા - એવા સાહિત્યકારોની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે આ ઘટના માટે વપરાતા પ્રચલિત શબ્દો નથી વાપર્યા એ ખાસ નોંધવું.) આ પરિસ્થિતિમાં એને ખરેખર આઝાદીનો અનુભવ આ ‘મામા મહિના’માં જ થાય છે જયારે બાળકો સહીત પત્ની એના પિયર જાય છે. આ મામા મહિનો જ ગુજુ માટીડાને વગર દારુએ રાજાપાઠમાં લાવી દેવા માટે કાફી છે. આ કેફમાં એ પત્નીની ગેરહાજરીમાં ખાઉગલીમાં જલસા મારવા નહિ જાય કે દોસ્તારોને ઘરે બોલાવીને પાર્ટીઓ નહિ કરે, એનું પ્રોમીસ તો આપી જ દે છે ઉપરાંત એ ઘરે જાતે રસોઈ કરીને ખાશે એવી જીભ પણ કચરી નાખે છે. અને કઠણાઈની શરૂઆત અહીંથી જ થાય છે.

બે-ત્રણ ટંક તો જાણે પત્નીએ બનાવી આપેલા થેપલાથી નીકળી જતા હોય છે. એ પછી મોડા ઉઠવાને કારણે ટીફીન બનાવવાનું રહી જાય કે સાંજે મોડા ઘરે પહોંચવાના કારણે રસોઈનો ટાઈમ ન રહે ત્યારે ઘરમાં લાવી રાખેલા બ્રેડ અને ‘રેડી ટુ કૂક’ ઇન્સ્ટન્ટ સૂપનો વારો આવે છે. પછી સમજાય છે કે આના કરતાં તો કફ સીરપમાં બ્રેડ બોળીને ખાધી હોય તો વધુ મજા આવે! રેડી ટુ કૂક ઇન્સ્ટન્ટ સબ્જીમાં પણ ઝોલ થયા પછી એ અખતરાનો પણ અંત આવે છે. આ દરમ્યાનમાં રામલાની હાર્ડડીસ્કમાં માંજવામાં ક્યા પ્રકારના અને કેટલા વાસણો આવ્યા એનો ડેટા ‘સેવ’ થતો હોય છે. ફ્રીઝમાંના બરફ અને સોફ્ટડ્રીંક પર પણ એની નજર રહેતી હોય છે, કારણ કે ‘શેઠાણી’ આવે ત્યારે એણે આ બધું જ પોપટની જેમ બોલવાનું હોય છે. જોકે સ્માર્ટ હસબંડો રામલા સાથે સીધું સેટિંગ પાડી જ લેતાં હોય છે.

‘રસોઈ’નાં મામલે પતિ નામનું ઊંટ પહાડ નીચે આવે છે કારણ કે એ કામને એ લોકો ‘ટુ મિનીટ્સ ઇન્સ્ટન્ટ નુડલ્સ’ બનાવવા જેટલું સરળ ગણતા હોય છે. ફક્ત નૂડલ્સ ઉપર હાથ અજમાવ્યા પછી એને સમજાઈ જાય છે કે આમાં ‘ટુ મિનીટ્સ’ એટલે ઉકળતા પાણીમાં નુડલ્સ નાખ્યા પછી એ રંધાઈ જાય ત્યાં સુધી લાગતો સમય જ! એમાં સોસ પેન, ગેસ લાઈટર, સાણસી, ચમચો, ડીશ, ચમચી અને નૂડલ્સના પેકેટો શોધવામાં લાગતો સમય ગણત્રીમાં લેવામાં આવતો નથી. નૂડલ્સમાં પાણી પણ નાખવાનું હોય છે અને એ ગોળીમાં ભર્યું હોય તો ઠીક છે નહિ તો વોટર પ્યુરીફાયર કેવી રીતે ચાલુ કરવું એ પૂછવા પત્નીને ફોન કરવો પડે છે. સાથે સાથે કામકાજનો હિસાબ પણ આપવો પડે છે. ઉકળતા પાણીમાં નૂડલ્સ નાખ્યા બાદ ફેસબુક અને વોટ્સેપ ચેક કરવાની લ્હાયમાં નૂડલ્સ બળી જવાના કિસ્સાઓ પણ બનતા હોય છે. પછી નૂડલ્સ ખાતી વખતે જાતક વિચારતો થઇ જાય છે કે આ નૂડલ્સ છે કે કબૂતરનો માળો જેને હું ચમચીના ફટકાથી તોડી તોડીને ખાઈ રહ્યો છું?


જોકે નુડલ્સમાં તો પાણીમાં વધારો-ઘટાડો કરવાનો અવકાશ હોય છે. પણ પ્રેશર કુકરમાં ખીચડી મુક્યા પછી બ્લાઈંડ ગેમ શરુ થાય છે. મોટેભાગે તો સીટીઓ ગણવામાં ભૂલ થવાના લીધે જેને ખીચડી બનાવવા ધારી હોય એ નહાતી વખતે એડી ઘસવાના પથ્થર જેવી કડક કે પછી ટર્મરિક સૂપ જેવી પ્રવાહી રહી જાય છે. એમાં પ્રમાણભાન તો રહે જ શાનું? એટલે એક ટંક માટે બનાવેલી રસોઈ ત્રણ ટંક ચાલે એટલી બને છે અને આવી ઢંગધડા વગરની રસોઈના નિકાલનું કામ એ કોઈ લાશનો નિકાલ કરવા કરતાં પણ અઘરું છે!

આમાં વાંધો ફક્ત એવા જાતકોને નથી આવતો જે રસોઈકળા સુપેરે જાણતા હોય. આવા બત્રીસ લક્ષણા લોકો માટે એક લોકોક્તિ છે,

વર રાંધણીયો, વર સાંધણીયો, વર ઘમ્મર ઘંટી તાણે,
પરણનારીના ભાગ્ય હોય તો બેડે પાણી આણે !

મોટેભાગે જે કન્યાઓ એ ગૌરી વ્રત વખતે મહાદેવજીને આખ્ખા ચોખા ચઢાવ્યા હોય એ આવા વરને પામે છે. એમને એમના વરજીને એકલા મુકીને જતાં જરા પણ ચિંતા થતી નથી કારણ કે આવા માટીડા ઘાણીના બળદ જેવા હોય છે જેને ખુલ્લા મેદાનમાં છુટ્ટા મુકો તો પણ ગોળ ગોળ જ ફરે! તમારે કેમનું છે?

મસ્કા ફન

બોલીવુડની હિરોઈનોએ ​હવે બોયફ્રેન્ડના નામનું ટેટુ કરાવવાને બદલે ચોક-ડસ્ટરની પ્રથા શરુ કરવી જોઈએ - રોજ નવું ! ​ 
 
--
નોંધ : આર્ટીકલ અને ઈમેજ અખબારમાં પ્રકાશિત આર્ટીકલ કરતાં અલગ હોઈ શકે છે.

No comments:

Post a Comment