Wednesday, January 04, 2017

કાચ વગરની દોરી અને કેશ વગરનું પાકીટ

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૪-૦૧-૨૦૧૭

ટાલીયાઓ અને કેશધારીઓ, સૌનું અગામી વરસ કેશલેસ જશે. આવું કોઈ જ્યોતિષાચાર્ય એ નથી કીધું પરંતુ પ્રધાનમંત્રીના પ્રવચનો સાંભળીને લાગે છે. અને આ ઉતરાયણ કસ વગરની જશે. આવું કોઈ બીઝનેસ એનાલીસ્ટ નથી કહેતા પરંતુ સુપ્રિમ કોર્ટના કાયદાનો અમલ થશે તો જે પરિસ્થિતિ સર્જાશે તેની આગાહી છે. ૨૦૧૭ માં દોરી કાચ વગરની અને પાકીટ કેશ વગરના થાય એવું એકંદરે જણાઈ રહ્યું છે. આમ ચાલ્યું તો અગામી દિવસોમાં સુપ્રિમ કોર્ટના આદેશો થકી આપણે ઘોડા વગરનો વરઘોડો, રંગ વગરની હોળી, ફટાકડા વગરની દિવાળી, અને ગરબા વગરની નવરાત્રી કરતા થઈ જઈશું. આ બધું થશે પછી ભારત અને અમેરિકા વચ્ચે કોઈ ફેર નહિ રહે.
 
આમ તો સુતરનો તાંતણો જયારે રાખડી બને ત્યારે એમાં ગજબની તાકાત આવે છે. પરંતુ બહેનના ગમે તેટલો પ્રેમ અને આશીર્વાદ સહીત પતંગ ચગાવો, પરંતુ દોરી જો કાચી હશે તો પતંગ ઉડશે જ નહિ અને ઉડશે તો ઝટ વહેતા થઈ જશે. અરે બહેનના હેતના થૂંકવાળી ગુંદરપટ્ટી પતંગ પર લગાડેલી હશે તેનાથી પણ પતંગ ચગશે નહિ. આવડત ઉપરાંત પતંગ ચગાવવા માટે હવા અને સારી દોરી જોઈએ. અને કાચ વગરની દોરી સારી નથી ગણાતી. એવી દોરી નાજુક હોવાથી ખાલી ઠુમકો મારવાથી તૂટી જાય. જેમ પાનમાં લેડીઝ પાન આવે છે એમ આવી કાચી દોરીને લેડીઝ દોરી કહી શકાય. આમેય પરણેલા પુરુષની દોરીઓ લેડીઝોના હાથમાં જ હોય છે ને ?

જોકે ગુજરાતીઓ સાહસિક પ્રજા છે. એટલે જેમ દારૂબંધીનો કડક અમલ થાય તો રસિકજનો ગુજરાત છોડી દીવ, દમણ, ગોવા, આબુ જેવી ‘સ્પીરીચુઅલ’ જગ્યાઓએ નવું વર્ષ ઉજવવા ઉપડી જાય છે, એમ ઉત્તરાયણ માટે પણ બની શકે કે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને અમુક વધુ સાહસિક લોકો બેંગકોક સુધી લાંબા થશે. લેભાગુ અને વગર લેભાગુ ટ્રાવેલ એજન્ટો કેશક્રંચ વચ્ચે જુગાડું ગુજરાતીઓને ચાઈનામાં ચીલ અને ફ્રાન્સમાં ફૂદ્દી ઉડાડવા સાથે સારંગપુરના દેશી તલની ગરસાડાના દેશી ગોળમાં ઓસ્ટ્રેલીયન ધીંગી ગાયના પીળી ઝાંયવાળા ઘીમાં બનાવેલી પારદર્શક તલસાંકળી, ધોળકાના કેનાલમાં ડીઝલ પંપ મૂકી મફત ખેંચેલા નર્મદાના પાણી વડે સિંચેલા વાડીના લીલેરા લીલાલસ જામફળ, સાયણની રસઝરતી શેરડીની ગંડેરીના ફેકટરીમાં કર્યા હોય એવા સપ્રમાણ ટુકડા અને ગેરતપુરના ખટમીઠાં ચણીબોર સહિતના પેકેજ ઓફર કરશે. હવે તમે એમ ના પૂછતાં કે ઓસ્ટ્રેલીયન ગાયનું ઘી અને ગેરતપુરના ચણીબોરને એવું બધું તો તો પહેલીવાર સાંભળ્યું, તે અમેય પહેલીવાર સાંભળ્યું છે, આ તો માર્કેટિંગ માટે આવું લખવું પડે. બાકી ભોજ્યો ભાઈ બોરનો ડીએનએ ટેસ્ટ કરાવવા જવાનો છે કે બોર ગેરતપુરના છે કે જેતલસરના !

કોઈ પણ વસ્તુ વગર ચલાવી લેવાનું આવે ત્યારે આપણી પ્રજાની જુગાડુંવૃત્તી ખીલી ઉઠે છે. હોસ્ટેલમાં રહેતા ત્યારે પોતાનું સર્વસ્વ લુંટાવી ચુકેલી શેવિંગ ક્રીમની ટ્યુબ પર વેલણની જેમ પેન્સિલ ફેરવીને એનો રહ્યોસહ્યો જીવ પણ કાઢી લેવાનો પાઠ શીખ્યા હતા. એમાં બે ત્રણ દિવસ નીકળી જાય, પણ બજારમાંથી નવી ટ્યુબ લાવવાનું યાદ આવતું નહિ. અડધી રાત્રે ચૂનો ન મળે તો બુધાલાલ તમાકુના બંધાણીઓને ભીંત પરથી ચૂનો ઉખાડીને નાખતા જોયા છે. રસોઈમાં ગણિતના પ્રમેયની જેમ શાકનો સ્વાદ ધારી લેવાનો આવે ત્યારે અમે આજે પણ એમાં રતલામી સેવ કે ચીલી સોસ નાખીને પ્રમેય સાબિત કરીએ છીએ. (આ ટીપની ફી અમને ‘ભીમ’ મારફતે મોકલી આપવા વિનંતી) આમ છતાં ન કરે નારાયણ અને દોરી વગર પતંગ ચગાવવાનું આવ્યું તો શું કરીશું એ વિચારે કંપી ઉઠાય છે.

કદાચ આનો જવાબ ‘માઈમ’માં છે. ‘માઈમ’ એટલે કે મૂક નાટક. એ એક એવો નાટ્ય પ્રકાર છે જેમાં ટેબલ, ખુરશી, છરી, છત્રી કે બંદૂક જેવી કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી ન હોય તો પણ ફક્ત અભિનયથી એની હાજરીનો અનુભવ કરાવવામાં આવે છે. એજ પ્રમાણે માઈમથી ઉત્તરાયણ ચોક્કસ ઉજવી શકાય. એમાં પતંગ-દોરી વગર માત્ર અભિનયથી ઉત્તરાયણ કરવાની હોઈ પર્યાવરણની રક્ષાનો ઉચ્ચ હેતુ પણ જળવાય. કાલ્પનિક હવા, કાલ્પનિક ઠુમકા, રાજેશ ખન્નાના સ્ટાઈલની કાલ્પનિક ખેંચ મારવાની અને દરેક ખેંચ પછી ‘કા... પ્યો ... છે ...’ બૂમ પાડવાનો મૂક અભિનય કરવાનો જેથી ધ્વની પ્રદૂષણ પણ ન થાય.

ગર્લ્સ આમ પણ ધાબામાં કેપ-ગોગલ્સ પહેરીને અમથી અમથી ફરતી હોય છે, તો એ કામ ચાલુ રાખી શકે. જરા વધારે ધામધૂમ કરવી હોય તો પાછળ એક ફોલ્ડરને ફીરકી પકડી હોય એમ હાથ રાખીને ઉભો રાખવાનો અને કાલ્પનિક પેચ લડાવતી વખતે એને ‘આવી જ રીતે ફીરકી પકડીશ તો આપણો કપાઈ જશે ...’ કહીને ભાંડવાનો પણ ખરો. બરોબર પતંગ ચગાવતા ન આવડતું હોય એ લોકો છૂટ અપાવવાની પ્રથાનો લાભ લઇ શકે. ફક્ત એમાં સામેવાળો છૂટ આપે, બરોબર ત્યારે જ ઠુમકો મારીને પતંગ ઉંચે લેવાનો ટાઈમિંગ સાચવવો પડે. એક ધાબામાં ચૌદ જણા આ રીતે પતંગ ચઢાવે તો પણ અંદરો-અંદર પેચનો કે ગૂંચળા થવાનો પ્રશ્ન જ નહિ. વધુ વાસ્તવિક બનાવવા આંગળીમાં કાપા પડ્યા હોય અને એમાંથી લોહી કલ્પીને આંગળી ચૂસી શકાય કે ‘મને ઉ થયું છે, ફૂંક મારને..’ એમ કહીને ફીયાન્સી પાસે ફૂંકો પણ મરાવી શકાય. અને બાકી હોય તો ખભા દૂખે ત્યાં સુધી ખેંચવાની એક્ટિંગ કરી શકાય જેથી રાત્રે ઊંઘ પણ વીતેલી ઉત્તરાયણની રાતો જેવી જ આવે. બસ તમારે ઉત્તરાયણની સ્કીનમાં ઘૂસી જવું પડે. આમાં રૂપિયાનો પણ ખર્ચો નથી, બિલકુલ કેશલેસ, કોર્ટના આદેશ મુજબ અને આપણા तेन त्यक्तेन भुंजीथा: અર્થાત ત્યાગીને ભોગવવાના સિદ્ધાંત સાથે પણ એકદમ સુસંગત!

મસ્કા ફન
અઠંગ ફેસબુક-વોટ્સેપીયાઓ નવરાશમાંથી પણ સમય કાઢી લેતા હોય છે!

No comments:

Post a Comment