Wednesday, December 28, 2016

કેશલેસ ઈકોનોમી : કેટલીક સમસ્યાઓ અને તેના ઉકેલ

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૮-૧૨-૨૦૧૬
 
અમોને એન્જીનીયરીંગમાં ઇકોનોમિકસ ખપ પુરતું જ ભણાવવામાં આવ્યુ છે, પણ એના પાયાના સિદ્ધાંતો સમજવા કોઈના પણ માટે ખાસ અઘરા નથી. ઇકોનોમિકસ વાંચીને અમને એટલું સમજાયું છે કે અત્યારના ‘કેશ ક્રંચ’ અને ‘કેશલેસ ઈકોનોમી’ના માહોલમાં કેડે હરણનું ચામડું વીંટી અને હાથમાં ભાલો લઈને પ્રાગૈતિહાસિક કરતા પણ પહેલાંની વિનિમય પદ્ધતિ પર ઉતરી આવીએ એ વધુ સરળ પડે એવું છે. ચાંદો સૂરજ રમતા'તા, રમતાં રમતાં કોડી જડી, કોડીનાં મેં ચીભડાં લીધાં ચીભડાએ મને બી આપ્યા ... આ બાળગીતમાં પણ એ જ શીખવાડવામાં આવ્યું હતું ને?

અમદાવાદ માટે પણ એ નવું નથી! રોટલીના બદલામાં વાળ કાપી આપવાની પ્રથા વિક્ટોરિયા ગાર્ડનની આસપાસની ફૂટપાથ પર સિત્તેરના દાયકા સુધી જીવંત હતી જ ને? અને જરા વિચારો કે તમારા ડ્રોઅરનો ભાર વધારતા ઝીણી પીનના ચાર્જરવાળા નોકિયાના મોબાઈલના બદલામાં તમને પાંચ શેર બટાટા મળતા હોય તો શું ખોટું છે? તમારું જીન્સ આપો અને બદલામાં પત્નીની લીપસ્ટીક લઇ આવો કે પછી તમારી બાઈક આપી દો અને બદલામાં બે સિલ્કની સાડીઓ લઇ આવો. કેટલું સરળ! ના બેન્કની લાઈનમાં ઉભા રહેવાનું કે ના એક એટીએમથી બીજા એટીએમ ભટકવાનું! બાકી અમે તો નોકરિયાત છીએ, તમે કહેશો તો અમે ચપટીમાં કેશલેસ થઇ જઈશું.

આપણી પ્રજા મૂળત: ઊંટના ઢેકા ઉપર કાઠડા મુકે એવી જુગાડુ પ્રકૃતિની છે. દા. ત. જુગારમાં આમ તો કેશ જ વપરાય પણ રોકડ સાથે પકડાઈ ન જવાય એ માટે જુગારમાં ટોકન સીસ્ટમ વર્ષોથી ચાલે છે. ટોકન ખરીદવા અને વટાવવાનો વ્યવહાર પાછો કેશમાંજ હોય છે. યુધિષ્ઠિર કેશને બદલે કાઈન્ડથી જુગાર રમ્યા હતા એ સૌ જાણે છે. આ પ્રથા અમલમાં લાવી શકાય. જોકે ઘર કાર જેવી વસ્તુઓ દાવ પર લગાડી તો શકાય પણ એનું ઈન્સ્ટન્ટ વેલ્યુએશન એક સમસ્યા બની શકે. પરંતુ મેનેજમેન્ટમાં કહે છે કે દરેક સમસ્યામાં એક તક છુપાઈ હોય છે, એ હિસાબે આવી દાવ પર લાગેલી ચીજવસ્તુઓના ઈન્સ્ટન્ટ વેલ્યુએશનની ઓનલાઈન સેવા પૂરી પાડતી કંપનીઓ ઉભી કરાય, જે રોજગારીની નવી તક ઉભી કરે!

ધાર્મિક વિધિમાં પણ ફળફળાદિ, સુકામેવા સાથે દક્ષિણા મુકવાનો રીવાજ છે. આમાં કેશ અને કાઈન્ડ બંને ચાલે છે. ગૌદાન તરીકે ગાયના બદલામાં સંકલ્પ કરીને ૧૧ કે ૨૧ રૂપિયા પણ આપી શકાય છે. આ બધા વ્યવહારિક ઉપાયો છે. આવી વિધિઓમાં આમેય હવે દિવસે દિવસે પેકેજડીલ આવતા જાય છે જેમાં મહારાજ કડકડતી નોટો ડાબા હાથે યજમાનને આપે અને યજમાન એ જમણા હાથે મહારાજને પાછી આપે છે. આમાં મહારાજના ગળામાં લટકતા ‘કયુ.આર. કોડ’ને સ્કેન કરીને ‘પે થ્રુ મોબાઈલ’ એપ્લીકેશનથી પેમેન્ટ કરી શકાય.

સુલભ શૌચાલય કેશલેસ કરવું અઘરું છે. ત્યાં કાર્ડ લઈને ત્યાં જાવ તો કેવું લાગે ? ઉતાવળમાં કાર્ડ સ્વાઇપ કરાવવાનું પણ કેમ ફાવે? અને આ બધી માથાકુટમાં પછી જે માટે આવ્યા હતા એ ટ્રાન્ઝક્શનપૂરું ન થાય તો? એટલે આમાં કામ થયા પછી પેમેન્ટ લેવાની મુનસીટાપલીને અરજ કરી શકાય. અથવા તો આધારકાર્ડ લીંક કરી શકાય. ગેસની સબસીડીમાંથી શૌચાલય વપરાશના રૂપિયા બાદ કરીને બાકીના રૂપિયા ધારકના ખાતામાં સીધા જમા થાય એવું કંઇક. મોલમાં તો ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ્સના કારણે કાર્ડ પેમેન્ટ એપ્રુવ ન થાય તો લીધેલો માલ પાછો આપવો પડતો હોય છે. આમાં માલ પાછો આપવાનો થાય થાય તો શું કરવું? આવો સવાલ અમારા એક મિત્રએ અમને પૂછ્યો હતો.

કેશલેસ સીસ્ટમમાં ભિખારીઓને સિગ્નલ પર પી.ઓ.એસ. મશીન લઈને ઉભેલા આપણે કલ્પી નથી શકતા. પણ ભારતમાં પ્રયોગ થઈ ચુક્યો છે અને બ્રાઝિલમાં ભિખારી ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ એક્સેપ્ટ કરે છે એવો સાચો-ખોટો ફોટો પણ નેટ પર વાઈરલ છે. આમાં મુખ્ય વાત પુણ્ય કાર્યની છે. જોકે ભિખારીને ૧૦ રૂપિયા ક્રેડિટકાર્ડથી આપ્યા બાદ જો બીલ ભરવાનું રહી જાય તો સાડી ત્રણસો રૂપિયા પેનલ્ટી થાય એ અલગ વાત છે. પરંતુ આમ થાય તો પણ આપણે સદ્કાર્ય છોડવું ન જોઈએ.

આજકાલ રોકડ વગર તમામ પ્રકારના વ્યવહારો કેવી રીતે કરી શકાય એ સમજાવતી જાહેરાતો રેડિયો, ટીવી અને છાપામાં આવે છે, પણ આપણા માટે એમાં કંઈ નવું નથી. ભારતમાં કેશલેસ ઈકોનોમી વર્ષોથી ચાલતી આવી છે. હાથમાં કાણો પૈસો ન હોય છતાં સામાજિક પ્રસંગો અને આર્થિક વ્યવહારો નિભાવવાની કળા પ્રજાના એક વિશાળ વર્ગ પાસે દાયકાઓથી હતી જ! ચેક લખવાની સલાહ તો છેક હમણાં આપવામાં આવી, બાકી અગાઉ લગ્ન-કારજ જેવા પ્રસંગો ખાતે લખીને કે વધુમાં વધુ ખેતર-મકાન લખી આપીને પાર પાડવામાં આવતા જ હતા. ઉલટાનું આજ દિન સુધી ‘ગરીબી હટાઓ’ના સુંવાળા સૂત્ર નીચે આ કળાને નેસ્તનાબુદ કરવાના નિષ્ફળ પ્રયત્નો થતા રહ્યા છે. કદાચ વીતેલા એક મહિના કરતા વધુ લાંબો અને કપરો સમય પ્રજાએ એ અનુભવને આધારે જ સફળતાથી વિતાવ્યો છે.

બાકી એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે ‘પુસ્તકસ્થા તુ યા વિદ્યા, પરહસ્ત ગતમ્ ધનમ્ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્દ ધનમ્.’ અમારી જાડી બુદ્ધિ પ્રમાણે આનો અર્થ એવો થાય છે કે પુસ્તકમાં (વાંચો બેંકની પાસબુકમાં) છપાયેલું (બેલેન્સ) અને બીજાના હાથમાં (વાંચો બેંકમાં) ગયેલું ધન સમય આવે કામમાં આવતા નથી. (અર્થાત વિજય માલ્યા જેવા લોકોના જ કામમાં આવતા હોય છે). આ ૩૦ ડીસેમ્બર સુધીનું સત્ય છે, આગે અલ્લા બેલી.

મસ્કા ફન


દોડાદોડ અને ઉડાઉડ કરનારો વંદો વહેલો મરે છે.

No comments:

Post a Comment