Wednesday, December 07, 2016

શ શિયાળાનો શ, શ શરદીનો શ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૭-૧૨-૨૦૧૬
‘શ’થી શિયાળો શરુ થઇ ગયો છે અને ‘શ’થી શરદીનાં દરદીઓ પણ દેખાઈ અને સંભળાઈ રહ્યા છે. ચારેતરફ નાકમાંથી બહારની તરફ સરી જતા લીંટના લબકાને પાછા ખેંચવાના પ્રયાસો શરુ થઈ ગયા છે. અત્યારે તો જ્યાં જ્યાં નજર મારી ઠરે હાથમાં રૂમાલ પકડેલા લોકો જણાય છે. શરદીનો પ્રભાવ સાર્વત્રિક તો છે જે, પરંતુ શરદી પોતે બિનસાંપ્રદાયિક અને બિનરાજકીય છે. એ મુડીવાદી કે સમાજવાદી નથી. શરદી સૌ કોઈને થાય છે. નોટબંધીના સમર્થક અને વિરોધીને થાય છે. જોકે શરદી એટલી કંટાળાજનક છે કે જો કોઈ એવું સંશોધન થાય કે ભક્ત પકારના લોકોને શરદી ઓછી થાય છે તો કેટલાય વિરોધીઓ ભક્તમાં કન્વર્ટ થઈ જાય તેમાં શંકાને સ્થાન નથી.

જેને શરદી થઈ હોય એની હાલત કફોડી હોય છે. શરદી મનુષ્યને કોઈ કામ કરવા દેતી નથી. કારણ કે કાળા ધનની માફક નાકમાં જમા થયેલ કેશ જાહેર ન થઇ જાય તેનું આપણે સતત ધ્યાન રાખવાનું હોય છે. બીજી તરફ સામે બેઠેલ કસ્ટમર, કલીગ, મિત્ર, સાહેબને જવાબ આપવાના હોય છે. જમવા બેસો ત્યારે થાળી પણ દૂર રાખવી પડે છે. કાળા કે ડાર્ક શર્ટ પહેરી શકાતા નથી. આ અઘરું કામ છે. લુછી લુછીને નાક લાલ થઈ ગયું હોય એટલે જોકર જેવો દેખાવ થઈ જાય છે. શરદીમાં નાક ઉપરાંત આંખમાંથી પણ પાણી પાણી નીકળતું હોય છે. જોકે તમે રડો તો આંસુ લુછવા કોઈ રૂમાલ આપે છે, પણ શેડા લુછવા કોઈ રૂમાલ નથી આપતું એ હકીકત છે.
  

Source: unknown
શરદી દરેકેની આગવી હોય છે. પોતીકી હોય છે. સાહિત્યમાં અત્યારે સહિયારું સર્જન શરુ થયું છે, પણ શરદીમાં આખા ઘરના દરેક સભ્યને થઈ હોય તો પણ દરેકની શરદી પોતાની આગવી હોય છે. નાના બાળક સિવાય દરેકે પોતે જાતે નાક સાફ કરવું પડે છે. મોટા ઉદ્યોગપતિ હોય કે નેતા, બિલ્ડર હોય કે અભિનેતા સૌ પોતાનું નાક જાતે સાફ કરે છે. નાક સાફ કરવા માટે રામુકાકા રાખી શકાતા નથી, અથવા તો ઇતિહાસમાં એવા કોઈ માણસ રાખ્યા હોય એવા દાખલા જડતા નથી. ધારોકે કોઈ તાલેવંત આ કાર્ય માટે માણસ રાખે તો પણ અમુક આંતરિક ક્રિયાઓ તો જાતે જ કરવી પડે છે તે સુવિદિત છે.

દહીંમાંથી જ બનતા હોવા છતાં જેમ તરલતાની રીતે મઠ્ઠો એ છાશ અને શિખંડ વચ્ચેની અવસ્થા છે એમજ શેડા એ તબીબી ભાષામાં જેને રનિંગ નોઝ અને સ્ટફડ નોઝ કહે છે, એ બે વચ્ચેની અવસ્થા છે. રનિંગ નોઝના કિસ્સામાં નાકના ઊંડાણમાંથી ઉદ્દભવતો પ્રવાહ હોઠની ઉત્તરે આવેલ ઢોળાવ પર થઈ ખીણમાં પ્રવેશે ત્યારે તેની ગતિ સ્કૂટી પર શિફોનનો ​​ઉત્તરીય (દુપટ્ટો યુ સી) હવામાં લહેરાવતી જતી તરુણી જેવી હોય છે. જાતકે વારંવાર આ દુપટ્ટા પર કાબુ સ્થાપિત કરતા રહેવું પડે છે. સ્ટફડ નોઝાવસ્થામાં મનુષ્યની નાસિકાના ફોરણાની હાલત કૂલ્ફીના મોલ્ડ જેવી હોય છે.​ આ બંને આ બંને અવસ્થાઓની વચ્ચે શેડાવસ્થા આવે છે, જેમાં પ્રવાહની ગતિ ધીમી હોય છે. બીજી ખૂબી એની અનિશ્ચિતતા છે. ઉપરવાસમાંથી આવરો કેટલો હશે અને વ્હેણ ક્યારે ચાલુ થશે એ બાબતે સટ્ટો રમી શકાય એવી અનિશ્ચિતતા રહેલી હોય છે. મનુષ્યના મનમાં શું રહેલું છે એ તમે કદાચ કલ્પી શકો પણ એના નાકમાં શું છે એ કહેવું અઘરું છે. જેમ નાની ચોરીમાં પકડાયેલ ચોર પાસેથી પોલીસ પાછલી દસ-બાર ચોરીનો માલ કઢાવે છે, તેવું જ શરદીમાં નાક સાફ કરનાર સાથે થાય છે. આવા કિસ્સાઓમાં નાક નસીંગતી વખતે ફોરણામાં હાજર સ્ટોકની સાથે ગોડાઉનમાં અગાઉ સ્ટોક કરેલા માલનો પણ નિકાલ કરવાનો વારો આવતો હોય છે. ઘણાને ટ્યુબલાઈટની જેમ નાકમાં શેડા ઝબકી જતા હોય છે. તો નાના બાળકોનાં નાકમાં ચાઇનીઝ લાઈટની જેમ શેડા ઝબૂકતા હોય છે. આ રોશની કેવી રીતે બંધ કરવી એ મોટા ભાગની મમ્માઓની સમસ્યા છે.

શરદી સાથે માણસને બાલ્યાવસ્થાથી જ પનારો પડતો હોઈ કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે એ નવી સમસ્યા ન કહેવાય, પણ શરદીથી પ્રેરિત કેટલીક બાબતો માણસને સમય જતા સમજાય છે. જેમ કે, બરફમાંથી બનાવવામાં આવતા સ્નો-મેનનાં નાક તરીકે લાલ ​ગાજર કેમ ભરાવવામાં આવે છે એ માણસને મોટી ઉંમરે શરદી થાય ત્યારે જ સમજાય છે. આમ છતાં અમને આજ સુધી એ વાત નથી સમજાઈ કે વરરાજાને પોંખતી વખતે એનું નાક ખેંચવા માટે જીવ ઉપર આવી જતી સાસુઓ જમાઈને શરદી થઇ હોય ત્યારે નાક ખેંચવા કેમ નહિ આવતી હોય?

‘શરદીની સારવાર કરશો તો એ અઠવાડિયામાં મટી જશે, અને નહિ કરો તો એ સાત દિવસમાં તો મટી જ જશે’ - શરદી અંગે બાવા આદમના બાબાને તપાસતી વખતે ડોકટરે ક્રેક કરેલી આ જોક એ શરદી બાબતની જમીની હકીકત છે. વ્યક્તિને એલોપેથી દવા પ્રત્યે નફરતની શરૂઆત લગભગ તો શરદીથી જ થાય છે. રોગની તાસીર પ્રમાણે આ નફરત સામાન્ય ચીડથી લઈને ખૂન્નસ સુધી પહોંચી જતી હોય છે. પુત્રપ્રાપ્તિ માટે શહેનશાહ અકબરે જે રીતે દરદર પર માથું ટેકવ્યું હતું એમ હઠીલી શરદીના પેશન્ટો વિવિધ ઉપચાર પદ્ધતિઓ અજમાવ્યા પછી છેવટે નાસ, વાટણ-ચાટણ, કાવા-ઉકાળા કે બાંડિયું સ્વેટર-મફલર-ટોપીના ખોળે માથું મૂકી દેતા હોય છે અને પછી એ વસ્ત્રો એમને આજીવન વળગી રહે છે.

મસ્કા ફન

ગુંગા એ શરદીનો ભવિષ્યકાળ છે !

No comments:

Post a Comment