Wednesday, January 25, 2017

હરણ મર્યું કઈ રીતે ?

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૫-૦૧-૨૦૧૭
આદિકાવ્ય રામાયણના જમાનાથી હરણ ચર્ચામાં રહ્યું છે. એકદા શ્રવણકુમાર સરોવરમાંથી પાણી ભરી રહ્યો હતો એનો અવાજ મૃગયા માટે નીકળેલા રાજા દશરથને હરણ પાણી પીતું હોય એવો લાગ્યો અને એમણે શબ્દવેધી તીર માર્યું જે શ્રવણકુમારને વાગ્યું. પછી વિરહમાં વિલાપ કરતા શ્રવણકુમારના મા-બાપે દશરથને પુત્ર વિરહનો શ્રાપ આપ્યો અને આમ હરણના કારણે આખી રામાયણ થઇ. એ પછી नभूतपूर्व न कदापि वार्ता हेम्न: कुरङ्ग: न कदापि दृष्ट| અર્થાત ભૂતકાળમાં સુવર્ણ મૃગ જોયું નહોતું કે એના વિષે સાંભળ્યું પણ નહોતું છતાં પ્રભુ કાંચનમૃગ પાછળ દોડ્યા હતા અને સીતાજીનું હરણ થયું હતું. ત્યારથી લઈને ‘પછી હરણની સીતા થઇ કે નહિ?’ પૂછનારા માજી સુધીનાને આ હરણે પરેશાન કર્યા છે. હરણનો છેલ્લો શિકાર સલમાન છે. ન્યાયની દેવીની આંખો પર તો પટ્ટી બાંધેલી છે શું થયું એ તો અનુમાનનો જ વિષય છે, પણ સલમાન પર હરણના શિકારનો આરોપ મુકાયો અને એ નિર્દોષ છૂટી ગયો છે. હરણ મર્યું છે, બંદૂકની ગોળીથી મર્યું છે, પરંતુ એ ગોળી સલમાને નથી છોડી? તો થયું શું હતું ? એઝ યુઝવલ આ મામલામાં સોશિયલ મીડીયાના અમારા જેવા નવરેશોએ ઝંપલાવ્યું અને આખી ઘટનામાં ખરેખર શું બન્યું હશે એ અંગે અનેક થીયરીઓ બહાર આવી છે. 

૧) શોલેમાં ગબ્બર સિંઘે જે ત્રણ ગોળીઓ હવામાં છોડી હતી એમાંની એક ગોળી અબજો પ્રકાશવર્ષ દૂર ‘પીકે’વાળા આમીર ખાનના અવકાશયાન પર અથડાઈને પૃથ્વી તરફ પાછી આવી અને એ પેલા હરણને વાગી. યોગનુયોગ એ વખતે શુટિંગ માટે ત્યાં સલમાન હાજર હોય છે જેના લીધે એ નિર્દોષ જીવ આ મામલામાં સંડોવાઈ ગયો. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે પીકે રાજસ્થાનના રણમાં મોજે મંડાવા, જીલ્લો ઝૂનઝૂનુના પાદરમાં એ ગોળી શોધવા માટે જ ઉતર્યો હતો. એણે હરણના શરીરમાંથી કાઢેલી ગોળી પર ચોંટેલી અવકાશયાનના બોડી પેઈન્ટની પોપડીઓ ઓળખી બતાવી હશે એટલે સલમાન નિર્દોષ છૂટ્યો અને ગબ્બરનું ઓલરેડી અવસાન થઈ ગયેલ હોઈ કેસ સી સમરી ભરી ફાઈલ કરવામાં આવ્યો હશે.

૨) એક થીયરી એવી ચાલે છે કે સલમાન એના આગામી પિકચરમાં શુદ્ધ શાકાહારીનો રોલ કરવાનો હોય છે. એ માટે એ ઘાસ ખાવાની પ્રેક્ટીસ કરવા જંગલમાં ગયો હોય છે. આ તરફ સલમાન શર્ટ કાઢીને હંમેશની જેમ પુશ અપ્સ કરતા કરતા ઘાસના કોળિયા ભરતો હોય છે ત્યારે હરણના ટોળેટોળા એને જોવા ભેગા થાય છે. ત્યાં હરણીઓ, અને અમુક હરણ પણ ભાઈને ટોપલેસ જોઇને એક્સાઈટ થઈ જાય છે. આમ સલમાન વચ્ચે અને ચારે તરફ હરણ ગોઠવાઈ જાય છે, અને સલમાન ગીત ગાવાનું શરુ કરે છે. હરણ પણ કોરસમાં ડાન્સ કરવા લાગે છે. ગીત જયારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે મરનાર હરણના કાકાના શીંગડામાં લઘુશંકાએ ગયેલા ફોરેસ્ટ ગાર્ડની રાઈફલ ભરાઈ જાય છે અને એમાંથી ગોળી છૂટે છે. પછી શું થયું એ તો તમને બધાને ખબર જ છે. હરણના કાકા સામે ચાર્જશીટ ફાઈલ થઈ શકી નહિ કારણ કે ઓળખપરેડમાં વિટનેસ અનેક હરણમાંથી મજકુર હરણના કાકા કયા એ ઓળખી બતાવી શક્યું નહિ. એકંદરે સૌએ ખાધું પીધું અને રાજ કીધું.

૩) એ દિવસ રવિવાર હતો. સલમાન જંગલમાં એક ગીતના શુટિંગ માટે ગયો હોય છે. જ્યાં શુટિંગ થવાનું હતું તે જગ્યા પાસે જ હરણની વસાહત હતી. એ વસાહતનો ચોકીદાર પોતાની સર્વિસ રાઈફલ સાફ કરતો હતા. એ વખતે શુટિંગ માટે ગીતનો એકનો એક અંતરો ‘જગ ઘૂમ્યા’ વારંવાર વાગતો હતો એનાથી એમનું માથું ઘૂમી ગયું હતું. આ માથાના દુખાવાના કારણે જ એ રાઈફલ સાફ કરતા પહેલા ગોળી કાઢવાનું ભૂલી ગયા. પછી શું થયું એ તો તમને બધાને ખબર જ છે. ચોકીદાર સામે બેદરકારીથી રાઈફલ સાફ કરવા માટે એફ.આઈ.આર. પણ ફાઈલ થઈ. સલમાન, ફિલ્મના ડાયરેક્ટર, મ્યુઝીક ડાયરેક્ટર અને ગીતકારનું નામ પણ ગુના માટે ઉશ્કેરણી બદલ ફરિયાદમાં સહઆરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું. જોકે અંતે સૌ નિર્દોષ છૂટી ગયા. કારણ કે ગીતની ધૂન ઉઠાવેલી હતી. નામદાર કોર્ટે ઓરીજીનલ ધૂન બનાવનારને પકડવા પોલીસને નિર્દેશ આપ્યા છે.

૪) હરણ જિંદગીથી કંટાળી ગયું હતું. એને જમવામાં રોજ ઘાસ ખાવું પડતું હતું. ઘાસ ખાલી બે પ્રકારના હતા, લીલું ઘાસ અને પીળું ઘાસ. જંગલમાં વાઘ, સિંહ નહોતા, દીપડા સિવાય કોઈ રાની પશુ નહોતા. એમ છતાં ઘાસ ખાતી વખતે હરણા સતત ફફડતા હતા કે કોઈ મોટું પ્રાણી, જેમ કે માણસ, શિકાર કરવા ન આવી જાય. જંગલમાં કોઈ પ્રાઈવસી નહોતી કારણ કે ગમે ત્યારે ડિસ્કવરી અને બીજી ચેનલ્સ શુટિંગ કરવા આવી ચઢતા. જંગલમાં જંગલના કાનુન હતા અને પુરાવાને અભાવે મોટાભાગના ગુનેગારો છૂટી જતા હતા. બીજા જંગલથી એવા પણ ખબર આવ્યા હતા કે પ્રાણીઓ માટેનો ઘાસચારો નેતાઓ ખાઈ જાય છે. આ સંજોગોમાં હરણને જીવન પોતાના શીંગડા કરતા પણ વધારે બોજરૂપ લાગતું હતું. એવામાં વ્યથિત હરણને એકવાર ઝાડને ટેકવીને ઉભેલી એક રાઈફલ પડેલી દેખાઈ. આવેશમાં આવીને એણે રાઈફલ ડુંટી પર તાકી અને પાછલા પગે એની ટ્રીગર દબાવી. આગળ શું થયું એ તો તમને સૌને ખબર છે જ!

હજી તો ઘણું ટ્રોલિંગ થશે, પરંતુ આવી બાબતોમાં સલમાન રીઢો થઇ ગયો છે. વનના મોરલા અને ‘લખ ચાર’ હરણનો શિકાર કરી ચુકેલો જેસલ જાડેજો તો સતી તોરલ સમક્ષ પોતે કરેલા પાપનો એકરાર કરીને નિર્મળ બની ગયો હતો, પણ સલમાન તો એમાંથી પણ ગયો!

મસ્કા ફન

ચાલવા અને હાલી નીકળવા વચ્ચે ઘણો ફેર છે.
હાલી નીકળવાથી કેલરી બળતી નથી.

Note: Images on this blog are not same as that published in newspaper.

1 comment: