Wednesday, April 12, 2017

દસમો રસ કેરીનો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૨-૦૪-૨૦૧૭

ઉનાળો આવી ગયો છે. બહાર ગરમી અને પાણી માટે રાડો પડવા લાગી છે. ઘરોમાં બિચારી કેરીનું કચુમ્બર કે છુંદો થવા લાગ્યા છે. હજુયે અમુક ઘરોમાં છુંદા અને અથાણા નાખવામાં આવે છે, જે સાવ નાખી દેવા જેવા નથી હોતા.ચૂસીને કેરી ખાવાનો જમાનો ગયો એવો અફસોસ કરનારા ટુકડા કરેલી આફૂસને કાંટાથી ખાય છે.

જેમની આર્થિક સ્થિતિમાં કસ હોય એ ઘરમાં રસ બનાવે છે. શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત બીભત્સ, અને શાંત આ નવ રસ લાગણીઓ વ્યક્ત કરે છે. કેરીનો રસ એ દસમો રસ છે. સંસ્કૃતમાં કહ્યું છે કે "वाक्यम् रसात्मकम् काव्यम्" અર્થાત રસયુક્ત વાક્ય જ કાવ્ય છે. પરંતુ અમે કહીએ છીએ કે "रसात्मकम् भोजनम् महाकाव्यम्" અર્થાત (કેરીના) રસવાળું ભોજન મહાકાવ્ય છે, જે ઘી, સુંઠ, પાતરા, ઢોકળા જેવા ખાદ્ય અલંકારોથી સુશોભિત થાય છે.

રસ જેનો નીચોડ છે તેવી કેરીની અનેક જાતની મળે છે. જેમ કે સસ્તી કેરી, મોંઘી કેરી અને હેસિયત બહારની કેરી. કેરીને હિન્દીમાં આમ કહે છે, પણ આ આમ આમ આદમી અને ઔરતો માટે પોસાય એવી રહી નથી. કેસર કેરીનું બોક્સ હોય તો એમાં ઉપરની તરફ મોટી કેરીઓ અને નીચેની તરફ નાની કેરીઓ ગોઠવેલી મળે છે. બિલ્ડરો જેમ સુપરબિલ્ટ અપ એરિયાને નામે ગોલમાલ કરતા હોય છે, તેમ ખાસ કરીને કેસર કેરીના વેપારીઓ કિલોના બદલે બોક્સના ભાવે કેરીઓ વેચી ગોલમાલ કરતા હોય છે. સુંદરી, પાયરી, બદામ, લંગડો, આફૂસ, કેસર, રાજાપુરી વગેરે નામની કેરી બજારમાં મળે છે. કેરીમાં નામ પ્રમાણે ગુણ હોય પણ ખરા અને ન પણ હોય. જો નામ પ્રમાણે ગુણ હોય તો ફિક્કી કેરી, મોળી કેરી, ખાટ્ટી કેરી, મોટા ગોટલાવાળી જેવા નામ પણ હોત. 
 
ઉતાવળે આંબા નથી પાકતા પણ કાચી કેરીમાં કાર્બાઈડનું પડીકું મુકો એટલે જલ્દી પાકે છે. હવે એ સસ્તા મેડ ઇન ઇન્ડિયા કાર્બાઈડના પડીકાની હરીફાઈમાં ચાઇનીઝ કેમિકલ આવી ગયા છે. ચાઇનીઝ સફરજન, કીવી અને તડબુચ આવે છે, પરંતુ હજુ ચાઈનાવાળા આપણા માર્કેટમાં કેરી ઘુસાડી નથી શક્યા. ઘણીવાર એવું લાગે છે કે આ ભેળસેળ, ગુટખા, કાર્બાઈડ પાવડર આ બધું વસ્તી વધારા સામેના ઉપાયો જ છે. કેરી પાકે એટલે એનો રંગ લીલામાંથી પીળો અને કેસરી થાય છે. અમુક રાજકીય વિચારસરણી ધરાવનારા આમ છતાં પાકી કેરી ખાય છે. જો એમનો વિરોધ પાકો હોય તો એમણે પાકી કેરીનો પણ વિરોધ અને ત્યાગ કરવો જોઈએ.

ઉતાવળે આંબા જ નહીં, છૂંદો પણ નથી પાકતો. ઘરનો છુંદા-શોખીન પુરુષવર્ગ ‘છૂંદો ખાવો હોય તો કેરી છીણવી પડશે’ જેવા તાલિબાની અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોથી વિપરીતતથા ગૃહમાં બહુમતી વગર પસાર કરેલા ઘરના કાયદા સામે, જીભના ચટાકાને કારણે શરણે આવે, ત્યારે ઘરમાં છૂંદો બને છે. રજાના દિવસે, રાજાપુરી કેરીને છીણી,આ ક્રિયા દરમિયાન થોડી કેરી પેટમાં પધરાવી, મીઠું નાખી ખટાશ ઉતારી, ખાંડ મરચું નાખી ઉપર સફેદ પાતળું મલમલનું કપડું બાંધી, તપેલા ધાબે ચઢાવવામાં આવે છે. આ પછીનું અઠવાડિયા રોજ વાદળ અને વાંદરાની ચિંતા વચ્ચે રોજ તપેલા ઉપર-નીચે કરીને છૂંદો બને પછી સ્વાભાવિક છે કે ઘેર જમવા આવનાર દરેકને ‘જાતે બનાવ્યો છે’ કહી આગ્રહ કરી કરીને ખવડાવવામાં આવે. આપણા દેશમાં જાતે બનાવેલી અને ઘેર બનાવેલી આઈટમ્સ આપોઆપ ઉચ્ચ ગુણવત્તા કે ટેસ્ટની હોય એવું માનવામાં આવે છે.

જે ઘરોમાં સારા ટેસ્ટનું શાક નથી બનતું ત્યાં કેરીના અથાણાનો ઉપાડ વધારે થાય છે. મહેમાન તમારા ઘેર અથાણું શોધતા હોય તો તમારે એમ ન સમજવું કે મહેમાનને તમારું અથાણું બહુ ભાવી ગયું છે, પરંતુ કદાચ દમ આલુના શાકમાં દમ નથી. આને ફીડબેક ગણી લેવો જોઈએ. રેસ્ટોરન્ટમાં પંજાબી ખાવા જનાર ભાગ્યે જ અથાણાથી પોતાની પ્લેટ ચીતરે છે. હા, અમદાવાદની જાણીતી બ્રાંડના ચના-પૂરી ખાવા જાવ અને એકસોને ચાલીસ રૂપિયા ખર્ચવા છતાં વિરાટ પુરીના પ્રમાણમાં ચના ચપટી જ આપવામાં આવે, ત્યારે પ્લેટમાંથી ચણા સાફ કર્યા બાદ વધેલી પૂરી અથાણા સાથે પુરી કરવાનો વારો આવે છે એ અલગ વાત છે. ઘરમાં જોઈએ તો દાળ કે શાક ખૂટે તો તેની અવેજીમાં અથાણું વપરાય છે. એટલે જ અથાણું એ ગુજરાતી ગૃહિણીઓની કોઠાસૂઝ છે.

--

મહાનુભવોનો કેરી પ્રેમ જાણીતો છે. ટાગોરના ઉત્કૃષ્ટ લખાણનું કારણ પણ આંબો છે એ ભાગ્યે જ કોઈને ખબર હશે. ટાગોરની આ કવિતા વાંચશો તો ખબર પડશે;

ओ मंजरी, ओ मंजरी, आमेर मंजरी

क्या तुम्हारा दिल उदास है

तुम्हारी खुशबू में मिल कर मेरे गीत

सभी दिशाओं में फैलते हैंऔर लौट आते हैं

સુફી કવિ આમીર ખુસરો પણ કેરી પર વારી જઈને કેરીને ફ્ક્ર-એ-ગુલશન નામ આપ્યું છે. ચાંદની ચોકના બલ્લીમારાં વિસ્તારની ગલી કાસીમ જાન જેના કારણે મશહૂર છે એ મિર્ઝા ગાલિબના નામે કેરી વિશેની એક રમુજ જાણીતી છે. ગાલિબને ખાવા માટે કેરી આપ્યા પછી પૂછવામાં આવ્યું કે ‘આમ કે સાથ કુછ ખાસ ચાહિયે?’ ત્યારે ગાલિબે કહ્યું કે ‘જબ આમ હૈ તો ખાસ કા ક્યા કામ હૈ!’ અહી ગુજરાતીઓ ગાલિબથી જુદા પડે છે. આપણે ત્યાં કેરીના રસમાં ઘી નાખવામાં આવે છે. રસ વાયડો ન પડે એ માટે એમાં સુંઠ નાખવાનો પણ રીવાજ છે. સાસરે જમવામાં રસ સાથે બપડી (બેપડી) રોટલી, વાલની દાળ, અળવીના પાનના પાત્રા કે ખમણ-ઢોકળા ન હોય તો જમાઈઓ પત્નીને પિયર મુકીને જતા રહ્યા હોય એવી ઘટનાઓ બનેલી છે. જોકે આજે કોઈ જમાઈ એવું કરે તો એના છોકરાં રખડી પડે.

મસ્કા ફન


“જો તમને નાસાવાળા મંગળ પર જવા સ્પોન્સર કરે તો મંગળ પર જઈને તમે શું કરો?”

“ગરબા, ગુજરાતી બીજું શું કરે?”

No comments:

Post a Comment