Wednesday, April 19, 2017

અવાજ કે ઘોંઘાટ ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૯-૦૪-૨૦૧૭


દુનિયાનો સૌથી મોટો અવાજ સન ૧૮૮૩માં ક્રાકાતોઆ જ્વાળામુખી ફાટવાથી થયો હતો. કદાચ એ દિવસની માનવજાત આ રેકોર્ડ તોડવા પ્રયત્નશીલ છે. સામાન્ય રીતે અનિચ્છનીય, અણગમતા, શ્રવણશક્તિ માટે હાનીકારક કે પછી કોઈ પ્રવૃત્તિને ખલેલ રૂપ અથવા પ્રતિકૂળ હોય એવા અવાજને ઘોંઘાટ ગણવામાં આવે છે. એમાં કોઈ ચોક્કસ સૂર હોતો નથી. હાથીની પાછળ કૂતરા ભસે એ કૂતરાઓ દ્વારા થતો ઘોંઘાટ ગણાય છે, પરંતુ કુતરું બુદ્ધિજીવી હોય તો એ ઘોંઘાટ વિરોધનો સુર બની જાય છે. એમ તો આજના બોલીવુડના સંગીતમાં સૂર પકડવો મુશ્કેલ હોઈ ઘોંઘાટ જ ગણાય પણ એફ.એમ. સ્ટેશનો માટે એ રોજીરોટી છે. પવનના સૂસવાટા અને વરસાદની ગાજવીજ એ કુદરતી ઘોંઘાટ છે જેની ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. જયારે ખખડી ગયેલી જાહેર બસોના મરણાસન્ન એન્જીનોની ધંધાણાટી, વિમાનની ઘરઘરાટી, હોર્ન, ભીડનો કોલાહલ, ધર્મના નામે લાઉડસ્પીકર પર ચીસો પાડતા અધર્મીઓ, માઈક ઉપર ભૂંડના ચિત્કાર જેવા અવાજમાં ગવાતા ગીતો વગેરે માનવસર્જિત ઘોંઘાટના પ્રકાર છે. આવો ઘોંઘાટ મનુષ્ય અને પ્રાણી સૃષ્ટિ માટે હાનીકારક છે.

કેટલાક પ્રકારના ઘોંઘાટ ઓડીયેબલ સ્પેક્ટ્રમમાં ન આવતા હોવા છતાં એને ઘોંઘાટ ગણવામાં આવે છે. જેમ કે માણસના મનમાં ચાલતા વિચારોના ઘમાસાણને પણ ઘોંઘાટ ઠરાવવામાં આવ્યો છે. જેની અંદરનો આ ઘોંઘાટ કાબૂમાં હોય એ કવિ કે ફિલસૂફ ગણાય છે જયારે બાકીના મનોચિકિત્સકોને ઘરાકી કરાવે છે. રાજકારણીઓની વિચિત્ર તથા અસંબદ્ધ નિવેદનો એક પ્રકારનો ઘોંઘાટ જ છે. સોશિયલ મીડિયામાં અશિષ્ટ ભાષામાં વ્યક્ત થતા પરસ્પર વિપરીત મતો એ નવતર પ્રકારનો ઘોંઘાટ છે જેની ઉપર કોઈ નિયંત્રણ નથી.

આમ તો ઘોંઘાટ ડેસિબલમાં મપાય છે પરંતુ અમુક શિક્ષિકાઓને આ માપ વિષે જાણકારી ન હોવાથી ‘આ ક્લાસ છે, શાકમાર્કેટ નથી’ કહેવા પ્રેરાય છે. મતલબ કે શાકમાર્કેટમાં થતો હોય એટલો અવાજ ત્યાં થતો હશે. બની શકે. ભાવ માટે રકઝક કરીને ’૨૦ના કિલો આપવા હોય તો બોલ’ કહીને પાછળ જોયા વગર ચાલી જતી સ્ત્રીને બોલાવવા ‘લો પચ્ચીસના કિલો આલું’ અને ઘરાક થોડી વધારે આગળ જાય એટલે વધુ જોરથી ઘાંટો પાડીને ‘લો ૨૦ના લઈ જાવ હેંડો’ બોલાવે છે. ભાવ પાડીને ચાલી જનારી રસ્તામાં આનાથી સારા ભીંડા આનાથી સારા ભાવમાં નહીં મળે એવી ખાતરી ન થાય ત્યાં સુધી બુમ સાંભળતી જ ના હોય એવું કરે છે. અમે સ્કુલમાં ભણતા ત્યારે અમારા સાહેબ ‘શેરબજાર નથી’ પ્રકારની સરખામણી કરતા. એ વખતે શેરબજારમાં ઘાંટા પાડીને હાથ ઉલાળીને સોદા થતા. શિક્ષિકા અને શિક્ષકો દ્વારા અપાતા ઉદાહરણો બદલાય નહીં ત્યાં સુધી જેન્ડર ઇક્વાલિટી આવશે નહીં તેવું અમને જણાય છે.

સિત્તેરના દાયકામાં શોર્ટ વેવ પર રેડિયો સિલોન પરથી પ્રસારિત થતો કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’ સંભાળતી વખતે કે બીબીસીના સમાચાર સંભાળતી વખતે એમાં ઘોંઘાટથી ખલેલ પડતી પણ એને ગણકાર્યા વગર પબ્લિક લાગેલી રહેતી. દૂરદર્શન પાપાપગલી ભરતું હતું ત્યારે પિક્ચર અને અવાજમાં આવતો ઘોંઘાટ દૂર કરવા માટે તોતિંગ એન્ટેનાને વારે ઘડીએ ફેરવવું પડતું. એના માટે ઘરમાં ત્રણ-ચાર જણાનો સ્ટાફ ખડે પગે તૈયાર રહેતો. ક્રિકેટ મેચમાં રસ ધરાવતા પાડોશીઓ પણ આ શ્રમયજ્ઞમાં આહૂતિ આપતા. ઝૂઝારુ યુવાનોએ આવા પ્રસંગોએ ધાબામાં ટાઢ-તાપ વેઠીને ઉઠાવેલી જહેમત આગળ જતા પ્રણય અને અંતે પરિણયમાં ફેરવાઈ હોય એવી ઘટનાઓ ભલે ઇતિહાસમાં નોંધાઈ ન હોય પણ બની છે ખરી.

સંશોધન એવું કહે છે કે પુરુષો કરતા સ્ત્રીઓ વધારે અવાજ કરે છે. એવું મનાય છે કે સ્ત્રીઓ દિવસના ૨૦,૦૦૦ શબ્દો બોલે છે જયારે પુરુષો ૭૦૦૦. એક જોક મુજબ સ્ત્રીઓ પોતાનો બોલવાનો ક્વોટા પુરુષનો ક્વોટા પૂરો થાય પછી વાપરવાની શરૂઆત કરે છે. એક અન્ય પ્રચલિત જોક મુજબ નાયગ્રા ધોધની મુલાકાતે ગયેલા સ્ત્રીઓના એક ટોળાને ગાઈડ સમજાવતો હોય છે કે ‘નાયગ્રા ધોધ એટલો પ્રચંડ છે કે ધોધ પરથી જો ૨૦ સુપરસોનિક વિમાનો એક સાથે પસાર થતા હોય તો ધોધના અવાજમાં આ વિમાનોનો અવાજ દબાઈ જાય, અને લેડીઝ, તમે જો હવે થોડીવાર શાંત રહો તો આપણે ધોધનો અવાજ સાંભળીએ!’ જેમને આ વાત જોક લાગે તેમણે બપોરે રેસ્ટોરન્ટમાં કિટી પાર્ટી ચાલતી હોય ત્યારે લંચ લઈ ખાતરી કરી લેવી.

ભારતમાં લગ્નએ ઘોંઘાટનું કારક છે. લગ્ન માટે એવું કહેવાય છે કે વાસણ હોય તો ખખડે પણ ખરા. પણ અમે અહીં લગ્ન પ્રસંગે થતાં ઘોંઘાટ તરફ અંગુલિનિર્દેશ કરીએ છીએ, નહીં કે લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે થતાં. વરઘોડામાં મોટા અવાજે વાજિંત્રો, ઢોલ, ડીજે દ્વારા ગીતો વગાડવામાં આવે છે જેથી વરરાજાને કદાચ છેલ્લે છેલ્લે પાછા ફરવાનો વિચાર મનમાં આવે તો એ કહી શકે નહીં. આશ્ચર્યજનક બાબત એ છે કે ખોખરી સાઉન્ડ સીસ્ટમ અને અતિ ખરાબ ગાયકી થકી ઉત્પન્ન થતા ઘોંઘાટમાં વરઘોડામાં વરની બહેન અને ભાઈબંધોને ગરબા અને ડાન્સ કરતા રોકી શકાતાં નથી. ઉલટાનું રૂ. દસ-દસની નોટો ઉડાડીને વગાડનારને વધુ ઘોંઘાટ કરવા માટે પ્રોત્સાહન આપવાની પ્રથા છે. કન્યા ‘પધરાવવા’ની ઘડીએ પણ ગોર મહારાજ સિગારેટના ખોખા પરની સ્ટેચ્યુટરી વોર્નિગ જેવો ‘સા..વ..ધા..ન..’નો પોકાર પાડે ત્યારે કન્યા પક્ષ દ્વારા ઘોંઘાટ કરીને એને દબાવી દેતા હોય છે.

આપણી આ માનવ જાત જ એટલી વિચિત્ર છે કે દિવાળીમાં ૫૫૫ બોમ્બની વાટ ચાંપીને પછી કાન પર હાથ ઢાંકીને ઉભી રહે છે. ભાઈ, ધડાકાથી તારા કાનના પડદા હાલી ઉઠે છે તો જખ મારવા બોમ્બ ફોડે છે? આ પાકિસ્તાન પણ કંઇક આવું જ કરે છે ને?

મસ્કા ફન

અક્કીને ‘રુસ્તમ’ માટે નેશનલ એવોર્ડ મળ્યો એનાથી અમોને ઘોડાની રેસમાં ગધેડું ફર્સ્ટ આવ્યું હોય એટલો આનંદ થયો છે.

No comments:

Post a Comment