Wednesday, September 06, 2017

બાબા બનવાની કળા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૬-૦૯-૨૦૧૭

ગુરમીત સિંઘ રામ-રહીમ બાબાને જેલ થવાથી પ્રજામાં ઉન્માદની હદ જેટલો ઉત્સાહ છવાઈ ગયો છે. હિન્દી મીડિયા તો બાબાના કેસનો ચુકાદો આપ્યો એ જજ ક્યાંથી બનિયન ખરીદે છે તે પણ શોધી લાવ્યા છે, એટલું જ નહીં એને પોતાની સિદ્ધિ તરીકે રજુ કરે છે. પોલીટીકલ પાર્ટીઓ બાબા સાથે છેડો ફાડવાના મુડમાં છે અને જેમના બાબા સાથે અગાઉ કોઈ ફોટા નથી પડ્યા તેમણે આ અંગે સ્ટેટમેન્ટ આપવાના શરુ કર્યા છે. એટલું સારું છે કે બાબા પીડિત નથી એટલે એની નાત-જાત વિષે ઓછી ચર્ચા ચાલે છે. આવામાં બાબા શબ્દ તુચ્છકારજનક બની ગયો છે. 

આમાં થોડોક વાંક બાબાનો પણ છે. આપણી પૌરાણિક કથાઓમાં ઋષિ મુનીઓ ​સદીઓ સુધી આકરું તપ કરતાં ત્યારે ઇન્દ્રદેવ અપ્સરાઓને મોકલીને એમના તપમાં ભંગ પડાવતા. જયારે અત્યારના અમુક બાબાઓ તો તપ કર્યા પહેલા સામેથી તપોભંગ કરાવવા માટે એટલા ઉતાવળા અને બાવરા બની ગયા છે કે સામે મેનકા છે કે શુર્પણખા એ જોવા પણ નથી રોકાતા. ​ભૂતકાળમાં જે​ બાબા​ના તપોભંગનાં વિડીયોની સીડી ​ફરતી થઇ હતી એમાં સામેનું પાત્ર તપોભંગ માટેના મીનીમમ ક્રાઈટેરીયા પણ ધરાવતું ન હોવાની ફરિયાદો પ્રભુ ભક્તોમાં ઉઠી હતી. આ બાબતે તપોભંગ તત્પર બાબાઓના અંગત સ્ટાફે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે જેથી કરીને પાછળથી બાબાના ટેસ્ટ વિષે સમાજમાં, અને ખાસ કરીને હરીફ બાબાઓમાં, ખોટી છાપ ન પડે.

​બાબાઓ અંદર જાય એટલે એના અનુયાયીઓની સંખ્યા જાહેર થાય છે. છેલ્લે જે બાબા ઝલાયા એમના અનુયાયીઓની સંખ્યા પાંચ કરોડથી વધુ મનાય છે! મજકુર બાબા રામ રહીમ સિંહ ઇન્સાનની વૈભવી લાઈફ સ્ટાઈલ અને એના કરોડોની સંખ્યામાં અનુયાયીઓ જોતાં પ્રજામાં આજકાલ કયા પ્રકારના બાબાઓ હિટ છે એ જોઈ શકાય છે. આજે તમારે બાબા બનીને કેરિયર બનાવવી હોય તો તમારે અપગ્રેડ થવું પડશે. તમે ઓલરેડી બાબા હોવ અને તમારી પટ્ટશિષ્યા તમને છોડીને કોઈ બીજા બાબાના પંથમાં ભરતી થવા થનગનતી હોય, અને તમને પોતાને મનમાં ઊંડે ઊંડે અફસોસ થતો હોય કે આ લાઈનમાં દસ વરસ કાઢી નાખ્યા તોયે હજુ માંડ લોઅર મોડલની એસયુવી અને પાંચ-દસ હજાર ભક્તો જેટલી તમારી ઓર્ગેનિક રીચ હોય તો સમજી લો કે તમારે તમારી બ્રાન્ડ સુધારવા માટે હજુ મહેનત કરવાની જરૂર છે. કઈ રીતે? આગળ વાંચો.

પહેલું તો હાલમાં આપણી પાસે સ્ટોકમાં જે બાવા કે સાધુઓ છે એમાંના મોટા ભાગનાની ડ્રેસિંગ સેન્સના ઠેકાણા નથી. લિબાસમાંથી મુફલિસી ટપકતી હોય એવા બાબાઓનું માર્કેટ ડાઉન છે. એટલે તાકામાંથી ફાડેલો લાંબો પીસ શરીર પર લપેટીને તમે ગાદી સ્થાપવા માંગતા હોવ તો તમને બાકરોલથી ડાકોરની લોકલ બસના પેસેન્જર જેટલા ચેલા પણ નહિ મળે લખી રાખજો. એટલું જ નહિ પણ ભક્તોને ત્યાં પધરામણી માટે એસી ગાડીમાં નહિ પણ એસટી બસમાં જ જવું પડશે. મેગાબાવા બનવું હશે તો જીપીએફનો ફાઈનલ ઉપાડ કરીને પણ બોલીવુડના ડીઝાઈનર કપડા પહેરવા પડશે. ભલે પોપટ જેવા દેખાવ, પણ લીલા કાપડના સુટ ઉપર લાલ કેપ પહેરવી પડશે.

બીજું કે બાબા તરીકે તમને ભાવક પોતાના વાહનમાં લઈ જતા હોય તો ધૂળ પડી તમારા બાબાત્વમાં. ભારતના યાન ચન્દ્ર પર પહોંચી ગયા પણ ઘણાને સાદી ૧૦૦ સીસીની બાઈકનાય ફાંફા હોય છે, જયારે આજના ટ્રેન્ડી બાબાઓ માટે સુપર બાઈક ચલાવવાની આવડત એ મીનીમમ ઓપરેટીંગ સ્કીલ છે. તમે જો બાવાત્વકાંક્ષી (નવો શબ્દ છે લખી રાખજો) હોવ તો સૌ પહેલા સ્કૂટી-એકટીવા અને ઘર વેચીને એક સુપર બાઈક લેવું પડશે અને એને ચલાવતા પણ શીખવું પડશે.

એ પછી આવે છે ડાન્સ. કહેતા બહુ અફસોસ થાય છે કે જમાના સાથે ચાલવાનો દાવો કરનારા મોડર્ન બાવાઓ ડાન્સમાં સની દેઓલને પણ પ્રભુ દેવા કહેવડાવે એવા છે. અમુક તો બાળકોની જેમ બે હાથમાં તારામંડળ પકડીને 'તારામંડળ ... તારામંડળ ...' બોલતા બોલતા હાથ ગોળગોળ ફેરવવાની ક્રિયાને જ ડાન્સ ગણતા હોય છે. આવા બાવાઓના તો ઉભાઉભ રાજીનામાં લઇ લેવા જોઈએ. બ્લોકબસ્ટર બાવા બનવું હશે તો સ્ટાઈલ તો તમારે શીખવી જ પડશે. ભંગાર જોખવા બેઠા હોવ એ સ્ટાઈલમાં ફોટા પડાવશો તો વધુમાં વધુ પસ્તી અને ભંગારવાળાની લારીઓ પર તમારા ફોટા આગળ અગરબત્તીઓ થશે. આ તો અમારી ફરજ સમજીને ચેતવીએ છીએ. પછી અમને કહેતા નહિ.

ત્રીજું, વાઈરલ બાબાઓ સોશિયલ મીડિયા જેવા માધ્યમો કે જ્યાં કોઈ પણ ટ્રોલ-ટપ્પો આવીને ગમે તેવી સંભળાવી જાય એવી જગ્યાએ નવરેશની માફક પડ્યા પાથર્યા નથી રહેતા. માટે જો તમે બાબા તરીકે સ્થાપિત થવા માંગતા હોવ તો ફેસબુક પર નાખેલા ડેરા-તંબુ ઉઠાવી લો અને ફીઝીકલ પ્રોપર્ટી એટલે કે આશ્રમમાં ઇન્વેસ્ટ કરો. જરૂર પડે તો કોર્પોરેટ કંપનીઓની જેમ જગ્યા ભાડે રાખો. બીજું સ્વીકાર્ય માધ્યમ ટીવી છે. ટીવી ચેનલ પર તમારા કાર્યક્રમ વખતે લોકો ચેનલ બદલી શકે છે, પરંતુ તમને ગાળો દે તો તમને સંભળાશે નહીં. માટે એક પોતાની ટીવી ચેનલ શરુ કરી દો અથવા કોઈ ઉગતી ટીવી ચેનલના ઇન્વેસ્ટર બની જાવ. સાજા થનાર લોકો માથામાં ઝાડું મારવાથી, લાત મારવાથી કે પાણીનો ફુવારો મારવાથી પણ સાજા થાય છે અને ફી લીધા (દક્ષિણા એ ફી ના કહેવાય!) વગર કરેલા ઈલાજ માટે કોઈ કન્ઝ્યુમર કોર્ટમાં નથી જતું. માટે ઉઠો, જાગો અને બાબા બનવા માટે મંડી પડો !

--

મસ્કા ફન

સાસુ પણ એક કુદરતી આપત્તિ જ છે જે કોઈ વીમા કંપની કવર કરતી નથી.

No comments:

Post a Comment