Wednesday, December 27, 2017

શું બદલાયું નથી ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૭-૧૨-૨૦૧૭

સ્ટીમ એન્જીનથી ચાલતી ટ્રેનમાં અમે મુસાફરી કરેલી છે, અને બુલેટ ટ્રેનમાં પણ કરીશું એવી આશા છે. એક સમયે ટ્રેન કે એસટીમાં મુસાફરી કરતા ત્યારે મમ્મી એલ્યુમિનિયમની બરણીમાં પાણી ભરતી, હવે શતાબ્દીમાં સુરત જઈએ મિનરલ વોટર રેલ્વે તરફથી આપવામાં આવે છે. છેક દસમાં ધોરણમાં અમને સાયકલ મળી હતી, અને અત્યારે કાર ચલાવીએ છીએ અને ભવિષ્યમાં ડ્રાઈવરલેસ કાર પણ આવશે તો એમાં પણ બેસીશું. જિંદગીમાં બદલાવ અનિવાર્ય છે, પરંતુ આપણી જિંદગીમાં ઘણું એવું છે જે બદલાયું નથી, અને ૨૦૧૮માં બદલાશે પણ નહીં.

દાખલા તરીકે છાશ. શીત પ્રદેશોમાં ઠંડા પીણાં વેચતી કંપનીઓ ભારતમાં આવી, પરંતુ ગુજરાતમાં છાશને ટક્કર આપી શકી નથી. આટલા વર્ષોથી છાશ બને છે પરંતુ હજુ પણ દહીંમાં પાણી અથવા તો વધુમાં વધુ પાણીમાં દહીં નાખીને છાશ બને છે. હા, ભેળસેળ થાય એ વાત જુદી. કોક લીંબુના ફૂલના પાણીમાં મમરા નાખીને ડુપ્લીકેટ છાશ બનાવે કે પછી દૂધ અને કાગળનો પલ્પ નાખી જાડી કરે પરંતુ હજુ કોઈએ વેચાણ વધારવા માટે ચીઝ છાશ કે ચોકલેટ છાશ બનાવવી નથી પડી. દેવો માટે અમૃતનું જે સ્થાન છે એવું જ મનુષ્યો ના જીવનમાં છાશનું સ્થાન છે એવું આપણા વડવાઓ કહેતા. સંસ્કૃતના એક સૂત્રમાં છાશ એટલે કે તક્ર માટે ‘भोजनान्ते च तक्रं पथ्यम्’ જેવું લખી કોલા અને મિનરલ વોટરના ધંધાના પેટ પર લાત મારી છે. એટલે જ આજકાલ અમુક લોકો સંસ્કૃતનો વિરોધ કરતા હશે એવું સહેજેય કોઈને લાગે.

શિયાળો આવ્યો, એમાં જાતજાતના વસાણા મળે છે જેવા કે અડદિયા, સાલમ પાક, કચરિયું. એમાંનો મેથીપાક તો એક જમાનામાં શિક્ષકોનો પણ ખાસ્સો પ્રિય હતો. તમે જુઓ હજુ આમાં પણ કોઈ પંજાબી કે ઇટાલિયન આઈટમે ઘૂસ નથી મારી. શિયાળામાં કોઈના ઘેર જશો તો તમને કોઈ કાચની ડીશમાં ચકતા આપીને એમ નહીં કહે કે ‘આ ઇટાલિયન વસાણું છે. યાં એને ફીયાનો ગ્રીકો સાગુ કે, અમારા રાહુલકુમાર લાવ્યા છે ખાસ ઇટાલીથી’. એટલું જ નહીં વસાણા ખાવાની પદ્ધતિ પણ હજુ બદલાઈ નથી. ઘરના છોકરા હજુ એનાથી દુર ભાગે છે અને ઘરના ચાલીસી વટાવી ચુકેલા પુરુષો હજુય વસાણા ઘરમાં જ બને એવી અપેક્ષા રાખે છે, અને એકવાર બને એટલે એને નાસ્તાની જેમ જ ખાય છે!

આજનું ગંજીફરાક એ કાલનું પોતું છે. આ આપણા સમાજનું સત્ય છે. ગંજીફરાકની સંગતમાં આજકાલ ઉતરેલા ટી-શર્ટ અને બર્મુડા આવી ગયા છે, પણ પોતું મારવા માટે ગંજીફરાક આજે પણ હીટ છે. અમને તો ખાતરી છે કે હડપ્પા અને મોહેન જો દડોના સમયમાં પણ ગંજી આ કામ માટે વપરાતા હશે. ગંજીના કેટલાક ગુણ એવા છે જે દર્શાવે છે કે આ કાર્ય માટે એનાથી વધુ યોગ્ય બીજું કશું જ નથી. લુંગી કે ધોતિયું પણ નહિ. રાજકારણમાં ધોતિયાકાંડ પછી ધોતિયા આમેય આઉટડેટેડ છે. હની સિંઘના લુંગી ડાન્સ ગીતની મદદથી લુંગીને ઉઠાવવાના પ્રયત્નો થયા હતા પણ બર્મુડા અને બોક્સર ચડ્ડીઓએ એમની મનશા બર આવવા ન દીધી. આ માટે એની લવચીકતા એટલે કે ફલેકસીબિલિટી જવાબદાર છે. નવું ગંજી આ પૃથ્વીનો જેટલો વિસ્તાર આવરી નથી શકતું એનાથી વધુ વિસ્તાર વપરાઈને તાર તાર થઇ ચૂકેલું ગંજી આવરી શકે છે. ખેલાડી ધારે તો એક સપાટામાં ખંડનો ચોથા ભાગમાં પોતું મારી શકે. અહી લવચીકતા પોતાનો ભોગ આપીને ગંજીની પાછલી જિંદગીને પ્રવૃત્તિમય બનાવે છે; એને અર્થપૂર્ણ જીંદગી જીવી જવાનો સંતોષ આપે છે. ગઈ સદી અને ગયા મિલેનિયમમાં ગંજી પોતા માટે વપરાતું હતું અને આ મિલેનિયમમાં પણ વપરાશે.

ઓટોગીયર ધરાવતી કારો માર્કેટમાં આવી પણ એકટીવાવાળી આંટીઓ પગ ઘસડીને જ બ્રેક મારે છે. હવે તો તળિયામાં બ્રેક લાઈનર લગાવેલા ચંપલ-સેન્ડલ બજારમાં મળતા થાય એની જ રાહ જોવાય છે. કાકાઓ હજુય કારના દરવાજા ખોલીને રસ્તા ઉપર પાનની ઉલટી કરે છે. રીવર્સ ગીયર અને સાઈડ સિગ્નલવાળી રીક્ષાઓ આવી ગઈ છતાં આજે પણ રિક્ષાવાળા પગથી જ સાઈડ બતાવે છે. તમે દરવાજાવાળી રીક્ષાઓ બનાવશો તો એ દરવાજામાં ફાકું પાડીને પણ પગથી જ સાઈડ બતાવશે. કી ઇગ્નીશનવાળા ટુ વ્હીલર્સ બે ત્રણ પ્રયત્ને ચાલુ ન થાય તો આજે પણ લોકો એને નમાવીને ચાલુ કરી જોવાનું ચૂકતા નથી. કારમાં રીવર્સ કરતી વખતે જોવા માટે રીઅર વ્યુ કેમેરા લાગ્યા હોય તોયે હજુ ‘આવવા દો આવવા દો ..’ કહેનારાઓ ફાજલ નથી પડ્યા. અને કારના દરવાજામાં આન્ટીનો ભરાયેલો દુપટ્ટો, બાઈકના સાઈડ સ્ટેન્ડ અને હેડલાઈટ ચાલુ હોય તો સો કામ પડતા મૂકી વાહનચાલકનું ધ્યાન દોરવાના પરમાર્થ કરનારા હજુ મરી પરવાર્યા નથી, એ ખરેખર આનંદ પામવા જેવી વાત છે.  
પરંપરાગત રીતે ઉજવાતા તહેવારોમાં ચિત્ર સ્પષ્ટ નથી. દિવાળીમાં ઘરે સેવ-સુંવાળી પરંપરા લુપ્ત થઇ ગઈ છે. દિવાળી કાર્ડનું સ્થાન વોટ્સેપ અને ફેસબુકે લઇ લીધું છે. પણ ગઈ દિવાળી સુધી ફટાકડા હજી અડીખમ છે; ભવિષ્યનું ભગવાન જાણે. ઉત્તરાયણને ઘણા લોકોએ દાઢમાં ઘાલી છે પણ હજી સુધી એ લોકો દોરી-પતંગ વગર ઉત્તરાયણ કરવાનો વિકલ્પ આપી શક્યા નથી. ઉત્તરાયણ પછી પાણી વગર હોળી રમવાનો આગ્રહ કરતા મેસેજીસ ચાલુ થઇ જશે; પણ હોળીના દિવસે કેમિકલ ડાઈ-ઓઈલ પેઈન્ટથી રંગાયેલા અને પાણીથી લથબથ ઘેરૈયાઓ આ વખતે પણ જોવા મળશે. મીલેનીયમ બદલાશે પણ અમદાવાદીઓ દશેરા ઉપર ફાફડા-જલેબી ખાવાનું નહિ છોડે એ નક્કી છે. સો ફિકર કરુ નકો....

મસ્કા ફન

કેપ્રી એ મૉરલી ટૂંકો લેંઘો અને લુંગીએ અલગ ઢબથી પહેરેલું ડિઝાઈનર ધોતિયું છે.

No comments:

Post a Comment