Monday, September 10, 2012

કોલેજીયન્સને કાયમ દુકાળમાં અધિક માસ



| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૯-૦૯-૨૦૧૨ | અધીર અમદાવાદી |   

અત્યારે અધિક મહિનો ચાલે છે. ગુજરાતમાં માત્ર ૬૦% વરસાદ સાથે દુકાળ પણ બારણું ખખડાવી રહ્યો છે. એટલે અત્યારે ગુજરાત માટે દુકાળમાં અધિક માસ છે એવું કહી શકાય. પણ જો મોટાં ભાગના કોલેજીયન્સની દશાનું જો ટૂંકમાં વર્ણન કરવું હોય તો આ દુકાળમાં અધિક માસ કહેવત બરોબર બંધબેસતી આવે. જોકે એમની જિંદગીમાં અધિક માસ વાળો ઘાટ અવારનવાર થતો હોય છે.

ગર્લફ્રેન્ડ સાથે કોફીશોપ ગયાં હોઈએ અને ફ્રેન્ડની બે ફ્રેન્ડઝ આવી જાય. પાછી બેઉ દેખાવમાં ઠીકઠાક હોય. વાતચીતમાંય ખાસ દમ ન હોય. ટૂંકમાં એમનાં આવવાથી આપણાં ચિત્તતંત્રમાં હરખનાં કોઈ સ્પંદનો પેદા ન થાય. આ તરફ પોકેટમનીમાં કરકસર કરી કોફીશોપ જવા રૂપિયા બચાવ્યા હોય, એમાં આ બે અધિક સહેલીઓ જોડાય. બેમાંથી એક તો જાણે નક્કી કરીને આવી હોય કે આને ખંખેરી નાખવો છે.’ એટલે એ મોંઘામાં મોંઘી સેન્ડવીચ ઓર્ડર કરે. કોફી તો ખરી જ. પાછી એને કોફી ખાસ ભાવતી ન હોય. એક તો ગર્લફ્રેન્ડ સાથે અંગત (મોટે ભાગે સીલી) વાતો કરવાની હોય તે થાય નહિ, અને આખા મહિનાનું પોકેટ એલાવન્સ આ અધિક સહેલીઓ પાછળ ખર્ચાઈ જાય. આમ છતાં એ કૃતઘ્ન સહેલીઓ, કે જે પોતે કોફીશોપમાંથી નીકળતી વખતે ચાર કેચઅપનાં પાઉચ દબાવીને નીકળી હોય, એ બહાર તો એમ જ વાત કરે કે અલીનાં બીએફનાં કાન પરનાં વાળ તો લાલુપ્રસાદ જેવા છે!’

ઘણીવાર એમ બને કે કોકનું ઉછીનું બાઈક લઈને નીકળ્યા હોઈએ અને રસ્તે જતાં મોબાઈલ રીચાર્જ કરાવવા કોક દુકાનનાં ઓટલે ચઢીએ. પણ બે જ મીનીટમાં બહાર રસ્તા પર મૂકેલું બાઈક ટોઈંગવાલા ઉઠાવી જાય (ટૂંકમાં આપણું ટોઈંગ થઇ જાય!). પહેલાં તો ધ્રાસકો પડે કે આ ઉછીનું બાઈક ક્યાંક ચોરાઈ તો ગયું નથી ને? પછી સચ્ચાઈ ખબર પડે. પણ ઉપાડીને એ ક્યાં લઈ ગયાં એ શોધવામાં બીજો કલાક જાય. એ દરમિયાન જેનું બાઈક હોય એ ફોન પર ફોન કરીને તમારા ફોનની બેટરી ઉતારી નાખે. એટલે જે હિરોઈનને ઈમ્પ્રેસ કરવાં બાઈક લીધું હોય એને ફોન થાય નહિ, કે હું બાઈક શોધું છું, તું રાહ જોજે’. એટલે એ નારાજ થઈ જાય. એકંદરે એને મનાવવા સામાન્ય કરતાં ડબલ ખર્ચો પાડવો પડે. પણ ખિસામાં હતાં એટલાં રૂપિયા તો બાઈક છોડાવવામાં વપરાઈ ગયા હોય, એટલે છેવટે હિરોઈનના ખર્ચે જ કોફી પીવી પડે. એમાં રહીસહી આબરુ પણ ધૂળધાણી થઈ જાય. બિચારા કોલેજીયન્સ!

કોલેજમાં તો ઓર ખરાબ હાલત હોય. એક તો એટેન્ડન્સનાં વાંધા હોય. એંશી ટકા હાજરી પૂરી કરવાં હવે પછીનો દરેક ક્લાસ ભરવો જરૂરી હોય. એમાં પાછો પ્રોફેસર ખડ્ડુસ હોય. આગળ બે વાર તો એનાં જ ક્લાસમાં ઊંઘતા ઝડપાયા હોઈએ. એકંદરે આપણી સ્થિતિ વેસ્ટ ઇન્ડીઝના ઓપનીંગ બોલર સામે ક્રીઝ પર ઉભેલા ભારતીય પૂંછડીયા ખેલાડી જેવી હોય. બીજી તરફ બારી બહાર, ક્લાસ ફ્રી હોવાથી, આપણને ગમતી હોય એવી છોકરી, સાવ નવરી, કોઈની રાહ જોતી, પાળી પર બેઠી હોય. ત્રીજી તરફ રાત્રે ક્રિકેટ મેચ જોઈ હોય એનો ઉજાગરો માથા પર ચઢ્યો હોય. એવામાં ઝોકું આવે, પ્રોફેસરની નજર તમારા ઉપર પડે, અને ક્યાંકથી એકાએક બેકગ્રાઉન્ડ મ્યુઝીક વાગવા લાગે. એમાં ઊંઘ ઉડી જાય. પ્રોફેસર અને આખો ક્લાસ આપણી તરફ જુએ ત્યારે ખબર પડે કે ઓત્તારીની, આ તો મારો જ મોબાઈલ વાગે છે’.

અને પરીક્ષામાં તો ઘણી કફોડી દશા થતી હોય છે. એક તો ૩૩% કોર્સ તો ખબર ન હોય. બાકી વધ્યું હોય એમાંથી ૨૪% ઓપ્શનમાં છોડી દીધું હોય. બાકી બચે એમાં પાછું કેટલુંય સમજ ન પડે, અને જે સમજ પડે એ યાદ ન રહે. એવામાં ઢીલાઢફ થઈ પરીક્ષાખંડમાં પ્રવેશો એટલે પકો બેડ ન્યુઝ આપે કે ‘પાછળ જો, તારો કાકો સુપરવાઈઝર કોણ છે?’ અને પછી આશ્ચર્યથી હોલમાં નજર દોડાવીએ એટલે લુકિંગ લંડન ટોકિંગ ટોકિયો એવા સત્તુના દર્શન થાય. આ સત્તુ એની ત્રાંસી આંખ વડે આ પહેલા કેટલાય શિકાર કરી ચુક્યો હોય એની ચર્ચાઓ વર્ષો કેન્ટીન પર સાંભળી હોવાનું યાદ આવે. પછી તો ઉંધુ ઘાલીને જે આવડે તે લખવા સિવાય કોઈ વિકલ્પ બચે ખરો ?



-બકુ
મને એ જ સમજાતું નથી કે શીદને આવું થાય છે
ખડ્ડુસ પ્રોફેસરના ક્લાસમાં મોબાઈલ સાઈલન્ટ કરવાનું રહી જાય છે.

Saturday, September 08, 2012

ઇન્ટરવ્યુમાં કોની પરીક્ષા ?



| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૨-૦૯-૨૦૧૨ |અધીર અમદાવાદી |

સરકાર ગાંધીજીનાં નામે નરેગા યોજના કરી લોકોને ઘેર બેઠા સો દિવસ રોજગારી આપે છે. આનો લાભ ગ્રામીણ લોકો લે છે, પણ શહેરી ડિગ્રીધારીઓ નોકરી માટે હજુ ધક્કા ખાય છે. જગ્યા ઘણી હોય, ફિક્સ અને ઓછાં પગારની હોય, ઓછી અગત્યની હોય (ટૂંકમાં ‘અમુક તમુક સહાયક’ ટાઈપની) અથવા તો વધારે કડાકુટમાં પડવું ન હોય ત્યારે સરકાર અને કંપનીઓ વોક-ઈન ઇન્ટરવ્યુ કરતી હોય છે. કાઠીયાવાડી ભાષામાં સમજાવું તો વોક-ઈન ઇન્ટરવ્યુમાં તમારે ગમે ત્યારે હાલ્યા આવવાનું હોય છે. આમાં સમય બચે છે. સરકારમાં પણ આજકાલ સિવિલ એન્જીન્યર્સની અછતને કારણે અને પરમેન્ટ ભરતી ન થતી હોવાથી વોક ઈન ગોઠવાય છે જેમાં ગામ ગામના ઈજનેરો આવે છે અને ભરતી મેળામાં ગરમાવો લાવી દે છે.

આ વોક-ઇનમાં જ્યારે લોકો ખરેખર ‘વોક ઇન’, એટલે કે હાથ હલાવતાં આવી જાય ત્યારે ખરી પરીક્ષા ઇન્ટરવ્યુ લેનારની થતી હોય છે. આટલા બધાં લોકો માટે નવા પ્રશ્નો લાવવા ક્યાંથી? કલાક ઇન્ટરવ્યુ ચાલે એટલામાં તો પ્રશ્નો બહાર ફરતા થઇ જાય. અને જો તમે મજુરી કરી દરેકને નવો સવાલ પૂછો તો બહાર એવી વાત ફેલાય કે ‘અંદર ચશ્માંવાળા સાહેબ છે એ સાવ આઇટમ જેવા સવાલ પૂછે છે!’ આમ છતાં ઇન્ટરવ્યુ લેનારે કાંકરામાંથી ઘઉં વીણવાનું કામ પાર પાડવું પડે છે.

ઇન્ટરવ્યુ લેનાર ઘણીવાર એ નક્કી કરી શકતો નથી કે હું ઇન્ટરવ્યુ લઉં છું કે આપું છું. ખાસ કરીને જ્યારે નમૂનાઓ સામે પૂછવાનું ચાલુ કરે ત્યારે. આજકાલ સિવિલ એન્જીનીયરની અછત ચાલે છે. એટલે કોઈ એન્જીનીયરને જો ફોન કરી પૂછીએ કે ‘ભાઈ અમારા ત્યાં જગ્યા ખાલી છે, તમે ઇન્ટરવ્યુ આપવા પધારશો?’ તો બાપુ ફોન પર સીધો આપણો ઇન્ટરવ્યુ ચાલુ કરી દે. ‘કેટલો પગાર આપશો?’, ‘ઓફીસ વર્ક છે કે સાઈટ વર્ક?’, ‘કયા એરિયામાં ઓફીસ છે?’, ‘ઓફીસ ટાઈમિંગ શું છે?’, ‘ટીએડીએ કેટલું મળે છે?’ આપણ ને મનમાં  થાય કે ભાઈ તું ઓફિસે ઇન્ટરવ્યુ લેવા આવી જા, તને બધાં જવાબ આપીશું, પણ મજબૂરીનું બીજું નામ એમ્લોયર છે. વોક ઇનમાં પણ આવી આઈટમો આવે. જે ઇન્ટરવ્યુમાં સામા સવાલો કરે.

અમુક કલાકારો એકદમ હાજરજવાબી હોય. એટલે કોઈ પણ પ્રશ્ન પૂછો તો એની પાસે જવાબ હાજર હોય. જરાય કાચા ન પડે જવાબ આપવામાં. કોઈ પણ પ્રશ્ન પૂછો, કોઈ પણ વિષય પર પૂછો, એમની પાસે જવાબ હોય અને એ પણ મોટેભાગે ખોટો. પણ ઓબ્જેક્ટીવ પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ ન હોય ને જેમ પરીક્ષાર્થી બિન્ધાસ્ત બધાં પ્રશ્નો સામે ટીક કરે, એમ ઇન્ટરવ્યુમાં આ ૧૦૦% પ્રશ્નોના જવાબ આપે. કદાચ એવું માનતા હશે કે સાહેબને જવાબ ન આપીએ તો આપણી ખોટી ઈમ્પ્રેશન પડે. અથવા તો એમ પણ માનતા હોય કે સાહેબને પણ આ જવાબ તો ખબર નહિ હોય. આવા લોકોને ઇન્ટરવ્યુમાં મેં ન્યુટનનો ચોથો નિયમ પૂછેલો છે, અને એનો જવાબ પણ મળેલો છે. આ સાવ સાચી વાત છે.

અમુક નંગ એવાં હોય કે એને નોકરી કરવી જ ન હોય, છતાં ઇન્ટરવ્યુ આપવા આવી જતાં હોય. પપ્પાએ ધક્કો મારીને મોકલ્યા હોય એટલે પરાણે આવ્યા હોય. પણ આ ભાઈ કે બહેન મનમાં ઇચ્છતા હોય કે રીજેક્ટ કરે તો સારું. સામે ઇન્ટરવ્યું લેનારની પણ મજબુરી હોય. પ્રશ્નો પૂછ્યા વગર તો કોઈને રીજેક્ટ કરાય નહિ. એટલે સામેવાળી પાર્ટી સાવ નફ્ફટની જેમ એકેય જવાબ ન આપે, કે બધાં અવળા આપે તો પણ આઠ દસ સવાલ કર્યા વગર પેલાનો કેડો ન મુકે. એમાં સરકારના અમુક વિભાગોમાં ઇન્ટરવ્યુ હોય તો અમારા જેવા પ્રોફેસરને પેનલમાં રાખ્યા હોય. એટલે પેલો જવાબ ન આપી શકે તો ઉપરથી ઠપકો આપીને પાછો મોકલે, કે ‘આમ ઇન્ટરવ્યું અપાય?’, ‘કોલેજમાં આ બધું ભણાવીએ જ છીએ, તને કેમ ખબર નથી?’, ‘ફરી આવે તો બરોબર તૈયારી કરીને આવજે’. આવા ઇન્ટરવ્યુ લેનાર હોય પછી પેલો બહાર નીકળીને દોસ્તારો આગળ ‘અંદર સાવ બેવકૂફ જેવા લોકો ઇન્ટરવ્યુ લેવા બેઠા છે’ એવી વાતો કરે ને?

અમુક તો એવા આવે કે તમારા જ સવાલ રીપીટ કરે. ક્રિકેટમાં જેમ બેટ્સમેન થાક ઉતારવા વચ્ચે બુટની દોરી ખોલીને ફરી બાંધી ટાઈમ પાસ કરે એમ. તમે પૂછો કે ‘સિમેન્ટની કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થ કેટલી હોય છે?’, તો એ સવાલ રીપીટ કરે, ‘એટલે સિમેન્ટની કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થ કેટલી હોય એમ પૂછો છો?’, આપણ ને થાય કે જવાબ આપીએ કે ‘ના વ્હાલા, હું તો સલમાન ખાનના બાવડાંની તાકાત વિષે અમસ્તી પૃચ્છા કરતો હતો!’ પણ આપણે શરમના માર્યા આવા સવાલો કરી ન શકીએ. એમાં એ વિચારે ચઢે. પછી આપણને અડધું સંભળાય એમ બોલે કે ‘કઈંક હોય છે ખરી’  અથવા તો પછી ત્રણ ચાર જવાબ આપી દે. સાચો જવાબ આપણે જાતે સિલેક્ટ કરી લેવાનો.

આવા લોકો જયારે ઇન્ટરવ્યુમાં આવે ત્યારે દુઃખી થઈ જવાય છે. પછી મારા કઝિન હેમંતનો સિદ્ધાંત યાદ આવે છે. હેમંત કદી ભિખારીને ભીખ ન આપે. એની થીયરી મુજબ જેને ભગવાને ભિખારી બનાવ્યો છે એની મદદ કરી ભગવાનનાં કાર્યમાં વિક્ષેપ ન નખાય. નોકરી કે કરિયર માટે પ્રતિબદ્ધ ન હોય, છતાં ઇન્ટરવ્યુમાં આવી જતાં આવા લોકોને જોઈ મને આ સિધ્ધાંત યાદ આવે છે.