Sunday, December 04, 2011

તમાચાના તમાશા


મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૪-૧૨-૨૦૧૧ |અધીર અમદાવાદી |

લોકો જાત જાતની રીતે વિરોધ પ્રદર્શિત કરે છે. પત્નીઓ વિરોધ પ્રદર્શિત કરવાં રસોઈ નથી બનાવતી અથવા પતિને ભાવતી વસ્તુ બનાવે છે. મહિલાઓ પાણીના પ્રશ્ને માટલા સરઘસ કાઢે છે. અણ્ણા હઝારે જેવાઓ ઉપવાસ પર ઉતરે છે.  પોલીસ કોઈ કેસ ઉકેલવામાં નિષ્ફળ જાય તો એમને બંગડીઓ બતાવી વિરોધ કરવામાં આવે છે. બેન્ક કર્મચારીઓ વિરોધ કરવાં પેન ડાઉન અને હવે કોમ્પ્યુટર શટ ડાઉન કરે છે. સરકારી કર્મચારીઓ વર્ક ટુ  રુલ દ્વારા વિરોધ પ્રદર્શિત કરે છે (જોકે લાંચ પડાવવા પણ યુક્તિ વપરાય છે એ જુદી વાત છે!). યુનિવર્સીટીનાં રિઝલ્ટ આવે એટલે વિરોધ કરવાં વિદ્યાર્થી નેતાઓ ફર્નિચરની તોડફોડ કરે છે, અને એટલાથી સંતોષ ન થાય તો કુલપતિની ઓફિસમાં ઘૂસી ઘેરાવ કરે છે. અને નેતાઓનો વિરોધ કરવા કાળા વાવટા ફરકાવવા જેવા શુદ્ધ શાકાહારી વિરોધથી લઈને બુટ ફેંકવા અને તમાચા મારવા સુધીનાં હિંસક પ્રયોગો થતાં જોવાં મળે છે.

તમાચો પડે એટલે ગાલ લાલ થઈ જાય એવી માન્યતા પ્રચલિત છે. આ માન્યતા તમાચો મારીને ગાલ લાલ રાખવો એ ગુજરાતી રૂઢિપ્રયોગ કે જેનો વૈજ્ઞાનિક આધાર નથી એનાં કારણે પડી છે. બાકી અમે એવું જોયું છે કે જે ઉજળા વાને હોય એવાનાં ગાલે તમાચો પડે તો ગાલ લાલ થાય છે, બાકી શાહબુદ્દીન ભાઈના વનેચંદને લાફો પડે તો એનાં ગાલના રંગમાં કોઈ ફેરફાર ન થાય. પાછું આ ગાલ લાલ થાય તેવાં તમાચા મારવા માટે પરિસ્થિતિ અનુકૂળ જોઈએ કારણ કે જો ચાર આંગળીઓ અને અંગૂઠો યોગ્ય સ્થિતિમાં હોય અને તમાચો ખાનાર પણ પેલો ધોલ મારી રહે ત્યાં સુધી હજામત કરાવવા બેઠો હોય એમ પોતાનો ચહેરો સામેવાળાને હવાલે કરીને બેઠો ના હોય તો તમાચો વાગતો નથી. આમાં મારનારનો ગુસ્સો અને નિર્ધાર પણ ભાગ ભજવે છે. આમ આટલા બધાં સંજોગોનો સુભગ સમન્વય થાય તો ગાલ લાલ થાય છે. પડોસન ફિલ્મમાં સુનિલ દત્ત સાયરા બાનુની પાછળ પાછળ હાથ ઉંચો કરી લાફો મારવા દોડે છે, પણ સાયરાનાં વોટર પાવર બોલે તો આંસુની શક્તિ આગળ હારીને છેવટે લાફો મારી નથી શકતો! બાકી આ ગુજરાતી રુઢિપ્રયોગમાં કહ્યું છે તેવું જાતે તમાચો મારીને ગાલ લાલ રાખવાનું કામ અમને તો અતિ દુષ્કર લાગે છે!

યુવાન પ્રેમીઓનું દિલ વાતવાતમાં સુંદર યુવતી પર આવી જાય, પણ યુવતીને મંજુર ન હોય તો ક્યારેક આવાં મજનું કે રોમિયો ટાઈપ યુવાનની ધોલધપાટ કરી લે છે. વધારામાં આવાં રોમિયો માટે ગુજરાતમાં પોલીસે ઠેરઠેર એન્ટી રોમિયો સ્કવોડ ઉભી કરી છે. જોકે રોમિયો નામનો આવો ઉપયોગ જોઈ શેક્સપિયર કબરમાંથી ઊભા થઈ આપઘાત કરી લે તેવી પણ શક્યતા છે. પણ આમાં એક તો બિચારાને પ્રેમ થયો હોય, એમાં પેલી લાફો કે સેન્ડલ ઠોકી દે અને જો એન્ટી રોમિયો સ્કવોડના ચક્કરમાં પડ્યા તો ખિસ્સા પણ ખાલી થાય અને આબરુ ધૂળધાણી થાય. એમાં પાછું જો ઘેર ખબર પડે અને બાપા જુના જમાનાનાં હોય તો એ લેક્ચર આપવામાંથી તો ન જાય. સુંદર યુવતીઓ આમ લાફા કંઈક આશાસ્પદ યુવાનોની જિંદગી બરબાદ કે મગ ખરાબ કરે છે.
હિન્દી ફિલ્મોની વીતેલા જમાનાની મશહુર એક્ટ્રેસ અંબા લક્ષ્મણ રાવ શગુન એટલે કે અનાડીની ભલી મકાન માલકણ મિસ. ડિસા એટલે કે લલિતા પવારની એક આંખ ત્રાંસી થઈ જવા પાછળ પણ ભગવાન દાદાએ એક સીન ભજવતા મારેલો તમાચો જવાબદાર હતો. કેદાર શર્માએ એક જમાનામાં રા કપૂરને તમાચો માર્યો હતો એ ઘટના બાદ રા કપૂર બદલાઈ ગયાં હતાં અને સ્ક્રીન પર પણ ઘણાં નમ્ર જોવાં મળતાં હતાં. ક્રિકેટમાં હરભજને શ્રીસંથને આઈપીએલ મેચ દરમિયાન લાફો માર્યો હતો એ ઘટના પછી બંનેમાં થોડી ઘણી નમ્રતા આવી છે. હમણાં આમિર ખાનના ભાણા ઈમરાન ખાને, પરણ્યા પહેલાં, એક સીનમાં રિયાલિટી લાવવા કેટરિનાના હાથે સત્તર થપ્પડો ખાધી હતી. જોકે ફિલ્મોમાં રૂપિયા લઈને થપ્પડો ખાવી એક વાત છે, અને આમ સાવ મફતમાં ટેન્ડર મંગાવ્યા વગર થપ્પડ ખાવી એ બીજી વાત છે!

કૃષિ પ્રધાન દેશમાં કૃષિ પેદાશોના ભાવ કાબુમાં નથી રહેતાં એ વાતથી ખફા હરવિંદર નામનાં યુવાને કૃષિ મંત્રી શરદ પવારને લાફો ઠોકી દીધો એ વાત સ્લેપ ગેટ તરીકે આજકાલ ખુબ ચગી છે. મોટાં મોટાં નેતાઓએ કદાચ કાલે આપણો વારો આવે તો? એ ડરથી આ આખી ઘટનાને વખોડી કાઢી છે. પણ મોંઘવારીથી ત્રસ્ત લોકોએ આ ઘટનામાં પોતે જે નથી કરી શકતાં એ કોઈએ કરી દેખાડ્યું એ વાત પર આનંદ વ્યક્ત કર્યો છે. ગાંધી ટોપી પહેરતાં અણ્ણા હઝારેએ તો ઉતાવળમાં એક તમાચો માર્યો? જેવા પ્રશ્ન દ્વારા ઘણાં બધાની લોકોની અને પોતાની લાગણી સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી દીધી હતી.

પણ ગાંધીજીએ તો આપણને કોઈ એક ગાલે લાફો મારે તો બીજો ગાલ ધરવાની શિખામણ આપી હતી. બાપુની શિખામણ કદાચ ચુંટણી સુધી હોય એમ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલતાં હોવાંનાં દાવા નેતાઓ ભલે અવાર નવાર કરતાં હોય છે, પણ એ માર્ગે ચાલતાં નથી. એટલે તો હરવિંદરનાં તમાચા પછી પવારે બીજો ગાલ ન ધર્યો એ બાબતે ગાંધીવાદીઓ સહિત દેશની આમ જનતા નારાજ થઈ ગઈ છે. પવારે પણ પેલાને માફ કરવાને બદલે પોલીસ એનું કામ કરશે એવું કહ્યું છે. હવે પોલીસ કંઈ ગાંધી ચિંધ્યા માર્ગે હરવિંદરની અહિંસક પૂછપરછ તો નહીં કરે ને? પહેલાં મોંઘવારીનો માર અને પછી પોલીસનો માર, બિચારો હરવિંદર!

No comments:

Post a Comment