Wednesday, December 21, 2011

કોલેજ અને પાર્લામેન્ટ

મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૮-૧૨-૨૦૧૧ |અધીર અમદાવાદી |


પાર્લામેન્ટનાં શિયાળુ સત્રમાં હંમેશની જેમાં આ વખતે પણ ધાંધલ ધમાલ થઈ અને કેટલીય વખત કામગીરી બંધ રાખવી પડી હતી. સત્ર ચાલુ હોય ત્યારે ગૃહની સ્થિતિ કંઇક આવી હોય છે. ગૃહમાં કુ. મીરા કુમાર નામનાં સ્પીકર બચારા નરમ ક્લાસ ટીચરની જેમ ‘શાંત રહે’ ‘આપ બૈઠ જાઈએ’ એવી બુમો પાડ્યા કરે છે. પણ સાંસદો તોફાની વિદ્યાર્થીની જેમ પોતાની જગ્યા છોડી ગૃહમાં આમતેમ નિસંકોચ વિહાર કરતાં રહે છે. વચ્ચે આગળ પાછળની પાટલી પર બેઠેલ સાંસદ એકબીજા સાથે વાતો કરતાં જોવા મળે છે. કોઈ મંત્રી પોતાનું સંભાષણ આપતો હોય તો વચ્ચે બોલી અન્યો મંત્રીને બોલતાં રોકે છે. આમ છતાં પેલો પોતાનું બોલવાનું ચાલુ રાખે છે. એટલે પછી ‘સભ્યો’ સુત્રો પોકારે છે. ઈચ્છા થાય એટલે ગૃહ છોડી ચાલ્યા જાય છે. એકંદરે સંસદનું વાતાવરણ કોલેજ જેવું નથી લાગતું? કોલેજમાં તો જોકે આવું વર્તન કરો તો ડીસીપ્લીનરી એક્શન લેવાય છે. પણ સંસદમાં બુમાબુમ (ગાળાગાળી વાંચવું) કરો, ચીજવસ્તુઓ ફેંકો, સ્પીકરને બોલવા ન દો તો રજા મળે છે!

સંસદમાં સ્પીકર પ્રિન્સીપાલ જેવું કાર્ય કરે છે, પણ મોટે ભાગે સ્પીકરનાં સર્વોચ્ચ સ્થાનેથી શાંત રહેવાની અપીલો જ વધારે કરવાની આવે છે. પણ ધાર્યું તો વિપક્ષોનું જ થાય એમ છેવટે પરિસ્થિતિ કાબુ બહાર જાય કે વિપક્ષો વોક આઉટ કરે એટલે ગૃહ મોકૂફ રાખવામાં આવે છે. કોલેજમાં જોકે સ્ટ્રાઈક પડે તો છોકરાં પિક્ચર જોવા જતાં રહે છે અથવા બીજાં મિત્રો આગળ કેવી રીતે રજા પડાવી તેની વાતો કરે છે. બીજી તરફ વહેલી રજા પડે તો સાંસદો ટોળે વળીને  સંસદની લોબીમાં જ વધારે રજાઓ પડાવવા લોબીઈંગ કરે છે. અને સંસદ ભવનની બહાર નીકળી વોક આઉટ કેમ કર્યો એનાં કારણોની ચર્ચા મીડિયા આગળ કરે છે. જો કે કોલેજીયન સ્ટ્રાઈક મુખ્યત્વે રજા પાડવા ને મઝા કરવા પાડે છે જ્યારે સંસદમાં ધમાલ સરકારનો હાથ આમળવા થાય, રજા તો બહાનું હોય.

સંસદમાં બોલવા ઊભો થયેલો મંત્રી પ્રોફેસર જેવો હોય છે. એ બોલવાનું શરું કરે એટલે તોફાની વિદ્યાર્થી જેવા વિપક્ષી સાંસદો ગડબડ ચાલુ કરી એનાં ભાષણમાં વિક્ષેપ પાડે છે. પણ જાણે કોર્સ પુરો કરવાનો હોય એમ વિચલિત થયા વિના મંત્રીજી પોતાનું ભાષણ ચાલુ રાખે છે. પ્રોફેસરની જેમ મંત્રીઓમાં પણ સહનશક્તિ અલગ અલગ હોય છે. અમુક મંત્રીઓ જરા પણ વિક્ષેપ સહન કરી નથી શકતાં તો અમુક હવનમાં હાડકા પડતાં હોવાં છતાં યજ્ઞ આટોપતાં ઋષિમુનીઓ જેવી નિશ્ચલતાથી પોતાનું વક્તવ્ય આગળ ધપાવે છે, એટલું જ નહિ પણ ભાષણ પૂરું કરી બેસતાં પહેલાં આભાર તેઓ માનવાનું ચૂકતાં નથી. કોલેજમાં જ્યારે વિદ્વાન પ્રોફેસરને કોઈ સામાન્ય વિદ્યાર્થી પ્રશ્ન પૂછે તો પ્રોફેસર ‘ગુડ ક્વેશ્ચન’, એવું કહી એણે બિરદાવે છે, અને એક્સ્ટ્રા લેક્ચર લેવું પડે એ જોખમ ખેડીને પણ વિદ્યાર્થીની જીજ્ઞાસા સંતોષે છે. જો કે સંસદમાં તો પ્રશ્ન પૂછવા માટે અમુક સાંસદો રૂપિયા પણ લેતાં હોઈ પ્રશ્નમાં રસ લેવાને બદલે એક રસમ તરીકે જ જવાબ અપાય છે. જો કે લાલુ જેવા અમુક પ્રોફેસરો ખડ્ડુસ વિદ્યાર્થીઓ દ્વારા ફેંકવામાં આવતાં પ્રશ્નરૂપી મિસાઈલો પોતાનાં અનુભવ અને નફ્ફટાઈનાં જોરે ઉડાડી ડે છે!

અમુક અપવાદને બાદ કરતાં કોલેજમાં યુનિફોર્મ નથી હોતો. છોકરાં જીન્સ ટીશર્ટ પહેરીને આવે છે. જીન્સ મોટેભાગે મેલા, ફાટેલા ને ઈસ્ત્રી વગરના હોય છે. જો કે આવાં કપડાં પહેરવા એ ફેશન ગણાય છે, અને ભારત જેવા દેશ માટે એ સારું છે. વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન કાપલીઓ છુપાવાય એવાં વધારે ખિસા ધરાવતાં ટ્રાઉઝર અને ફોલ્ડ થાય તેવાં લાંબી બાંયના શર્ટ વધુ પહેરે છે. છોકરીઓના પોશાકમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. કોલેજમાં ફેશન પરેડ થાય છે એવું પણ કહેવાય છે. કોલેજીયન્સના ડ્રેસિંગનો મૂળ હેતુ સામેવાળા પાત્રને ઈમ્પ્રેસ કરવાનો હોય છે. પણ સંસદમાં ખાદીનો મહિમા છે. સફેદ લેંઘા ઝભ્ભા અને ઉપર ખાદીની બંડી હોય કે મહિલાઓમાં સાડી હોય. મોંઘીદાટ વિદેશી કાર વાપરતા, કરોડોના બંગલામાં રહેતાં સાંસદોના આ કપડાનો ઉદ્દેશ સાદાઈ નહિ પણ મતદારોને ઈમ્પ્રેસ કરવાનો જ હોય છે ને?

જોકે કોલેજ અને સંસદમાં બધું સમાન નથી. કોલેજની જેમ સંસદમાં કેન્ટીન છે. એક નહિ દસ દસ. આ દસ કેન્ટીનોમાં વર્ષે પાંચ કરોડ રૂપિયા ખર્ચાય છે. કોલેજ કેન્ટીનમાં આજકાલ પાંચ રૂપિયામાં એક કટિંગ બોલે તો અડધી ચા મળે છે. નેતા, ઉદ્યોગપતિ, બાબુઓ અને પોલીસવાળાનાં નબીરાઓને આ પાંચ રૂપિયામાં ચાલીસ મિલીલીટર ચા પોસાય છે. પણ માનનીય સભ્યો તો પોતાના ખીસામાંથી રૂપિયા ખર્ચી લોકસેવા કરવા આવે છે એટલે એમને આટલી મોંઘી ચા પોસાય નહિ. એટલે જ સંસદની કેન્ટીનોમાં ચાનો ભાવ એક રૂપિયા રાખવામાં આવ્યો છે. આપણે તો એ કપનું માપ જોયું નથી, પણ એ ચોક્કસ ચાલીસ મિલી. થી તો વધારે જ હશે. અને ચા જ નહિ, સાડા બાર રૂપિયામાં થાળી, દોઢ રૂપિયામાં એક વાટકી દાળ અને એક રૂપિયામાં એક રોટલી મળે છે. સ્વાભાવિક છે, કોલેજમાં તો બધાં મઝા કરવાં જાય છે, અને સંસદમાં સેવા કરવા, પછી એમનાં માટે સગવડો તો હોય જ ને? જો કે આટલું સસ્તું ખાવાનું મળતું હોવા છતાં સાંસદોને રોજનું માત્ર બે હજાર રૂપિયા જ મોંઘવારી ભથ્થું મળે છે એ સુજ્ઞ વાંચકોને જાણવાજોગ.

3 comments:

  1. હસવા હસવામાં બહુ બધું કહી દીધા જેવું લખ્યું છે.
    મજ્જા આવી. કટાક્ષની રૂપ-રેખા જબ્બર જ છે.

    ReplyDelete
  2. this is called intelligent wisdom

    ReplyDelete
  3. Only refer OM PURI's comments on these RASCALS of India....

    They are shame for us.....as they are shameles.

    ReplyDelete