Wednesday, December 14, 2011

ગુજ્જેશોની રમતો



| સંદેશ  | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૧-૧૨-૨૦૧૧ | અધીર અમદાવાદી | 

વર્ષોથી ગુજરાતીઓની છબી દાળભાત ખાઉં અને વેપારી માણસ તરીકેની ચિતરવામાં આવી છે. આમાં વેપારી તો ઠીક છે, પણ દાળભાત ખાઉં શબ્દનો પ્રયોગ વાંધાજનક છે. પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ દાળભાત ખવાય છે પણ એ પ્રજા આપણાં ગુજરાતીઓ જેટલી ઈર્શ્યાપાત્ર નથી એટલે ત્યાંના લોકો માટે આવાં શબ્દ પ્રયોગો નથી થતાં. ટીકા કરનારાઓ ગુજરાતની પ્રગતિ સાંખી શકતાં નથી એટલે એલફેલ બોલ્યા કરે છે.

એટલે જ ગુજરાતીઓ રમત ગમતમાં પાછળ છે એવી ટીકા અમે કોઈ કાળે સાંખી નહિ લઈએ. કહી દીધું. હા, રમવા રમવામાં ફેર હોઈ શકે. ગુજરાતીઓ રેડિયો પર કોન્ટેસ્ટ રમે છે. નવરાત્રિમાં ગરબા રમે છે. તોફાનો વખતે પોલીસ સાથે સંતાકૂકડી રમે છે. જન્માષ્ટમી પર એ તીન પત્તી રમે છે. આ તહેવારના દાડે જુગાર રમવામાં પાછાં એકલાં ગુજ્જેશો જ નહિ, ગુજીષાઓ પણ હોય. જન્માષ્ટમી આવે એટલે મિત્રના ઘરથી શરુ કરી ફાર્મ હાઉસ સુધી ગુજ્જેશો અને ગુજીષાઓ ટોળાં જમાવી દસ રૂપિયાથી લઈને લાખો રૂપિયાનાં દાવ લગાડે. ક્યાંક વળી સાથે સ્ટીલના ગ્લાસમાં દારૂ અને ડીશમાં ચણાની દાળ કે ભજીયા પણ હોય. પત્તા સિવાય ગુજ્જેશોની અન્ય પ્રિય રમત સટ્ટો છે. ક્રિકેટ મેચ હોય કે ઐશ્વર્યા-અભિષેકનાં બાળકની જન્મ તારીખ અને સમય, એ ઉત્સાહથી રમે છે. તો શેરબજારનાં સટ્ટામાં પણ આપણાં ગુજરાતી ખેલાડીઓએ સારું એવું નામ કાઢ્યું છે, એમાં અમુકે તો એટલું મોટું નામ કાઢ્યું કે એ સરકારે એમને અને એમની રમત સ્પોન્સર કરનાર અમુક તમુક બેન્કના ડાઈરેક્ટરોને જેલમાં હવા ખાવા મોકલી આપ્યા છે!

સોસાયટીઓ અને પોળમાં પ્લાસ્ટિકનાં દડાથી શોર્ટપીચમાં મોટાં મોટાં ઢગાઓ ગલી ક્રિકેટ રમે છે. આમ, પ્લાસ્ટિકના હળવા બોલથી રમતાં યુવરાજ કે સચિનને થાય છે તેવી ઈજાઓ થતી નથી. બોલિંગ કે બેટિંગમાં બાવડા અને શોર્ટ પીચ હોવાથી રન દોડવામાં પગ નથી દુખતા. બુટ (મોટે ભાગે સ્લીપર) પણ ખાસ નથી ઘસાતા. એમાં પાછુ નિયમ બનાવવા વાળો એને જ્યાં શોટ મારવો વધારે ફાવતો હોય તેવાં સતીશ શેરવાનીનાં ઘરની દીવાલ પર બોલ અથડાય તો ચોગ્ગો અને શાંતિકાકાની વંડી ઠેકે તો છગ્ગો ગણાય એવાં નિયમો બનાવે. મોટે ભાગે ઓફિસ ટાઈમ પછી સોડીયમ લાઈટમાં રમાતી આ ગલી ક્રિકેટમાં બેટિંગ કરનારો ઠીંગુજી પોતાને સચિન સમજતો હોય. એ અલગ વાત છે કે એણે લેંઘો પહેર્યો હોય અને મ્હોમાં પડીકી દબાવી હોય! તો બીજી તરફ પ્લાસ્ટિકના બોલથી બોલિંગ કરનાર પકો પણ ઈન સ્વિંગર, આઉટ સ્વિંગર, ફૂલ ટોસ, ગુગલી વિ. બધ્ધા પ્રકારનાં દડા એક જ ઓવરમાં નાખતો હોય. અને જ્યારે ટીમ પડતી હોય (સિલેક્શન) ત્યારે આવા પકાને પોતાની ટીમમાં લેવા પાછી પડાપડી થતી હોય! અને આ મેચ ચાલતી હોય ત્યારે પચાસ હજારના સ્ટેડીયમમાંથી ન આવે એટલો અવાજ ઓટલા પર બેસી મફતમાં મેચ જોતાં દર્શકો કરતાં હોય છે.

અમુક જ્ઞાતિઓમાં લગ્નવિધિ પછી જ્યારે વર-કન્યા ગૃહપ્રવેશ કરે એ પછી નવપરિણીતોને રૂપિયો રમાડવાનો રીવાજ હોય છે. આમાં રૂપિયાનો સિક્કો બીજી પરચુરણ અને અન્ય વસ્તુઓ વચ્ચેથી કંકુવાળા ડહોળા પાણી ભરેલી થાળીઓમાંથી હાથ નાખી શોધી કાઢવાનો હોય છે. એમાં મહરાજ રેફરી તરીકે કામ કરે. અને લગ્ન પ્રસંગે ઓડિયન્સ તો હોય જ ને? બેસ્ટ ઓફ ફાઈવ રમાતી આ રમતમાં કોણ જીતશે એના પર દાવ તો નથી લાગતાં, પણ એવું મનાય છે કે જે જીતે એનું ઘરમાં રાજ ચાલે છે. આમાં, બે જ જણ રમતાં હોવાથી બંનેને જીતવાના ૫૦% ચાન્સ તો પાછાં હોય છે જ. અને તોયે ઘણીવાર બે જણ વચ્ચે મેચ ફિક્સ થતી હોય છે, અલબત્ત પ્રેમથી!

અને ખેલ મહાકુંભ દ્વારા ગુજ્જેશોને જગાડતું રમશે ગુજરાત જીતશે ગુજરાતજોરદાર સૂત્ર તમે સાંભળ્યું કે નહીં? ભલભલા આળસુઓ દોડવા લાગે એવું આ સૂત્ર છે. અને કેમ ન હોય? ગુજરાતીઓ સદા અગ્રેસર જ રહ્યા છે. અત્યાર સુધી ધંધો, રોજગાર, વિકાસ અને હવે રમતગમતમાં થશે. પણ અમારા લમણે લખાયેલા મિત્ર વિતર્ક વાંક્દેખા જેવાઓને આ સૂત્રમાં કશી નવાઈ નથી લાગતી. એનું કહેવું છે કે જો રમે ગુજરાત તો જીતે ગુજરાત જ ને? કેરાલા થોડું જીતે? પંજાબ કે હરિયાણાને રમાડો અને પછી ગુજરાત જીતે તો તોપ ફોડી કહેવાય. હવે આવી આઈટમોને કોણ સમજાવે?

ડ-બકા
મહાસત્તાઓને પણ સતાવે છે આર્થિક તંગી બકા,
એટલે જીન્સ છોડી અમે અપનાવી છે લુંગી બકા.

1 comment:

  1. da-baka bani gayu che maru hot favourite "baka" ;)

    ReplyDelete