Sunday, November 18, 2012

મિનિસ્ટ્રી ઓફ લવ અફેર્સ

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૮-૧૧-૨૦૧૨ | અધીર અમદાવાદી
 
દેશ આખો અત્યારે સિલિન્ડરનું રેશનિંગ અને મોંઘવારી, આતંકવાદ, ભ્રષ્ટ્રાચાર વગેરે સમસ્યાઓ ભૂલીને સુનંદા થરૂરનું અપમાનએ એ સમગ્ર દેશની નારીઓનું અપમાન છે કે નહિ?’ એ મુદ્દે વિભાજિત થઈ ગયો છે. આ સળગતી સમસ્યામાં મુખ્તાર અહેમદ નકવીએ શશી થરૂર માટે સરકાર નવું મિનિસ્ટ્રી ઑફ લવ એફેર્સ શરુ કરે એવું સજેશન આપી ઘી હોમ્યું છે. પણ અમને તો એ વિવાદ કરતાં આ લવ એફેર્સ મિનિસ્ટ્રીની વાત ખૂબ ગમી ગઈ છે. વાહ, શું ઇમેજિનેશન છે! જો સાચે જ લવ મિનિસ્ટ્રી હોય તો?

આ લવ મિનિસ્ટ્રી શું કામ કરશે? મિનિસ્ટ્રી દેશની લવ પોલિસી ઘડશે. લવ લોઝ બનાવશે. પંચવર્ષીય લવ યોજનાઓ ઘડશે. પ્રેમીઓની સમસ્યાઓનો ઉકેલ લાવશે. દેશમાં પ્રેમીઓને કેટકેટલી યાતનાઓમાંથી પસાર થવું પડે છે. છાપાં પ્રેમીઓને પ્રેમી-પંખીડા તરીકે બ્રાન્ડ કરે છે તે મિનિસ્ટ્રી રોકશે. પ્રેમીઓ માટે ભાગી કે ઊડી ગયા જેવા અપમાનજનક ઉચ્ચારણને બદલે પ્રેમીયુગલ ફોર બેટર લીવીંગ પ્રોસ્પેક્ટસકે ઉચ્ચ જીવન ધોરણ અર્થેસ્થળાંતરિત કરી ગયા છે જેવા એક્સપીરીયન્સ સર્ટીફિકેટનુંમા વાક્યો વાપરે તે પણ જોશે. આ ઉપરાંત આવા સ્થળાંતરિત પ્રેમીઓ માટે સેટલ થાય ત્યાં સુધી એડહોક ધોરણે ભથ્થું ઠરાવવાનું અને વિતરણ કરવાનું કાર્ય આ મિનિસ્ટ્રી કરશે. મિનિસ્ટ્રી લીવ-ઇન રીલેશનશીપને પ્રોત્સાહિત કરતી ‘રેનબસેરા’ યોજનાઓ લાવશે. એટલું જ નહિ પ્રેમીયુગલોને નડતરરૂપ મમ્મી, પપ્પા, ભાઈ, પતિ વગેરેની ધરપકડ કરાશે, આવા ગુના બિનજામીનપાત્ર રહેશે.

મિનિસ્ટ્રી વેલેન્ટાઈન ડે અને ફ્રેન્ડશીપ ડે પર આખા પાનાની જાહેરાત છપાવી સરકારની લવ સંબંધિત ઉપલબ્ધિઓ જેવી કે સરકારે કેટલા પંખીડાઓ સોરી પ્રેમીયુગલને ભાગવામાં મદદ કરી એ દર્શાવવામાં આવશે. સરકારના કયા મંત્રીએ કેટલા એફેર્સ કર્યાં એ પણ એમાં સરકારની સિદ્ધિ તરીકે છાપવામાં આવશે. આ લવ એફેર્સ મિનિસ્ટ્રીનાં કર્તાહર્તા તરીકે લવગુરુ થરુરનું નામ તો ઑલરેડી સજેસ્ટ થયું છે પણ આ મિનિસ્ટ્રીનાં આદ્યસ્થાપક તરીકે આદરણીય તિવારીજીનો ફોટો આખા પાનાની જાહેરાતમાં હશે જ.  

આ મિનિસ્ટ્રીમાં મિનિસ્ટ્રીનું મકાન કેવું હશે એ સવાલ કોઈને થાય. આજકાલ યુવાધનને બેસવા માટે જગ્યા નથી રહી. ગાર્ડન્સ આઉટ ડેટેડ થઈ ગયા છે અને મલ્ટીપ્લેક્સ મોંઘાં. એટલે કૉલેજ, રેસ્ટોરન્ટનાં પાર્કિંગ કે એકાંત જગ્યાએ પ્રેમીઓ ગુટરગુ કરતાં જોવા મળે છે. એટલે જ આ મિનિસ્ટ્રીનાં પાર્કિંગમાં પણ બેસવા માટેની પૂરતી સુવિધા હશે. પાર્કિંગ શેડવાળું હશે જેથી ઝાડ ઉપરથી પક્ષીઓ હેરાન ન કરે. ભિખારીઓ અને ફેરિયાઓને પાર્કિંગમાં પ્રવેશબંધ હશે જેથી પ્રેમીજનોને કોઈ ડીસ્ટર્બ ન કરે. આ મિનિસ્ટ્રીમાં નાના નાનાં બ્યુટી કમ મસાજ પાર્લર હશે. હાસ્તો, મિનિસ્ટ્રીમાં વેઇટિંગ હોય તો કામ માટે આવેલ લોકો રીલેક્સ થઈ શકે. મિનિસ્ટ્રીમાં જ લગ્ન મંડપ હશે જ્યાં સમાજનાં ભય વિના લગ્ન કરી શકાશે. 

મિનિસ્ટ્રીની વેબસાઈટ પણ એકદમ ગુલાબી હશે. વેબસાઈટ પરથી પ્રેમી શાયરીઓ, ઘાયલ શાયરીઓ, તુફાની શાયરીઓ, લૈલા-મજનું, રોમૅન્ટિક અને દીવાના શાયરીઓ ડાઉનલોડ કરી શકાશે. વેબસાઈટ પર નકશાઓ હશે જ્યાં એકાંત બેસી શકાય તેવા અને જ્યાં પોલીસવાળાને પ્રવેશવાની કે દંડાવાળી કરવાની મનાઈ હોય તેવા સ્થળોના દિશાનિર્દેશ આપ્યા હશે. ગુજરાતના દીવ, આબુ, અંબાજી જ નહિ પણ નેશનલ લેવલ પર ભાગીને જવાના હોટ-સ્પોટ્સ સાઇટ પર દર્શાવેલા હશે તથા આ સ્થળો પર પહોંચવા માટેના હવાઈ, રેલવે અને બસ રુટ, ભાડું તથા સગવડો દર્શાવેલ હશે. સાઈટ પર એક ફ્રીકવન્ટલી આસક્ડ ક્વેશ્ચન્સ સેકસન હશે જેમાં ભાગીને લગ્ન કરવા માટેની કાયદાકીય જરૂરિયાતો, પ્રેમીઓના હકો, ગર્લફ્રેન્ડને ખુશ રાખવાના ઉપાયો, કુટુંબ નિયોજન જેવી અનેક બાબતો સમાવિષ્ટ હશે.   

મિનિસ્ટ્રીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું પ્રતિનિધિત્વ હશે. સલમાન ખાન, ઈમરાન હાશ્મી, રાખી સાવંત, પૂનમ પાંડે, સની લિયોન અને શાહિદ કપૂર જેવા પોતાના અનુભવનો લાભ સરકારને આપી દેશના પ્રેમીજનોની સેવા કરશે. જેમ કે પ્રતિભાવંત કલાકાર સની લિયોનને સેન્સર બોર્ડની અધ્યક્ષ બનાવી શકાય. ઈમરાન હાશ્મી જેવાની ફિલ્મો તો પછી સરકાર જ ફાઇનાન્સ કરશે. નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં પણ બેસ્ટ એક્ટર ઇન રોમૅન્ટિક રોલજેવા નૉમિનેશન હશે. પછી અમુક છાપેલા કાટલાં જેવા બની બેઠેલા સુપરસ્ટાર આ એવૉર્ડ લેવા માટે સેટિંગ પાડશે.

હાસ્તો, સરકાર અને ભ્રષ્ટ્રાચારનો સંબંધ રેલવે અને પાટા જેવો છે. એટલે આ મિનિસ્ટ્રીમાં પણ ભ્રષ્ટ્રાચાર થશે. મોટી મોટી કંપનીઓ લવ ટાઉનશિપબનાવવાના પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી મફતના ભાવે જમીનો પડાવશે. મૅરેજ રજિસ્ટ્રેશનનું પ્રાઇવેટાઇઝેશન થશે અને દેશના નામચીન ઉદ્યોગગૃહો અને મંત્રીઓની ગર્લફ્રેન્ડસને આ માટે લાઈસન્સ અગ્રિમતાથી અને મફતના ભાવમાં આપવામાં આવશે. આગળ જણાવ્યા એવા બ્યુટી કમ મસાજ પાર્લરને ગૃહ ઉદ્યોગનો દરજ્જો આપી એનાં માટે સબસિડી આપવામાં આવશે, જેના માટે ચાઈનીઝ મસાજર ખરીદીમાં કરોડોના કૌભાંડો થશે. ટૂંકમાં પ્રજા ઠેરની ઠેર રહેશે અને દેશની આબરૂના ધજાગરા થશે!  

ડ-બકા
સાબરમતી તટે અથડાય કંઈક સ્ટાઈલીશ બકા;
ભેડાઘાટ જાવ ત્યારે મળે સેના બારનીશ બકા.

2 comments:

  1. સુપર હીલ્લેરીયસ... મોજ આવી ગઈ....

    ReplyDelete