Wednesday, November 21, 2012

દિવાળીમાં છેતરાવાનાં શ્યોર સજેશન્સ

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૮-૧૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |

એક ખરીદો ત્રણ ભેટ મેળવો : અમદાવાદમાં ધનતેરસ પર ૨૫૦ રૂપિયા ખર્ચી ૯૦૦ મિલી આઈસ્ક્રીમ (સો રૂપિયાનો) ખરીદો તો ત્રણ પ્લાસ્ટિકના ડબલા ફ્રી મળે જેવી ઓફર્સ વર્ષોથી ચાલે છે. પ્લાસ્ટિકનું ચલણ નહોતું ત્યારે તો આનાં માટે લાંબી લાઈનો પણ લાગતી હતી. પણ આ એકના દામમાં ત્રણ વસ્તુઓ જેવી ઓફર્સ હવે બધે પોપ્યુલર છે. હવે તો વધીને ત્રણ શર્ટ ખરીદવા પર ચાર શર્ટ ફ્રી મળે છે. એકંદરે એક જેવી ડીઝાઈનનાં સાત શર્ટ ખરીદો એટલે તમે એવા ભરાવ કે તમારી હાલત શાહબુદ્દીન ભાઈના લાભુ મેરાઈ જેવી થાય. શાહબુદ્દીન ભાઈના ‘કીડી કોશનો ડામ ખમે? નોં ખમે, અંગ્રેજો ઈ દઈ જાય’ એ ફેમસ ડાયલોગ આ શર્ટનાં કિસ્સામાં એટલા માટે પણ પ્રસ્તુત છે કે આવી શર્ટ વેચતી કંપનીઓમાં ઇંગ્લેન્ડ, લંડન, સ્કોટલેન્ડ કે પછી ત્યાંના રહેવાસીઓના નામો રાખવાની ફેશન છે!

માવાની મીઠાઈઓ : માવાની મીઠાઈ વર્ચોથી ઇન-થીંગ છે. ગાય કે ભેંસ ઘાસ ખાય તેમાંથી દૂધ-માવો-મીઠાઈ બને એ વચ્ચે ઘણો લાંબો સમયગાળો હોય છે. આ વચ્ચે કોલ્ડ સ્ટોરેજમાં સ્થાન પામતો માવો કે જે અમુક ટેમ્પરેચર પર સ્ટોર થવો જોઈએ તે ઓપરેટરનાં મુડનાં ભરોસે હોય છે. કોલ્ડ સ્ટોરેજથી કંદોઈ સુધી પહોંચવામાં આ માવાએ લાંબી મજલ અને કેટલાય દિવસો કાઢવાના હોય છે. સૌરાષ્ટ્રના કોક ઘેલા તલસાણીયા ગામનું ઘાસ મુંબઈની મીઠાઈમાં માવાનું માનદ સ્થાન પામે તે વચ્ચે એણે કેટકેટલાયે કોઠા પાર કરવાના હોય છે, જેમાં ટેમ્પરેચર ટેમ્પરેચરનું અને એટલે બેક્ટેરિયા બેક્ટેરિયા નું કામ કરે છે. જોકે હલવાઈનાં ત્યાં પહોંચી એમાં જુદા જુદા ‘સરકારમાન્ય’ રંગો અને એસેન્સ ભળી દેખાવે આકર્ષક મીઠાઈમાં પરિવર્તન પામે છે. હવે સરકારમાન્ય ચીજવસ્તુઓ કેવી હોય એ કંઈ થોડું તમને સમજાવવાની જરૂર છે?

નમકીન નાસ્તા : ઘેર નાસ્તા હવે ફેસબુક પર ફોટા મુકવા પૂરતાં જ થતા હોય એવું લાગે છે. ચૌદસ સુધી ઓફિસ ચાલુ હોય તો સમય ક્યાંથી મળે? એટલે જ તૈયાર નમકીન ખરીદવાનું ચલણ વધ્યું છે. આ નમકીનનાં પેકેટ વર્ષોથી સિત્તેર રૂપિયાના જ મળે છે, પણ એમાં વજન દર વર્ષે પચાસ ગ્રામ ઘટતું જાય છે. નમકીનમાં પાછાં ડ્રાયફ્રુટ નાખી મોંઘા બનાવવામાં આવે. જાણે ચાર કાજુનાં ફાડિયા, છ કીસમીસ અને થોડાં ફોલેલી સિંગના ઉભા ટૂકડા (પીસ્તા-બદામ !) નાખવાથી વાસી પામોલીનમાં બનાવેલ નાસ્તો પાકો નાસ્તો બની જતો હોય! આમ છતાં કોલેસ્ટોરોલ અને બ્લડ પ્રેશરનાં આંકડાઓને ગોળી મારી ગુજરાતી ભાયડો દિવાળીમાં નમકીનના ફાકડા તો મારે જ. 

ગીફ્ટ પેકમાં ડ્રાયફ્રુટસ : ડ્રાયફ્રુટ્સના ગીફ્ટ પેક હંમેશા કોઈને આપવા માટે લેવાય છે. એટલે ડ્રાયફ્રુટ કરતાં પેકિંગનું મહત્વ વધારે હોય છે. જેણે કમલા હસનની પુષ્પક ફિલ્મ જોઈ હશે એને પેકિંગનું મહત્વ યાદ હશે. એક જમાનામાં ચાઈનાની રાજધાનીનું નામ પણ પેકિંગ હતું, એ ઘણું સુચક છે. એટલે આ પેકિંગ જોઈ ખરીદાતાં ડ્રાયફ્રુટ ખોરાં, બોદા, કે ટેસ્ટ વગરના નીકળે તેવી સંભાવના હોય છે. આમાં મહત્વનું એ છે કે જેને ડ્રાયફ્રુટ મોકલવામાં આવ્યા હોય એ કંઈ અમારા જેવો તો હોય નહિ કે જે ખોલ્યા પાછી ખોરાં નીકળ્યાની ફરિયાદ કરે! આમેય ધર્મની ગાયના દાંતની જેમ મફતના ડ્રાયફ્રુટ ખોરાં છે કે નહિ એ ચેક કરવા ન જવાય. આમ આઠસોનું પેકેટ ખરીદો તો ચારસો ડ્રાયફ્રુટનાં અને ચારસો પેકિંગનાં પડે,

છેલ્લા દિવસે ફટાકડા : ડીમાંડ એન્ડ સપ્લાયની સંપૂર્ણ સમજ ન હોવાથી કે ખરીદનારનાં દિમાગને કળી નથી શકાતું એટલે, પણ દરેક સીઝનમાં અમુક ફટાકડાં વધે છે. શાકવાળો જેમ તમને સિલેક્ટ કરવામાં મદદ કરવાને બહાને બે સડેલા બટાકા થેલીમાં સેરવી દે એમ આ વધેલા કે હવાઈ ગયેલા ફટાકડા અન્ય સારા કહેવાતાં ફટાકડાની વચ્ચે દુકાનદાર તમારી થેલીમાં પધરાવી દે છે. પછી ફોડ્યા કરો ફૂંકો મારીને ! અથવા તો ફૂટે એની રાહ જોતાં જોતાં મેઈલ કે એસ.એમ.એસ. ચેક કરો ! અથવા તો એનાં ફૂટવાના જોરદાર અવાજની અપેક્ષાએ તમે કાન બંધ કરી દીધાં પછી ફટાકડું ફૂટે ને એનો અવાજ એક બે સપ્તક નીચેનો નીકળે એનું દુખદ આશ્ચર્ય અનુભવો !

સસ્તા ટ્રાવેલ એજન્ટ્સ : કોઈ જાણીતી વ્યક્તિ દ્વારા જેનો જાત અનુભવ ન હોય તેવા કોઈ ટ્રાવેલ એજન્ટ પાસે સસ્તું ટુર પેકેજ ખરીદો એટલે ભરાયા સમજો. હોટલમાં પહોંચો અને રૂમ ખોલો એટલે થ્રી-સ્ટાર જેવી અને થ્રી-સ્ટાર સુવિધા વચ્ચે શું ફેર છે એ તમને ખબર પડે. હોટલમાં ગરમ પાણી માટે ગેસર (ગીઝર) હોય પણ પાવર ન હોવાથી એ ચાલતું ન હોય. લાઈટ જનરેટરથી ચાલતી હોય અને હિલ-સ્ટેશન હોઈ પંખા કે એસીની જરૂર નથી હોતી એટલો ભગવાનનો પાડ માનવાનો. ટેક્સી સર્વિસ હોય પણ એ પોઈન્ટ ટુ પોઈન્ટ નીકળે મતલબ જ્યાં ફરવાનું હોય ત્યાં ફેરવી પાછાં હોટલે છોડી દે. પછી ગામમાં ટાંટિયા તોડો. અને બધાનો એક જ અનુભવ છે, કે સો મીટર ચાલવામાં મેડમના પગ દુખવા લાગે. એમાંય જો નોર્થ-ઈસ્ટ ગયા હોવ તો ખાવામાં નુડલ અને મોમો મળે.

અને આ બધામાં ન ફસાયા હોવ તો પછી ‘ઇકોફ્રેન્ડલી’, ‘ઓર્ગેનિક’, ‘હેન્ડમેડ’, ‘ચેરિટી માટે’ જેવા રૂપાળા લેબલ સાથે વેચાતી ચીજ-વસ્તુઓ પણ મળશે જ. હા, બધું ભેળસેળિયું અને નકલી નથી હોતું એ વાત સાચી, પણ જ્યાં સર્વશક્તિમાન સરકારને પણ અસલી-નકલીની ઓળખ કોક થર્ડ-પાર્ટી કૌભાંડ બહાર પાડે ત્યારે પડે છે, તો આમ જનતા બોલે તો મેંગો પીપલની આ સમજવાની હેસિયત કેટલી? n
 

 

No comments:

Post a Comment