Sunday, November 25, 2012

પત્નીપીડિત પતિ પાર્ટીનો મેનિફેસ્ટો


| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૫-૧૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |


ગુજરાતમાં ઇલેક્શન ગાજી રહ્યાં છે અને ટીકીટ વહેંચણીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે ત્યારે જાત જાતના નવા પક્ષ ઉભા થઈ રહ્યાં છે. ઘણીવાર તો આપણને એમ જ લાગે કે આ નવા પક્ષ અને ડાકુ સમાન કારણોસર જન્મે છે. અન્યાય સામે બદલો લેવાની ભાવના. એ જે કારણોસર બનતાં હોય, લોકશાહીમાં દરેકને હક છે. મહિલાઓ જેમ જેમ વધુને વધુ પ્રગતિ કરે છે તેમ પુરુષોનો અમુક વર્ગ, ખાસ કરીને પરણિત, મહિલાઓ દ્વારા શોષણનાં આક્ષેપો મૂકે છે. જો આવા પત્ની પીડિતો પોતાની અલગ પત્ની પીડિત પતિ પાર્ટી (પી-૪) રચે તો આ પી-૪ના ચૂંટણી ઢંઢેરામાં કેવાં વચનો હોય?

આથી પી-૪ પક્ષ આગામી ઇલેક્શનમાં પીડિત પતિઓને પોતાના હકો પાછાં મેળવી આપવા માટે  પોતાની કટિબદ્ધતા જાહેર કરે છે. અગાઉની કોઈ પણ સરકારે આ અંગે નક્કર પગલા લીધાં નથી. આ ચૂંટણીમાં અમારા પક્ષને વિજયી થતાં પતિઓને સમાજમાં સન્માનભર્યું મળશે. હવે પત્નીઓની તુમારશાહી નહિ ચાલે. ઘરમાં પતિને પણ સમાન હક મળવા જોઈએ. અમારી સરકાર બનશે તો પતિ દાળમાં ખાંડ કે મમરા ઇચ્છા મુજબ નાખીને ખાઈ  શકશે અને પત્નીઓ તારી મમ્મીએ ખોટી ટેવો પાડી છેએવું પણ કહી નહિ શકે.

આ પક્ષ પતિઓના ટીવી જોવા માટેના હકો માટે નવો કાયદો લાવશે. આ કાયદા અનુસાર ટીવી પર જોવાતી ચેનલ્સમાં પતિ, પત્ની અને બાળકો એમ દરેકનો ૩૩% હક રહેશે. ટીવી ફિંગરપ્રિન્ટથી ચાલુ થાય તેવી ટેક્નોલૉજી લાવી દરેકના લોગ ઇનથી નિર્ધારિત કલાકો પૂરતું જ ટીવી જોઈ શકાય તેવી જોગવાઈ કરવામાં આવશે. જોકે ક્રિકેટ મેચ દરમિયાન વધુ કલાકો ટીવી જોવાનું થાય એવા કિસ્સામાં પતિઓને આ હક ઍડ્વાન્સમાં ભોગવી દેવામાં પણ આવશે. આ ઉપરાંત પત્નીઓ ક્રિકેટ જોતાં પતિઓને દરવાજો ખોલવાનું, ક્રીઝમાંથી દહીં આપવાનું, બાથરૂમમાં ટુવાલ આપવાનું, કૂકરની સીટીઓ ગણવાનું કે ગેસ બંધ કરવાનું કામ નહિ બતાવી શકે. આ ઉપરાંત જરૂરિયાતમંદ પતિઓ માટે અલગ મફત ટીવી યોજના પણ મૂકવામાં આવશે.

અમારી સરકાર પતિઓના વાણી-સ્વાતંત્ર્યનાં અધિકારનું રક્ષણ કરશે. પતિ પોતાની મરજી અનુસાર રસોઈને સારી કે ખરાબ કહી શકશે. પતિ મિત્રોની પત્નીઓની રસોઈના વખાણ કરી શકશે અને આ વખાણના પ્રત્યાઘાતરૂપે બીજા દિવસે પતિની જ દાળમાં વધુ મીઠું નાખવાની ઘટનાને ખૂનના કાવતરા તરીકે ગણવામાં આવશે. પત્નીઓના ટેરરથી વિક્ષુબ્ધ કે વાચાહીન થઈ ગયેલા પતિઓની સરખામણી પ્રધાનમંત્રી સાથે કરવી એ કાનૂની અપરાધ ગણવામાં આવશે. આવા પતિઓને બોલતા કરવા માટે અમારી પાર્ટી સ્પેશિયલ નવજોત કોચિંગ ક્લાસયોજના અમલમાં લાવશે.

આ પાર્ટી પીડિત પતિઓના હિતમાં નવા વિધેયક લાવશે. આ કાયદા અનુસાર પતિને કાનમાં ઇયર પ્લગ લગાવવાનો અબાધિત હક રહેશે. પતિ છાપું વાંચતા વાંચતા પત્નીની વાત સાંભળે તો એ વાત સાંભળી ગણવામાં આવશે. આ અંગે કોઈ મહેણાં-ટોણા કે લૂઝ ટોક ચલાવી લેવામાં નહિ આવે. આ ઉપરાંત રોજ એક કલાક પતિને પણ બોલવાનો ચાન્સ મળશે જે અંગે કોઈ પતિને ફરિયાદ હોય તો એ ફરિયાદ ફાસ્ટ ટ્રૅક કોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત પત્ની દ્વારા પતિને ખખડાવવાનાં કિસ્સામાં ધ્વનિની તીવ્રતા ૭૦ ડેસીબલથી વધારે ન હોવી જોઈએ, અને આ અંગે પતિને ઘરમાં ધ્વનિ તીવ્રતા માપક યંત્ર ગોઠવવાની છૂટ રહેશે તેમજ આવા યંત્રો પી-૪ પાર્ટી તરફથી નજીવા દરે પુરા પાડવામાં આવશે. આવા કિસ્સાઓમાં કસૂરવાર પત્નીઓને સાત દિવસ મૌનની સુધીની સજા કરવાની જોગવાઈ પણ કાયદામાં રહેશે.

અમારી પાર્ટી પત્નીઓની વારતહેવારે પિયર જવાની અને પતિઓને લઈ જવાની પ્રવૃત્તિ સામે કડક હાથે પગલા લેશે. પિયર જવાની સાથે સાથે બોલતાં હું કાયમ માટે જાઉં છું’ ‘હવે આ ઘરમાં હું ફરી પગ નહિ મુકુંજેવા ડાયલૉગ બોલ્યા બાદ બોલ્યાગણાશે, અને આવું બોલીને ફરી જનાર સ્ત્રીઓ સામે પગલા લેવાની જોગવાઈ કરવામાં આવશે. પિયર જઈ શકાય એવા તહેવારો/દિવસો નિર્ધારિત કરી એનું કેલેન્ડર સરકારી રાહે બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત કુટુંબીજનોની તબિયત જોવા માટે પણ જઈ શકાશે, પણ દરેક વખતે પતિએ સાથે જવું ફરજિયાત નહિ હોય. મમ્મીને હેડકી આવે છેકે ભાઈના દીકરાનો પગ છોલાઈ ગયો છેજેવા અપર્યાપ્ત કારણોસર પિયર જવાનું કદાપિ મંજૂર નહિ કરવામાં આવે.  

જોકે એવું પણ નથી કે આ પાર્ટી સ્ત્રીઓની કદર નહિ કરે. જમાના અનુસાર પતિ વાસણ કપડાં કચરા પોતા એમ ચારેય કામોમાં સહયોગ આપે એ સામે પાર્ટીને કોઈ વાંધો નહિ હોય, પરંતુ કામની ક્વોલીટી અંગે પત્નીઓ કોઈ કચકચ નહિ કરી શકે. પતિ શાક લઈ આવશે તો પત્નીએ લાવેલ માલમાંથી સડેલાં બટાકા કે રીંગણાં માથાકૂટ કર્યાં સિવાય ફેંકી દેવાના રહેશે. પતિ જરૂરિયાત મુજબ ક્યારેક સાસરે જવા ડ્રાઈવર તરીકેની સેવાઓ આપશે, પણ પત્ની કાર કઈ રીતે ચલાવવી એ અંગે માર્ગદર્શન નહિ આપી શકે. પત્નીઓ ખરીદી કરવા જાય તો પતિઓ સાથે જશે ખરા પણ આ ડ્રેસ કેવો લાગે છેએ પ્રશ્નનો પતિ નિખાલસપણે જવાબ આપી શકશે. આ સર્વ બાબતો અંગે પત્નીઓને તમે તો કાયમ ...થી શરુ થતું હોય એવું કોઈ પણ વાક્ય બોલવાની છૂટ નહિ આપવામાં આવે.

આ ઉપરાંત એક ઉચ્ચસ્તરીય પત્ની પીડિત પતિઓની સમિતિની રચના કરી પતિ કલ્યાણ અંગેના અનેક કાર્યક્રમો ઘડી કાઢવામાં અને અમલમાં મૂકવામાં આવશે. આગામી ચૂંટણીમાં આપણી જીત નિશ્ચિત છે. જય ખાવિંદ ! 

( કોમેન્ટ આપી ???? )


1 comment:

  1. I loud read this article to my wife...
    Now if I wake tomorrow, I will share this article on FB....

    Just too good article..

    ReplyDelete