Wednesday, June 11, 2014

હોલી ડે : અ રીવ્યુ


અક્ષય કુમારનું મુવી હોય અને અમે ન જોયું હોય એવું ઓછું બને. કારણ કે અમારું દ્રઢ માનવું છે કે હીરો હીરો જેવો લાગવો જોઈએ. જોકે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ગીર્દી કરવાની અમને ટેવ નથી. એટલે શુક્રવારે રીલીઝ થયેલું હોલીડે અમે બુધવારે જોયું. અત્યાર સુધી તમે પોતે જોઈ લીધું હશે અથવા રીવ્યુ વાંચી લીધો હશે. છતાં આ વાંચો છો, એનો મતલબ કે મારે આખો રીવ્યુ લખવો જ રહ્યો!

તો વાત એમ છે કે આર્મીમેન અક્કીનું નામ વિરાટ છે અને એ પંજાબી હોય એવું જણાય છે. રજાઓમાં મુંબઈ ઘેર પાછાં આવતાં ટ્રેઈન રસ્તામાં, એટલે પાટા ઉપર જ, ઊભી રહે છે ત્યારે અક્કી કોક જવાન સાથે ફાઈટિંગ ફાઈટિંગ રમી ટાઈમપાસ કરતો હોય છે. એ વખતે અક્કીનો બોસ ગોવિંદા આવી જાય છે અને પછી ટ્રેઈન હોર્ન મારે છે. એ મોડો મોડો સ્ટેશન પર પહોંચે છે જ્યાંથી ઉઠાવીને અક્કીનું ફેમીલી એને સાહિબા એટલે કે સોનાક્ષીના ઘેર લઇ જાય છે. સોનાક્ષી પોસ્ટરમાં દેખાય છે એટલી ફિલ્મમાં નથી દેખાતી, અને એ સારા માટે જ છે!

આ સોનાક્ષી દેખાવમાં જેટલી મજબુત છે એટલી જ બધાં જ સ્પોર્ટ્સ જેવા કે ટેનીસ, બાસ્કેટ બોલ અને બોક્સિંગમાં ઉસ્તાદ છે. સ્પોર્ટ્સનું મહત્વ સમજાવવા એક ગીત સ્ટેડીયમમાં, મુંબઈનું નાઈટ કલ્ચર દર્શાવવા એક ગીત નાઈટ ક્લબમાં અને મુંબઈની ભેજવાળી હવાથી ફેફસાની તકલીફ થતી હોય અને જેમને ડોક્ટરે સુકી હવામાં જવાનું કહ્યું હોય તે મુંબઈનો દરિયો પડતો મુકે એમ એક ગીત રણમાં ગાય છે. એક શાયરાના શાયરાના કરીને ગીત અમને યાદ રહી ગયું કારણ કે આ ગીતમાં ૧૩૭ વખત શાયરાના બોલવામાં આવે છે. જેમ ઉપમામાં ગોળ, પાસ્તામાં કોપરું, અને જલેબીમાં હળદર જેટલા મહત્વના છે, એટલાં ગીતો અને સોનાક્ષી આ ફિલ્મ માટે અગત્યના છે. એકંદરે સોનાક્ષી ન હોત તો પિક્ચર અડધો કલાક વહેલું અને ૧૦-૧૫ કરોડ સસ્તું બન્યું હોત એ પણ નક્કી છે.
 
ત્રીજું ગીત રણમાં ....
હવે સ્ટોરી ઉપર આવીએ. અક્કી અને એનાં મિત્ર કે જે મુંબઈ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર છે અને આખ્ખા પિકચરમાં અક્કીને અહોભાવથી જોઈ રહેવા સિવાય કશું કરતો નથી. એ બે જતાં હોય છે ને બોમ્બ બ્લાસ્ટ થાય છે અને અક્કી એક આતંકવાદી ને પકડી લે છે. પ્રચારમાં જેમ કહેવાયું છે કે સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી. કદાચ, કન્ફ્યુઝ્ડ અથવા ડમ્બ એવી સાહિબા માથું ખાય એનાં કરતાં ડ્યુટી સારી એવું અક્કીને લાગ્યું હશે. એટલે આપણો અક્કી આ બોમ્બ બ્લાસ્ટ પાછળ કોનો હાથ છે એ શોધવાનો મોકો મુંબઈ પોલીસને આપવાને બદલે પોતાનાં હાથમાં લઇ લે છે. પોતે તો ઠીક પણ પોતાની જેમ રજા ઉપર આવેલા બીજા ૧૨ જણને એ ધંધે લગાડી દે છે. જોકે પોતાનાંથી વધારે હોંશિયાર એવા બોસ ગોવિંદાને એ આ એસાઈન્મેન્ટથી દુર રાખે છે.  

અક્કીના હરામી અથવા મક્કાર તરીકેના એક્સપ્રેશન્સ આપણને બહુ ગમે એટલે એ વિલનને પછાડે ત્યારે અમે પણ સીટીઓ મારી લીધી. અક્કી બુલેટ પર ફરે છે પણ વિલનને પકડીને ઘેર લાવી ઘરના કબાટમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખે છે. અક્ષયે ફિલ્મ રીલીઝ થઈ એ વખતે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે એણે ગન પકડવા માટે વ્યવસ્થિત ટ્રેનિંગ લીધી હતી. ગનના વપરાશને લીધે પણ હાથોહાથની મારામારી ઓછી થવાથી ફિલ્મની લંબાઈ અડધો કલાક ઓછી થઈ હશે એવો અમારો અંદાજ છે. તોયે ફિલ્મ લાંબી છે, જે સીટીગોલ્ડના મરતાં મરતાં ચાલતા એસીના પૈસા વસુલ કરે છે!

એકંદરે ફિલ્મ મજાની છે. વધારે સ્ટોરી કહેવાનો રિવાજ નથી નહીંતર હું કહી દેત કે ફિલ્મ મુરઘો બનાવે છે.

3 comments:

  1. supern apne to pela divse j jaye

    ReplyDelete
  2. અક્ષય કુમારનું મુવી હોય અને અમે ન જોયું હોય એવું ઓછું બને. કારણ કે અમારું દ્રઢ માનવું છે કે હીરો હીરો જેવો લાગવો જોઈએ

    ReplyDelete
  3. પાછળ રહેલ ભૂંગા'ઓ [ ચિત્ર'માં ] આ રણ સાચું હોવાની સાબિતી આપે છે [ નહિ કે કોઈ સ્પેશીયલ ઈફેક્ટ ;) ]

    અને એ બહાને તેઓ ભૂંગા'ઓને પોતાના પ્રેમ'ના પરાણે સાક્ષી બનાવે છે ! મિલ બેઠેંગે તીન યાર [ મેં , તુમ ઔર ભૂંગા . . . ટીન ટીન ટણણણ ! ]

    ReplyDelete