Sunday, September 28, 2014

બીજું શું ચાલે છે ?

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૮-૦૯-૨૦૧૪ | અધીર અમદાવાદી |


‘ઓહો બહુ દિવસે ને કૈં?’
‘હા, હમણાં જરા બીઝી હતો’.
‘બીઝી તો રહેવું જ જોઈએ... બીજું શું ચાલે આજકાલ?’
‘કંઈ નહિ, નોકરી ચાલે છે.’
‘સારું છે, નોકરી છે તે .... બાકી કો બીજું’
‘બસ આજકાલ નોકરીથી ઘર.’
‘હા, આજકાલ બહાર નીકળાય એવું રહ્યું જ નથી, બફારો કેટલો છે.’
‘બફારો તો ઘણો છે, એટલે જ ઘરમાં એસી નખાવ્યું છે.’
‘એ સારું કર્યું. એસીથી ઠંડક રહે .... બાકી તબિયત સારીને?’
‘આમ તો સારી, પણ ગયા અઠવાડિયે તાવ આવ્યો હતો.’
‘તે ડબલ સીઝનમાં બીજું આવે પણ શું?’
‘હા, વાત ખરી વાત છે, ડબલ સીઝનમાં તાવ જ આવે.’
‘તે નોકરીમાં રજા પડી હશે?’
‘હાસ્તો, તાવમાં કામ થોડું થાય?’
‘ભાઈ, આરામ કરી લેવો, નોકરી તો છે જ ને.’
‘એમ તો આમ પણ આરામ જ છે.’
‘કેમ આરામ? નોકરી નથી?’
‘છે ને... પણ સરકારી છે.’
‘હવે સરકારી નોકરીઓ પણ ક્યાં પહેલાના જેવી રહી છે, શું કો છો?’
‘વાત તો સાચી છે, પણ મારે ત્યાં હજુ નિરાંત છે.’
‘નસીબદાર તમે ... બાકી કો બીજું શું ચાલે છે?’
‘બાકી તો ઘણાનાં લેવાના નીકળે છે.’
‘શું ?’
‘રૂપિયા, બીજું શું લેવાનું હોય.’
‘સાચે આજકાલ લોકો રૂપિયા લઈ જાય પણ પાછાં આપવાનું નામ નથી દેતાં.’
‘તે એ આજકાલનું ક્યાં છે, એ તો પરાપૂર્વથી ચાલતું આવ્યું છે.’
‘એ વાત પણ સાચી, આપણે પણ આપવામાં માનતા જ નથી.’
‘એ તો ખબર છે.’
‘હા હા હા, તમને તો બધી ખબર જ છે બોલો, બીજી શી ખબર?’
‘ગધેડાં, કૂતરા, બિલાડા, નાલાયક, ઇડીયટ, નવરા .... શું દિમાગ ચાટે છે કલાકથી, તું નવરો છે, હું નવરો નથી તે ક્યારનો બીજું શું ચાલે છે, બીજું શું ચાલે છે ઠોક ઠોક કરે છે, ચલ ફૂટ અહીંથી...’
--
કાશ અમારામાં છેલ્લા વાક્યમાં લખ્યું છે એવું બોલવાની હિમ્મત હોત તો અમારી જિંદગીનાં કેટલાય કલાકો લોકોના ‘બીજું શું ચાલે છે’નો જવાબ આપવામાં વેડફાતાં બચી જાત. માણસ છાપાં, ફેસબુક, વોટ્સેપ, કેન્ડી ક્રશ રમી ટાઈમપાસ કરે તે સમજી શકાય. પણ માણસ બીજાં માણસને વાપરીને ટાઈમપાસ કરે તે અસહ્ય છે.

બીજું શું ચાલે છે એમ પૂછનાર પોતે મહદઅંશે નવરો હોય છે, એટલે કે બિન-ઉત્પાદક હોય છે. અથવા તો એ કામમાંથી ગમે તે રીતે સમય કાઢીને લોકોને પકાવે છે. ઓફિસમાં, પડોશમાં, મિત્રોમાં અને સગાઓમાં ઓછામાં ઓછા એકાદ બે ‘બીજું શું’ વાળા ફરજીયાત પણે રાખવા એવો સરકારનો જી.આર. હશે કદાચ. આ લોકો કોઈ પણ સમયે અને કોઈપણ માધ્યમથી ત્રાટકી શકે છે. સ્મશાનથી બેસણાં, રિસેપ્શનનાં સ્ટેજ પર જવાની લાઈનથી બેબી શાવરનાં બુફે સુધી ગમે ત્યાં આ લોકો તમને પકાવી શકે છે. ઓફિસોમાં અમુક પકાઉ વિશેષજ્ઞો એવાં હોય છે કે જે પોતાનું કામ જલ્દી નિપટાવીને આપણને બીજું શું ચાલે છે એ પૂછવાને પોતાનો નિત્યક્રમ બનાવી દે છે. ને તમારા નસીબ ફૂટેલા હોય તો લોકો ફોન પર પણ રૂબરૂ મળ્યા તુલ્ય ત્રાસ આપી શકે છે.

કમનસીબે આ દેશમાં જે ચાલવું જોઈએ એ સિવાયનું બીજું ઘણું ચાલે છે. અને જે ચાલવું જોઈએ એ નથી ચાલતું. અહીં ઈમાનદાર લોકો નથી ચાલતા. પ્રમાણિકતાની પાઈ પણ ઉપજતી નથી. સીધાં માણસની બકરીને કુતરું ઠરાવવામાં આવે છે. અહીં નિખાલસ અભિપ્રાય નથી ચાલતો, પણ દંભ ચાલી જાય છે. જેમને અભિનયનો અ નથી આવડતો એવા અભિનેતાઓની ફિલ્મો દોડે છે, બોક્સ ઓફિસ ઉપર. બોલે એનાં તો ઠીક, જેને બોલતાં નથી આવડતું એનાય બોર બેચાય છે. ખરેખર તો પેલા સંસ્કૃત સુભાષિતમાં છે ને કે ‘मूकं करोति वाचालं पंगुः लंघयते गिरिम्’ એવું કંઇક, પણ સુભાષિતમાં તો પરમાનંદ માધવની કૃપા હોય એ આવા ચમત્કાર જોવા પામે છે, જયારે અહીં તો સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનો અને મંત્રીઓની કૃપા પણ કમાલ કરે છે.

એક અંદાજ મુજબ ખાલી ભારતમાં લોકો એક દિવસ માટે એકબીજાને ‘બીજું શું ચાલે છે’ પૂછવાનું મોકૂફ રાખે તો એક કરોડ સડસઠ લાખ છાંસઠ હાજર છસોને સિત્તેર કલાક બચી શકે! વિચારો કે આટલા કલાકમાં કેટલું પ્રોડક્શન થઈ શકે? પણ મામા પોની વાળતાં હોત તો માસી ન કહેવાત? કાયદામાં પણ આવા ઈન્ડીયન પકાઉ લીગના કલાકારો સામે ફરિયાદ કરવાની કોઈ જોગવાઈ નથી. એટલે જ બીજું શું પૂછનારની પત્તર કેવી રીતે રગડવી જોઈએ એ સૌ કોઈ જાણવા માંગે છે. આમ જોવા જાવ તો રોજ મળતાં અને રોજ ‘બીજું શું’ પૂછતાં વ્યક્તિનું ગળું ઘોંટી દેવાની ઈચ્છા થાય એ માનવસહજ છે, પણ એમ કરતાં આપણને કાયદો રોકે છે. એટલે અમે એક નવતર ઉપાય વિચાર્યો છે. કોઈ ‘બીજું શું પૂછે’ તો એનાં જવાબમાં ડાયરાના કાઠિયાવાડી કલાકારની જેમ બીજી આઇટમ્સનું એક લાંબુ લીસ્ટ શ્વાસ લીધાં વગર બોલી જવું. જેમ કે;

મુવીઝમાં ધૂમ-૨ ને ક્રિશ-૨, ભાઈઓમાં લક્ષ્મણ અને કૃષ્ણ બીજા નંબરે, મહિનામાં ફેબ્રુઆરી બીજો, વારમાં મંગળવાર બીજો, કિંગ્ઝમાં ચાર્લ્સ બીજો, ક્રિકેટમાં બોલર્સ પહેલાની એક્ટિંગ કરી ફેંકે બીજો, રનમાં પણ પહેલાં પછી બીજો, શંકામાં ગુરુશંકા બીજાં નંબરે, મધમાખીને ઉડતી બતાવી મોડર્ન મમ્મી કીડ્ઝોને કહે ‘બી’ જો! .... આપણા વડ દાદા-દાદી આદમ અને ઇવ બે, કાર્ટુનમાં ટોમ એન્ડ જેરી બે, બાળવાર્તાઓમાં સોટી અને પોઠી, છેલ અને છબો, અને અડુકિયો અને દડુકિયો બે, જોડીઓમાં તો શોલેમાં જય અને વીરુ બે, કોમેડીમાં લોરેલ અને હાર્ડી બે, હીર-રાંઝા, લૈલા-મજનું, સોહની-મહિવાલ અને રોમિયો-જુલિયટ બે, ચા ને કોફી બે, કપ અને રકાબી બે, દાલ ને રાઈસ બે, બ્રેડ ને બટર બે, ગાંઠિયા ને ચટણી બે, ભાજી ને પાઉં બે, વડા ને સંભાર બે, તુટી ને ફ્રૂટી બે, મીઠું અને જીરું બે, તમાકુ અને ચૂનો બે, ટેબલ અને ખુરશી બે, ટીવી અને રીમોટ બે, લેફ્ટ અને રાઈટ બે, ટર્મ્સ ને કન્ડીશન્સ બે, ક્વેશ્ચન ને આન્સર બે, સાળી ને ઘરવાળી બે, રાસ અને ગરબા બે, હાથ, પગ, આંખ ને કાન બે, નાકના ફોયણા બે, ગ્રાઉન્ડ ઉપર અમ્પાયર બે, બ્લેક મનીનો નંબર બે, અને બકરી પણ બોલે બેં!

No comments:

Post a Comment