Sunday, October 05, 2014

પૃથ્વીરાજ ચૌહાણથી ઈલેવન જીનપિંગ સુધીમુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૫-૧૦-૨૦૧૪ | અધીર અમદાવાદી |
 
ડાયનોસોર લુપ્ત થઈ ગયા. ડોડો બર્ડઝ લુપ્ત થઈ ગયા. વાઘ લુપ્ત થઈ જશે એવી આશંકા સેવાઈ રહી છે. પણ ભાંગરો વાટવાની કળા ભૂતકાળમાં લુપ્ત થઈ નથી અને ભવિષ્યમાં થવાની નથી. ચીન પ્રમુખની ભારત યાત્રા દરમિયાન દૂરદર્શનનાં એક ન્યૂઝ રીડરે ચીનના પ્રમુખનું નામ અંગ્રેજીમાં એક્સ-આઈ વંચાતું હોવાથી એને રોમન લેટર સમજી સમાચારમાં જીનપિંગ ઇલેવન વાંચ્યું હતું. સમાચારમાં ઇલેવન વાંચવાથી રીડર બેનનાં બાર વાગી ગયા અને બેનને તાત્કાલિક પાણીચું આપવામાં આવ્યું હતું. આમ તો એ બેન ન્યૂઝ સહાયક હતાં. કોન્ટ્રાક્ટ પર હતાં. આ ઘટના બાદ ઘણાં લોકો આ બેનના દુઃખમાં સહભાગી થયા છે. સોશિયલ મીડિયા પર તો એવું પણ ચર્ચાય છે કે ગુજરાતી ન્યૂઝ રીડર્સ આ બાબતે વધારે નસીબદાર છે. હશે એમનાં નસીબ. ભાંગરો વાટવાની કળાની કદર ન થતી હોવા છતાં આ કળા લુપ્ત થાય તેવી દૂરના ભવિષ્યમાં કોઈ શક્યતા નથી દેખાતી.ભુવનેશ્વરમાં એક ટેકનિકલ કાર્યશિબિર થઈ ત્યારેની ઘટના યાદ આવે છે. લગભગ ૧૯૯૯ની સાલ હશે. સૌરવ બેનરજી કરીને એક દિલ્હીનાં આર્કિટેક્ટ એ વર્કશોપમાં રિસોર્સ પર્સન હતાં. હવે થયું એવું કે ઓરિસ્સાના સ્ટેટ લેવલ એન્જીનીયરે એમને વેલકમ કરતાં કહ્યું કે વિ આર ભેરી થેંક ફૂલ ટુ મિષ્ટર સૌરબ ગાંગુલી ટુ કમ ટુ ઓરિસ્સા.  અને હોલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ગાંગુલી દાદા એ વખતે ટીમ ઇન્ડિયામાં જામેલા હતાં. એટલે બેનરજીને ગાંગુલી બનાવી દીધાં. સ્લિપ ઑફ ટંગ્યુ ! એવી જ રીતે અમેરિકામાં અમારા પ્રોફેસરે અમને સ્ટુડન્ટ્સને ડિનર માટે બોલાવ્યા હતાં. જ્યારે મેં કહ્યું કે હું વેજીટેરીયન છું તો એક સાથી અમેરિકન સ્ટુડન્ટે એકદમ ભોળાભાવે પૂછ્યું અચ્છાં તો તમે શું ખાશો? ચિકન?’ ત્યારે ખબર પડી કે અમેરિકન બકો ફિશ અને ચિકનને વેજ ગણે છે!

એમ તો ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દિલ્હી ગેંગરેપ પછી ટીવી પર આપેલા ભાષણ પૂરું થયા પછી ઠીક હૈ?’ એવું સ્ટાફમાં કોઈને પૂછ્યું હતું. કમનસીબે આ ભાગ પણ ટીવી પર પ્રસારિત થઈ ગયો હતો. ૨૦૧૧માં એસ. એમ. ક્રિશ્ના ફોરેન મીનીસ્ટર હતાં ત્યારે એમણે યુનોમાં પોર્ટુગીઝ મંત્રીની સ્પીચ વાંચવાની ચાલુ કરી દીધી હતી. ૨૦૧૨માં વિકલાંગ લોકોને સહાયમાં ૭૧ લાખના ભ્રષ્ટ્રાચારનો આરોપ જેનાં ઉપર લાગ્યો હતો તેવા સલમાન ખુરશીદનાં બચાવમાં તત્કાલીન સ્ટીલ મંત્રી બેનીપ્રસાદ વર્માએ કહ્યું હતું કે આટલી નાની રકમમાં કોઈ કેન્દ્રીય મંત્રી હાથ ન નાખે! ૨૦૧૪ લોકસભા ચૂંટણી પૂર્વે ગ્રૂપની કંપનીઓ પર તપાસથી નારાજ ગડકરીજીએ ઇન્કમટૅક્સ અધિકારીઓને ચીમકી આપી હતી કે ભાજપ સત્તા ઉપર આવશે તો એમને કોણ બચાવશે?’ મહારાષ્ટ્રનાં જ અજીત પવારે કહ્યું હતું કે ડૅમ ખાલી છે તો શું હું સુસુ કરીને ડેમ ભરુ?’ જોકે એમણે આ બાબતમાં તરત માફી માંગી હતી. ઘર આંગણે આનંદીબેને કન્યાઓની ઘટતી સંખ્યાના સંદર્ભમાં એવું કહ્યું હતું કે ઓછી સંખ્યા હશે તો છોકરાઓને રિજેક્ટ માલની જેમ રિજેક્ટ કરી શકશે. અને જે પાકિસ્તાનના રાહુલ કે આલિયા તરીકે હવે ઓળખાય છે તે બેનઝીર પુત્ર બિલાવલ ભુટ્ટોનાં (ભટ્ટ-ભુટ્ટો કે રાહુલ-બિલાવલ આમેય મૅચિંગ મૅચિંગ છે!) કાશ્મીર લઈને રહીશ મતલબનાં બફાટની શાહી હજુ સુકાઈ નથી! બફાટની શાહી? અમે પણ બાફ્યું કે શું?

પણ ભાંગરો વાટવાની વાત આવે અને આલિયા ભટ્ટને યાદ ન કરીએ તો કેમ ચાલે? પૃથ્વીરાજ ચૌહાણને ભારતના પ્રૅસિડેન્ટ જાહેર કરનાર આલિયાને પૃ.ચૌ.એ તો કોઈ એવૉર્ડ આપ્યો કે નહી એ ખબર નથી, પણ સોશિયલ મીડિયા પર આલિયાના છાજિયાં લેવાવાના શરુ થઈ ગયા હતાં. છેવટે બચારી છોકરીએ ઇમેજ સુધારવા જીનીયસ ઑફ ધ યરનામનો પ્રમોશનલ વિડીયો બનાવવો પડ્યો હતો. સારું છે કે એને અને એનાં પપ્પાને એવા ખર્ચા પોસાય છે બાકી કોઈ લોકલ છોકરી આવો બફાટ કરે તો એણે જિંદગીભર સાંભળવું પડે. પણ આલિયાનો ડેમેજ કંટ્રોલ વિડીયો માર્કેટમાં આવે ત્યાં સુધીમાં તો એનાં નામની એક કીલીયન ગીગા બાઈટસ્ જેટલી જોકસ એનાં નામે ચઢી ગઈ. હવે કીલીયન એટલે કેટલાં એ આલિયા-ધ-જીનીયસને જ તમે પૂછી લેજો!

ઇંગ્લૅન્ડનાં પ્રિન્સ ફિલિપ આને ડોન્ટોપેડાલોજી કહે છે. મતલબ પોતાનાં પગ પોતાનાં જ મ્હોમાં મૂકવાનું વિજ્ઞાન. આમ તો શારીરિક રીતે પોતાનાં પગ પોતાનાં મ્હોમાં મૂકવા વિજ્ઞાન નહી, યોગ અથવા વ્યાયામની જરૂર પડે. પણ પ્રિન્સ ફિલિપ કસમય ટુચકા અથવા હથોડા મારવા માટે કુખ્યાત છે. આ લેખ લખાવાનું નિમિત્ત ચાઈના વિષે બોલતાં ફિલિપે એકવાર કહ્યું હતું કે જો એને ચાર પગ હોય પણ એ ખુરશી ન હોય, જો એને બે પાંખો હોય ઊડી શકતું હોય પણ એરોપ્લેન ન હોય, અને જો એ તરી શકતું હોય પણ સબમરીન ન હોય તો ચાઈનીઝ એને જરૂર ખાઈ જાય’. ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સત્તાવાર કાર્યક્રમમાં આવેલાં નાઈજીરીયાના પ્રેસિડન્ટને એમણે કહ્યું હતું કે તમે તો જાણે સુવા માટે તૈયાર હોવ એવું લાગે  છે’. 

ભાંગરો વાટવા માટે સૌથી અગત્યનું એ છે કે તમારામાં જનરલ નોલેજનો અભાવ હોવો જોઈએ. જીકેમાં સૌથી વધારે કષ્ટ કરી શકે એવા સવાલમાં ભારતના વડાપ્રધાન અને પ્રેસિડન્ટનું નામ અને ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી તારીખોનું મહત્વ છે. આ ચાર સવાલ કૌન બનેગા કરોડપતિનાં સેલિબ્રિટી સ્પેશિયલ શોના પહેલાં સવાલ તરીકે પણ પૂછાતાં નથી. જો આ ચાર સવાલનાં જવાબ તમને ન આવડે તો તમારી ગણના આલિયા કે પપ્પુ તરીકે થઈ શકે છે. પછી ખુલાસા કરતાં ફરજો!

એમ તો મૂરખાં પણ બફાટ કરે. કોકાકોલાની બોટલની નીચે એક સમયે ઓપન ફ્રોમ અધર એન્ડલખેલું આવતું હતું. ઉચ્ચ કક્ષાના લોકો માટે હશે આ સૂચના! જસ્ટિસ કાત્જુએ ભારતની નેવું ટકા પ્રજા મૂર્ખ છે એવું કહ્યું હતું. જોકે આપણી સમક્ષ જે બફાટનાં કિસ્સા આવે છે એ બાકીના ૧૦%માં ગણાતાં લોકોના જ હોય છે. મૂર્ખાઓ અને બફાટનાં સંદર્ભમાં ઇન્ડિયન પોલીટીકલ લીગ પૈકી વધુ બે-ચાર જણનાં નામ ટાંકવાની અદમ્ય ઇચ્છાને અમે જતી કરીએ છીએ. કારણ કે બાકીના જણને ખોટું લાગે તેવી શક્યતા છે. અને ધારોકે એમને ખોટું લાગે નહી તો વાચક મિત્રોમાંથી કોક અમારો કાન પકડશે કે કેમ ભાઈ, આનું નામ લીધું અને પેલાને જવા દીધો?’ વાચકોને નારાજ કરવા અમને પોસાય એમ નથી. આવું કહેવાનો રિવાજ છે! 

No comments:

Post a Comment