Sunday, October 19, 2014

નવા વરસમાં ધનપ્રાપ્તિના ઉપાયો

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૧૯-૧૦-૨૦૧૪ | અધીર અમદાવાદી |

રૂપિયા કંઈ ઝાડ ઉપર નથી ઉગતા એવું આપણાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું. એમણે કંઈ નવું નહોતું કીધું. આપણા સૌના મા-બાપ વર્ષોથી આ વાત કહેતાં આવ્યા છે. ટ્રકોની પાછળ લખેલું તમે પણ વાંચ્યું હશે કે વક્ત સે પહેલે ઓર તકદીર સે જ્યાદા ન કભી કિસી કો મિલા હૈ ન કભી મિલેગા’. પણ આપણને ટ્રક ડ્રાઈવરથી માંડીને વડાપ્રધાનની વાતોને ડિસ્કાઉન્ટ કરી નાખવાની ટેવ છે. આપણને રૂપિયા ઝાડ પરથી તોડાય એટલી આસાનીથી જોઈએ છે. જોકે નાનપણમાં મમ્મી અમને બદામનાય ઝાડ પર ચઢવા નહોતી દેતી. જોઈએ તો બજારમાંથી ખરીદીને બદામ ખાવાની. ઝાડ પર ચઢવામાં રિસ્ક છે. રૂપિયા કમાવવા પણ રિસ્ક લેવું પડે છે.

ધીરુભાઈ પેટ્રોલ પંપ પર કામ કરતાં હતાં. બિલ ગેટ્સ કોલેજ ડ્રોપ આઉટ હતો. અમિતાભ બચ્ચનને ઓલ ઇન્ડિયા રેડિયોએ પણ રીજેક્ટ કર્યા હતાં. બી.કોમ. જેવો અભ્યાસ અને એ પણ ગુજરાત યુનિવર્સીટીનો પણ જેમણે અધુરો મુક્યો હતો તેવા ગૌતમ અદાણી દેશના ટોચના સંપત્તિ ધરાવનારમાં સ્થાન પામ્યા છે. રજનીકાંત બસ કંડકટર હતાં. પણ રજનીકાંતના જમાઈ ધનુષ એ રજનીકાંતના જમાઈ છે. રજનીકાંત જેટલી મહેનત કરી આગળ આવવા કરતાં રજનીકાંતના જમાઈ થવું વધારે સારું. કેટલાય સફળ માણસોનો ઇતિહાસ તપાસીએ તો એમનું સફળતાનું રહસ્ય એમનાં સાસરામાંથી નીકળે. ભારતમાં તો ખાસ. રાજ કપૂરના ખાનદાનમાં હોવાથી આસાનીથી ફિલ્મ મળી જાય છે. ધીરુભાઈના મુકેશભાઈ ધંધો વિસ્તારવામાં સફળ રહ્યાં, પણ અમેરિકાની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં ભણવા ગયા તો હતાં, પણ ત્યાંથી ડીગ્રી લીધાં વગર પાછાં આવ્યા. ખોટું વરસ બગડ્યું ને? આપણે ત્યાં ડીગ્રીનું મહત્વ મિડલ ક્લાસ માટે છે. હવે તો મુકેશભાઈના સંતાન પણ કંપનીમાં ડાયરેક્ટર છે. આપણા દેશમાં નેતાના ડ્રાઈવરો પણ કંપનીમાં ડાયરેક્ટર બની શકે છે, એટલી તક આપણો દેશ આપે છે !

રૂપિયા તો લોટરી કે જેકપોટથી પણ મળે. મટકા અને ક્રિકેટના બેટીંગમાં પણ જીતાય. જુગાર અને રેસમાં પણ રૂપિયા લગાડાય. પણ આ બધામાં નસીબ જોઈએ. નસીબ એ કોઈ ડાયરેક્ટ પ્રોડક્ટ સેલ કરતી વેબસાઈટ પર રોજ ડિસ્કાઉન્ટમાં મળતી આઇટમ નથી. નસીબ સિવાય રૂપિયા ગેરકાયદેસર રીતે પણ કમાઈ શકાય. હિન્દી પિકચરમાં વિલનના કરતૂતોમાંથી આ માટે ઘણી પ્રેરણા મળે. પાકીટમાર, લુંટ અને ધાડ, સોનાની દાણચોરી, ડ્રગ્સની હેરફેર, બેંકમાં લુંટ, પાર્ટીમાંથી મહામુલા નેકલેસ કે હીરાની ગીત પૂરું થાય ત્યાં સુધીમાં ઉઠાંતરી, કંપનીના રૂપિયા પોતાનાં ગણી વાપરવા, હિસાબોમાં ઘાલમેલ કરવી, કંપનીના માલિક પાસે જબરજસ્તી કાગળો પર સહી કરાવી લેવી જેવા અનેક રસ્તા ફિલ્મોમાં અને વાસ્તવમાં વપરાયા છે. જોકે દરેકમાં અંતે તો વિલન પહેલાં હીરોના હાથે માર અને અંતે પોલિસ દ્વારા આદરપૂર્વક હાથકડી પહેરવા પામે છે. આ ધંધા કર્યા જેવા નથી.

હમણાં એક ભાઈ પકડાયા. નરેન્દ્રભાઈનાં ‘મેક ઇન ઇન્ડિયા’ સૂત્રને સીરીયસલી લઈને નોટો છાપવાનું કામ ચાલુ કર્યું! પાકિસ્તાનમાં ભારતીય ચલણી નોટો છપાય એ એમનાથી જોયું નહોતું જાતું ! કલર ફોટોકોપી મશીન પર નોટો છાપવાનું ચાલુ કર્યું ! એ પણ ઝેરોક્સનાં કાગળ પર. પછી પકડાય જ ને? ભાઈ, નકલમાં પણ અક્કલ જોઈએ એવું કોઈ શિક્ષકે સ્કૂલમાં નહોતું સમજાવ્યું? પણ જ્યાં ડફોળો હોય ત્યાં પોલીસને જશ મળે જ ને?  

પણ કાયદેસર રૂપિયા કમાવવા હોય તો પુસ્તક લખો. એ પણ અંગ્રેજીમાં. સ્થાનિક ભાષામાં પબ્લીશર તમને કમાવા નહીં દે. જેવા આવડે તેવા અંગ્રેજીમાં. કોઈ અંગ્રેજી જાણનાર પાસે પછી પુસ્તક પ્રૂફ કરાવી દેવાનું. હવે એમ ના કહેતાં કે સ્ટોરી નથી મળતી. આ દેશની ૧૨૦ કરોડની જનતા રોજ કંઈ અવનવું કરે છે. અઠવાડિયું છાપું વાંચો તો આઠ-દસ પ્રકરણ લખાય એટલી પહેલેથી મસાલો નાખેલી સ્ટોરી મળી આવશે. નાનપણમાં ટપકા જોડીને ચિત્ર બનાવતા હતાં? કે મુદ્દા ઉપરથી વારતા પણ લખી હશે. બસ તો સ્ટોરી પૂરી કરો. સેલીબ્રીટી પાસે લોન્ચ કરાવો. નાની-મોટી ગીફ્ટના વાટકી-વ્યવહારમાં બુકનો સારો રીવ્યુ લખે એવા રીવ્યુઅર્સને ખાસ બોલાવવા. ઈન્ટરનેટ ઉપર તમે પોતે જ દસ પંદર જુદાજુદા નામથી રીવ્યુ લખો. ભાઈબંધ દોસ્તારોને કોપી ભેટ આપી એમની પાસે ફેસબુક અને ટ્વીટર ઉપર ચોપડીના ફોટાં સાથે પોસ્ટ કરાવો. યાદ રાખો નેટવર્કિંગ અગત્યનું છે, સ્ટોરી નહીં.

બીજો કરવા જેવો ધંધો અત્યારે જમીનનો છે. ફેક્ટરી નાખો, ચલાવો, પ્રોબ્લેમ્સ સોલ્વ કરો, માલ બનાવો, માલ વેચો, રૂપિયાની ઉઘરાણી કરો, દેવું ચૂકવો એ પછી તમને પ્રોફિટ મળે. આનાં કરતા જમીનનો ધંધો શું ખોટો? એક સોદામાં વરસ ફેક્ટરી ચલાવવાનું પુણ્ય મળી જાય. રૂપિયા સાત સાત કરોડ રૂપિયા તો લેન્ડ બ્રોકરો આજકાલ ખીસામાં નાખીને ફરે છે! રાજકોટમાં તો દરેક બીજો માણસ એવું કહે છે કે ‘હું જમીનનું કરું છું’. આમાં કોઈ ઓફિસની જરૂર નહી. એક સારો વકીલ જોઈએ. થોડાં રૂપિયા કે બાપદાદાએ તમારા પુણ્યકર્મોએ શહેરના સીમાડા ઉપર જમીન કે ખેતર લીધેલા હોય તો એ ચાલે. પછી ફેરવ્યા કરો. એમાં સરકારની ડીપી કે ટીપી બનતી હોય તો એનાં કન્સલ્ટન્ટ અને ટાઉન પ્લાનર સાથે ઉઠક બેઠક કરી તમારી જમીનની આજુબાજુમાં રસ્તા પડાવી શકાય. એમાં તો પછી ગોળ નાખો એટલું ગળ્યું થાય.

આ સિવાય પણ રસ્તો છે. તમે કોઈ રીતે અમુક અગત્યની પરીક્ષાઓ પાસ કરીને અધિકારી બની ગયા હોવ તો રૂપિયા આસાનીથી બનાવી શકો છો. પગાર ઉપરાંત પણ. કાયદેસર લાગે એવી રીતે. તમે પેઈન્ટીંગ પર હાથ અજમાવો. એક વિકેન્ડમાં ચાલીસ પચાસ એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટીંગ્સ કરી નાખો. તમે જેવું દોરવા ધારો એવું ન દોરાય, તો એ આપોઆપ એબ્સ્ટ્રેક્ટ બની જશે. ધારોકે તમે ઘોડો દોરવા ચાહો પણ ચિત્ર બન્યા પછી ચાર પગ જેવું કશુક છે એટલું જ જોનાર સમજી શકે તો તમે એ એબ્સ્ટ્રેક્ટ દોર્યું છે એમ સમજો. પછી તો सर्वे गुणा: पदमाश्रयन्ते, તમે ઉચ્ચ આસન પર હોવ તો તમારાં કરેલાં પેઈન્ટીંગ્સ આપોઆપ ઉચ્ચતા પામશે. પછી એ પેઈન્ટીંગ્સનું એક્ઝીબીશન ગોઠવો અને કોઈ જાણીતાં સાહિત્યકાર પાસે એનું ઉદઘાટન કરાવો. તમને એવો ન મળે તો અમને કહેજો ગોઠવી આપીશું. પછી તમારા પેઈન્ટીંગ ઓફિશિયલી કોઈ બે-પાંચ લાખમાં ખરીદી શકશે. બદલામાં તમારે જે કામ નોકરીના ભાગ રૂપે કરવાના હતાં એ કરી આપવાનું. ફુદડીઓ મારી, કન્ડીશન્સ એપ્લાય લખીને સહી કરવાની. છે ને સાવ જોખમ વગરનું?

આમાંથી જે કરવું હોય એ કરજો. પણ ભૂલેચૂકે છાપામાં કોલમ લખવાનું કામ કદી ન કરતાં. એ રૂપિયા કમાવા માટે નથી ! હેપી દિવાળી ! 

No comments:

Post a Comment