Sunday, October 12, 2014

સપ્તપદીમાં સફાઈનાં શપથ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૨-૧૦-૨૦૧૪સોશિયલ મીડિયાનું વાતાવરણ એન્ટાર્ટીકા ખંડના વાતાવરણની જેમ પ્રતિપળ બદલાતું રહે છે. ક્યારે શું થાય એ નક્કી નહિ. થોડા સમય પહેલા પબ્લીકે ચીની પ્રમુખ જીનપિંગની અમદાવાદની મુલાકાત વોટ્સેપ, ટ્વિટર અને ફેસબુક પર હથોડા જોક્સ અને ફોટા ફોરવર્ડ કરીને ઉજવી કાઢી. એ પછી નમોની અમેરિકા મુલાકાતનો ઉભરો પણ આવી ગયો. હવે સ્વચ્છતા ઝુંબેશનો વારો કાઢ્યો છે. આ સોશિયલ મીડિયાની ખૂબી છે. એ નવરા લોકોને પણ નવરા પડવા દેતું નથી. પણ આમાં હાડીયાભાઈના હસવામાં જાડીયાભાઈઓનો વારો નીકળી જતો હોય છે.


અત્યારે હસબંડઝ માટેનો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ છે. એમાં કહ્યું છે કે હસબંડ દ્વારા દિવાળી નિમિત્તે કરવામાં આવેલી સફાઈ સ્વચ્છતા અભિયાનમાં ગણતરીમાં લેવામાં નહિ આવે!’ કદાચ આગળ ઉપર રામલાઓ પાસે કરાવેલી સફાઈ પણ કેન્સલ ગણવાનો મેસેજ પણ આવી શકે છે. ખબર નહીં હસબન્ડોને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? દેખીતી રીતે આ મેસેજ કોઈ વખત ચુકેલા વાંઢા કે ડમ્પ કરેલા કુંવારા એ ફોરવર્ડ કર્યો હોય એવી શક્યતા વધુ છે. પણ એની દૂરગામી અસરો પડશે એ નક્કી છે.


આમ પણ સફાઈ સરકાર દ્વારા પ્રેરિત હોય કે પત્ની દ્વારા, બંનેમાં વોલન્ટરી રીતે કોઈ જોડાતું નથી. સાવ નવા લગ્ન હોય તો પણ. આમ છતાં  દિવાળીમાં ઘરની સફાઈ એ પતિ-પત્નીની અંગત બાબત છે. એમાં કોણે શું કરવું અને જે કર્યું એને કર્યું ગણવું કે નહિ એ એ બંને ને નક્કી કરવા દો ને! તમે શું કામ કડછો મારો છો? માળિયામાં ચઢવાને કોઈ ઈજ્જતનો પ્રશ્ન બનાવે કે પછી કોઈ એવરેસ્ટ પર ચઢવા બરાબર ગણાવે તો એ એમનો અંગત પ્રશ્ન છે, એમાં પણ આપણે શું કામ દખલ કરવી? આમેય તમને તો ખબર જ છે કે અમે પારકી પંચાતમાં પડતાં નથી! અમને તો આ આખી બાબતમાં વરનારાનું વરે અને બચુ ભઈ ભાર લઈને ફરેના ધોરણે અમથી અમથી કીકો મારતી થર્ડ પાર્ટીઓ સામે વાંધો છે 


બાકી અમારે તો અહી એટલું જ કહેવાનું છે કે હે હસબંડો, તમે કરેલી સફાઈ ગણતરીમાં લેવામાં આવે કે ન આવે પણ સફાઈ કરવાના કામમાંથી તમે છટકી શકો એમ નથી. આ શ્રમયજ્ઞ છે અને યજ્ઞકાર્યમાં પત્નીને સાથે રાખવાનું તમે વચન આપી ચુક્યા છો’. તકલીફ એ છે કે લગ્નવિધિ વખતે આ વચન સંસ્કૃતમાં આપવાનું હોય છે અને ગોર મહારાજ ‘Conditions Apply’ કહ્યા વગર જ અપાવી દેતા હોય છે. પણ જે લોકોને પરણવાનું બાકી છે એ જાણી લે કે દીકરીનો હાથ તમારા હાથમાં આપતા પહેલા તમારા ભાવી સસરા વચન માગશે કે धर्मे च अर्थे च कामे च एवं त्वया नाति चरित्वया (સંભળાયું એ લખ્યું છે). મતલબ કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થમાં મારી દીકરીને સાથે રાખવાની જવાબદારીમાંથી ચલિત તો નહિ થાવને?’ અને ગોર મહારાજ તમારી પાસે नातिचरामिબોલાવશે. એ બોલાવે અને તમે બોલ્યા તો તમારું પપલુ ફીટ! આમાંથી બચવું હોય તો ટર્મ્સ એન્ડ કન્ડીશન્સમાંથી વાસણ, કપડા અને કચરા-પોતા બાદ કરાવી લેજો. યાદ રાખો, તમે ગોર મહારાજના યજમાનના જમાઈ છો, ગ્રાહક નહિ એટલે કેસ કન્ઝ્યુમર કોર્ટમાં નહિ ફેમીલી કોર્ટમાં ચાલશે. પછી કહેતા નહિ કે કહ્યું નહોતું.


ખરું જુઓ તો બારસાખને અઢેલીને ત્રિભંગની મુદ્રામાં ઉભેલી પત્નીને માળિયામાંથી અનિમેષ નયને નીરખવી એ પણ એક લહાવો છે. માળિયામાંથી જડેલા એનાં જુનાં પર્સના અંદરના ખાનામાંથી તમારી હનીમુન ટુર વખતની ટ્રેઈનની ટીકીટ નીકળે કે હોટેલના નામ સાથેનાં ટીસ્યુ પેપર નીકળે ત્યારે બધું પડતું મુકીને એ દિવસો યાદ કરવાની પણ એક મજા છે. તમે માથે એનો જે એન્ટીક દુપટ્ટો બાંધીને સ્ટૂલ ઉપર ઉભા ઉભા જાળા પાડતા હોવ અને એમ કરવાથી ઉડેલી ધૂળને કારણે પેલીને છીકો આવે ને એ જ દુપટ્ટાથી પાછી એ નાક લૂછે ને એ પાછું તમને રોમેન્ટિક લાગે તો સમજવું કે તમે હજુ જીવો છો.


જોકે હવે તો પહેલાના જેવા એક્સ્ટ્રા લાર્જ સાઈઝના માળિયા પણ ક્યાં રહ્યા છે? કેડ સુધીનો ભાગ માંડ અંદર જાય તો ય ઘણું. આમ છતાં માળિયા પદ્ધતિ હજુ સાવ લુપ્ત થઈ નથી કારણ કે આપણી સંગ્રહાખોરીની પ્રથા પણ ગઈ નથી. સંઘર્યા સાપ કામમાં આવે એમ માનીને હોંશે હોંશે બધું માળીયે ચઢાવતી પ્રજા જયારે માળિયા સાફ કરવા ઉપર ચઢે છે ત્યારે એજ સંઘરેલા સાપ નાકમાં ઘૂસી છીંકો ખવડાવે છે! બાકી, પ્રથામાં તો એવું છે ગુજરાતી હાસ્યલેખકોએ દિવાળીની સફાઈ પર હાસ્ય લેખ લખવો એવી વણલખી પ્રથા રહી છે. અમે સ્વછતા અભિયાનનો મોકો જોઈને આ પ્રથામાં અમારું યોગદાન નોંધાવી દીધું. રખેને કોઈ એમ કહી જાય કે હાસ્યલેખક છો અને દિવાળીની સફાઈ પર લેખ નથી લખ્યો ? શેમ ફૂલ !મસ્કા ફન
એક માણસ બાથરૂમમાં પેસીને દાઢી કરે છે
.
આમ પોતે નહાતો નથી
, અને નહાવા દેતો પણ નથી!


1 comment:

  1. ગોર મહારાજ ‘Conditions Apply’ કહ્યા વગર જ અપાવી દેતા હોય છે. --- આ આપ કહો છો પણ સાત આઠ વાર, કે તેથી વધારે પણ હોય, ગોર મહારાજ બુમો તો પાડે છે કે ' ફલાણા સાવધાન, વરકન્યા સાવધાન' એવી બધી એનું શું? આટલી શંકા સાથે સુંદર વર્ણન, ભાઈ વીતી હોય એનું વર્ણન સારું તો ન જ લાગે, પણ આપની લખાણશૈલિ અદ્ભુત છે,

    ReplyDelete