Thursday, March 26, 2015

સેમીફાઈનલ માટે રજા લેવા માટેનાં સોલ્લીડ બહાના

વર્લ્ડ કપ સેમીફાઈનલ માટે રજા લેવા માટે બહાનાની સખ્ખત તંગી સર્જાઈ છે. બોસ નામના ખડ્ડૂસ પ્રાણી ‘ડેન્ટીસ્ટની અપોઈન્ટમેન્ટ’, ‘કાર સર્વિસમાં આપવાની છે’, ‘દાદી ગુજરી ગયા છે’, ‘સાસુને દાખલ કર્યા છે’ જેવા બહાના માટે રજા આપવાના નથી. તો અમે તમને આપીએ છીએ સોલ્લીડ બહાના રજા લેવાના જે એકદમ નવા અને ઇનોવેટીવ તો છે જ, અને હજુ વોટ્સેપ પર પણ આવ્યા નથી આવ્યા !

· ચકલી માટે કુંડા મુકવાના ૭૪ વોટ્સેપ મેસેજ ફોરવર્ડ કરવાના છે અને ફેસબુક પર ૧૪૬ પોસ્ટ શેર કરવાની છે, આમ નહિ કરું તો હું સમાજમાં મ્હો બતાવવાને લાયક નહિ રહું.

· સ્વાઈન ફ્લુ ટેસ્ટ કરાવવા જવાનું છે. છતાં તમે કહેતા હોવ તો મીટીંગ માટે આવી જાઉં. અત્યારે તાવ કન્ટ્રોલમાં છે, ખાલી ઉધરસ ચાલુ છે.

· અમારા એરિયામાં કાલે હડકાયા વાંદરાને પકડવા માટે મુનસીટાપલીવાળા આવવાના છે એટલે હું બહાર નહિ નીકળી શકું.

· સૌથી નાના સનની બોર્ડની પરીક્ષા છે, ટેબ્લેટમાંથી લાઈવ ટ્રાન્સમિશન થાય છે એ હેક કરવાનું છે. આખરે સોફ્ટવેર એન્જીનીયર થયાનું ક્યાંક તો કામ લાગે !

· મારા છોકરાને સ્કૂલની પરીક્ષા છે અને હું ઘરે નહિ હોઉં તો એ ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ પાછળ સમય બગાડશે.

· વાણી સ્વત્રંતાને લગતી કલમ ૬૬એ નાબુદ થવાના માનમાં સુરતમાં ગાળાગાળીનો પ્રોગ્રામ છે એમાં ભાગ લેવા જવાનું છે.

· જસ્ટીસ કાત્જુએ ગાંધીજીને બ્રિટીશ એજન્ટ કીધા એનો વિરોધ કરવા કાજુ સત્યાગ્રહમાં ભાગ લેવા જવાનું છે. સત્યાગ્રહમાં કાજુ ચાવીને ઉપવાસ કરવાનું આયોજન છે.

· મારીમારી કુંડળીમાં ત્રીજા એટલે કે નોકરીના સ્થાનનો ‘માલિક’ બારમે એટલે વ્યય સ્થાનમાં ખાડામાં પડ્યો છે એવું જ્યોતિષનું કહેવું છે. એટલે તમારા ભલા માટે મેં કાલે ઘરે પૂજા રાખી છે.

· જ્યોતિષીએ મને માર્ચ મહિનાની છવ્વીસમી તારીખે જો ગુરુવાર આવતો હોય સાચવવાનું કહ્યું છે. એટલે હું તો ઘરની બહાર નહીં નીકળું.

· બટાટા દસ રૂપિયે કિલો થયા છે એટલે ઘરે કાતરી પાડવાનો પ્રોગ્રામ છે એટલે મારે મદદમાં રહેવું પડે એમ છે.

· પૃષ્ઠ ભાગે એવી જગ્યાએ ગુમડું થયું છે કે રાત્રે પણ ઉંધા સુઈ રહેવું પડે છે. આજે ઓફિસમાં પણ ઉભા ઉભા કામ કર્યું છે. એટલે કાલે નહિ આવી શકું.

· અમદાવાદમાં એક જ અઠવાડિયામાં ગરમી એકાએક કેમ વધી ગઈ એ વિષે જાગૃત નાગરિકોએ એક ચિંતન બેઠક રાખી છે એમાં ભાગ લેવા જવાનું છે.

· બિચારા ટ્રાફિક જવાનોને મેચ જોવા માટે છુટ્ટી આપવા માટે એક એનજીઓ વોલન્ટીયર દ્વારા ટ્રાફિક નિયમન કરાવવાનું છે. મેં એમાં નામ નોંધાવ્યું છે.

· પેલા બેટિંગમાં પકડાયા છે એમના લેપટોપમાં મારું નામ નીકળ્યું છે, એ કઢાવવા જવાનું છે. પોલીસવાળા હાળા હમજતા નથી કે ગુજરાતમાં એક ‘સચિન પટેલ’ ન હોય. અને આમ દરેક સચિન પટેલને બોલાવીને મેથી ન મરાય.

· અમારા એપાર્ટમેન્ટનો ઇલેક્ટ્રિક કેબલ કટ થઇ ગયો છે, એટલે આમ તો ઘરમાં રહીને ગરમીમાં બફાવાનું જ છે અને ટાઈમ પાસ પણ કેમ થાય? પણ લાઈટ આવે નહિ ત્યાં સુધી દસ માળ ઉતરવાની હિંમત નથી ચાલતી.

No comments:

Post a Comment