Sunday, March 15, 2015

સર્વિસ ટેક્સ વધ્યો છે, સર્વિસ એની એ જ છે

કટિંગ વિથ અધીર-બધીર અમદાવાદી | ૧૫-૦૩-૨૦૧૫

સરકારે સર્વિસ ટેકસનો દર ચૌદ ટકા કર્યો છે. પાંચ ટકાથી શરુ થઇ આજે એ ચૌદ ટકા સુધી પહોંચ્યો છે. આપણે સર્વિસ કોઈને આપીએ એ બદલ આપણે ટેક્સ સરકારને ચૂકવવાનો હોય છે. જોકે સરકારને ટેક્સમાં જ રસ છે, સર્વિસમાં નહિ. તમે કેવી સર્વિસ આપો છો એ સાથે સરકાર ને કોઈ લેવાદેવા નથી. પણ ઘરાકને સર્વિસ ટેક્સ ચૂકવ્યા છતાં ખરાબ સર્વિસ મળે છે ત્યારે એમ થાય છે કે સરકાર નહિ ને કમસેકમ ઉપરવાળો જોતો હોય તો સારું !

રેસ્ટોરન્ટનાં બીલમાં હવે પ્રેમથી સર્વિસ ટેક્સ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત ઘણાં અલગથી સર્વિસ ચાર્જ પણ લગાડે છે. એસ.ટી. હોય તો તમે હાથ ઉંચો કરો એટલ બસ ઉભી રહે, પણ રેસ્ટોરામાં એવું જરૂરી નથી. તમે હાથ હલાવતા રહો પણ કોઈ વેઈટર બ્રેક ન મારે એવું અવારનવાર બને છે. એસ.જી હાઇવે પરની એક હોટેલમાં રવિવારે સાંજે એક સાથે છ ટેબલ પર અમારા સહીત પચીસ જણાને પાપડ આપીને પોણો કલાક બેસાડી રાખ્યા હતા. સાલું, હેરકટિંગ સલૂનમાં આવી રીતે સાબુ લગાડીને બેસાડી રાખે તો ત્યાંને ત્યાં જ અસ્ત્રાબાજી થઇ જાય! સૂપ અને મેઈન કોર્સ વચ્ચેનાં બ્રેકમાં ઊંઘ ખેંચવા માટે વેઈટર પાસે અમે ઓશીકું પણ માંગી લીધું હતું. અનુભવથી હવે અમે ઓર્ડર સમયે ‘આ બધું અમારે આજે અને અત્યારે જ જોઈએ છે’ એવું કહેવાનો શિરસ્તો ચાલુ કર્યો છે. કેટલીક વાર તો એવું બને કે તમે જમી રહ્યા હોવ અને કોઈ બીલ આપવા તૈયાર ન હોય, ત્યારે કહેવું પડે કે ‘બોસ, આપણા સંબંધો એક તરફ, પણ તમારી સર્વિસના સમ બીલ તો અમે આપીને જ જઈશું, ભલે ગમે તેટલું મોડું થાય!’ એમને પણ રોજ આપણા જેવા પચીસ મળતા હોય એટલે નફ્ફટ થઈને કાચા બિલ ઉપર પણ સર્વિસ ટેક્સ ઠોકી લેતા હોય છે.જોકે છેલ્લે ટીપ આપતી વખતે મોઢું બગાડીને ખરાબ સર્વિસ યાદ કરાવવાનો રીવાજ લગભગ બધે જ છે.

મોટેભાગે ઈલેક્ટ્રોનિક આઈટમ ખરીદવા જાવ અને તમે વસ્તુનો ભાવ
સાંભળીને એમ કહો કે ‘આના કરતા તો ઓનલાઈન સસ્તું મળે છે’, ત્યારે સેલ્સમેન અચૂક કહેશે કે ‘પણ ઓનલાઈન સર્વિસ નથી મળતી ને?’ જોકે સર્વિસ જન્નતની એ હુર છે જે તમે જીવતાજાગતા કદી જોવા નથી પામવાના ! અમારો અનુભવ એ છે કે પથારીમાં કોઈપણ માથું કરીને સુવો જેમ પેટ વચ્ચે જ આવે, એમ તમે વસ્તુ કોઇપણ રીતે ખરીદો સર્વિસની વાત આવે ત્યારે ‘વોરંટી પૂરી થઇ ગઈ છે’, ‘વોરંટી અહીં વેલીડ નથી’, ‘આ પાર્ટ વોરન્ટીમાં નથી આવતો’, જેવા જવાબો સર્વિસસેન્ટરની લાઈનમાં કલાક ઉભા રહી વારો આવે ત્યારે સાંભળવા મળે છે. સ્પેરપાર્ટ પાછાં નવી આઈટમ જેટલા જ મોંઘા મળે છે. મોબાઈલનો સ્ક્રીન બદલાવવાનો અમારો અનુભવ એવું કહે છે કે જો વીસ હજારના આ ફોનના બધા સ્પેરપાર્ટ એક પછી એક બદલાવવા જઈએ તો એના બીલ ચુકવવા ચોક્કસ કીડની વેચવી પડે !


મોબાઈલમાં પણ આપણે સર્વિસ ટેક્સ ચૂકવીએ છીએ. ચૂકવેલા પૈસા સામે કંપની આપણને ૨૪x૭ સેવાઓ આપવા માટે બંધાયેલી છે. આમ છતાં સેંકડો કમનસીબ લોકોનાં ઘરમાં નેટવર્કના પાંચ ખંભામાંથી એક ખંભો પણ આવતો નથી. ફોન રીસીવ કરવા છેક ઓટલા ઉપર જવું પડે છે. ઈન્ટરનેટનો તો સવાલ જ નથી પેદા થતો. સાવ સસ્તા કોલ દર સાથેનું સીમકાર્ડ આપતી અમુક કંપનીઓએ તો એમના ટાવરો ઉપર માલીશ કરી આપનાર પહેલવાનો બેસાડવા જોઈએ જેથી મોબાઈલનું નેટવર્ક પકડવા માટે ટાવર ઉપર ચઢેલા લોકોની ચંપી કરીને એમનો થાક ઉતારી શકે. કંપની એમનો પગાર સર્વિસ ટેક્સમાંથી કરે તો પણ અમને કોઈ વાંધો નથી.

તમારી પાસે પાંચ કે આઠ હજારની કિંમતના કોઈપણ બ્રાન્ડના સ્પોર્ટ્સ શૂઝ હોય તો એની દોરી ખરીદવા જજો. તમને જો મળી જાય તો એ જ દિવસે લોટરીની ટીકીટ પણ ખરીદજો – લાગી જશે! ચાલુ ક્વોલીટીની ક્વાર્ટ્ઝ ઘડિયાળ ચોથા માળેથી પછડાય તો વીસ-પચીસ રૂપિયામાં રીપેર થઇ જશે પણ તમારી મોંઘી ઈમ્પોર્ટેડ ઘડિયાળ બગડી હશે તો એની કોઈલ ઉડેલી, મુવમેન્ટ બગડેલું કે આર્બોર આઉટ નીકળશે. ગાંધીજી જેવા ગાંધીજી પટ્ટાની ક્વોલીટીથી કંટાળીને ઘડિયાળ દોરી બાંધી લટકાવતા થઇ ગયા હતા, એવું અમારું સંશોધન કહે છે.

ગાંધીજીએ કહ્યું હતું કે ગ્રાહક એ ભગવાન છે. આવા બોર્ડ અમે બેન્કોમાં જોયેલા છે. પણ ધારો કે તમે ગ્રાહકરૂપે ભગવાન છો અને પ્રાઈવેટ બેન્કમાં કોઈ કામ અંગે ફોન કરો છો. પછી જુઓ ભગવાનનો કોલ એમના સુધી ન પહોંચે એ માટે કેટલા પ્રયત્નો કરે છે એ લોકો ! પહેલા તો ભગવાને ભાષા સિલેક્ટ કરવી પડે ! પછી ભગવાનને ન જોઈતી ઓફરો વિષે પ્રી-રેકોર્ડેડ અવાજમાં જાણકારી આપવામાં આવે. ઓટોમેટેડ વોઈસ સિસ્ટમમાં તમારે ન જોઈતી માહિતી મેળવવા માટેના ઓપ્શન આપવામાં આવે. એમાંથી તમને પસંદ ન પડે તો છેવટે તમારો કોલ કસ્ટમર એક્ઝીક્યુટીવને ટ્રાન્સફર કરવામાં આવશે એમ કહી ટીંગાડી દે. ભગવાન હોલ્ડ ઉપર ! પછી ભગવાન ઘણીવાર ફોન સ્પીકર પર મુકીને આખી સીરીયલ જોઈ રહે ત્યાં સુધીમાં સામે લાઈન પર કોઈ ન આવે ! આપણને એમ થાય કે કસ્ટમર ભગવાન ન હોત તો રામજાણે શું થાત !

શક્ય છે કે સર્વિસ ટેક્સ સરકારની તિજોરીમાં જમા થાય છે એટલે સસ્તી, ઝડપી અને વિશ્વાસપાત્ર સર્વિસ આપવાની જવાબદારી પણ આ લોકો સરકારની જ ગણતા હોય તો પણ નવાઈ નહિ. જય હો ...

મસ્કા ફન

લબડી લબડીને લાંબા થવા કરતાં કર્મથી ઊંચા બનો.​

No comments:

Post a Comment