Sunday, March 08, 2015

મોબાઈલનો પરવાનો

કટિંગ વિથ અધીર-બધીર અમદાવાદી | ૦૮-૦૩-૨૦૧૫

હમણાં ગોંડલનાં મહારાજાનાં સમયનો બાઈસીકલ રાખવાનો પરવાનો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. એક જમાનામાં રેડિયો, ટીવી, ટ્રાન્સમીટર, સાયકલ, સ્કુટર જેવી વસ્તુઓનો યોગ્ય અને શિસ્તબદ્ધ ઉપયોગ થાય તે માટે લાઈસન્સ પ્રથા દાખલ થયેલી. આમ જોવા જઈએ તો મોબાઈલના ઉપયોગ ઉપર પણ નિયંત્રણો મુકવા પડે એમ છે કારણ કે આજકાલ જેને જુઓ તે મોબાઈલ નામના ભાણીયાને રમાડવામાં મશગુલ દેખાય છે. આ વ્યક્તિના જ નહિ દેશના સમયની બરબાદી છે જેની ઉપર રોક લગાવવી જ રહી. અમારી તો માગણી છે કે મોબાઈલમાં પણ કેટલીક શરતોને આધીન લાઈસન્સ આપવવાની પ્રથા દાખલ કરવામાં આવે અને એનો દુરુપયોગ કરનારને તાત્કાલિક સજા કરી શકાય એવા કાયદા બનાવવામાં આવે. અહીં અમે એની ટર્મ્સ એન્ડ કન્ડીશન્સની એક યાદી આપી છે, સરકાર ચાહે તો એનો લાભ લઇ શકે છે. 

1.       મોબાઈલ પર્સમાંથી બહાર કાઢતા વાર થાય એમાં કોલ મિસ્ડ થઇ જાય તો સામે ફોન કરી પહેલા સોરી કહેવું એ તમારી ફરજ છે. ફોન કરનાર પતિ કે મંગેતર હોય તો પણ.
2.       મોબાઈલમાં ચીકની ચમેલી કે શીલા કી જવાની ટાઈપના રીંગટોન રાખ્યા હોય તો ઓફિસની મીટીંગ, મંદિર કે બેસણામાં જતા પહેલાં મોબાઈલ સાયલન્ટ પર મૂકી દેવો.
3.       બેસણામાં જેમ સાદા કપડાં પહેરીને જાવ છો એમ જ માઠા પ્રસંગે જતી વખતે બેસિક ફેસીલીટી સાથેનો સાદો મોબાઈલ લઈને જવું. તમે શોક કરાવવા માટે જાવ છો, શો ઓફ કરવા માટે નહિ.
4.       ફોન કરી ને પોતાની ઓળખાણ આપ્યા સિવાય અને તમારે કોનું કામ છે એ કહ્યા સિવાય
હેં, તમે કોણ બોલો છો?’ એવું પૂછવું નહિ.
5.       બેસણામાં શાંતિ જળવાય એ માટે બેસણાના આયોજકે વેલેટ પાર્કિંગની જેમ મોબઈલ માટે અલગ જગ્યા ફાળવવી અને મોબાઈલનું બેસણું અલગ રાખવું.
6.       મોબાઈલમાં આરતીનો રીંગટોન રાખ્યો હોય તો ખીસ્સામાં પ્રસાદ પણ રાખવો અને દરેક કોલ પછી આસપાસના હરિભક્તોમાં વહેચવો.
7.       સ્મશાનમાં હોવ તો ત્યાંથી સોશિયલ મીડિયામાં ચેક-ઇન કરવું નહિ. Feeling excited at સપ્તર્ષિનો આરો with Babubhai & Bachubhai લખો તે સારું ન દેખાય.
8.       નવતર રીંગટોન રાખવાનો શોખ હોય તો ઓફીસ જેવી રોજ જવાનું હોય તેવી જગ્યાઓ પર લોકોને ત્રાસ ન થાય એટલા ખાતર ફોન સાઈલન્ટ રાખવો. દિવસમાં પંદર વખત નયનને બંધ રાખીને ... સાંભળીને કોઈની પણ ખોપડી હટી કે ફાટી શકે છે.
9.       સેલીબ્રીટી સાથે સેલ્ફી પાડતી વખતે યાદ રાખો કે સેલીબ્રીટી એ છે, તમે નહિ. ફ્રેમમાં સેલીબ્રીટી માટે પુરતી જગ્યા રાખવી.
10.    થિયેટરમાં ફિલ્મ જોતી વખતે ફિલ્મ જોવી, ડોકટરો સિવાય કોઈએ ધંધો કરવો નહિ.
11.    તમારો અવાજ મોબાઈલના માઈક સુધી જાય એટલું પુરતું છે. આખી સોસાયટીને અને રેકી કરવા નીકળેલા ચોરોને તમારો વેકેશનનો પ્રોગ્રામ જાણ થાય એટલા મોટા અવાજે વાત કરવી નહિ.
12.    તમારી પાસે મોબાઈલ હોય તો એનો નંબર પણ તમને મોઢે હોવો જોઈએ. કોઈ તમારો નંબર પૂછે ત્યારે મોબાઈલમાં ફાંફા મારી લોકોનો સમય બગાડવો નહિ.
13.    ફોન પર સામેવાળી વ્યક્તિને તમે ક્યાં છો એ જણાવો ત્યારે એ જગ્યાના નામ વિષે આજુબાજુ  ઉભેલા બે લોકોનો અભિપ્રાય લીધા વગર જવાબ ન આપવો. ખાસ કરીને કોઈના લગ્નમાં મ્હાલતા હોવ ત્યારે દુરના કાકા ઓફ થઇ ગયા છે એટલે સ્મશાનમાં આયો છુંએવું કહો ત્યારે આજબાજુના લોકોની લાગણીનો વિચાર કરવો.
14.    કોઈને પહેલીવાર SMS કે વોટ્સેપ મેસેજ મોકલો ત્યારે નીચે તમારું નામ ફરજીયાત લખવું.
15.    ચાલુ વાતચીતે 1ડાયલ કરવાથી વાતચીત દરમ્યાન મીનીટમાં ત્રણથી વધુવાર બીજું શું ચાલે છે?’ પૂછનારના ટોક ટાઈમમાંથી એક રૂપિયો કપાઈ જશે.
16.    ચાલુ વાતચીતે 2 ડાયલ કરવાથી પોતાની ઓળખાણ આપ્યા સિવાય ચાલુ પડી જનારના ખાતામાંથી એક રૂપિયાનો ટોક ટાઈમ કપાઈ જશે.
17.    એક અઠવાડિયામાં એક જ વ્યક્તિને ત્રણથી વધુ વાર ‘Good Morning’ કે ‘Good Night’નો મેસેજ મોકલનારની મેસેજ સર્વિસ એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
18.    તમારા ગુજરાતીમાં ટાઈપ કરેલા મેસેજના જવાબમાં ‘mara mobile ma gujarati font vanchata nathi’ લખનાર વ્યક્તિને મોબાઈલ ઈલલીટરેટ જાહેર કરવામાં આવશે.
19.   ચાલુ વાહને વાત કરતી વ્યક્તિનો ફોન જપ્ત કરવામાં આવશે. આવી વ્યક્તિ પરણિત હશે તો તેના ફોનના મેસેજનો ડેટા એના બેટર હાફને સોંપવામાં આવશે.
20.   એડ્રેસ શોધવા અનિવાર્ય સંજોગોમાં જ મોબાઈલનો ઉપયોગ કરવો. ‘હવે હુ અહીં ટાવર પાસે ઉભો છું, ત્યાંથી તમારા ઘેર આવવા શું કરું?’ જેવું પૂછનારનાં ટોક ટાઈમમાંથી તાત્કાલિક દસ રૂપિયા કપાઈ જશે.
21.   આસપાસનાં સડસઠ જણાને એમ થાય કે ‘હવે આ ફોન જલ્દી ઉઠાવે તો સારું’ એટલો ભંગાર અને લાઉડ રીંગટોન રાખવો નહિ.

મસ્કા ફ્ન
તમે સ્વીચ ઓફ કરો અને તરત હું છુંએવો અવાજ સંભળાય, તો એ સ્વીચ ટોઈલેટની હશે.

1 comment: