Wednesday, November 09, 2016

નવા વરસમાં કૈંક નવું કરજો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૯-૧૧-૨૦૧૬

અમે તો વર્ષોથી એ જ કહીએ છીએ.
પણ, તમે કૈંક નવું કરજો.
નવા વરસમાં કૈંક નવું કરજો.
ચશ્માં પર વાઈપર લગાડીને ફરજો,
ચડ્ડીને બદલે ડાઈપર પહેરીને ફરજો,
નવા વરસમાં કૈંક નવું કરજો.
આ શું મઠીયા, ઘૂઘરાને કાજુકતરી?
આ વર્ષે ચાઇનીઝ ચોકલેટ કેક
કે સિંગાપોરના સીઝ્લીંગ સિંગદાણાથી
મહેમાનોનું સ્વાગત કરજો.
નવા વરસમાં કૈંક નવું કરજો.


અમને ખબર છે અઘરું છે - એજ મામા, માસી, ફોઈ, કાકાઓને બદલે પત્નીને લઈને છૂટાછેડા લીધેલ એક્સ-ગર્લફ્રેન્ડનાં ઘેર જવું. ખબર છે અઘરું છે - બોણી માગવા ઘેર આવેલા પોસ્ટમેન, વોચમેન, કે  લીફ્ટમેનને હજારની નોટ પકડાવવી. પણ તમારો પગાર લાખ રૂપિયાનો થયો તોયે ક્યાં સુધી પચાસની નવી નોટોના બંડલ મંગાવ્યા કરશો? હવે તો કોઈ કાકો હોય તો જ પચાસની નોટ હાથમાં પકડશે. બાકી પચાસ રૂપિયામાં તો બે દિવસ ચા પણ પીવા ના મળે. વડા-પાંવના પણ ત્રીસ રૂપિયા થયા પ્રભુ, પચાસ રૂપિયામાં પેલો એની ગર્લફ્રેન્ડને વડા-પાંવની પાર્ટી પણ ન આપી શકે! ખબર છે અઘરું છે – નાના બચ્ચાને દસ કે વીસની નોટમાં પટાવવું. ભલું હશે તો એ સામે કહેશે ‘અંકલ, તમે પણ નોટ છોને! વીસ રૂપિયામાં તંબૂરો આવવાનો હતો? લીલી પત્તી કાઢો!’
Image via Amazon


તમારું એકટીવા કે સ્કૂટી રોકવા માટે પગ ઘસડવાની ટેવ હોય તો નવા વર્ષમાં તમારા ચંપલ કે સેન્ડલ નીચે એસ્બેસ્ટોસના બ્રેક લાઈનર નખાવજો. મિરઝાપુર કે શાહઅલમ ટોલનાકાના મિકેનિક એ કામ ખુશી ખુશી કરી આપશે. હેર-સ્ટાઈલ કે બિંદી સરખી કરવા માટે રીઅરવ્યુ મિરર ફેરવીને જોવાની ટેવ હોય તો એ કામ માટે ગાડીના હોર્નના પેડ ઉપર એક મિરર લગાવડાવજો જેથી ‘જરા ગર્દન ઝૂકાઈ ઔર દેખ લી’ સ્ટાઈલમાં મુખારવિંદ જોઈ શકાય. રીંગ વાગે ત્યારે પર્સમાંથી મોબાઈલ શોધવા જતા મિસકોલ થઇ જતો હોય તો મોબાઈલ સાથે એક દોરી બાંધી રાખજો અને એનો છેડો પર્સની બહાર રાખજો જેથી રીંગ વાગે ત્યારે એને બહાર ખેંચી શકાય. એક જ રોટલી અને તે પણ ઘી વગરની ખાતા હોવા છતાં તમારું રૂપ દર્પણમાં ન સમાતું હોય તો ડબલ એકસેલ અરીસા લગાવો. અથવા નવા વર્ષમાં એક રોટલી ભલે ખાવ, પણ મંચિંગ અને કૂકીઝ ભરેલા ડબ્બાઓ પર આલિયા ભટ્ટ અને કરીના કપૂરના ઝીરો ફિગરવાળા ફોટા ચોટાડી રાખજો. અમારું સંશોધન કહે છે કે જીવ બાળવાથી પણ કેલરી બળે છે.

તમે સ્ટુડન્ટ હોવ તો તમારા માટે પણ નવા આઈડીયાઝ છે. આ વર્ષે મોબાઈલમાંથી અરિજિતના મરશીયા કાઢીને જગ્યા કરજો. અથવા નવું 16GBનું કાર્ડ નખાવજો જેથી નોટ્સની ફોટો-કોપીને બદલે કેમ-સ્કેનરથી સીધી પીડીએફ બનાવીને વોટ્સેપ ગ્રુપમાં શેર કરી શકાય. નોટ્સ ઉતારવાને બદલે બ્લેકબોર્ડના સ્નેપ્સ લેવાનું રાખો. લેકચરનું વિડીયો રેકોર્ડીંગ કરી શકો તો ઉત્તમ. જોકે આ માટે કોકે તો લેકચર ભરવું પડશે અને એ માટે બકરો શોધવો પડશે. તમે પ્રોફેસર હોવ તો મોબાઈલના કેમેરાનો ઉપયોગ સીસીટીવી તરીકે કરજો જેથી તમે બોર્ડ પર લખતા હોવ ત્યારે પાછળ ચાલતા સંસ્કૃતિક આદાન-પ્રદાનને નિહાળી શકો. ક્લાસના કોઈ છાપેલા કાટલાનો વારો કાઢવો હોય તો પુરાવા રૂપે વિડીયો રેકોર્ડીંગ પણ કરી શકો. આખરે તમે પણ એમના ગુરુ છો એવું એને પણ લાગવું જોઈએ ને!

અને તમે કોર્પોરેટીયા કર્મચારી હોવ તો ઘણું કરવા જેવું છે. સિગારેટ પીવાથી ટાર્ગેટ અચીવ થતાં નથી. બૉસને મસ્કા મારવાથી કાયમ પ્રમોશન મળતા નથી. કામ એવું સોલ્લીડ કરો કે બૉસ ખુદ તમને મસ્કા મારતો ફરે કે ‘બકા આટલું કામ તો કરી ને જ જજે, હું પીઝા મંગાવું છું’! ઓફિસમાંથી ગુલ્લી મારી વહેલા ઘેર જઈ તમે કશું ઉકાળવાના નથી, ચા પણ નહી. કામચોરમાંથી કામગરા બનો. ઓફિસમાં સાંજે રોકાઈ પ્રોફાઈલ પિક્ચર ઉર્ફે છબિ ઉર્ફે ઈમેજ સુધારો. અને વાતવાતમાં કસ્ટમરને જે ગોળી આપો છો ને, એ બંધ કરો. એમ કરશો તો કદાચ કસ્ટમર પેમેન્ટ સમયે સામે જે ગોળી આપે છે તે બંધ થશે. અને સૌથી વધારે તો જે ઘરને ઓફિસ બનાવી છે ને તે, જમતા જમતા પણ ‘ઓર્ડર નીકળ્યો કે નહિ?’ ફોન ચાલે છે ને, એ બંધ કરો. લંચ અને ડીનર સિવાય તમારી પાસે પુષ્કળ સમય છે, ખબર છે? બીજાના મહેલ જોઇને પોતાની ઝુંપડી સળગાવી ન દેવાય. સુંદર સ્ત્રીઓ સાથે નોકરી કરતી હોય એમાં આપણા અને એના ઘરમાં આગ ન લગાડાય શું સમજ્યા? માટે ચાપલુસી છોડો અને કામથી કામ રાખો!

આવું તો બીજું ઘણું બધું થઇ શકે એવું છે, પણ તમને થશે કે હવે પાકા ઘડે કાંઠલા ન ચઢે અને આ ઉમરે નવું કરવું તો પણ શું કરવું? તો લો આ ઉંમરે થઇ શકે એ કરો. જેમ કે, ફોર અ ચેન્જ કચરો કચરાપેટીમાં નાખો. અને એક દિવસ ઘેર બનેલુ ખાવાનું કોઈપણ જાતની કચકચ વગર ખાઈ લો. અઠ્ઠાવન થયા, હજુ જીવનમાં કોઈ ધાડ નથી મારી તો પછી સિગ્નલ પર આટલી ઉતાવળ શેની કરો છો? જરા શાંતિ રાખતા શીખો. અને પેલું શાહબુદ્દીનભાઈએ કહ્યું હતું ને એ, બીજું કંઈ ન કરી શકો તો ‘કોઈને નડો મા’. અને છેલ્લે, લાઈફ ‘ડલ’ લાગતી હોય, અને એક્શન જેવું કંઈ જોઈતું હોય, તો ગાંધી ચિંધ્યા માર્ગે પત્નીને ‘બા’ કહેવાનું ચાલુ કરો. પણ કૈંક નવું કરો!

બોન અન્ની.

હવે, ક્યાં સુધી સાલ મુબારક કહેશો?●

મસ્કા ફન
વિસનગર પાસે કાંસા નામનું ગામ છે અને
એ ગામ બાજુથી આવતા પવનને 'કાંસાનો વા' કહે છે!

No comments:

Post a Comment