Sunday, October 19, 2014

નવા વરસમાં ધનપ્રાપ્તિના ઉપાયો

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૧૯-૧૦-૨૦૧૪ | અધીર અમદાવાદી |

રૂપિયા કંઈ ઝાડ ઉપર નથી ઉગતા એવું આપણાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું. એમણે કંઈ નવું નહોતું કીધું. આપણા સૌના મા-બાપ વર્ષોથી આ વાત કહેતાં આવ્યા છે. ટ્રકોની પાછળ લખેલું તમે પણ વાંચ્યું હશે કે ‘વક્ત સે પહેલે ઓર તકદીર સે જ્યાદા ન કભી કિસી કો મિલા હૈ ન કભી મિલેગા’. પણ આપણને ટ્રક ડ્રાઈવરથી માંડીને વડાપ્રધાનની વાતોને ડિસ્કાઉન્ટ કરી નાખવાની ટેવ છે. આપણને રૂપિયા ઝાડ પરથી તોડાય એટલી આસાનીથી જોઈએ છે. જોકે નાનપણમાં મમ્મી અમને બદામનાય ઝાડ પર ચઢવા નહોતી દેતી. જોઈએ તો બજારમાંથી ખરીદીને બદામ ખાવાની. ઝાડ પર ચઢવામાં રિસ્ક છે. રૂપિયા કમાવવા પણ રિસ્ક લેવું પડે છે.

ધીરુભાઈ પેટ્રોલ પંપ પર કામ કરતાં હતાં. બિલ ગેટ્સ કોલેજ ડ્રોપ આઉટ હતો. અમિતાભ બચ્ચનને ઓલ ઇન્ડિયા રેડિયોએ પણ રીજેક્ટ કર્યા હતાં. બી.કોમ. જેવો અભ્યાસ અને એ પણ ગુજરાત યુનિવર્સીટીનો પણ જેમણે અધુરો મુક્યો હતો તેવા ગૌતમ અદાણી દેશના ટોચના સંપત્તિ ધરાવનારમાં સ્થાન પામ્યા છે. રજનીકાંત બસ કંડકટર હતાં. પણ રજનીકાંતના જમાઈ ધનુષ એ રજનીકાંતના જમાઈ છે. રજનીકાંત જેટલી મહેનત કરી આગળ આવવા કરતાં રજનીકાંતના જમાઈ થવું વધારે સારું. કેટલાય સફળ માણસોનો ઇતિહાસ તપાસીએ તો એમનું સફળતાનું રહસ્ય એમનાં સાસરામાંથી નીકળે. ભારતમાં તો ખાસ. રાજ કપૂરના ખાનદાનમાં હોવાથી આસાનીથી ફિલ્મ મળી જાય છે. ધીરુભાઈના મુકેશભાઈ ધંધો વિસ્તારવામાં સફળ રહ્યાં, પણ અમેરિકાની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં ભણવા ગયા તો હતાં, પણ ત્યાંથી ડીગ્રી લીધાં વગર પાછાં આવ્યા. ખોટું વરસ બગડ્યું ને? આપણે ત્યાં ડીગ્રીનું મહત્વ મિડલ ક્લાસ માટે છે. હવે તો મુકેશભાઈના સંતાન પણ કંપનીમાં ડાયરેક્ટર છે. આપણા દેશમાં નેતાના ડ્રાઈવરો પણ કંપનીમાં ડાયરેક્ટર બની શકે છે, એટલી તક આપણો દેશ આપે છે !

રૂપિયા તો લોટરી કે જેકપોટથી પણ મળે. મટકા અને ક્રિકેટના બેટીંગમાં પણ જીતાય. જુગાર અને રેસમાં પણ રૂપિયા લગાડાય. પણ આ બધામાં નસીબ જોઈએ. નસીબ એ કોઈ ડાયરેક્ટ પ્રોડક્ટ સેલ કરતી વેબસાઈટ પર રોજ ડિસ્કાઉન્ટમાં મળતી આઇટમ નથી. નસીબ સિવાય રૂપિયા ગેરકાયદેસર રીતે પણ કમાઈ શકાય. હિન્દી પિકચરમાં વિલનના કરતૂતોમાંથી આ માટે ઘણી પ્રેરણા મળે. પાકીટમાર, લુંટ અને ધાડ, સોનાની દાણચોરી, ડ્રગ્સની હેરફેર, બેંકમાં લુંટ, પાર્ટીમાંથી મહામુલા નેકલેસ કે હીરાની ગીત પૂરું થાય ત્યાં સુધીમાં ઉઠાંતરી, કંપનીના રૂપિયા પોતાનાં ગણી વાપરવા, હિસાબોમાં ઘાલમેલ કરવી, કંપનીના માલિક પાસે જબરજસ્તી કાગળો પર સહી કરાવી લેવી જેવા અનેક રસ્તા ફિલ્મોમાં અને વાસ્તવમાં વપરાયા છે. જોકે દરેકમાં અંતે તો વિલન પહેલાં હીરોના હાથે માર અને અંતે પોલિસ દ્વારા આદરપૂર્વક હાથકડી પહેરવા પામે છે. આ ધંધા કર્યા જેવા નથી.

હમણાં એક ભાઈ પકડાયા. નરેન્દ્રભાઈનાં ‘મેક ઇન ઇન્ડિયા’ સૂત્રને સીરીયસલી લઈને નોટો છાપવાનું કામ ચાલુ કર્યું! પાકિસ્તાનમાં ભારતીય ચલણી નોટો છપાય એ એમનાથી જોયું નહોતું જાતું ! કલર ફોટોકોપી મશીન પર નોટો છાપવાનું ચાલુ કર્યું ! એ પણ ઝેરોક્સનાં કાગળ પર. પછી પકડાય જ ને? ભાઈ, નકલમાં પણ અક્કલ જોઈએ એવું કોઈ શિક્ષકે સ્કૂલમાં નહોતું સમજાવ્યું? પણ જ્યાં ડફોળો હોય ત્યાં પોલીસને જશ મળે જ ને?  

પણ કાયદેસર રૂપિયા કમાવવા હોય તો પુસ્તક લખો. એ પણ અંગ્રેજીમાં. સ્થાનિક ભાષામાં પબ્લીશર તમને કમાવા નહીં દે. જેવા આવડે તેવા અંગ્રેજીમાં. કોઈ અંગ્રેજી જાણનાર પાસે પછી પુસ્તક પ્રૂફ કરાવી દેવાનું. હવે એમ ના કહેતાં કે સ્ટોરી નથી મળતી. આ દેશની ૧૨૦ કરોડની જનતા રોજ કંઈ અવનવું કરે છે. અઠવાડિયું છાપું વાંચો તો આઠ-દસ પ્રકરણ લખાય એટલી પહેલેથી મસાલો નાખેલી સ્ટોરી મળી આવશે. નાનપણમાં ટપકા જોડીને ચિત્ર બનાવતા હતાં? કે મુદ્દા ઉપરથી વારતા પણ લખી હશે. બસ તો સ્ટોરી પૂરી કરો. સેલીબ્રીટી પાસે લોન્ચ કરાવો. નાની-મોટી ગીફ્ટના વાટકી-વ્યવહારમાં બુકનો સારો રીવ્યુ લખે એવા રીવ્યુઅર્સને ખાસ બોલાવવા. ઈન્ટરનેટ ઉપર તમે પોતે જ દસ પંદર જુદાજુદા નામથી રીવ્યુ લખો. ભાઈબંધ દોસ્તારોને કોપી ભેટ આપી એમની પાસે ફેસબુક અને ટ્વીટર ઉપર ચોપડીના ફોટાં સાથે પોસ્ટ કરાવો. યાદ રાખો નેટવર્કિંગ અગત્યનું છે, સ્ટોરી નહીં.

બીજો કરવા જેવો ધંધો અત્યારે જમીનનો છે. ફેક્ટરી નાખો, ચલાવો, પ્રોબ્લેમ્સ સોલ્વ કરો, માલ બનાવો, માલ વેચો, રૂપિયાની ઉઘરાણી કરો, દેવું ચૂકવો એ પછી તમને પ્રોફિટ મળે. આનાં કરતા જમીનનો ધંધો શું ખોટો? એક સોદામાં વરસ ફેક્ટરી ચલાવવાનું પુણ્ય મળી જાય. રૂપિયા સાત સાત કરોડ રૂપિયા તો લેન્ડ બ્રોકરો આજકાલ ખીસામાં નાખીને ફરે છે! રાજકોટમાં તો દરેક બીજો માણસ એવું કહે છે કે ‘હું જમીનનું કરું છું’. આમાં કોઈ ઓફિસની જરૂર નહી. એક સારો વકીલ જોઈએ. થોડાં રૂપિયા કે બાપદાદાએ તમારા પુણ્યકર્મોએ શહેરના સીમાડા ઉપર જમીન કે ખેતર લીધેલા હોય તો એ ચાલે. પછી ફેરવ્યા કરો. એમાં સરકારની ડીપી કે ટીપી બનતી હોય તો એનાં કન્સલ્ટન્ટ અને ટાઉન પ્લાનર સાથે ઉઠક બેઠક કરી તમારી જમીનની આજુબાજુમાં રસ્તા પડાવી શકાય. એમાં તો પછી ગોળ નાખો એટલું ગળ્યું થાય.

આ સિવાય પણ રસ્તો છે. તમે કોઈ રીતે અમુક અગત્યની પરીક્ષાઓ પાસ કરીને અધિકારી બની ગયા હોવ તો રૂપિયા આસાનીથી બનાવી શકો છો. પગાર ઉપરાંત પણ. કાયદેસર લાગે એવી રીતે. તમે પેઈન્ટીંગ પર હાથ અજમાવો. એક વિકેન્ડમાં ચાલીસ પચાસ એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટીંગ્સ કરી નાખો. તમે જેવું દોરવા ધારો એવું ન દોરાય, તો એ આપોઆપ એબ્સ્ટ્રેક્ટ બની જશે. ધારોકે તમે ઘોડો દોરવા ચાહો પણ ચિત્ર બન્યા પછી ચાર પગ જેવું કશુક છે એટલું જ જોનાર સમજી શકે તો તમે એ એબ્સ્ટ્રેક્ટ દોર્યું છે એમ સમજો. પછી તો सर्वे गुणा: पदमाश्रयन्ते, તમે ઉચ્ચ આસન પર હોવ તો તમારાં કરેલાં પેઈન્ટીંગ્સ આપોઆપ ઉચ્ચતા પામશે. પછી એ પેઈન્ટીંગ્સનું એક્ઝીબીશન ગોઠવો અને કોઈ જાણીતાં સાહિત્યકાર પાસે એનું ઉદઘાટન કરાવો. તમને એવો ન મળે તો અમને કહેજો ગોઠવી આપીશું. પછી તમારા પેઈન્ટીંગ ઓફિશિયલી કોઈ બે-પાંચ લાખમાં ખરીદી શકશે. બદલામાં તમારે જે કામ નોકરીના ભાગ રૂપે કરવાના હતાં એ કરી આપવાનું. ફુદડીઓ મારી, કન્ડીશન્સ એપ્લાય લખીને સહી કરવાની. છે ને સાવ જોખમ વગરનું?

આમાંથી જે કરવું હોય એ કરજો. પણ ભૂલેચૂકે છાપામાં કોલમ લખવાનું કામ કદી ન કરતાં. એ રૂપિયા કમાવા માટે નથી ! હેપી દિવાળી ! 

Sunday, October 12, 2014

સપ્તપદીમાં સફાઈનાં શપથ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૨-૧૦-૨૦૧૪



સોશિયલ મીડિયાનું વાતાવરણ એન્ટાર્ટીકા ખંડના વાતાવરણની જેમ પ્રતિપળ બદલાતું રહે છે. ક્યારે શું થાય એ નક્કી નહિ. થોડા સમય પહેલા પબ્લીકે ચીની પ્રમુખ જીનપિંગની અમદાવાદની મુલાકાત વોટ્સેપ, ટ્વિટર અને ફેસબુક પર હથોડા જોક્સ અને ફોટા ફોરવર્ડ કરીને ઉજવી કાઢી. એ પછી નમોની અમેરિકા મુલાકાતનો ઉભરો પણ આવી ગયો. હવે સ્વચ્છતા ઝુંબેશનો વારો કાઢ્યો છે. આ સોશિયલ મીડિયાની ખૂબી છે. એ નવરા લોકોને પણ નવરા પડવા દેતું નથી. પણ આમાં હાડીયાભાઈના હસવામાં જાડીયાભાઈઓનો વારો નીકળી જતો હોય છે.


અત્યારે હસબંડઝ માટેનો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ છે. એમાં કહ્યું છે કે ‘હસબંડ દ્વારા દિવાળી નિમિત્તે કરવામાં આવેલી સફાઈ સ્વચ્છતા અભિયાનમાં ગણતરીમાં લેવામાં નહિ આવે!’ કદાચ આગળ ઉપર રામલાઓ પાસે કરાવેલી સફાઈ પણ કેન્સલ ગણવાનો મેસેજ પણ આવી શકે છે. ખબર નહીં હસબન્ડોને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? દેખીતી રીતે આ મેસેજ કોઈ વખત ચુકેલા વાંઢા કે ડમ્પ કરેલા કુંવારા એ ફોરવર્ડ કર્યો હોય એવી શક્યતા વધુ છે. પણ એની દૂરગામી અસરો પડશે એ નક્કી છે.


આમ પણ સફાઈ સરકાર દ્વારા પ્રેરિત હોય કે પત્ની દ્વારા, બંનેમાં વોલન્ટરી રીતે કોઈ જોડાતું નથી. સાવ નવા લગ્ન હોય તો પણ. આમ છતાં  દિવાળીમાં ઘરની સફાઈ એ પતિ-પત્નીની અંગત બાબત છે. એમાં કોણે શું કરવું અને જે કર્યું એને કર્યું ગણવું કે નહિ એ એ બંને ને નક્કી કરવા દો ને! તમે શું કામ કડછો મારો છો? માળિયામાં ચઢવાને કોઈ ઈજ્જતનો પ્રશ્ન બનાવે કે પછી કોઈ એવરેસ્ટ પર ચઢવા બરાબર ગણાવે તો એ એમનો અંગત પ્રશ્ન છે, એમાં પણ આપણે શું કામ દખલ કરવી? આમેય તમને તો ખબર જ છે કે અમે પારકી પંચાતમાં પડતાં નથી! અમને તો આ આખી બાબતમાં ‘વરનારાનું વરે અને બચુ ભ’ઈ ભાર લઈને ફરે’ ના ધોરણે અમથી અમથી કીકો મારતી થર્ડ પાર્ટીઓ સામે વાંધો છે 


બાકી અમારે તો અહી એટલું જ કહેવાનું છે કે ‘હે હસબંડો, તમે કરેલી સફાઈ ગણતરીમાં લેવામાં આવે કે ન આવે પણ સફાઈ કરવાના કામમાંથી તમે છટકી શકો એમ નથી. આ શ્રમયજ્ઞ છે અને યજ્ઞકાર્યમાં પત્નીને સાથે રાખવાનું તમે વચન આપી ચુક્યા છો’. તકલીફ એ છે કે લગ્નવિધિ વખતે આ વચન સંસ્કૃતમાં આપવાનું હોય છે અને ગોર મહારાજ ‘Conditions Apply’ કહ્યા વગર જ અપાવી દેતા હોય છે. પણ જે લોકોને પરણવાનું બાકી છે એ જાણી લે કે દીકરીનો હાથ તમારા હાથમાં આપતા પહેલા તમારા ભાવી સસરા વચન માગશે કે ‘धर्मे च अर्थे च कामे च एवं त्वया नाति चरित्वया’ (સંભળાયું એ લખ્યું છે). મતલબ કે ‘ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થમાં મારી દીકરીને સાથે રાખવાની જવાબદારીમાંથી ચલિત તો નહિ થાવને?’ અને ગોર મહારાજ તમારી પાસે ‘नातिचरामि’ બોલાવશે. એ બોલાવે અને તમે બોલ્યા તો તમારું પપલુ ફીટ! આમાંથી બચવું હોય તો ‘ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ’માંથી વાસણ, કપડા અને કચરા-પોતા બાદ કરાવી લેજો. યાદ રાખો, તમે ગોર મહારાજના યજમાનના જમાઈ છો, ગ્રાહક નહિ એટલે કેસ કન્ઝ્યુમર કોર્ટમાં નહિ ફેમીલી કોર્ટમાં ચાલશે. પછી કહેતા નહિ કે કહ્યું નહોતું.


ખરું જુઓ તો બારસાખને અઢેલીને ત્રિભંગની મુદ્રામાં ઉભેલી પત્નીને માળિયામાંથી અનિમેષ નયને નીરખવી એ પણ એક લહાવો છે. માળિયામાંથી જડેલા એનાં જુનાં પર્સના અંદરના ખાનામાંથી તમારી હનીમુન ટુર વખતની ટ્રેઈનની ટીકીટ નીકળે કે હોટેલના નામ સાથેનાં ટીસ્યુ પેપર નીકળે ત્યારે બધું પડતું મુકીને એ દિવસો યાદ કરવાની પણ એક મજા છે. તમે માથે એનો જે એન્ટીક દુપટ્ટો બાંધીને સ્ટૂલ ઉપર ઉભા ઉભા જાળા પાડતા હોવ અને એમ કરવાથી ઉડેલી ધૂળને કારણે પેલીને છીકો આવે ને એ જ દુપટ્ટાથી પાછી એ નાક લૂછે ને એ પાછું તમને રોમેન્ટિક લાગે તો સમજવું કે તમે હજુ જીવો છો.


જોકે હવે તો પહેલાના જેવા એક્સ્ટ્રા લાર્જ સાઈઝના માળિયા પણ ક્યાં રહ્યા છે? કેડ સુધીનો ભાગ માંડ અંદર જાય તો ય ઘણું. આમ છતાં માળિયા પદ્ધતિ હજુ સાવ લુપ્ત થઈ નથી કારણ કે આપણી સંગ્રહાખોરીની પ્રથા પણ ગઈ નથી. સંઘર્યા સાપ કામમાં આવે એમ માનીને હોંશે હોંશે બધું માળીયે ચઢાવતી પ્રજા જયારે માળિયા સાફ કરવા ઉપર ચઢે છે ત્યારે એજ સંઘરેલા સાપ નાકમાં ઘૂસી છીંકો ખવડાવે છે! બાકી, પ્રથામાં તો એવું છે ગુજરાતી હાસ્યલેખકોએ દિવાળીની સફાઈ પર હાસ્ય લેખ લખવો એવી વણલખી પ્રથા રહી છે. અમે સ્વછતા અભિયાનનો મોકો જોઈને આ પ્રથામાં અમારું યોગદાન નોંધાવી દીધું. રખેને કોઈ એમ કહી જાય કે હાસ્યલેખક છો અને દિવાળીની સફાઈ પર લેખ નથી લખ્યો ? શેમ ફૂલ !



મસ્કા ફન
એક માણસ બાથરૂમમાં પેસીને દાઢી કરે છે
.
આમ પોતે નહાતો નથી
, અને નહાવા દેતો પણ નથી!