Monday, August 01, 2011

કેટરિનાની કેફિયત


| મુંબઈ  સમાચાર | લાતની લાત ને વાતની વાત | ૩૧-૦૭-૨૦૧૧ |

હમણાં જ જુલાઈ મહિનાની સોળ તારીખે કુમારી કેટરિના કૈફ ઉર્ફે અમારી વ્હાલી કેટનો જન્મ દિવસ હતો. અમે એ દિવસે ઘણાં વ્યસ્ત હતાં એટલે અમે એની બર્થ ડે પાર્ટીમાં જઈ શક્યા નહોતા. કેટરિના ખાનગીમાં તો અમારા ન જવાથી ઘણી નારાજ હતી એટલે જાહેરમાં એણે આવી કોઈ પાર્ટી થઇ જ નહોતી એવું કહ્યું છે. પણ હકીકતમાં પાર્ટી તો થઇ હતી, અને કેટ ગઈ પણ હતી. શાહરુખ ખાને ઝોયા અખ્તરની ‘જિંદગી ના મિલેગી દોબારા’ રીલીઝ થવાની ખુશીમાં પાર્ટી આપી હતી, આવો ખુલાસો કેટે કર્યો છે. ૧૩ જુલાઈના બોમ્બ ધડાકા છતાં આ પાર્ટી થઇ હતી, એટલે એ પાર્ટી ચર્ચામાં છે. એવું બને કે કદાચ ખાન ભાઈને રાહુલ બાબા અને દિગ્ગીની જેમ આ ધડાકા સામાન્ય લાગ્યા હશે. અગાઉ પણ કેટરિનાનો જન્મ દિવસ ખાન ત્રિપુટી પૈકીના સલમાન અને શાહરુખ વચ્ચેના ઝગડાને કારણે ઝંઝાવાત જગાવી ચુક્યો છે, એટલે જ હવે આગામી વર્ષોમાં કેટ પોતાનો જન્મ દિવસ ઉજવશે કે કેમ એ અટકળનો વિષય છે.

ઝંઝાવાતથી યાદ આવ્યું કે કેટરિના નામનું એક વાવાઝોડું અમેરિકામાં આવ્યું હતું જેમાં ન્યુ ઓર્લિયન્સ શહેર તબાહ થઇ ગયું હતું. વિશ્વના સૌથી પ્રચંડ અને ખર્ચાળ વાવાઝોડાઓમાં આ કેટરિના વાવઝોડું ગણાય છે. રૂપાળી સ્ત્રીઓ ક્યાં જ્વાળામુખી જેવી હોય છે કે પછી વાવાઝોડા જેવી. આવું ચંદ્રકાન્ત બક્ષીએ લખ્યું હશે કે કેમ એની અમને જાણકારી નથી. પણ શરાબ કે સ્ત્રી અંગેની આવી કોઈ બરછટ વાત બક્ષીના નામે ચઢાવી દઈએ તો સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર જ બક્ષીને વાંચનાર વર્ગ તો માની પણ જાય. તવારીખ જોઈએ તો સન ૨૦૦૫માં ન્યુ ઓર્લિયન્સ પર વાવાઝોડું ત્રાટક્યું અને લગભગ એ જ અરસામાં ભારતમાં ‘સરકાર’ ફિલ્મમાં કેટ ચમકી, આ એક જોગાનુજોગ હશે. અમેરિકા તો એક હજાર કરોડ ડોલર ખર્ચીને કેટરિના વાવાઝોડામાંથી બહાર આવી ગયું છે, પણ ભારતનાં ફિલ્મી દર્શકો હજુ પણ દર વર્ષે કરોડો રૂપિયા ખુશી ખુશી મીણની પૂતળી જેવી રૂપાળી અને વિશ્વની સૌથી સેક્સી ગર્લ કેટનો ડાન્સ જોવા ખર્ચી નાખે છે, એક્ટિંગ જોવી હોય તો બીજાં ઘણાં એક્ટર્સ છે જ ને ! અને એટલે જ જો કેટનું પૂતળું માદામ તુસાદનાં વેક્સ મ્યુઝિયમમાં મુકો તો પુતળાના હાવભાવ અસલી જ લાગે !

ઝાઝી સફળ ન ગણાતી તિસમાર ખાં ફિલ્મમાં કેટનો ‘શીલા કી જવાની’ ડાન્સ ખુબ લોકપ્રિય થયો છે. એમાંય ‘હાથ કભી ના આની’ કહી કેટ જે  રીતે હાથ ખંખેરી નાખે છે એ જોઈ ભલભલાને આળસ ખંખેરી ડાન્સ કરવાનું જોશ ચઢી જાય એમ છે. હિન્દી ફિલ્મોમાં તો ગુલઝાર જેવાઓ પણ ગીતમાં બીડી સળગાવે છે તો પછી શીલા કી જવાની ગીતમાં અર્થ વાળા શબ્દ શોધવા ન જ જવાય એવું અમારે અમારા વિતર્ક વાક્દેખાને સમજાવવું પડે છે. જોકે એને મોટો વાંધો હિન્દી ગીતોમાં અંગ્રેજી શબ્દોના પ્રયોગ સામે છે. એમાં આ શીલા ગીતમાં શરૂઆત જ ‘માય નેઈમ ઇઝ શીલા..’ થી થાય એટલે વિતર્ક જેવા ભડકે જ ને ? પણ અંગ્રેજ મૂળ ધરાવતી અને જે હિન્દી બોલવામાં ગુજરાતના બે ભૂતપૂર્વ ચીફ મિનીસ્ટર્સને પણ પાછળ પાડી દે એવી કેટને આ ‘માય નેઈમ’ વાળું શોભે છે. ‘માય નેઈમ ઇઝ બોન્ડ’ કહેતો જેમ્સ બોન્ડ, માય નેઈમ ઇઝ ખાન’ કહેતો શાહરુખ કે પછી ‘માય નેઈમ ઇઝ એન્થની ગોન્સાલ્વિસ’ કહેતા બચ્ચનજી હોય, આ ‘માય નેઈમ’ વાળું જ્યાં જાય ત્યાં હીટ થાય છે એ વાત નક્કી છે.

એવું કહેવાય છે કે નદીઓનું મૂળ અને ઋષિઓનું કુળ ન શોધવું. હવે સાચાં ઋષિઓ તો રહ્યા નથી, જે છે એ બાબાઓ અને સ્વામિઓ જ છે હાજર સ્ટોકમાં, ત્યારે આ કહેવતમાં ઋષિઓની જગ્યા ખાલી પડી છે. તો એમાં ઋષિની જગ્યાએ સ્ત્રીને મુકીએ તો ? કારણ કે કેટને એનાં બ્રિટીશ કુળને લીધે આજકાલ ઘણાં પ્રશ્નોનો સામનો કરવો પડે છે. એ હાફ ઇન્ડિયન છે એ મુદ્દે બિચારી છોકરીની ધૂળ કાઢી નાખી છે. આપણી પ્રજા જો મમ મમથી કામ રાખે તો થઇ રહ્યું! એમને તો ટપટપ પણ જોઈએ. બાકી કેટ આજકાલ તો પડદા પર પણ ઠીકઠાક હિન્દી બોલી લે છે. અને સારું હિન્દી બોલી લેતાં એક્ટર ટોમ અલ્ટરને ભાગે પણ જ્યારે અંગ્રેજના જ રોલ આવ્યા હતાં, તો કેટ ન્યુયોર્ક, સિંઘ ઇઝ કિંગ, નમસ્તે લંડન, ઝીંદગી ના મિલેગી .. માં કર્યા છે એવા એનઆરઆઈનાં રોલ કર્યા કરે તો શું વાંધો આવે ? વિદેશીઓ હિન્દી બોલે તો મીઠું ના લાગે ? જેમ કે ‘મેં ઠુમ કો બહોટ પ્યાર કરટી હું, ... વોટેવર !’ આખરે એ સુંદર દેખાય છે, મઝાનો ડાન્સ કરે છે, અને આજકાલ પોતે પોતાનાં ડાયલોગ પણ રેકોર્ડ કરે છે, હિન્દી ફિલ્મોમાં હિરોઈન આથી વિશેષ શું કરે? અને ટકામાં એ હવે બાઈક પર હ્રીતિક જેવાને ફેરવે છે!

અડધી ભારતીય અને અડધી બ્રિટીશ કેટરિના કે જેણે ‘મેને પ્યાર કયું કિયા’ ફિલ્મમાં સોનિયા નામનું પાત્ર ભજવ્યું હતું, અને જેની કુલ સાત પૈકીની એક સગી બહેનનું નામ સોનિયા છે, તેને ૨૦૦૯માં બેસ્ટ એક્ટ્રેસ માટેનો ‘રાજીવ ગાંધી’ એવોર્ડ મળ્યો છે. પણ હિન્દી અંગ્રેજી શબ્દોની ભેળસેળવાળું શીલા આઇટમ ગીત જેણે સ્ક્રીન પર ગાયું તે અંગ્રેજ ભારતીય મિશ્રણ ધરાવતી કેટ અંગેની આ બધી વાતમાં સૌથી મોટી આઈરની એ છે કે કેટરિના નામનો અર્થ પ્યોર એટલે કે શુદ્ધ થાય છે ! કશું કહેવું છે તમારે?

1 comment: