Sunday, August 14, 2011

પાંચસો અને હજાર રૂપિયાની નોટ નાબુદ થાય તો ?

| અભિયાન | હાસ્યમેવ જયતે | ૩૦-૦૭-૨૦૧૧ | અધીર અમદાવાદી |
બાબા રામદેવની કાળા નાંણા વિરુદ્ધની લડતમાં બાબાએ પાંચસો અને હજાર રૂપિયાની નોટ નાબુદ કરવા પર ભાર મુક્યો છે. બાબાને વાંધો પાંચસોની નોટોનાં વજન માટે છે. આમેય અરજીઓ અને બિલો પર વજન ન મુકીએ તો એ ઉડી જતી હોવાથી મોટી નોટો મૂકવાથી ઉડવાની શક્યતાઓ ઓછી રહે છે. આમ ઉપરના કહો કે પછી ટેબલ નીચેના કહો એવાં વ્યવહારો કરવામાં હજારની નોટોમાં જે અનુકુળતા પડે છે, તે મહત્વની બાબત છે. જો સો રૂપિયા જેવી નાની નોટ ચલણમાં હોય તો ભ્રષ્ટાચારની આવક છૂપાવવા મોટા ઘર જોઈએ, અનેક તિજોરીઓ જોઈએ, બેન્કનાં લોકર્સ નાના પડે, અને સંસદમાં સુટકેસનાં બદલે રૂપિયા ભરેલા કબાટો કે ટ્રક લાવવા પડે. આ મોટી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની દરખાસ્ત સાંભળીને અમને બગલો અને શિયાળની વાર્તાનું ક્યારેક અમે લખેલું નવું સ્વરૂપ યાદ આવ્યું.

રીટર્ન ઓફ બગલો અને શિયાળ

એક બગલો હતો. એ જંગલ રાજમાં સરકારી એન્જીનીયર તરીકે કોન્ટ્રાક્ટર વતી કામ કરતો હતો. એ કાયમ સફેદ કપડામાં ફરતો હતો. એવી અફવા હતી કે એણે પૂર્વજન્મમાં ગાયોને ઘણું બધું ઘાસ નાખ્યું હતું, અને કૂતરાઓને જલેબી ખવડાવી હતી, એ જે હોય તે પણ કોઈ એવાં સારા કર્મો કર્યા હતાં જેના લીધે આ જન્મમાં એને કાગળ પર સહી કરવા જેવા ક્ષુલ્લક કામના પણ લાખો રૂપિયા ચૂકવવામાં આવતાં હતા. ભગવાનની અસીમકૃપાથી આ રૂપિયા ૧૦૦% કરમુક્ત હતાં. એક શિયાળ હતુ. એ સરકારી કોન્ટ્રાકટર હતું. બંને વચ્ચે ગાઢી મિત્રતા હતી. એટલે સુધી કે બંને એકબીજાની કંપની વગર પી નહોતા શકતાં. અને બગલો કાયમ શિયાળની હોન્ડા સીટી લઇને ફરતું હતુ.

એક વખત એક પુલ બનાવવાનું કામ બહાર પડ્યું. હવે જેમ કરણ જોહરની ફિલ્મોમાં શાહરુખ હોય જ, એમ બગલાના પ્રોજેક્ટમાં શિયાળ હોય હોય ને હોય જ. તો આમ જ પુલ બાંધવાનું કામ પણ શિયાળને મળ્યું. શિયાળે પોતની શક્તિ મુજબ કામમાં પૈસા બનાવ્યા. કામ પૂરું થતાં બગલાએ શિયાળ પાસે પોતાનો ભાગ માંગ્યો. શિયાળે તો બગલાને પોતાને ઘેર બોલાવ્યું. બંનેએ સાથે બેસીને હંમેશની જેમ દ્દારુ પીધો. પછી બગલાએ હિસાબની નોટ ખોલી અને પૈસા માંગ્યા. શિયાળ તો અંદર જઈને દસ પંદર ટોપલા ઉઠાવી લાવ્યું. ટોપલાઓમાં પરચુરણ ભર્યું હતું. આઠ આનાથી માંડીને પાંચ રૂપિયા સુધીનાં સિક્કા હતાં. પાછું, શિયાળે કીધું પણ ખરું કે બગલાભાઈ ગણી લેજો, પાછળથી મનદુઃખ થાય તે આપણને ન ગમે. બગલો તો સાવ મૂંઝાઈ ગયો. આટલી બધી પરચુરણ એ ઉપાડીને એ જઇ શકે તેમ નહોતો, અને લઇ જાય તો વટાવે ક્યારે અને વાપરે ક્યારે ? અને શિયાળ તો ક્યારનું પીને ઉંધુ પડી ગયું હતું. એટલે બગલો શિયાળને નામ ચિઠ્ઠી લખી જતો રહ્યો. ચિઠ્ઠીમાં લખ્યું કે પોતાનું હ્રદય પરિવર્તન થયું હોઈ આ રકમ શિયાળે ધર્માદામાં વાપરી નાખવી.
*****   

બગલાનો બદલો : જેવા સાથે તેવા ?

બગલો આમ તો શિયાળની લુચ્ચાઇથી ધુંઆપુંઆ થઇ ગયો હતો. ગઈ વખતે કઈ કેટલાય બિલ જે સરકારી રાહે બે ચાર મહિને પણ પાસ ન થાય તે ઉભા ઉભા પાસ કરી દીધાં હતાં. અરે, શિયાળની ભાવવધારાની દરખાસ્ત ઉપર આંખો મીંચીને સહી કરી આપી હતી. પણ શિયાળે રૂપિયા આપવાને બદલે પૈસા આપ્યા હતાં. પણ, આટલા વિશ્વાસઘાત પછી પણ શિયાળે તો બગલા સાથે દારુ પીવાની દોસ્તી ચાલુ જ રાખી હતી.  વિશ્વાસ મત વખતે જેમ જુના દુશ્મનો એક મંચ ઉપર ભેગા થઇ હાથમાં હાથ ભરાવી ફોટા પડાવે બરાબર એમ જ. બગલા એ ફરી એક નવા કામ માટે ટેન્ડર મંગાવ્યા. અને શિયાળને ફરી વખત કામ મળ્યુ. શિયાળ તો મનોમન બોલ્યું પણ ખરું કે લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે. પણ બગલો આ વખતે સચેત હતો. બગલાએ આ વખતે ૫૦૦ની નોટમાં રુપિયા લેવાનું ઠરાવ્યુ અને ભાવ પણ કાયમ કરતાં દોઢો ઠેરવ્યો હતો. કામ તો જોતજોતાંમાં પતી ગયું, અને બંનેએ ફરી હિસાબ માટે ભેગાં થવાનું નક્કી કર્યું.

આ વખતે શિયાળ બગલાને ઘેર જમવા ગયું.  બગલાએ શિયાળને દારુ પિવડાવ્યો. પછી શિયાળ આઉટ થાય એ પહેલા બગલાએ રૂપિયા યાદ કરાવ્યા. શિયાળે પોતાની બેગમાંથી એક પાંચસો પાનાની કોરી નોટ કાઢી અને એમાં પાંચ એક એક રુપિયાની નોટો મુકી ને આપી. અને શિયાળે તો પાછું કહ્યું પણ ખરું કે બગલા ભાઈ વ્યવહાર એટલે વ્યવહાર લો આ પાંચસોની નોટ અને એમાં રૂપિયા. બગલાએ ફરી કપાળ કુટ્યુ. આ વખતે અગાઉથી ચોખવટ કરી હતી, ને તોયે એની જ કલાઇ થઇ ગઈ. અને પાછું બગલાને તો મા પણ નહોતી, કે જે આ સમાચાર સાંભળીને કોઠીમાં મ્હો ઘાલીને રડે. અને જો હોત તો પણ ઘરમાં આમેય કુંજો જ હતો, કોઠી નહોતી !
સાર: જૂની વાર્તાઓના સાર આજકાલ કામ લાગતાં નથી.

*******
આપણા ત્યાં ગુજરાતમાં તો વિચિત્ર સ્વભાવ વાળી વ્યક્તિને નોટ કહે છે. આમાંથી અમુક ‘મોટી નોટ’ હોય છે, તો અમુક વ્યક્તિઓ ફાટેલી નોટ જેવા હોય છે, જે ચાલતા નથી. અમુક લોકો તો પાંત્રીસ રૂપિયાની અને એ પણ પાછી ફાટેલી નોટ જેવા હોય છે. આમ તો પાંત્રીસની નોટ જો ફાટેલી ન હોય તો પણ ચાલે નહિ. બીજાં અમુક લોકો સેલોટેપ લગાડેલી નોટ જેવા હોય, ખાસ કરીને લગ્નનાં માર્કેટમાં મળતાં લોકો આવાં હોય છે. જેમ તેમ કરીને આવી સેલોટેપ મારેલી નોટો પધરાવવાની કોશિશ થાય, પણ જેના ધ્યાન પર સેલોટેપ આવે, તે એને પાછી આપી દે છે. અને અમુક લોકો તો આવી ન ચાલે એવી નોટના બંડલ જેવા હોય છે. તો અમુક ઘરમાં એક એકથી ચઢિયાતી નોટ જોવા મળે છે.
પણ વિચાર કરો કે જો સાચેસાચ જો આ પાંચસો અને હજારની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવે તો શું થાય?

પહેલા તો બેન્ક લોકર્સમાં છુપાવેલા ૫૦૦-૧૦૦૦ નાં બંડલો કાઢવા બેન્કો પર લાઈનો લાગે. હવે બેન્કના લોકરરૂમનો હાલ સામાન્યરીતે એ હોય છે કે કોઈ કાકી, કે જેમને આ નાની-મોટી નોટો સાથે કશી લેવા દેવા ન હોય, તે લોકર રૂમમાં ઘૂસીને કલાક કાઢી નાખતા હોય છે. અંદર જઈને જોઈએ તો માજી એક એક બંગડીઓ લોકરમાંથી કાઢી હાથ પર ચઢાવી અને ઠંડકથી ગોઠવીને પાછી મૂકતા હોય. અને ત્યાં બહાર વાતાવરણ ગરમ હોય. અને બેન્કોમાં પાછી આ નોટો એક્સચેન્જ કરાવવા માટે ઓળખાણો ચાલે, જેમ દિવાળી પર બક્ષિસ આપવા માટે કોરી કડકડતી અને નાની નોટો શોધાય છે એમ જ. બેન્કો પણ એક દિવસમાં ‘એક બંડલથી વધુ મોટી નોટો બદલી નહિ આપવામાં આવે’ તેવા લખાણ વ્હાઈટ બોર્ડ પર લખી બેન્કનાં પ્રવેશદ્વાર સામે લગાવી દે. અમુક લોકો તો આ બોર્ડ પરનું લખાણ વાંચી હિન્દી ફિલ્મમાંથી શીખેલી તાજી ગાળો તાત્કાલિક ઉપયોગ કરી લે.

બેન્ક પર અમુક રીટાયર્ડ કાકાઓને એમની પાસેનું એક માત્ર મોટી નોટનું બંડલ વટાવવા માટે ખુબ ઉતાવળ હોઈ લાઈનોમાં ધક્કા ખાવા સવારથી આવીને ઉભા રહી જાય. અને અપેક્ષિત રીતે ધક્કે ચઢે એટલે બધો બળાપો બેન્કના સ્ટાફ પર અને સરકાર પર કાઢે. લાઈનમાં પોતાનાં શેઠ વતી નોટો બદલાવવા ઉભેલ પકો કાકાને મોકો જોઈને ઉશ્કેરે, એટલે કાકા લાઈન છોડીને છેક કેશિયરની કેબિન સુધી ગાળો દઈ આવે. અને રાષ્ટ્રીયકૃત બેન્ક્સમાં તો આ ભીડ પાછી બમણી જ હોય. કારણ કે એમનાં ત્યાં રાબેતા મુજબ સરક્યુલર પહોંચ્યો ન હોય, અથવા તો મેનેજર સાહેબ રજા ઉપર હોવાથી એટીએમ મશીનમાં હજુ પાંચસોની નોટો જ નીકળતી હોય. એટલે  મશીનમાંથી નીકળેલી મોટી નોટો વટાવવા લોકો ગાળો દેતાં દેતાં એટીએમથી સીધા બ્રાંચ પર પહોંચી જાય! આમ, બેન્કો પણ આ રામદેવજીના પ્રતાપે ધંધે લાગી જાય.

सर्वनाशे समुत्पन्ने अर्धं त्यजन्ति पण्डिता: અનુસાર જ્યારે સર્વનાશ સામે હોય ત્યારે પંડિતો અડધું ત્યાગ કરે છે. એટલે સમજદાર લોકો આ સુભાષિતની કદર કરીને મોટી નોટો ચલણમાંથી પાછી ખેંચાય તો ૫૦% ઇન્કમ ટેક્સ ભરી બાકીના ૫૦% વાપરશે. પણ જેમણે આ સંસ્કૃત ઉક્તિ સાંભળી નહિ હોય, તે આખું ભાણું ખાવાનાં લોભમાં નોટોને પસ્તી બનતી જોઈ રહેશે. કહે છે કે ભૂતકાળમાં હજારની નોટો રદ થઇ ત્યારે કેટલાક કરચોરો બળતું ઘર કૃષ્ણાર્પણના ન્યાયે નોટોના પોટલા મંદિરમાં મૂકી ગયા હતા, તો કેટલાકે છોકરા ને મોનોપોલીરમવા માટે આપી દીધી હતી. અમુક લોકોએ તો હજારની નોટમાં તમાકુ ભરી ને મોંઘી સિગારેટ પીવાનો શોખ પુરો કર્યો હતો! તો કેટલાક કરચોરો એટલા ધાર્મિક હતા કે એમણે એ નોટોનું ભિખારીઓને દાન કરી ને પોતાનો આવનાર ભવ પણ સુધારી દીધો હતો.

અમને તો જોકે રામદેવજી કરતા પણ એક ઘાંસૂ આઈડીયા આવ્યો છે. જો આ રૂપિયાનું ચલણ જ નાબુદ કરી નાખીએ તો? આ કાળું નાણું સંગ્રહ કરતુ અટકાવવું હોય તો પહેલાની માફક વિનિમય (બાર્ટર) પધ્ધતિ દાખલ કરી દેવી જોઈએ. એટલે પછી રૂપિયાની કોઈ માથાકૂટ જ નહિ. પહેલાનાં વખતમાં જેમ ખેડૂત અનાજ આપી એનાં બદલામાં વાસણ, કપડા વગેરે લેતો હતો એમ જ. પછી કોઈ અધિકારી કોઈનું કામ કરી આપે તો એનાં બદલામાં પેલો બકરો જે ધંધો કરતો હોય તે ધંધાની વસ્તુઓ કામના બદલામાં આપી દે. વિચારો કે જો આ રાજા જેવું ટેલીકોમ કૌભાંડ કરવું હોય તો મોબાઈલ કંપનીઓ રાજાની કૃપાદ્રષ્ટિનાં બદલામાં શું એને આપી શકે ? ફ્રી મોબાઈલ કોલિંગ. એક લાખ છોત્તેર હજાર કરોડ રૂપિયામાં કંપનીઓ કેટલી બધી સેકન્ડ્સનો ફ્રી ટોક ટાઈમ અને ફ્રી એસએમએસ આપી શકે ? અને કલમાડી એન્ડ કંપનીએ જે ટોઇલેટ પેપર રોલ ૩૭૫૦ રૂપિયામાં એક લેખે ખરીદ્યા હતાં, તેમને એ કંપનીઓને ફાયદો કરાવી આપવા બદલ કંપની ટોઇલેટ પેપરના રોલ્સ આપી શકે. પછી કલમાડીની સાત પેઢીને પ્રાતઃક્રિયા કરવા પાણીની જરૂરત જ ન પડે !

પણ બાબા રામદેવની આ લડતથી શું આ લેણદેણ બંધ થઇ જશે ? શું પ્રમાણિકતાનો પારો ઉપર ચઢશે ? શું અધિકારીઓ અને નેતાઓ પ્રજાના હિતમાં પોતાનો હક જતો કરશે ? શું અધિકારીઓ ફરી ટુ-વ્હીલર પર ફરતાં થઇ જશે ? શું અધિકારીઓના પુત્રો હવે રાતોરાત બિલ્ડર કે ફેક્ટરી માલિક નહિ બની શકે ? આવાં પ્રશ્નો તમારે પૂછવા હોય તો, રામદેવજીને પૂછોને ભાઈ અમને શું કામ પૂછો છો ?

No comments:

Post a Comment