Tuesday, August 16, 2011

નારાજીનામું

| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | ૧૪-૦૮-૨૦૧૧ | અધીર અમદાવાદી |

કુદરત ઘણું એવું કરે છે જે જોઈ આપણે દંગ રહી જઈએ છીએ. ગરોળી દીવાલ પર ચાલે પણ એનાં પગ દીવાલ પર ચોંટી રહે છે. ઘો દીવાલ પર એવી મજબૂતીથી ચોંટે છે કે એક જમાનામાં તાનાજી અને શિવાજી મહારાજ એનો ઉપયોગ કિલ્લામાં ઘૂસવા કરતાં. નાના જીવ જંતુઓ જેવાં કે કીડી અને કરોળિયો પણ આસાનીથી ભીંત પર ચોંટીને ચાલી કે દોડી શકે છે. પણ માણસ આવું માત્ર કલ્પનામાં જ કરી શકે છે એટલે સ્પાઈડર મેન જેવી ફિલ્મ બનાવે છે જે સુપર હીટ જાય છે. સ્પાઈડર મેન આજે તો કલ્પના જ છે, પણ માણસોમાં ચોંટવાનો કોઈ ગુણ નથી સાવ એવું કહેવું તે અતિશયોક્તિ છે. છોકરી મોબાઈલને, છોકરો લેપટોપને અને બંને ઈન્ટરનેટને ચોંટે છે. બાળકો કાર્ટૂન ફિલ્મને, ગૃહિણીઓ સિરીયલોને ચોંટે છે. યંગિસ્તાન સિગારેટને, ઘરડા તમાકુને ચોંટે છે. અને આપણાં નેતાં માઈક પર ચોંટી વચનો આપે, પ્રજા આ ખોટા વચનો પર ચોંટે એટલે નેતાઓને ખુરશી મળે, પછી એ ખુરશી પર ચોંટે એટલે કદી ઊખડવાનું નામ જ નથી લેતો !

ચોટવાની રીતે માનવ જાતનાં બે પ્રકાર પાડી શકાય. પહેલા પ્રકારનાં માનવ એક જગ્યાએ ચોંટીને બેસી ન રહી શકે તેવાં હોય છે અને આથી વિપરીત બીજાં પ્રકારનાં લોકો એક વાર ચોંટે પછી જલદી ઊખડતા નથી. ટપાલ ટીકીટ જેમ થૂંક કે પાણી લગાવી ગમે તેટલા ધબ્બા મારવાથી ચોંટતી નથી, તેમ પહેલા પ્રકારનાં લોકો અનેક ઉપાયો છતાં ચોંટીને બેસી શકતા નથી. સામાન્ય રીતે આ ગુણ માણસમાં બાળપણથી આવે છે. આવા ભમરા વાળા બાળકોને જે તે વસ્તુ હાથમાં આવે તેને મંતરવાની ટેવ હોય છે. અમુક મમ્મી પપ્પાઓ આમાં ગર્વ લે છે, તો અમુક આવા બાળકોથી કંટાળીને જપ ને’ ‘ચુપચાપ બેસકે તું અડધો કલાક જંપીશ?’ જેવા આદેશો બહાર પાડે છે. પણ જેમ કાયદો અને પોલીસ કમિશ્નરનું જાહેરનામું હોવા છતાં જુગારીઓ જન્માષ્ટમી પર જુગાર રમે જ છે, તેમ આ રેસ્ટલેસ રાહુલ સુઈ જાય ત્યાં સુધી જપતો નથી. આ થઈ બાળકોની વાત. ઉમર વધતાં આ ન ચોંટવાનો ગુણ મનુષ્યોને એક જ નોકરીમાં ઠરવા દેતો નથી. અને એક નોકરીમાં એ જેટલો સમય ટકે તેટલો સમય પોતાની ખુરશી પર ટકતો નથી જ. એ અવાર નવાર રેસ્ટ રૂમ, ચા પીવા અને બીજાં ટેબલ પર સહ-કર્મચારીઓને ડીસ્ટર્બ કરવા સરકી જાય છે.

બીજાં પ્રકારનાં લોકો એક વાર ચોંટે પછી જલદી ઊખડતા નથી. ટીવી યુગમાં પડોશીઓ તો પોતપોતાના ઘેર જ ચોંટતા હોય છે પણ સગાવહાલાઓ આપણાં ઘેર આવે પછી ચોંટી જતાં હોય છે. હવે તો સાસુ સસરા છોડીને દૂરના સગાંઓ રહેવા આવતાં નથી, પણ રવિવાર કે રજાના દિવસે ટૂંકા ગાળાના ચીટકુંઓ જરૂર આવે છે. કોઈ મજબૂરી કે આદતના માર્યા ધાડ પાડતા આવા ચીટકુંઓ મોટા ટીવીમાં હાળું જોવાની મઝા આવે છે હોંએવું જાહેર કરીને આપણાં ઘરમાં આપણી મરજી વિરુદ્ધ આપણાં ટીવીમાં ઘૂસી જાય છે. વચ્ચે વચ્ચે જાહેરાત દરમિયાન એ બીજું શું ચાલે છે ?’ જેવા ફાલતું પ્રશ્નો એક કરતાં વધારે વખત પૂછી ફિલ્મમાં હમણાં જ આવેલા ખૂનના દ્ગશ્યને અમલમાં મૂકવા તમને ઉશ્કેરે છે. એમાં કમનસીબે જો પિક્ચર શરુ જ થયું હોય તો પૂરું કર્યા પછી જ અતિથિ ઊખડે છે, અને તમે તો એ પિક્ચર આઠ વખત જોયેલું હોઈ, તમારે મહેમાનના મોઢા તરફ તાકી રહેવા સિવાય કોઈ કામ રહેતું નથી. અલબત્ત જો મહેમાન રૂપાળા હોય તો થોડું નયનસુખ મળી રહે છે. પણ તમારી પત્નીથી તમારું આ નયનસુખ નથી જોવાતું એટલે તમારે હજુ નહાવાનું બાકી છે, ઉભા થાવ શું બેસી ગયાં છો સવાર સવારમાંએવા આડકતરાં ડબલ ઍક્શન બાણ છોડી તમને અને આવનારને ઉખાડવા યથાશક્તિ પ્રયત્ન કરે છે. પણ આમ થવાથી જેને પરાણે ઊખડવું પડે તે ઘણીવાર નારાજ થઈ જાય છે.

પરાણે ઊખાડવામાં આવે અને નારાજ થઈ જાય એનું તાજેતરનું જીવતું જાગતું ઉદાહરણ છે યેદુરપ્પા. ખાણકામમાં ગોટાળાને લીધે યેદુરપ્પાને ખુરશી પરથી ઊખડવું પડ્યું એ એમને ગમ્યું નથી અને એવું કહેવાય છે કે યેદુએ જતાં જતાં વેન્કૈયાનું લેપટોપ પણ પછાડ્યું હતું. બીજાં એક જણને એમણે ગુસ્સામાં લાફો ઠોકી દીધો હતો. હવે તમે જ વિચારો કે કરોડો રૂપિયાનો કારોબાર આમ હાથમાંથી ઝુંટવાઈ જાય તો કોઈ પણ નારાજ થાય કે નહિ ? એમ તો કલમાડીએ પણ રાજીનામું આપવા શરૂઆતમાં ના જ પાડી હતી ને ? લાલુ પ્રસાદ યાદવનું રાજીનામું પણ અનેક વખત માંગવામાં આવ્યું હતું, પણ એમ ઊખડે તો એ લાલુ નહિ! રાજા, શશિ જેવા ઘણાં કદાચ લોસ ઓફ ઓપોર્ચ્યુનીટીના ડરથી રાજીનામું આપવા શરૂઆતમાં તો રાજી નહોતા. આ બધાં કિસ્સામાં છેવટે રાજીનામું તો સોંપાયું જ, પણ એમાં આપનાર છેક સુધી રાજી નહોતા તે રાજીનામા શબ્દની વ્યર્થતા દર્શાવે છે! હવે શીલા દીક્ષિતનું શું થાય છે એ જુઓ, હાલ તો એ પણ રાજીનામું આપવા રાજી નથી લાગતાં એટલે મૅડમ પાછાં આવે ત્યાં સુધી તો દિલ્હીની ગાદી એમ કોઈ ના હાથ નહિ આવે !

2 comments:

  1. Your creation is a MAGIC OF OBSERVATION...ever little thing,,awesome....with great humour specially loved...the "nayansukh" and..."rajinamu aapnar raji na hoi"...every little thing..
    very enjoyable!!
    Thanks...with appreciation.

    ReplyDelete
  2. આખા લેખમાં શરુઆતથી અંત સુધી તમે ચોંટાડી રાખી ને મજા કરાવી હોં બોસ...

    ReplyDelete