Monday, September 05, 2011

લાઈન એટલે ટોળું


| અભિયાન | હાસ્યમેવ જયતે | ૨૭-૦૮-૨૦૧૧ | અધીર અમદાવાદી |
એકની પાછળ એકની પાછળ એકની પાછળ એક લાચાર એટલે લાઈન. આપણે ત્યાં તો લાઈન એટલે ટોળું, એટલે જથ્થો, એટલે ઝગડો એટલે બબાલ એટલે મારામારી એટલે તોડફોડ એટલે નુકસાન એટલે વળતર એટલે પાછી લાઈન! આ લાઈન લાગે એટલે ધક્કામુક્કી થાય, હૈયે હૈયું દળાય(!), એક બીજાના પગ પર પગ મૂકી આગળ વધાય. બીજાના ખીસામાં હાથ નાખવા અને આ સિવાય પણ મળતાં લાભ લાઈનમાં લેવાય. એટલે પેલી જાહેરાતમાં ડાઘને સારા કહ્યા છે તેમ લાઈન પણ કાયમ ખરાબ નથી હોતી. લાઈન લાગે એટલે લાઈનમાં ઉભા રહ્યા વગર કામ કરાવવા ઉપરના વ્યવહારો થાય. આ ઉપરના વ્યવહારોનો વ્યાપ ઉપરવાળાના દરબાર સમા મંદિરો સુધી પહોંચી ગયો છે.

લાઈન શબ્દ જુદાં જુદાં સંદર્ભોમાં વપરાય છે. સુવર્ણ મૃગ વાળી વાતમાં લક્ષ્મણ સીતાજીને મૂકીને નીકળે છે ત્યારે લાઈન દોરીને જાય છે. સીતાજી રાવણની વાતમાં આવી જતાં લાઈન ક્રોસ કરે છે, જેના લીધે આપણને રામાયણના બાકીના કાંડ મળ્યા. જો સીતાજીએ લાઇનદોરીનો અમલ કર્યો હોત તો કદાચ અરણ્ય કાંડમાં જ રામ એન્ડ કંપની બોર થઈ ગઈ હોત અથવા તો પુષ્પક વિમાનના બદલે આજે ટીવીની શોધનો જશ રામાયણને મળ્યો હોત. ગણિતમાં લાઈન એટલે રેખા જે બિંદુઓમાંથી પસાર થાય. તો લાઈન મારવીએ શબ્દ પ્રયોગ પણ વપરાશમાં છે. આમાં મારવાની વાત ક્યાંથી આવી તે ઘણી ગૂંચવાડા ભરી બાબત છે. ગુજરાતી નાટ્ય જગતે લાઈન મારવાથી તબિયત ફાઇન રહે છે તેવું પણ શોધી કાઢ્યું છે. જો કે મેડિકલ જર્નલસ આ શોધને સમર્થન આપતી નથી. પણ આ લાઈન મારવાની વાતમાં તબિયત ફાઇન રહેતી હશે કે નહિ પણ બાપનું બૅન્ક બેલેન્સ ચોક્કસ પાતળું થાય છે એ હકીકત છે.

લાઈન થવાના ઘણાં કારણો છે. જ્યારે કોઈ ધીમી ગતિના સમાચાર વાંચનારને લાઈનમાં ઊભેલા લોકોના કામનો નિકાલ કરવા બેસાડ્યો હોય ત્યારે લાઈન ઉદભવે છે. આમ તો ઝડપી માણસને પણ અહિ બેસાડ્યો હોય તો કાળક્રમે એ રીઢો થઈ જાય છે. મૅનેજમેન્ટની રીતે જોઈએ તો સપ્લાય કરતાં ડિમાંડ વધે એટલે લાઈન સર્જાય. અને જ્યાં કશું મફત મળતું હોય ત્યાં અવશ્ય લાઈન લાગે છે. મફતની વાત જવા દો, બીજા દિવસે પેટ્રોલના ભાવ વધવાના છે એવું ખબર પડે તો પણ લોકો રાતે પેટ્રોલ પંપ પર લાઈન લગાવી દે છે. બધાં લોકોને કોઈ કામ કરવા માટે એક સાથે સમય મળે તો પણ લાઈન લાગે. ફિલ્મના ઇન્ટરવલ દરમિયાન ટોયલેટમાં આ કારણે લાઈનો લાગે છે. જો કે હિન્દી ફિલ્મમાં વચ્ચે અર્થ વગરનાં ગીતો મૂકી ટોયલેટની લાઈનો અને લોકો એ બંનેને હળવા કરવાનો નમ્ર પ્રયાસ ફિલ્મ નિર્માતા કરે છે.

એક વાર અમે મૅરેજ રિસેપ્શનમાં ગયાં હતાં. ત્યાં સ્ટેજ પર જવા સાઠ સિત્તેર જણા લાઈનમાં ઉભા હતાં. અમને થયું કે હશે, આ વર-વધૂ આપણી રાહ જોશે, ચાલો જમી લઈએ. તો ત્યાં પણ લાઈન હતી. ત્યાંથી અમે ચાંલ્લાના કાઉન્ટર પર ગયાં ચાંલ્લો લખાવવા તો ત્યાં પણ લાઈન લાગી હતી. અમે અમારા હાથવગાં મુરબ્બી મનોજ કાકાને ટાઈમ પાસ કરવા પૂછ્યું, કે આટલી બધી લાઈનનું શું કારણ?’ તો એ કહે બ્યુટી પાર્લર!’. અમે ગૂંચવાયા એટલે એમણે સમજાવ્યું કે કન્યા જ બ્યુટી પાર્લરમાંથી હમણાં દસ મિનિટ પહેલા આવી, પછી ?’. આમ બ્યુટી પાર્લર પણ લાઈનના કારક છે એવું કહી શકાય. લગ્ન પ્રસંગે સ્વરુચિ ભોજનમાં ઘણી વાર કોઈ કન્ફયુઝડ આત્મા આગળ આવી જાય અને સેલડ લેતાં જ કાકડી લઉં કે ટામેટાં?’ એ નિર્ણય કરવામાં ત્રણ મિનિટ કાઢી નાખે ત્યારે પાછળ લાઈન થઈ જાય છે. આવા નમૂનાને ઘેર તો મમ્મી કે વહુ પીરસતી હોઈ આવા અઘરા નિર્ણયો એણે જાતે નથી કરવા પડતાં. આમ, મમ્મીઓ અને પત્નીઓની અતિશય કાળજી પણ લાઈન પેદા કરે છે એવું કહી શકાય!

એક જમાનામાં અમિતાભની ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉમાં જોવા થિયેટર પર રાતની લાઈનો લાગી જતી હતી. સવારે ટીકીટ મળે એટલે જાણે જગ જીત્યા હોઈએ એવો ભાવ થાય. અમેરિકામાં હજુ પણ એપલ કે ગેમિંગનું કોઈ નવું ગેજેટ બહાર પડવાનું હોય તો લોન્ચિંગની આગલી રાતે સ્ટોર બહાર લાઈન લગાડનાર જોવા મળે છે. અહીંની અને ત્યાંની આવી લાઈનમાં ફરક માત્ર એટલો કે અમેરિકામાં રાત્રે લાઈનમાં ઊભો રહેનાર ટેન્ટ કે સ્લીપિંગ બેગ લઈને આવે અને એમાં સૂઈ જાય. અને આપણાં ત્યાં અહર્નિશ ધક્કામુક્કી ચાલુ હોય, કેમ, પોતે ઘૂસવાનું અને કોઈ ઘૂસી ન જાય તે ધ્યાન નહિ રાખવાનું?

લાઈનમાં પ્રોક્સી સિસ્ટિમ પણ ચાલે. સાર્વજનિક નળ પર સવારે પાણી આવે તે પહેલા બેડાંઓની લાઈન લાગી ગઈ હોય. બસની લાઈનોમાં શારીરિક રીતે કહેવાતા વિકર સેક્શન એવા મહિલા વર્ગને બદલે એમનાં પતિદેવ લાઈનમાં ઉભા હોય. રેલ્વે સ્ટેશને કુલી અને એજન્ટો લોકોના બદલે લાઈનમાં ઉભા રહે. જો કે અમુક લોકો લાઈનમાં ઉભા રહેવા જેવા તુચ્છ કાર્યથી બચવા લાઈનમાં ઘૂસ મારે છે. કોઈ પણ લાઈનમાં ઘૂસવા માટે નફ્ફટ હોવાની લાયકાત જરૂરી છે. લાઈનમાં ઘૂસનાર પાછાં બે પ્રકારનાં હોય છે, એક કે જે ઉંદરની જેમ દબાયેલા પગલે  લાઈનમાં ઘૂસે છે, અને પકડાય તો લાઈનમાં પાછળ ધકેલાતો જાય છે. બીજાં પ્રકારનો ઘૂસણખોર અમદાવાદની ગાયની જેમ સરેઆમ ઘૂસે છે. એકવાર ઘૂસ્યા પછી પકડાય તો પણ દલીલો કે દાદાગીરી કરી પોતાની જગ્યા ટકાવી રાખે છે. લાઈનમાં ઉભા રહેનાર અન્ય લોકો પોતાની જગ્યાએ ઉભા ઉભા બબડે છે, પણ પેલાની શારીરિક ક્ષમતા આગળ હાર સ્વીકારી લે છે. પૂર્વાશ્રમના આવા ઘૂસણખોર થોડા સમયમાં યુવા કાર્યકર, પછી કોર્પોરેટર, ધારાસભ્ય કે સંસદ સભ્ય બની સમાજમાં સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરી લે છે.

લાઈન બધાં માટે સમાન એવું માનવામાં આવે છે. પણ કોઈ મર્સિડીઝમાંથી ઊતરીને કેરોસીનની લાઈનમાં ઊભું નથી રહેતું. નેતા કદી રેશનિંગની ખાંડ લેવા લાઈનમાં ઊભેલો દેખાતો નથી. તો કોક વખત ફિલ્મ સ્ટાર્સને પણ લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે. અમે જ્યારે અમેરિકાના વિઝા લેવા કૉન્સ્યુલેટમાં ગયા તો ત્યાં ફરદીન ખાન પણ અમારી સાથે જ વિઝા માટે લાઈનમાં ઊભો હતો. આ અમેરિકન કૉન્સ્યુલેટ ભલભલાં ખેરખાંઓને પાછાં કાઢવા માટે કુખ્યાત છે જ. કૉન્સ્યુલેટમાં પ્રવેશતી વખતે ખીસામાંની બધી ચીજ વસ્તુઓ સહિત સ્વમાન પણ બહાર ઉતારી લાઈનમાં ઊભું રહેવું પડતું હોય છે, એવું અમને એ દિવસે લાગ્યું હતું.

આ લખનારે પહેલી વાર અમેરિકામાં પગ મૂક્યો ત્યારે ઇમિગ્રેશન માટેની લાઈનથી લઈને વોલમાર્ટ અને પોસ્ટ ઑફિસની લાઈનમાં ઉભા રહેવાનો યાદગાર અનુભવ ધરાવે છે. અમેરિકામાં પણ બધાંને સમયની કિંમત હોય છે, છતાં લાઈનમાં સભ્યતાથી અને ધીરજથી ઉભા રહે છે, કોઈના પગ ઉપર નહિ! એકબીજા વચ્ચે ઓછામાં ઓછું બે ફૂટ અંતર હોય. તમે જો પોસ્ટ ઑફિસમાં પ્રવેશો તો બે જણ વચ્ચેનું વધારે અંતર જોઈ એમાં ઘૂસ મારવાની તમને તીવ્ર ઇચ્છા થાય. અને જો તમે તમારા આ અંતરાત્માના પોકારને આપી લાઈનમાં ઘૂસો તો અમેરિકન તમને કદી રોકશે નહિ, બલ્કે તમારે કોઈ ઇમર્જન્સી હશે એમ માની તમારા માટે સહાનુભૂતિથી વર્તશે. દરેક ભારતીય અમેરિકા જઈ પાછો આવે એટલે અમેરિકાની ચોખ્ખાઈ અને ડિસીપ્લીનની આવી માનવામાં ન આવે એવી વાતો ભારતમાં આવીને કરે. પણ આમ અંજાઈ જવાનું આપણા સ્વભાવમાં નથી, કારણ કે ગુજરાતીને મોઢે તો અવારનવાર સાંભળવા મળે કે એ લૉર્ડ કર્ઝન હોય તો એના ઘરનો’. આમ કર્ઝનો અને અંકલ સામોથી અંજાઈ જાય તો એ ગુજરાતી ભાયડો કે ગરવી ગુજરાતણ નહિ. 

શ્રી શ્રી અમિતાભ બચ્ચને કાલિયા ફિલ્મમાં હમ જહાં ખડે રહેતે હૈ, લાઈન વહીં સે શુરુ હોતી હૈકહીને પોતપોતાની આગવી લાઈન ઊભી કરવાનો દિવ્ય સંદેશ આપ્યો હતો. આજની તારીખમાં ધુરંધર લોકો જ્યાં ઉભા રહે ત્યાં પોતાની અલગ લાઈન બનાવે છે. લાલુ પ્રસાદ યાદવને આમ તો અમિતાભ સામાન્ય અભિનેતા લાગે છે, પણ અમિતાભની પોતાની લાઈન શરુ કરવાની વાત લાલુ સહિત બીજાં ઘણાં પ્રાદેશિક નેતાઓને ગમી જતાં એમણે જાત જાતના પક્ષ રચી પોતપોતાની અલગ લાઈન ઊભી કરી છે. પણ અનેક લાઈન હોય ત્યારે જેમ ગૂંચવાડા ઉભા થાય તેમ પોલિટિક્સમાં પણ ગૂંચવાડા ઉભા થતાં આવી લાઈનોમાંથી એક મોટી લાઈન બનાવવા માટે લાઈન મૅનેજમેન્ટ નામની નવી ડિસીપ્લીન ઊભી થઈ છે. અમિતાભના એક સમયના મિત્ર અમર સિંહે આ લાઈન મૅનેજમેન્ટના અભ્યાસક્રમમાં પ્રોફેસર તરીકે સારું નામ કાઢ્યું છે. લાઈન મૅનેજમેન્ટના આ કોર્સમાં હોર્સ ટ્રેડીંગ એ મુખ્ય વિષય તરીકે ભણાવાય છે. જો કે અત્રે એ ચોખવટ કરવી જરૂરી છે કે કોઈ પણ યુનિવર્સીટીએ આ કોર્સને હજી માન્યતા આપી નથી.

અમુક કમભાગી લોકો જ્યાં જાય ત્યાં કમનસીબ એમનો પીછો કરે છે. લાઈનમાં ઊભેલા કમભાગીઓની દશા મર્ફીઝ લો તરીકે આબેહૂબ ઝડપાઈ છે. આવા કમનસીબ લોકો જે લાઈનમાં ઉભા હોય, તે સિવાયની લાઈન કાયમ ઝડપી આગળ વધે છે. અને જો બીજી લાઈનની ઝડપ જોઈ આ મહાશય લાઈન બદલે, તો પહેલા એ જે લાઈનમાં ઉભા હોય તે લાઈન સ્પીડ પકડે છે. જોકે અંતે તો જ્યારે આ કપાળકૂટો બારી પર પહોંચે ત્યારે લંચ બ્રેક પડે છે. પણ એને માઠું ત્યારે લાગી આવે છે જ્યારે બાજુની બારીવાળો પણ લંચ બ્રેક થવા છતાં એક જણની અરજી લઈ લે છે! આ બધામાંથી પસાર થઈને ભાઈ છેવટે ફોર્મ આપે ત્યારે ખબર પડે કે આ ફોર્મ તો આઠ નંબરની બારી પર આપવાનું હતું! એટલે જ, લાઈનમાં ઉભા રહેવા કરતાં મોટું દુર્ભાગ્ય ખોટી લાઈનમાં ઉભા રહેવું એ છે !

લાઈનના છેડે ...

અબ મેં રાશન કી કતારોમેં નજર આતા હું,
અપને ખેતોં સે બિછડને કી સજા પાતા હું.

~ ખલીલ ધનતેજવી

2 comments: