Thursday, September 15, 2011

વ્હાઈટ વોશ


| મુંબઇ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત, વાતની વાત | ૧૧-૦૯-૨૦૧૧ | અધીર અમદાવાદી |

વર્લ્ડ કપ વિજેતા ધોની આણિ ટીમનો ઇંગ્લેન્ડનાં ધોળિયાઓનાં હાથે ટેસ્ટ સિરીઝમાં - થી વ્હાઈટ વોશ થયો તેનાથી દેશ ભરમાં ક્રિકેટ પ્રેમી નારાજ થઇ ગયાં છે. જો કરવા અને થવાનો ફેર જવા દઈએ તો વ્હાઈટ વોશ શબ્દનું દેશી ગુજરાતી ધોળકું ધોળવું કરી શકાય. આમ ધોળિયાઓનાં દેશમાં ધોળા કપડાં પહેરી ધોળે દિવસે રમાતી ટેસ્ટ મેચમાં ચારમાંથી ચારેય મેચ ફુલ્લી હારી જતાં ભારતીય ટીમને ધોળે દાડે તારા દેખાઈ ગયાં છે. હવે ડે-નાઈટ રમાતી વન ડે મેચમાં શું થાય છે, એ જોવાનું છે. આપણાં પરાજયનાં કારણોની ચર્ચા કાયમની જેમ ટીવીના ટોક શોથી માંડીને પાનનાં ગલ્લા સુધી કરી લોકો બેકારીની સમસ્યા હજુ એમની એમ છે તે પ્રતીત કરાવી રહ્યા છે. અને આ નવરા નગર પરિષદ આઈપીએલથી માંડીને ફિઝીયોથેરાપિસ્ટ અને સિલેક્ટર્સથી માંડીને પ્રધાનમંત્રી સુધીનાં ને હાર માટે જવાબદાર ઠેરવી રહી છે.

વ્હાઈટ વોશ એટલે કે ચૂનો કરવો. મધ્યમવર્ગીય ઘરોમાં દિવાળી કે શુભ પ્રસંગે ચૂનો કરવામાં આવે છે. સરકારી કચેરીઓમાં પણ વ્હાઈટ વોશ થાય છે. એટલે ઇંગ્લેન્ડ ટીમે આપણો વ્હાઈટ વોશ કર્યો, તે ઘણી મધ્યમવર્ગીય ઉપલબ્ધિ ગણી શકાય. વધારેમાં વધારે ઇંગ્લેન્ડની સરકાર ત્યાંના છાપાઓમાં આખા પાનાની જાહેરખબર આપી આવી ઉપલબ્ધિ અંગે લોકો આગળ ડંફાશ મારી શકે. બાકી છોટે નવાબ કરે છે એવો કોક રોયલ પેઇન્ટ કર્યો હોત તો કદાચ ઇંગ્લેન્ડનાં કહેવાતાં સ્ટેટસ મુજબનું થાત. પણ ઘર ધોળાવવા અને આ ટેસ્ટ સિરીઝના વ્હાઈટ વોશ વચ્ચે એક બાબત ઉડીને આંખે વળગે એવી એ છે કે બંનેમાં વરસાદ વિઘ્ન બની શકે છે. ઈંગ્લેન્ડનાં મોસમનો તો આમ પણ કોઈ ભરોસો નથી, અને છેલ્લી ટેસ્ટ સિરીઝમાં વરસાદ ભારત માટે પણ ભરોસા કરવા લાયક સાબિત નથી થયો!

આપણી ટીમ ઇન્ડિયાને આ સિરીઝ હારવા ઘણાં વિઘ્નોનો સામનો કરવો પડ્યો. વીરુ અને યુવરા તો અડધાં ફીટ અને અડધાં ઈજાગ્રસ્ત હોવાથી રમવાં કરતાં ફિટનેસ ડ્રીંકની જાહેરખબરોમાં વધારે ચમકતા હતાં. ને સોફ્ટ ડ્રીંકની એડમાં ચમકનાર ઝાહિર અને હરભજન સિરીઝ દરમિયાન પાણીમાં બેસી ગયાં. છેવટે ધોનીને વિકેટ કીપિંગ છોડીને બોલિંગ કરવાનો વારો આવ્યો. એમાં લોકોને સલાહ આપવાનો મોકો મળી ગયો. પછી તો જેટલા મોઢા એટલી સલાહો. એક જણ તો કહે કે આમિરની લગાનની ટીમ મોકલો, ઓસ્કાર સુધી ગઈ તો ઈંગ્લેન્ડમાં ચાલી જાય કદાચ. તો કોઈ કહે રાહુલ દ્રવિડને ઓપનીંગમાં બોલિંગ નાખવા મોકલો. પણ ત્રીજો કહે કે રાહુલ દ્રવિડ શું રાહુલ ગાંધી આવે તોયે આપણે જીતી શકીએ એમ નથી. પણ દિવાલ તરીકે જાણીતાં અને પૃથ્વી પર જુના એવાં રાહુલ દ્રવિડે સાબિત કરી આપ્યું કે એ સાચે દિવાલ છે એ પણ સરકારી કોન્ત્રાક્તારે બનાવી હોય એવી નહિ!

પણ આ પ્રવાસમાં બચારી ટીમ ઇન્ડિયાનો કચરા પર કચરો થઇ રહ્યો છે. પહેલા ઈંગ્લેન્ડનાં અખબારોએ ભારતીય ટીમને ઘેટાંની રખેવાળી કરતાં કૂતરા સાથે સરખાવી વિવાદ ઊભો કર્યો. ત્યાર પછી નાસિર હુસેન નામનાં ભૂતપૂર્વ ક્રિકેટ કપ્તાને ભારતીય ફિલ્ડર માટે ગધેડા શબ્દ વાપરી ઘણો વિવાદ સર્જ્યો છે. ખરેખર તો આમાં ઈંગ્લેન્ડનાં છાપાઓ અને કોમેન્ટેટર નાસિર વચ્ચે એકસુત્રતાનો અભાવ વર્તાય છે. કોઈ કૂતરાં કહે અને કોઈ ગધેડાં કહે, એમાં બિચારા પ્લેયર્સ કન્ફયુઝ ન થઇ જાય? એક વ્યક્તિ એક સાથે ક્યાં તો માણસ હોઈ શકે, ક્યાં કૂતરો હોઈ શકે અથવા તો ગધેડો હોઈ શકે. બધું એક સાથે તો ન હોય ને? જેનામાં આટલી પણ કોમનસેન્સ નથી, એવાં કોમેન્ટેટર બની બેઠા છે ઈંગ્લેન્ડમાં બોલો.

ગધેડાવાળી કોમેન્ટ ભૂતપૂર્વ ભારતીય કપ્તાન અઝહરુદ્દીને પણ નથી ગમી. એણે કહ્યું છે કે બીજું કશું અથવા બીજી કોઈ રીતે જે પણ કહેવું હોય તે કહી શકાય, પણ આમ ખુલ્લમ ખુલ્લા ગધેડા તો ન કહેવાય. એટલે ભાઈ અઝ્ઝુનાં કહેવા પ્રમાણે આપણે આડકતરી ટીકા કરીએ તો ચાલે. જેમ કે, ભારતીય ફિલ્ડરો શું મેદાનમાં ઘાસ ચરે છે? કદાચ આવું કહી શકાય, હેં ને અઝહર ભાઈ? કદાચ કહી શકાતું હશે. અમને સ્કુલમાં ટીચર ઘણી વખત અક્કલ ઘાસ ચરવા ગઈ છે? એવું કહેતા હતાં, અમને તો ઘણું ખોટું લાગતું હતું પણ ટીચર કે બીજા કોઈને એમાં કશું ખોટું નહોતું લાગતું. અને ઘેર ફરિયાદ કરવાનો સવાલ હતો નહિ, કારણ કે ઘેર ફરિયાદ કરીએ તો સાબિત થઇ જાય કે બધાનો મત એક છે!

પણ ભારતીય ખેલાડીઓની ફિલ્ડીંગ માટે જે કોમેન્ટ કરવામાં આવી તેમાં ગધેડાને વચ્ચે લાવવાની જરૂર નહોતી તેવું અમારું નમ્ર અને અંગત મંતવ્ય છે. ખેલાડીએ કદાચ નબળી ફિલ્ડીંગ કરી હોય, પણ છેવટે માણસ છે. પણ એમાં બે પગાળા માણસને ગધેડો કહી દેવાનો? અને ઈંગ્લેન્ડમાં ક્રિકેટ મેદાનમાં કોઈ નિર્વસ્ત્ર ઘુસે એવું બની શકે, પણ કૂતરું કે ગધેડું હોય તેવું તો માત્ર ભારતમાં બને. પણ ભારતીય ટીમને ગધેડા કૂતરાં કહી ભાંડનાર ઇંગ્લેન્ડમાં એક અનન્ય ઘટના આ ઓગણત્રીસમી ઓગસ્ટે બની ગઈ. કોલેજમાં જે દાખલ થયો છે, પણ ગયો નથી કે પૂરી નથી કરી તેવાં મહાન ભારતીય કપ્તાન ધોનીને ઇંગ્લેન્ડની ડી મોન્ટફોર્ટ યુનિવર્સીટીએ માનદ ડોક્ટરેટની પદવી આપી છે. અંગ્રેજોના ડબલ સ્ટાન્ડર્ડ હજુ પણ ચાલુ છે !

1 comment: