Tuesday, September 27, 2011

કાગડાની ડાયરી


સંદેશ  | સંસ્કાર પૂર્તિ | લોલમ Lol | ૨૫-૦૯-૨૦૧૧ | અધીર અમદાવાદી |

અરેરે, સરાધિયાં હવે પુરો થશે. શ્રાદ્ધપક્ષ શરુ થાય એ અગાઉના બે દિવસ અમારી નાતમાં ઉપવાસ રાખવાનો રિવાજ છે. અને સરાધિયાં શરુ થાય પછી પંદર દાડા અમારા ત્યાં કોઈ નોનવેજને અડતું નથી. નોનવેજમાં બધું આવે, જીવડાં, ઉંદર, મરેલી બિલાડી વિ. વિ. હાસ્તો, શ્રાદ્ધ ચાલુ થાય એટલે અમને દૂધપાક, પૂરી અને છેલ્લા કેટલાય વરસોથી બાસુંદી અને મઠ્ઠો પણ ખાવા મળે છે, પછી એવું નોનવેજ કોણ ખાય? યાક!

જોકે મને તો ગળ્યું બહુ ભાવે છે, પણ શું થાય મારી વાઈફ કૂકી કાગડીને તીખું તમતમતું ખાવાનો શોખ છે. તાજેતરમાં મરનાર ઘણાં ડોસા ડોસીઓને પીઝા, ભાજીપાઉંથી લઈને પાણીપૂરી જેવી આઈટમ ભાવતી હોવાં છતાં અફસોસ એ વાતનો છે કે કાગવાસમાં કોઈ અમને પિઝ્ઝા નથી નાખતું. સૌરાષ્ટ્ર તરફનાં અમારા મિત્રો પણ કહે છે કે કાગવાસમાં કોઈ ગાંઠિયા નાખતું નથી અને એમને શ્રાદ્ધના દિવસોમાં પણ ગાંઠિયા ખાવા હોય તો લારીઓ પર પ્લેટો ચાટવી પડે છે. સુરતી કાગડા બંધુઓએ પણ લોચો નથી મળતો એ મુદ્દે ગાળો દે  છે. અમારું પ્રતિનિધિ મંડળ (જેમાં મોટા ભાગે કાગડીઓ છે!) બ્રાહ્મણોને મળીને અમને થતાં આ હળાહળ અન્યાય બાબતે રજૂઆત કરવાનું પણ વિચારી રહ્યું છે.
 
શ્રાદ્ધ છોકરાનું કુટુંબ કરે એટલે મોટે ભાગે વહુના હાથમાં રસોઈનો કારોબાર હોય. વહુને ક્યારેક એમનાં સાસુ-સસરા સાથે એમની હયાતીમાં ન બનતું હોય. પહેલા ગાય, કૂતરા અને કાગડા એમ ત્રણેનું ખાવાનું અલગ કાઢવાનો રિવાજ હતો, પણ આજકાલની વહુઓ ત્રણેનું ખાવાનું તો કાઢે છે પણ બેદરકારીથી જમીન પર ભેગું નાખી દે છે. એટલે કૂતરા અને ગાય પણ અંદર માથું નાખે છે. સાલું અમારો કાયદેસરનો ૩૩% હિસ્સો અલગ હોવા છતાં અમારે કૂતરા અને ગાયના મોઢા વચ્ચેથી પૂરી ખેંચી લાવવાની? પછી વડીલો સુધી ક્યાંથી પહોંચે?  

અને તમને નહિ માનો, પણ અમારે આ બધો હિસાબ તમારા વડીલોને આપવો પડે છે. શ્રાદ્ધપક્ષ પતે એટલે અડધો દિવસ રજા રાખી અમે રિપોર્ટ તૈયાર કરીએ છીએ. કોના ઘરમાંથી શું ખાવાનું નખાયેલું? અને એની ક્વોલિટી કેવી હતી? એ રિપોર્ટ પહોંચે એટલે મહિના સુધી તો ઉપર ધમાચકડી મચી જાય છે. ઉપર રહ્યે રહ્યે અમુક સાસુઓ દુધની આઇટમથી પેટ બગડે છે એ જાણતી હોવાં છતાં વહુએ જાણી જોઈને દૂધપાક બનાવ્યો એવાં વાંધા કાઢે છે. પણ પછી એ સાસુની સાસુઓ બેસ છાનીમાની, મને લાડવા ભાવે છે એ ખબર હતી તોયે તેં કયે દા’ડે લાડવા કર્યા? કહી એમને ચુપ કરી દેતી જોવા મળે છે.

પણ ઘણાં લોકો શ્રાદ્ધ ખાલી કરવા ખાતર કરતાં હોય છે. ઘરમાં પોતે ન ખાતા હોય તેવા રબ્બર જેવા શીરા બનાવીને કાગવાસમાં મૂકે છે. એમાં પાછી પૂરી પણ જો રબ્બર જેવી હોય તો અમારે તોડવા બે જણે ભેગા થઇ મહેનત કરવી પડે છે. અરે અમુક વખતે ખાધા પછી પેટ ખરાબ થઇ જાય તો બે દાડા ઉપવાસ કરવા પડે છે. અમુક હોમમેકર્સ ગળ્યામાં દૂધપાક બનાવે છે, પણ ખાંડવાળા દૂધમાં અને આ દૂધપાકમાં આપડને કશો ફરક ખબર ના પડે. અને દૂધપાક સાથે જે ભજિયાં પહેલાં મુકાતાં હતાં તે પણ લગભગ અદ્ગશ્ય થઇ ગયા છે. સાલું, શ્રાદ્ધ પક્ષમાં પણ પૂરીને બટાકાનું શાક ખાવાનું હોય તો જીવતર ધૂળમાં પડ્યું અમારું. મારા દાદા કહેતા હતાં કે પહેલાના વખતમાં અમે કાગડાઓ શાહમૃગ જેવા મોટા હતાં. પછી દિવસે દિવસે લોકોને શ્રાદ્ધમાં શ્રધ્ધા ઓછી થતી ગઈ અને અમે શાહમૃગમાંથી આ કાગડા જેવા બની ગયા!

પણ અમારું એસોસિયેશન શ્રાદ્ધમાં કાગડાઓને નાખવામાં આવતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા બાબતે ચિંતિત છે. અને ટૂંક સમયમાં નક્કર પગલાં લેવા વિચારે છે. તમને થશે શું પગલાં લેવાશે?  જો ખાદ્યપદાર્થની ગુણવત્તા નહિ સુધરે તો જ્યાં ક્વોલીટી ખાવાનું નથી નાખતા તેવા ઘરોનો અમે બહિષ્કાર કરીશું. એમનું નાખેલું ભલે સુકાઈ જતું, કે પછી પેલી ચિબાવલી કાબરો ખાઈ જતી, પણ કાગડા એને નહિ અડે. અરે, વખત આવ્યે એ લોકોનાં ડોહા ડોહીઓને પણ વિરોધ પ્રદર્શન માટે બોલાવીશું. અને આ બધું કારગત નહિ નીવડે તો અમે ઉપવાસ કરીશું, અને એ પણ શ્રાદ્ધ પક્ષમાં. કેમ, ગભરાઈ ગયાને ઉપવાસનું નામ સાંભળી ને?

-બકા
એક સામટાં તૂટી પડશે નેતા નામે ગીધ બકા,
વિચારીને તું આંગળી એમની સામે ચીંધ બકા.


No comments:

Post a Comment